Tuesday, October 13, 2026
Home Blog Page 114

જામનગર એરફોર્સ ના હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતાં ઇમરજન્સી લેન્ડીંગ

0

જામનગર એરફોર્સ ના હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતાં લાલપુરના ગોવાણા ગામમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું

  • એરફોર્સના તંત્ર દ્વારા ખામી દૂર કરી લેવાયા બાદ હેલિકોપ્ટરે ફરી ઉડાન ભરી: લોકોના ટોળા એકઠા થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ નવેમ્બર ૨૪ જામનગર એરફોર્સ વિભાગ નું એક હેલિકોપ્ટર આજે રવિવારે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, અને હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા ગામે સીમ વિસ્તારમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

આ બનાવની જાણ થવાથી જામનગર એરફોર્સની અન્ય ટીમો દોડતી થઈ હતી, અને ટેક્નિકલ વિભાગ ની ટિમ વગેરે અન્ય હેલિકોપ્ટર તથા વાહનો મારફતે લાલપુરના ગોવાણા ગામે પહોંચી ગયા હતા, અને બનાવના સ્થળે પહોંચી જઈ સૌપ્રથમ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

ત્યારબાદ તાત્કાલિક અસરથી હેલિકોપ્ટરમાં ખામી દૂર કરી હતી, અને સાંજના સમયે હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન લાલપુર ના ગોવાણાંના ગ્રામજનો ઉપરોક્ત વિસ્તારમાં એકત્ર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી. સમગ્ર મામલામાં એરફોર્સ ની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

લાલપુરના પીપરટોડા ગામે માવતરે રોકાવા આવેલી પરણિતાનું અગ્નસ્નાન

0

લાલપુર ના પીપરટોડા ગામે માવતરે રોકાવા આવેલી પરણીતાને તેના પતિ પરત તેડવા નહીં આવતાં માઠું લાગવાથી અગ્નિ સ્નાન દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ નવેમ્બર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના પીપરટોડા માં રહેતી એક પરણીતા, કે જે આંચકીની બીમારીથી પીડાતી હતી, અને માવતરે આવ્યા પછી તેણીના પતિ પરત તેડવા નહીં આવતાં માઠું લાગવાથી અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

લાલપુરના પીપરટોડા ગામમાં ભરવાડ વાસમાં રહેતી જયશ્રીબેન વિરમભાઈ વકાતર નામની ૨૮ વર્ષની પરણીતા એ ગઈકાલે બપોરે પોતાના ઘેર પોતાની કાયા પર પેટ્રોલિયમ પદાર્થ છાંટી અગ્નિસ્તાન કરી લેતાં તેણી ગંભીર સ્વરૂપે દાઝી ગઈ હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના સંબંધી ભુલાભાઈ બાવાભાઈ રાતડીયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પ્રો. પીએસઆઇ એ. જી. જાડેજા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક જયશ્રીબેન કે જેઓ ના લગ્ન લાલપુર તાલુકાના નાંદુરી ગામે થયા હતા, અને તેઓને છેલ્લા ૫ વર્ષથી આંચકી ની બીમારી હોય તેથી પોતાના શરીરનો સમતોલ પણ જાળવી શકતા ન હતા, અને પડી જતા હતા.દરમિયાન તેઓ સાતમ આઠમના તહેવાર માં પોતાના સાસરે થી માવતરે રોકાવા માટે આવ્યા હતા, જ્યાં તેણીના પતિ પરત તેડવા માટે આવ્યા ન હોવાથી ગુમસુમ રહેતા હતા, અને તેનું મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર કુરીયરમાં દારૂ મંગાવનાર શખ્સ સામે વિશ્વાસઘાત તથા ગુન્હાહીત કાવતરાની કલમોનો ઉમેરો કરાયો

0

જામનગરમાં બે શખ્સો દ્વારા કુરિયરમાં પાર્સલ મારફતે મુંબઈ થી દારૂ મંગાવવા અંગેનું પ્રકરણ

