Monday, October 12, 2026
Home Blog Page 106

જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરના રસ્તાઓની બિસ્માર હાલત

0

જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરના રસ્તાઓની બિસ્માર હાલત

  • બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગકારોમાં રોષ, વિદેશી મહેમાનોને શું સંદેશો?

  • આગામી દિવસોમાં યોજાનાર વર્લ્ડ એક્સપોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમારકામ કરવાની માંગ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૪ જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની બિસ્માર હાલતને કારણે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રસ્તાઓની સમારકામની બાબતમાં કોઈ પગલાં લેવામાં ન આવતા ઉદ્યોગકારો તોબા પોકારી ઉઠ્યા છે. બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગનગરના એસોસિએશન દ્વારા આ બાબતે કોઈ જ પ્રયાસ કરવામાં આવતો ન હોવાનું ઉદ્યોગકારોનું કહેવું છે. એસોસિએશન માત્ર પોતાની સિદ્ધિઓનો જ દંભ કરે છે અને ઉદ્યોગકારોની મુશ્કેલીઓ તરફ ધ્યાન આપતું નથી.આ સમગ્ર મામલે ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, શંકર ટેકરી ઉદ્યોગ નગર જામનગરનું મહત્વનું ઉદ્યોગિક કેન્દ્ર છે. અહીં અનેક પ્રકારના ઉદ્યોગો ચાલે છે અને હજારો લોકોને રોજગારી મળે છે. પરંતુ રસ્તાઓની ખરાબ હાલતને કારણે ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે અને પરિવહન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. વાહનોને નુકસાન થવાની સાથે સાથે કામદારોને પણ અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.આગામી દિવસોમાં જામનગરમાં યોજાનાર વર્લ્ડ એક્સપોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમારકામ કરવાની માંગ કરી છે. જો રસ્તાઓની હાલત સુધરશે નહીં તો વિદેશી મહેમાનો ઉદ્યોગ નગરની ખરાબ હાલત જોઈને ખૂબ જ નિરાશ થશે, અને ભારતના વિકાસના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભું થશે. ઉદ્યોગકારોએ સ્થાનિક તંત્ર, જીઆઇડીસી અને સરકારને રજૂઆત કરી છે કે, તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમારકામ કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો ઉદ્યોગકારો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જામનગર નજીક સરમત પાસે બે બસ વચ્ચે “બોલેરો જીપ ” સેન્ડવીસ : ત્રણને ઇજા

0

જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ અને બોલેરો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત : ત્રણને ઇજા

  • વહેલી સવારે ટ્રિપલ અકસ્માત ના કારણે ૪૫ મિનિટ સુધી ટ્રાફિક જામ થઈ જતાં અનેક લોકો અટવાયા: પોલીસની કવાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૪, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ તેમજ બોલેરો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જવા દેવાયા હતા.

જામનગર થી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ કે જેના ચાલકે એકાએક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે ટકરાઈ ગઈ હતી.ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતાં બોલેરોનું પડીકું વળી ગયું હતું.આ અકસ્માતને લઈને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે લક્ઝરી બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી, અને તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. જે લોકો બીજા વાહનો મારફતે પોતાના કામ ધંધા તરફ રવાના થયા હતા.આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને આશરે ૪૫ મિનિટની જહેમત લઈને ટ્રાફિક જામને હળવો કરીને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.

વહેલી સવારે મોટી ખાવડી સહિતની જુદી જુદી ખાનગી કંપનીઓમાં અથવા તો અન્ય ધંધા ના સ્થળે જઈ રહેલા લોકો ફસાયા હતા, અને થોડો સમય માટે દેકરો બોલી ગયો હતો.પરંતુ મોડેથી ધીમે ધીમે ટ્રાફિકને પૂર્વવત બનાવી દીધો હતો. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી.

