જામનગરમાં મનપા ના સ્પોર્ટ્સ સંકુલ પાસેથી એક કિશોરને ત્રણ શખ્સો એ રોકી ઘડિયાળ લૂંટ્યાની ઘટના

0
115772

જામનગરમાં મનપા ના સ્પોર્ટ્સ સંકુલ પાસેથી એક કિશોરને ત્રણ શખ્સો એ રોકી ઘડિયાળ લૂંટ્યાનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ મે ૨૬, જામનગર શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. શહેરના સ્પોર્ટ્સ સંકુલ નજીક ત્રણ અજાણ્યા શખ્સોએ કિશોરને રોકી તેની સાથે મારકૂટ કરી ધમકી આપી ઘડિયાળ લૂંટી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ શહેરના વાલ્કેશ્વરી વિસ્તાર ખાતે રહેતા વેપારીએ સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર તેમનો સત્તર વર્ષીય પુત્ર પોતાના મિત્ર સાથે સ્કૂટર ઉપર લાલબંગલા વિસ્તારથી જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલ તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન રસ્તામાં એક્ટિવા ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કિશોરને અટકાવી સ્કૂટરની ડેકી તેમજ કપડાના ખિસ્સાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કંઈ ન મળતાં આરોપીઓએ કિશોરને બે ઝાપટા મારી તેની પાસે રહેલી ઘડિયાળ માંગતા ધમકી આપી હતી. ભયના કારણે કિશોરે પોતાની ઘડિયાળ કાઢી આપતા આરોપીઓ તે લઈ ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ પોલીસે અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.