  • પોલીસે બંને આરોપી સામે ખોટા માલ-સામાનની નીશાની ઉભી કરી વિશ્વાસઘાત તથા ગુન્હાહીત કાવતરાની કલમોનો ઉમેરો કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ નવેમ્બર ૨૪ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં દિવાળી પહેલા મુંબઈથી કુરિયર સર્વિસ મારફતે ઈંગ્લીશ દારૂ મંગાવવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું અને ૨૭ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. જે પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કુરિયર સર્વિસ ને ખોટી માહિતી આપી વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરૂં રચવા અંગેનો મામલો સામે આવ્યો હોવાથી બંને આરોપીઓ સામે જુદી જુદી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં ગત ૨૬.૧૦.૨૦૨૪ ના દિવસે હાપા વિસ્તારમાં દારુ અંગે દરોડો પાડી મુંબઈ થી કુરિયર સર્વિસ મારફતે પાર્સલમાં ગેરકાયદે રીતે ઇંગ્લીશ દારૂ મંગાવવા અંગેનું કારસ્તાન પકડી પાડ્યું હતું, અને દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ માં રહેતા હરીશ ચૌહાણ તેમજ રણજીત નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ઝાલા નામના બે શખ્સો ની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેઓ પાસેથી ૨૭ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

આ ગુન્હાની આગળની તપાસ ઉધોગનગર પોલીસ ચોકીના પી.એસ.આઈ. રવીરાજસિંહ ડી. ગોહિલ ચલાવી રહયા હતાં, અને આ પ્રકરણના આરોપીઓ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા હરીશ ચૌહાણ તથા રણજીત નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ઝાલા કે જે બંને આરોપીઓએ ગુજરાત બહારથી કુરીયર કંપની મારફતે પાર્સલ દ્વારા જે પાર્સલમા ઉપર સ્ટીકર ઇલેકટ્રીક ડીવાઇસનું હોય અને પાર્સલની અંદર ગુજરાતમા પ્રતીબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ ૨૭ જેની કુલ કિ.રૂ.૨૦,૯૦૦ ની ખોટા સરનામા આપી મંગાવ્યો હતો. આ મુદામાલ ગત તા. ૨૬.૧૦.૨૦૨૪ ના રોજ એલસીબી ની ટીમે જપ્ત કરી ઉપરોકત મુજબનો ગુન્હો દાખલ કરાવ્યો હતો.

જે ગુન્હાની ઉંડાણ પુર્વક તપાસ કરાવતાં તપાસ દરમ્યાન ઉપરોક્ત બન્ને આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરુ રચી કુરીયર કંપનીને વિશ્વાસમા લઇ ખોટા નામ-સરનામાના પાર્સલોમાં વિદેશી દારૂ જે ગુજરાતમાં પ્રતીબંધીત છે, તે મંગાવી તથા મોકલી ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલો હોવાનું સામે આવ્યું હતું. જે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉપરોક્ત ગુન્હામાં બી.એન.એસ. કલમ-૩૫૦(૧), ૩૧૬(૨), ૬૧ તથા પ્રોહીબીશન એકટ કલમ-૮૩ મુજબની કલમનો ઉમેરો કરાવવામાં આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બંને આરોપીઓ ની પોલીસ દ્વારા ધરપકડ કરીને અદાલત રજૂ કર્યા બાદ હાલ તેઓ બંને જેલવાસ ભોગવી રહ્યા છે.જે દારૂના કેસમાં નવી કલમો નો ઉમેરો થયો છે.

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની ૫૫૫મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી

0

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની ૫૫૫મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી

  • સમગ્ર ગુરુદ્વારાને ઝળહળતી રોશનીથી શણગારવા આવ્યુ હતું. પ્રભાતફેરી- સહેજ પાઠ- કીર્તન અને લંગરપ્રસાદ નું આયોજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫, નવેમ્બર ૨૪ જામનગર ખાતે ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં આજે ગુરુનાનકજીની ૫૫૫મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સેહજ પાઠ નો આરંભ કરવામાં આવ્યો હતો, જે આજે ૧૫નવેમ્બર ના દિવસે સેહજપાઠજી ની સમાપ્તિ કરવા આવી હતી.