જામનગરમાં આવતી કાલે ‘ખોડલ માઁ ‘ ના રથ નું સ્વાગત અને મહા આરતી

0

જામનગર આવતી કાલે ખોડલધામ દ્વારા તૈયાર કરાયેલા ખોડલ માઁ ના રથ નું સ્વાગત અને મહા આરતી બાદ વોર્ડ નાં ૧૫ માં પરિભ્રમણ કરશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૪, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંતર્ગત ખોડલ માઁ નો રથ તૈયાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે સવારે જામનગર શહેરના વોર્ડ નાં ૧૫ માં પ્રવેશ કરશે, જ્યાં ભવ્ય સ્વાગત કરીને મહા આરતી કરવામાં આવશે, ત્યારબાદ સમગ્ર વોર્ડ નંબર ૧૫માં પરીભ્રમણ કરશે. જેના માટે તૈયારી ચાલી રહી છે, અને માતાજીના ઠેર – ઠેર વધામણા કરાશે.શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત “કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ અંતર્ગત જામનગર શહેરમાં વોર્ડ નં.૧૫ માં શ્રી ખોડીયાર માતાજીની શોભાયાત્રા તથા દરેક સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ માઁ ખોડલનો રથ અને બીજો કેન્સર હોસ્પિટલની થીમ દ્વારા રથ તૈયાર કરવામાં આવ્યો છે.
જે બન્ને રથ આવતીકાલે શુક્રવાર ને તા ૨૭ ડિસેમ્બરના રોજ વોર્ડ નંબર ૧૫ ના અલગ અલગ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. અને સમગ્ર વોર્ડ નંબર ૧૫ મા માતાજીના ઠેર – ઠેર વધામણા કરાશે.

આવતીકાલે શુક્રવાર ના રોજ શહેરના રણજીત સાગર રોડ પર આવેલા યુવા પાર્ક વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિરે સવારે ૮.૩૦ વાગ્યે પ્રસ્થાન કરાશે.જેમાં વોર્ડ નંબર ૧૫ માં અલગ અલગ વિસ્તારોમાં ફરશે જેમાં ગ્રીન સિટી, રાધે પાન – રઘુવીર પાર્ક સોસાયટી, અટલ ભવન – આવાસ ,ગરબી ચોક-નીલકંઠ સોસાયટી, સરદાર ચોક – મયુર ટાઉનશીપ કોમન પ્લોટ – ખોડીયાર પાર્ક કોમન પ્લોટ – મયુર બાગ, રાધે ચોક – પંચવટી સોસાયટી,આશીર્વાદ એવન્યુ – મેઈન ગેઇટ, આશીર્વાદ -૨ મેઈન રોડ, ગોરડીયા હનુમાન મંદિર – શ્રીજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, મારુતિનંદન, મારુતિ રેસીડેન્સી, સેટેલાઈટ પાર્ક,તુલસી એવન્યુ, સહજાનંદ સોસાયટી પાર્ક, તુલસી એવન્યુ સહજાનંદ સોસાયટી ખાતે સાંજે ૭.૦૦ વાગ્યે પુર્ણાહુતી કરવામાં આવશે.

જામનગરમાં સાતનાલા રેલવે ફાટક પાસેથી ‘આફ્રિદી’ દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપાયો

0

જામનગરમાં સાતનાલા રેલવે ફાટક પાસેથી એક શખ્સ દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૪, જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે સાતનાલા રેલવે ફાટક નજીકથી દેશી હાથ બનાવટ રિવોલ્વર સાથે નીકળેલા એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાતનાલા રેલવે ફાટક વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતાં તેને અટકાવીને તેનું નામ પૂછ્યું હતું.જેમાં તેણે પોતાનું નામ આફ્રિદી કાદરભાઈ માડકીયા અને જામનગરમાં ધાચીની ખડકી વિસ્તારમાં આશિયાના એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસ દ્વારા તેની તલાસી લેવાતાં તેના કબ્જામાંથી દેશી બનાવટની એક રિવોલ્વર મળી આવી હતી.
આથી પોલીસે રૂપિયા ૫,૦૦૦ ની કિંમતની રિવોલ્વર કબજે કરી લઇ તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

જામનગર શહેર ભાજપના ૧૬ માંથી ૧૪માં નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત કરાઈ

0

જામનગર શહેર ભાજપના ૧૬ માંથી ૧૪માં નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત કરાઈ

  • સંગઠન પર્વ ૨૦૨૪- કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા અનુસાર નિમણૂક અપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ડીસેમ્બર ૨૪ ,જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગરના વિવિધ વોર્ડના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત જામનગર ભાજપ સંગઠન પર્વ ૨૦૨૪ માં કેન્દ્રીય સમિતિની માર્ગદર્શિકા અનુસાર પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખો સાથે વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયાના અંતે જામનગર મહાનગરના કુલ ૧૬ વોર્ડ પૈકી ૧૪ વોર્ડના પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે.જામનગર મહાનગરના વોર્ડ નંબર ૧થી ૧૬ ના પ્રમુખોની નિયુક્તિ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ૧૫ ને બાદ કરતાં બાકીના તમામ ૧૪ વોર્ડના પ્રમુખ ના નામની આજે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે.

