જામનગર : ચાર વર્ષ જૂના લાંચ પ્રકરણમાં સિક્કા નગરપાલિકાના બે કર્મચારી સામે ACBનો ગુનો

0
32384

જામનગર : ચાર વર્ષ જૂના લાંચ પ્રકરણમાં સિક્કા નગરપાલિકાના બે કર્મચારી સામે ACBનો ગુનો

  • મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી NOC આપવા રૂ. ૧,૦૦૦ની લાંચ માગ્યાનો આરોપ: નિષ્ફળ છટકા બાદ ખુલ્લી તપાસના અંતે કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦સપ્ટેમ્બર ૨૬: સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખામાં મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એન.ઓ.સી. આપવા માટે રૂ. ૧,૦૦૦ની લાંચ માગવામાં આવી હોવાના ચાર વર્ષ જૂના પ્રકરણમાં જામનગર એસીબીએ બે કર્મચારી સામે ગુનો નોંધ્યો છે. વર્ષ ૨૦૨૨માં બે વખત ગોઠવાયેલો લાંચનો છટકો નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ હાથ ધરાયેલી ખુલ્લી તપાસના અંતે તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એસીબીની વિગતો અનુસાર, સાહેદે વર્ષ ૨૦૧૮માં સિક્કા ખાતે મકાન ખરીદ્યું હતું. મકાનનો ટેક્સ ભરી દસ્તાવેજમાં પોતાનું અને પત્નીનું નામ ટ્રાન્સફર કરાવી એન.ઓ.સી. મેળવવા માટે તેમણે સિક્કા નગરપાલિકામાં કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી કરી આપવા બદલ ટેક્સ શાખાના તત્કાલીન સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અતુલકુમાર રમણીકલાલ પંડ્યા અને કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક નીલેશકુમાર ભુદરદાસ મેસવાણિયા દ્વારા રૂ. ૧,૦૦૦ની લાંચ માગવામાં આવી હોવાનો આરોપ છે.ફરિયાદના આધારે એસીબીએ તા. ૭ અને ૮ માર્ચ, ૨૦૨૨ના રોજ સિક્કા નગરપાલિકા કચેરી ખાતે છટકો ગોઠવ્યો હતો. જોકે, બંને વખત છટકો નિષ્ફળ રહેતાં લાંચની કોઈ રકમ સ્વીકારવામાં કે રિકવર કરવામાં આવી નહોતી. આથી સમગ્ર મામલે ખુલ્લી તપાસ હાથ ધરવામાં આવી હતી.ખુલ્લી તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે બંને આરોપીઓએ પોતાના અંગત લાભ માટે સરકારી હોદાનો દુરુપયોગ કરી એકબીજાને મદદરૂપ થઈ રૂ. ૧,૦૦૦નો અનુચિત લાભ મેળવવા લાંચની માગણી કરી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યાનો એસીબીનો દાવો છે. આથી બંને સામે લાંચ માગણીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી અતુલકુમાર પંડ્યા હાલ નિવૃત્ત હોવાનું જણાવાયું છે.આ ગુનો એસીબી પોલીસ સ્ટેશન, જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલે સરકાર તરફે દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.