તે પછી શબ્દ કીર્તન અને ત્યારબાદ ગુરુ કા લંગર મહા પ્રસાદ નું પણ આયોજન કરવા આવ્યુ છે. જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા.ગુરુનાનક દેવ જી ના જન્મ અવતાર માતા તૃપ્તા જી અને પિતા મેહતા કાલૂ જીના ઘરે નાનકાણા સાહેબ માં થયો હતો, જે હાલ પાકિસ્તાન માં છે ,શીખ ધર્મ ના પહેલા ગુરુ ગુરુનાનકદેવજી હતા, તેમના ત્રણ સિદ્ધાંતો હતા ‘નામ જપો; કીર્તન કરો અને વંડ છકો, અર્થાત હંમેશા ભગવાન ને યાદ કરો ,,મહેનત કરો ,,અને એક બીજા હળી-મળી ને સંપી ને લોકોની સેવા કરો,

તેમણે આખી દુનિયા નું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુર માં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ [ દેવ લોક] ગયા હતા. આજે સમગ્ર વિશ્વ ગુરુનાનક દેવજી ની ૫૫૫મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગર ના ગુરુદ્વાર માં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા, આજ રોજ ૧૦.૦૦ વાગે સેજ પાઠજી ની સમાપ્તિ કરવા આવી હતી ,તે પછી ગંગાનગર થી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપ સિંઘ જી શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ‘ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું, જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.

જામજોધપુરના શેઠવડાળાના મારામારી પ્રકરણમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાઈ

0

જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિદેવ અને પરિવાર પર હુમલાના પ્રકરણમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાઈ

  • વાહન પાર્ક કરવાના મુદ્દે મહિલા પ્રમુખના પતિ અને તેના પરિવારજનો પર હુમલો કરવા અંગે અને હડધુત કરવા અંગે ચાર સામે ફરિયાદ નોંધાવાઈ

  • સામાપક્ષે પણ હુમલા અને દુકાન વગેરેમાં તોડફોડ કરવા અંગે એક મહિલા સહિત સાત સામે વળતી ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ નવેમ્બર ૨૪, જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ના પતિદેવ અને પરિવારના અન્ય સભ્યો પર પરમદીને રાતે શેઠવડાળા ગામમાં વાહન પાર્ક કરવાના પ્રશ્ને હુમલો કરાયો હતો, જ્યાં બંને જૂથ વચ્ચે મારામારી અને હંગામો થયો હતો.જેમાં સામસામાં હુમલા થયા હતા, તેમ જ તોડફોડ પણ કરાઇ હોવાનું સામે આવ્યું હતું.

જેમાં ઇજાગ્રસ્ત મહિલા પ્રમુખના પતિ અતુલભાઈ ચંદુભાઈ રાઠોડ ઉપરાંત તેમના ભાઈઓ વગેરે ને ઇજા થવાથી સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ શેઠ વડાળાનો પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ એ દોડતો થયો હતો, અને બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

જેમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ના પરિવારના સભ્ય જીતેન્દ્રભાઈ નારણભાઈ રાઠોડે પોતાના ઉપર તેમજ અન્ય વ્યક્તિ પર હુમલો કરવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હળધુત કરવા અંગે સામા જૂથના નરેન્દ્ર સિંહ ઉર્ફે રાહુભા, પુષ્પદિપસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, તેમજ મયુરભાઈ મારુ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે ત્યારે સામા પક્ષે પુષ્પદિપસિંહ હરિશ્ચંદ્ર સિંહ જાડેજાએ પોતાના ઉપર તેમજ પોતાના કુટુંબીઓ ઉપર હુમલો કરવા અંગે તેમજ દુકાન વગેરેમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે જીતેન્દ્ર નારણભાઈ રાઠોડ તરુણ નારણભાઈ રાઠોડ, અતુલ ચંદુભાઈ રાઠોડ, બાબુભાઈ ચંદુભાઈ રાઠોડ અંકિત ચંદુભાઈ રાઠોડ નારણભાઈ ભીખાભાઈ રાઠોડ તેમજ ચંપાબેન નારણભાઈ રાઠોડ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે જામનગર ગ્રામ્ય વિસ્તારના એસટીએસસી સેલના ડીવાયએસપી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરના નાગરપરા વિસ્તાર જુગારનો દરોડો : ૬ મહિલા ઝડપાઈ