જામનગર મહાનગરના વિવિધ વોર્ડ માટે નિયુક્ત કરાયેલા નવા પ્રમુખોની યાદી પ્રમાણે વોર્ડ નંબર -૧ માં અકબરભાઈ હુસેનભાઈ કકલ ની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર -૩ માં નરેશભાઈ સંજયભાઈ ગઢવી, વોર્ડ નંબર -૪ માં શૈલેન્દ્રસિંહ મજબુતસિંહ વાઢેર જ્યારે વોર્ડ નંબર પાંચ માં વિવેક હરીશભાઈ ખેતાણી નિમણુંક કરાઈ છે.આ ઉપરાંત વોર્ડ નંબર ૬ માં નરેશ ગોવિંદભાઈ ધવળ, વોર્ડ નંબર -૭ માં ભવ્યભાઈ રસિકભાઈ પાલા, વોર્ડ નંબર -૮માં દર્શિત જીતેન્દ્રભાઈ ચૌહાણ, વોર્ડ નંબર નવ માં બ્રિજેશ દિલીપભાઈ, વોર્ડ નંબર , ૧૦ માં દિનેશ ભરતભાઈ ચૌહાણણી નિયુક્તિ કરાઈ છે.આ ઉપરાંત વોર્ડ નંબર ૧૧ માં જયભાઈ વિનોદભાઈ નડીયાપરા વોર્ડ નંબર ૧૨ માં ભાવેશભાઈ શાંતિલાલ પરમાર, વોર્ડ નંબર ૧૩ માં મોહિત મુકેશભાઈ મંગી, વોર્ડ નંબર ૧૪ માં નાનજીભાઈ વશરામભાઈ નાખવા, અને વોર્ડ નંબર ૧૬ માં શૈલેષભાઈ વિનોદરાય કુબાવતની નિમણૂક કરવામાં આવી છે.આ નવા નિયુક્ત પ્રમુખોને સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પોતાના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી પક્ષને મજબૂત કરવા અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરશે, આ નિમણૂક પ્રક્રિયામાં સામેલ રહેલા તમામ પદાધિકારીઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

જામનગરમાં ગેરકાયદે શેર ડબ્બા પ્રકરણમાં બંને આરોપીઓનો નિદોર્ષ છુટકારો

0

ગેરકાયદેસર શેર બજારનો ડબ્બો ચલાવતા આરોપીઓનો નિદોર્ષ છુટકારો

  • આરોપીઓ શેરબજારના ભાવો અને કોમોડીટી ટ્રાન્સેકશનનો ગેરકાયદેસર રીતે ટ્રેડીંગ ચલાવી અને ડબ્બો ચલાવતા હતા

  • ધી-સીકયોરીટી કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ તળેની ફરીયાદમાં આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામ.સેશન્સ અદાલત

  • વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો હતો

દેશ દેવી ન્યૂઝ તા. ૨૪ ડિસેમ્બર ૨૪ આ કેશની હકિક્ત એવી છે કે, એલ.સી.બી. પોલીસ કર્મચારીઓએ બાતમી મળેલ કે, આરોપીઓ ગેરકાયદેસર રીતે કોઈ મંજુરી વગર સીક્યુરીટીઝ શેર બજારનો અને સોના ચાંદીના ભાવ ઉપર હરાજી કરી વેપાર કરે છે, અને ગ્રાહકોને સભ્ય બનાવી અલગ અલગ કંપનીના શેર ઉપર લેતી દેતી કરે છે અને સોના ચાંદીના અને કોપર ક્રૂડ જીંક નિકલ લીડ જેવી ધાતુંની લેતી દેતીના હિસાબો લઈ સોદા કરે છે અને તેના પાસે આવા ધંધા વેપાર માટેનું સરકાર શ્રી તરફથી અધિકૃત કરેલ કોઈ લાયસન્સ અને પરવાના વગર ગેરકાયદેસર ડબ્બો ચલાવે છે .તેવી બાતમીના આધારે રેઈડ કરતા બાતમી મુજબ આ સ્થળે ગેરકાયદેસર ડબ્બો ચાલતો હોય અને આ સ્થળ ઉપરથી આરોપી રજનીક પટેલ અને નીરવ તાલપરા ડબ્બો ચલાવતા મળી આવેલ હોય અને આ જે દુકાન ઉપર ડબ્બો ચલાવવામાં આવતો હતો તેના ભાડા કરાર મળી આવેલ અને ગ્રાહકોના ટુંકાના નામ કોર્ડવર્ડ વાળા હીસાબો મળી આવેલ અને તે દુકાનમાંથી ચોપડાના લખાણો, ફોન રોકડ રકમ રૂા.૧૦,૭૬૦/- અને શેરબજારનો સોના ચાંદીના વિગેરે કિંમતી ધાતુ અને કૂડ સતાનો ધંધો અનધિકૃત રીતે ચલાવતાના હીસાબો કોમ્યુટર વિગેરે મળી આવેલ અને આરોપીઓની અટક કરવામાં આવેલ અને આરોપીઓ સાથે આ ગેરકાયદેસર રીતે સીક્યોરીટી ટ્રાન્સેકશન કરતા અન્ય આરોપીઓની અટક પણ કરવામાં આવી હતી .આમ આરોપીઓ સામે ધોરણસર ગુન્હો દાખલ કરી અને ધી સીકયુરીટી કોન્ટ્રાકટ રેગ્યુરેશન એકટ તળે ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને તે ફરીયાદ ચાલી જતાં આ કામે તપાસ કરનાર તમામ એલ.સી.બી.ના કર્મચારીઓ અને પંચોની જુબાની લેવામાં આવેલ જેમાં પંચો ધ્વારા તમામ હકિકતો નામ.અદાલતમાં બોલવામાં આવેલ અને તેમને આ રેઈડ અંગે સમર્થન આપેલ અને એલ.સી.બી.ના તમામ કર્મચારીઓએ પણ આ રેઈડ અંગેની હકિક્ત લક્ષી જુબાની આપેલ, ત્યારબાદ ફરીયાદી તરફે અને સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, આ કામે પંચોએ પણ રેઈડને સમર્થન આપેલ છે અને તમામ પોલીસ કર્મચારીઓએ રેઈડ અંગેની તમામ હકિકતો જણાવેલ છે અને આ પ્રકારે જે ટ્રાન્સેકશન કરવામાં આવેલ છે

તેનાથી રેવન્યુને અને શેરબજારને મોટી નુકશાની થાય છે અને સરકાર શ્રીના રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં પણ મોટી નુકશાની થાય છે તો આ પ્રકારના આરોપીઓને પુરેપુરી સજા કરવી જોઈએ તેમ દલીલો કરવામાં આવેલ, તેની સામે આરોપી તરફે દલીલો કરવામાં આવેલ કે, જે રીતે રેઈડ કરવામાં આવેલ છે અને ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે તે હકિકતે સીકયોરીટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એકટ તળે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે, તે અન્વયે મહત્વનો પુરાવો આ કામે જે રીતે કોન્ટ્રાક્ટની બાબત આવશ્યક છે, આ કામે સમગ્ર તપાસ ધ્યાને લેવામાં આવે તો આ પ્રકારનો કોન્ટ્રાકટ સેબી સાથે થયેલ છે કે, કેમ તે બાબતનો કોઈ પુરાવો આવેલ નથી અને આ સમગ્ર તપાસ દરમ્યાન સરકાર તરફથી આ જે દુકાન ચાલતી હતી તે ક્યાંય નોંધાયેલ નથી અને આ બાબતની કોઈ ચોકકસ સંસ્થા અને સેબીના કોઈ જ પ્રકારના નિવેદનો હુકમો કે, લેટર વિગેરેની કોઈ જ કાર્યવાહીઓ થયેલ નથી, તે તમામ ધ્યાને લેતા આ બાબતે કોન્ટ્રાકટ થયેલ છે કે, કેમ ? તે બાબતનો કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, તેથી આરોપીઓને સજા થઈ શકે નહીં, અને પંચોએ જે સમર્થન આપેલ છે તે માત્ર અને માત્ર પંચોએ સમર્થન આપેલ છે તેટલા કારણોથી સજા થઈ શકે નહી, પરંતુ કાયદામાં જે પ્રસ્થાપીત કરેલ છે તે સીધ્ધાંતો મુજબ આ કામે કોઈ કોન્ટ્રાક્ટ અંગેના કરાર થયેલ છે કે, કેમ તે બાબતે કોઈ તપાસ થયેલ નથી,