0

જામનગર શહેરમાં જુગાર અંગેના બે દરોડામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ૬ મહિલા સહિત નવ પત્તાપ્રેમીઓ પકડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ નવેમ્બર ૨૪ જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત કરી લઇ જુગારનું સાહિત્ય કબજે કર્યું છેમ

જામનગરમાં નાગરપરા વિસ્તારમાં રતન એપાર્ટમેન્ટ ની સામેની ગલીમાં જાહેરમાં કેટલીક મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમી રહી છે, તેવી બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યાંથી છ મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમતાં મળી આવી હતી.

આથી પોલીસે હંસાબેન ધનજીભાઈ પરમાર, સંતોકબેન રમેશભાઈ કછેટીયા, મંજુબેન હસમુખભાઈ ટાંક, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, પ્રતિમાબા હેમતસિંહ ચૌહાણ તેમજ મંજુબેન કિશોરભાઈ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી બે લાખ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે જુગાર અંગેનો બીજો દરોડો ગુલાબ નગર શેરી નાં ત્રણ માં આવેલા ચામુંડા કૃપા નામના મકાનમાં પાડવામાં આવ્યો હતો.

જે મકાનમાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા વનરાજસિંહ દિલૂભા જાડેજા તેમજ અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા અને હિતેશ હર્ષદભાઈ કોટેચાની અટકાયત કરી લીધી છે, જયારે અજાણ્યો શખ્સ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને પોલીસે બનાવના સ્થળે થી રોકડ રકમ અને બાઈક સહિત રૂપિયા ૨,૭૦,૦૦ ની માલમતા કબજે કરી છે.

જામનગર PGVCL કચેરી ખાતે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરી આવેદન પાઠવાયું

0

જામનગરમાં પીજીવીસીએલ ની કચેરી ખાતે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરી આવેદન પાઠવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ નવેમ્બર ૨૪ સૌરાષ્ટ્ર કચ્છના ૮૦૦ જેટલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે જામનગર પીજીવીસીએલની કચેરી ખાતે પણ કોન્ટ્રાક્ટર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, અને પોતાની વિવિધ માગણી સાથે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર પાઠવાયું છે.

જે આવેદન પત્રમાં કોન્ટ્રાકટર એસો. દ્વારા જણાવાયા અનુસાર અમારા સંગઠન ધ્વારા વર્ષ ૨૦૨ર થી સતત લેખિક તથા મૌખિક રજુઆતો કરીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની અન્ય ત્રણ ડીસ્કોમમાં જે ભાવો આપવામાં આવે છે. તેમાં ખાસ કરીને એમ. જી.વી.સી.એલ.માં અમારા કરતા ૪૦ ટકા વધારે ભાવો હોઈ, તે મુજબનો ભાવ વધારો આપવા રજુઆતી કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

ખુબ જ પ્રતિકુળ ભૌગોલિક વાતાવરણ તથા વારંવાર વાવાઝોડા તથા અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સમયે રાતદિવસ જોયા વગર કર્મયોગીઓ સાથે મળીને પાવર રીસ્ટોરેશન સમય મર્યાદામાં સુચારૂ રીતે કરી આપનાર કોન્ટ્રાકટર મિત્રોને તેમની વ્યાજબી રજુઆત છતાં ભાવ-વધારો કરી આપવામાં આવેલ ન હોઈ, સતત અમારા સંગઠનના સભ્યોમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.

જેથી તમામ કોન્ટ્રાક્ટર તા. ૧૧/૧૧/૨૦૨૪ ના સોમવાર સાંજે ૬.૦૦ વાગ્યા બાદ તમામ જાતની કામગીરી બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતરે છે અને પોતાની માંગણી સંતોષવાના સંદર્ભમાં પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે.