તે હકિકતો ધ્યાને લઈ અને સમગ્ર તપાસ ઉપર શંકા ઉત્પન્ન થયેલ છે, અને ફોજદારી કાર્યવાહીઓના સીધ્ધાંતો મુજબ શંકા જયારે રેકર્ડ ઉપર આવેલ હોય તે સંજોગોમાં આરોપીઓને નિદોર્ષ ઠરાવવા જોઈએ જે દલીલો કરવામાં આવેલ, આમ નામ.અદાલતે તમામ દલીલો રેકર્ડ અને રજુઆતો અને જુબાની ધ્યાને લઈ અને આરોપી રજનીક પટેલ અને નિરવ તાલપરાને નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આ કેશમાં આરોપી તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીહ આ૨.ગોહીલ , રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગર : પીપરટોડા ગામે આગ લાગતા દીકરીનો કરિયાવર બળી ગયો

0

લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં પાનની દુકાન ચલાવતા વેપારી ના રહેણાંક મકાનમાં આગ લાગતાં પુત્રીના લગ્ન નો કરિયાવર સળગી ગયો

  • પુત્રી ના લગ્ન માટેનો કરિયાવર નો ૪ લાખનો ખરીદ કરેલો માલ સામાન દીવાની ઝાળના કારણે આગ લાગતા સળગી ગયો

  • જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ તથા આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ ડિસેમ્બર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં એક પાનના વેપારી ના રહેણાંક મકાનમાં આગ લાગી છે, અને તેના પર આભ તૂટી પડ્યું છે. પોતાની મહા મહેનતે એકત્ર કરેલી રકમમાંથી પુત્રીના લગ્ન માટેનો રૂપિયા ચાર લાખ જેટલો કરિયાવરનો સામાન એકત્ર કરીને એક રૂમમાં રાખ્યો હતો, જે રૂમમાં દીવાની ઝાળ ના કારણે આગ લાગતાં તમામ કરિયાવર ભસ્મિભૂત થયો હતો, તેથી ભારે નુકસાની થઈ છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ તથા આસપાસના લોકો એ એકત્ર થઈ આગને બુઝાવી હતી.

આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા તેમજ છૂટક મજૂરી કામ કરતા એદુભા દેવુભા જાડેજા નામના વેપારી કે જેઓની પુત્રી પ્રિયાબા (ઉંમર વર્ષ ૨૩) કે જેના થોડા સમય બાદ લગ્ન યોજાયા છે, જે લગ્નની તૈયારીના ભાગરૂપે લાંબા સમયથી એકત્ર કરેલી અંદર જે રૂપિયા ચારેક લાખની રકમ માંથી કરિયાવરનો સામાન એકત્ર કરીને પોતાના રૂમમાં રાખ્યો હતો.

જેનું સગપણ જામનગર તાલુકાના મોટી બાંઉગાર ગામે થયું હતું, અને ત્યાં શાસરા પક્ષમાં કરિયાવરનો સામાન મોકલવા માટેનું કહ્યું હતું, પરંતુ હાલમાં ત્યાં કલર કામ વગેરે ચાલતું હોવાથી થોડાક દિવસ પછી સામાન લઈને આવવા જણાવ્યું હતું. દરમિયાન ગઈકાલે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં દીવો કરવાની ઝાળ લાગવાથી કરિયાવર રાખેલા રૂમમાં આગ લાગી ગઈ હતી, અને તમામ સામાન સળગ્યો હતો.

જેમાં લાકડા ની સેટી, ટીપાઈ, ગાદલા, ગોદડા, ઓછાડ, કબાટ વગેરે ફર્નિચર, ૩૬ જેટલી સાડી તથા અન્ય કપડા અને ઘરવખરી નો સામાન વગેરે સળગી ઊઠ્યો હતો. આ બનાવથી ભારે દેકારો થઈ ગયો હતો, અને આસપાસના લોકો એકત્ર થયા હતા. જે લોકોએ પાણીની ડોલ વગેરે લાવીને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ને પણ જાણ કરવાથી ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને બુઝાવી હતી. પરંતુ તે પહેલા તમામ ફર્નિચર વગેરે તેમજ અન્ય સામાન બળીને ખાખ થયો હતો, જેથી રાજપૂત પરિવારમાં આગના આ બનાવને લઈને ભારે ગમગીની ફેલાઈ છે. લાલપુર પોલીસને જાણ થવાથી લાલપુર ની પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પંચનામુ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં વહેલી સવારે રહેણાંક મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં અફડા તફડી

0

જામનગરમાં ભાનુશાળી વાડમાં વહેલી સવારે રહેણાક મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં અફડા તફડી