જામનગરના સિદી બાદશાહ સમાજનો ઝઘડો પોલીસ મથકમાં પહોંચ્યો : પરિવારના 4 સભ્યો સામે ફરિયાદ

0

જામનગરના સિદી બાદશાહ સમાજમાં ઝઘડાનો મામલો આખરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો

  • નવા પ્રમુખ દ્વારા પૂર્વ હોદ્દેદાર અને પરિવારના ૪ સભ્યો સામે ઓફિસમાં બળજબરીપૂર્વક પ્રવેશ અંગે ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ નવેમ્બર ૨૪, જામનગરમાં સીદી બાદશાહ સમાજ ના વર્તમાન પ્રમુખ અને પૂર્વ હોદ્દેદાર વચ્ચે ઝઘડો થયો હતો, અને સિદી સમાજની ઓફિસમાં ધમાલ મચાવાઇ હતી, આખરે આ મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે, અને સીદી બાદશાહ સમાજના નવા પ્રમુખ દ્વારા પૂર્વ હોદેદાર અને તેના પરિવારના સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા સિદી સમાજના વર્તમાન પ્રમુખ ઈકબાલભાઈ પીરભાઈ કોન્ટ્રાક્ટર કે જેમણે પોતાના સમાજની ઓફિસમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી તાળા વગેરે તોડી નાખી નુકસાની અને હંગામો કરવા અંગે પૂર્વ હોદેદાર એવા અખ્તર ઈસ્માઈલભાઈ વાંગીડા બાદશાહ ઉપરાંત તેના પત્ની અને તેનો પુત્ર ફરદિન અખ્તર તથા પુત્રવધુ નમીરાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતે નવનિયુક્ત સિદી સમાજના પ્રમુખ તરીકે નીમાયા છે, અને આરોપી અખ્તર સ્માઈલભાઈ પાસે સમાજની ઓફિસની ચાવી તથા હિસાબ વગેરેની માંગણી કરતાં તેણે આપ્યા ન હતા. જેથી નવી ટીમ દ્વારા સમાજની ઓફિસે તાળું મારી દેવાયું હતું, જે તાળું આરોપી અને તેના પરિવારજનો દ્વારા તોડી નાખી અંદર ગેરકાયદે પ્રવેશ કરાયો હતો, અને હંગામો મચાવાયો હતો.

આખરે આ મામલો પોલીસ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને તમામ સામે ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે પી.એસ.આઇ આર.પી.અસારી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગર એસટી વિભાગના પૂર્વ સુરક્ષા અધિકારી વિરૂદ્ધ નિવૃત PSI એ ACB માં ફરિયાદ નોંધાવતા ચકચાર

0

જામનગર ST વિભાગના પૂર્વ સિક્યુરિટી ઓફિસર કિશોર રાદડિયા વિરુદ્ધ નિવૃત્ત પીએસઆઇએ એસીબી માં ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ

  • વાહન મેમોમાં ચેડાં કરી ભષ્ટ્રાચાર આચરતો હોવાનો અરજીમાં કરાયો ઉલ્લેખ

  • દ્વારકા દર્શને આવલી રાજસ્થાન ની યાત્રાળુ બસને હેરાન પરેશાન કરી મોટી રકમની માંગણી કરી હોવાની ફરિયાદ ભાજપના આગેવાન મોતીલાલ શર્માએ ઉચ્ચ કક્ષાએ કરી