  • આગની જવાળાઓ જોઈને આસપાસના લોકો એકત્ર થયા: ફાયરે આગને કાબુમાં લીધી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ ડીસેમ્બર ૨૪ જામનગરમાં ખંભાળિયા નાકા નજીક ભાનુશાળી વાડ શેરી નંબર -૬ માં રહેતા ગૌતમભાઈ નાથાભાઈ નામના રહેવાસી ના રહેણાક મકાનના આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો લીક થયો હતો, અને મકાનના રસોડા ના ભાગમાં આગ લાગી હતી. જે આગની જ્વાળાઓ દેખાતાં આસપાસના લોકો એકત્ર થયા હતા, અને સૌ લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ને જાણ કરવામાં આવી હતી, આથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સહી સલામત રીતે રાંધણ ગેસનો બાટલો બહાર કાઢી લઈ સંપૂર્ણપણે આગને બુજાવી દીધી હતી, જેથી આસપાસના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.

દેવાંશીએ સપના કર્યા સાકાર : જામનગરમા “જાડા”માં ATP તરીકેની નિમણૂક

0

દેવાંશીએ સપના કર્યા સાકાર : જામનગરમા “જાડા”માં ‘આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર’ તરીકેની નિમણૂક

  • દેવાંશી ભટ્ટ: ડાન્સથી ટાઉન પ્લાનર સુધીની સફર

  • જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નિમણૂક મળતાં દેવાંશી ભટ્ટનું સન્માન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪, ડિસેમ્બર ૨૪ જામનગરની દીકરી દેવાંશી ભટ્ટ એક પ્રતિભાશાળી યુવતી છે. જેણે પોતાના જીવનમાં અનેક ઉંચાઈઓ હાંસલ કરી છે. શાળાના દિવસોથી જ તેમને અભ્યાસમાં અને કળામાં ખૂબ રસ હતો. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યા બાદ તેમણે રાજકોટ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સરકારી નોકરી મેળવવાનું નક્કી કર્યું અને ગાંધીનગરમાં જીપીએસસીની તૈયારી શરૂ કરી.કઠોર મહેનત અને અથાગ પરિશ્રમ બાદ તેમણે “ટાઉન પ્લાનિંગ અને વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ” ની પરીક્ષા પાસ કરી. હાલમાં તેમને જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (જાડા)માં ‘આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર‘ તરીકે નિમણૂક મળી છે. આ નિમણૂકથી તેમના પરિવાર અને જામનગર શહેરનું ગૌરવ વધ્યું છે.

દેવાંશી ભટ્ટ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ ડાન્સમાં પણ ખૂબ નિપુણ છે. તેઓ નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ રાખતા હતા. તેમણે અનેક ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનમાં વિજેતા પણ રહી ચૂક્યા છે. તેઓ મેરેજ કોરિયોગ્રાફી પણ કરે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ વર્લ્ડ કપ ફાઇનલમાં તેમણે ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું.

દેવાંશી ભટ્ટની આ સિદ્ધિ માટે જામનગરના નવાગામ રામેશ્વર નગર બ્રહ્મસમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનોએ દેવાંશી ભટ્ટને શુભકામનાઓ પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. દેવાંશી ભટ્ટ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અથાગ મહેનત કરી છે. તેમની સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી છે.

જામનગરના દરેડમાં ૧૩ વર્ષની સગીરાનું અપહરણ

0

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ૧૩ વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણ

  • પાડોશમાં રહેતો પર પ્રાંતીય શખ્સ લગ્ન કરવાના ઇરાદા થી ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩, ડીસેમ્બર ૨૪ જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની ૧૩ વર્ષની સગીરાનું તેણીના ઘેરથી અપહરણ થઈ ગયું છે, અને નજીકમાં જ રહેતો અને મજૂરી કામ કરતો પરપ્રાંતીય શખ્સ લગ્ન કરવાના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાની પોલીસમાં જાહેરાત થઈ છે.જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક પરિવારની ૧૩ વર્ષ ની સગીરાનુ બે દિવસ પહેલા અપહરણ થઈ ગયું હતું. જેની પરિવારજનો અને પોલીસે શોધખોળ શરૂ કરતાં માલુમ પડ્યું હતું, કે તેના પાડોશમાં જ રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો વતની નાનકાભાઈ ધુલિયાભાઈ ભાભોર કે જે લગ્ન કરવાના ઇરાદે સગીરાને ઉઠાવી ગયો હોવાનું ધ્યાનમાં આવતાં સગીરાના પિતા દ્વારા જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રીનું અપહરણ કરી જવા અંગે પરપ્રાંતીય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને પંચશી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફે તેની શોધખોળ શરૂ કરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.