  • મદદનીશ સુરક્ષા અધિકારી કિશોર રાદડીયાની ભૂજ ખાતે બદલી કરી નાખી છે : બ્રિજરાજસિંહ જાડેજા , એસટી વિભાગીય નિયામક જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૨ નવેમ્બર ૨૪ જામનગરના એસટી વિભાગમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા વિવાદીત અધિકારી કિશોર રાદડિયા વિરુદ્ધ નિવૃત પીએસઆઇ ખુમાનસિંહ રાણાએ આધાર પુરાવા સાથે એસીબી વિભાગની વડી કચેરીમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર જાગી છે.સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર એસટી વિભાગના પૂર્વ  ડિવિઝલ સિક્યુરિટી અધિકારી કિશોર રાદડિયાએ સીઓ ચેકિંગ દરમિયાન અલગ- અલગ બે ખાનગી બસોને રોકીને પરમીટ ભંગના બે મેમા ફટકારવામાં આવ્યા હતા. બાદમાં બસ સંચાલક પાસેથી મોટી રકમ વસુલી આપેલા મેમોમાં ફેરફાર કરી હળવી કલમ હેઠળનો નવો મેમો બનાવી દંડની રકમ હળવી કરી મોટાપાયે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાની ફરીયાદ એસીબી વિભાગની વડી ફરીયાદ નોંધાવતાં ભારે ચક્ચાર જાગી છે.ખુમાનસિંહ રાણા એ પોતાની ફરિયાદમાં કિશોર રાદડીયાએ આપેલા મેંમો માં સુધારા કરી નવા મેમો બનાવી આપી સરકારમાં ભરવાની થતી દંડની ૧. ૬૫ લાખ ની જગ્યાએ ૧૦ હજાર કરી આપી હોવાના આક્ષેપ સાથે આધાર પુરાવા ACBમાં રજુ કર્યા છે. સાથે રાજસ્થાનના વતની અને ભાજપના આગેવાન મોતીલાલ શર્મા યાત્રાળુ બસ લઈ દ્વારકા દર્શને આવ્યા હતા ત્યારે કિશોર રાદડીયા એ હેરાન પરેશાન કરી મોટી રકમની માંગણી હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરી હતીહાલના વતૃળ સુત્ર માંથી એવુ પણ જાણવા મળેલ છે કે વિવાદીત અધિકાર કિશોર રાદડીયા વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છુટ્યા છે. અને તેની જામનગર થી ભૂજ બદલી કરી નાખી છે તેમજ ફરીયાદી નિવૃત્ત PSI ખુમાનસિંહ રાણા ના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું અને નજીકના દિવસોમાં કડાકા-ભડાકા ના એંધાણ વર્તાઈ રહ્યાં છે.કિશોર રાદડિયા વિરુદ્ધ નિવૃત્ત પીએસઆઇ ની ફરિયાદ ને લઇ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે

જામજોધપુરના સીદસર ઉમિયાધામમાં તાલાળા ગીરના વેપારી સાથે લગ્નના નામે છેતરપીંડી

0

જામજોધપુરના સીદસર ઉમિયાધામમાં તાલાળા ગીરના એક વેપારી યુવાન સાથે લગ્નના નામે છેતર પિંડી

  • યુવતીના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા હોવા છતાં હકીકત છુપાવી યુવતીના પિતાએ છેતરપિંડી કરી બીજા લગ્ન કરાવ્યા ની પોલીસ ફરિયાદ

  • વેપારી યુવાને પોતાની પત્નીના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હોવાના પુરાવા મેળવવા માટે અદાલતના દ્વાર ખખડાવ્યા પછી દસ્તાવેજો હાથ લાગ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ નવેમ્બર ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયાધામમાં લગ્ન કરનાર તાલાલા ગીરના એક વેપારી સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે. તેની સાથે લગ્ન કરનાર યુવતી કે જેના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા છતાં તે હકીકત છુપાવીને યુવતી ના પિતાએ બળજબરીપૂર્વક બીજા લગ્ન કરાવી લીધા હોવાથી વેપારી યુવાન દ્વારા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની યુવતી ના પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

યુવતીના અગાઉ લગ્ન અને છુટાછેડા થયા બાબતે ના દસ્તાવેજી પુરાવાઓ મેળવવા માટે વેપારી યુવાનને અનેક ધક્કા અને અરજીઓ કરવી પડી હતી, અને અદાલતના દ્વાર ખખડાવવા પડ્યા હતા. ત્યાંથી તેને દસ્તાવેજી પુરાવાઓ મળ્યા પછી આખરે આ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમળેચી ગામના વતની અને લેથ મશીન અને તેના પાર્ટ્સ બનાવવાનું કામ કરતા નીરજભાઈ ઉર્ફે લાલાભાઇ મનસુખભાઈ કમાણી નામના ૩૬ વર્ષના પટેલ વેપારી યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરવા અંગે પોતાની પત્ની ખુશ્બુ ના પિતા રાજકોટ જિલ્લાના લોધિકામાં રહેતા કાંતિલાલ કાનજીભાઈ ઘેટીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે આઇપીસી કલમ ૪૦૬ મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન નીરજભાઈ સાથે ગત ૧૯.૧.૨૦૨૧ ના દિવસે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે કે જે પટેલ જ્ઞાતિમાં રીત રિવાજ મુજબ લગ્ન કરાવી આપવામાં આવે છે, ત્યાં તેઓએ આરોપી કાંતિલાલભાઈ ઘેટીયાની પુત્રી ખુશ્બુ સાથે નોંધણી કરાવી લગ્ન કર્યા હતા.

ત્યારબાદ ખુશ્બુબેન લગ્ન કરીને નિરજભાઈ ની સાથે થોડો સમય માટે રહેવા આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ૯.૪.૨૦૨૧ ના દિવસે પોતાના ઘેરથી માવતરે ચાલ્યા ગયા હતા, ત્યારબાદ પતિ પત્ની વચ્ચે વિખવાદ ચાલતો હતો. દરમિયાન તેણી ગર્ભવતી બન્યા હતા, અને તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો. જે ક્રીષ્ટિ નામની પુત્રી હાલ ત્રણ વર્ષની છે, અને માતા ખુશ્બુબેન સાથે રહે છે.જે પુત્રીનું અને પોતાનું ભરણપોષણ મેળવવા માટે નીરજભાઈ સામે અદાલતમાં કેસ કરવામાં આવ્યા છે.

દરમિયાન નિરજભાઈને હકીકત જાણવા મળી હતી કે ખુશ્બુબેન કે જેના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા હતા, જે હક્કત છુપાવીને તેના પિતા કાંતિલાલભાઈએ પોતાની પુત્રીને બીજા લગ્ન કરી પરણાવી દીધી હતી, જે અંગેની જુદા જુદા પોલીસ સ્ટેશન મા તેમજ અદાલત સમક્ષ અરજીઓ કરી હતી, અને તેની ત્રણેક વર્ષ સુધી દોડધામ ચાલતી હતી.

દરમિયાન ભરણપોષણ ના કેસ માટેની ખુશ્બુબેન દ્વારા કરાયેલી અરજી અને સોગંદનામાં અંગે નિરજભાઈ દ્વારા તપાસણી કરાતાં અને અદાલતનો આશરો લેવાતાં તેમાં રજૂ કરેલું સોગંદનામુ કે જેમાં ઉલ્લેખ કરેલો હતો, કે પોતાના અગાઉ લગ્ન થઈ અને છૂટાછેડા પણ થયા છે. જે દસ્તાવેજી પુરાવાઓ મેળવીને નીરજભાઈએ જામજોધપુર પોલીસ મથકનો અને અદાલતના સંપર્ક સાધ્યો હતો, અને પોતાની સાથે છેતરપિંડી અંગે ખુશ્બુબેન ના પિતા કાંતિલાલભાઈ ઘેટીયા સામે સૌપ્રથમ તલાલા પોલીસ મથકમાં અરજી કરી હતી, ત્યાં પી.એસ.આઇ. જે.એન. ગઢવી દ્વારા ઝીરો નંબર થી એફઆઇઆર દાખલ કરીને આ ફરિયાદને જામજોધપુર પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી હતી જેના આધારે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

આ સમયગાળા દરમિયાન ખુશ્બુબેન અને તેના પિતા સહિતના પરિવારજનો દ્વારા વેપારી યુવાન પાસે ફરી છૂટાછેડા મેળવવા માટે મોટી રકમ અને જમીનની માંગણી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલા માં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.