સમગ્ર રાજ્યમાં ૧૧ માં ક્રમે ઉત્તીર્ણ થતાં જિલ્લા પોલીસવડા દ્વારા અભિનંદન પાઠવાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ મે ૨૫, જામનગરમાં એસ.પી. કચેરીમાં ફરજ બજાવતા મૂળ ગામ ચાંદલી , સિનિયર ક્લાર્ક યોગેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાના ( yp ) પુત્ર રાજવીરસિંહ જાડેજાએડિપ્લોમાંથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની લેવાયેલી એન્ટ્રન્સ ડીડીસીઇટી ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં અગિયારમા ક્રમે અને જામનગરમાં પ્રથમ ક્રમે રહી પરિવાર તથા રાજપૂત સમાજનું નામ રોશન કર્યું છે.જેની આ સિદ્ધિ બદલ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ પોતાની કચેરીમાં બોલાવી અભિનંદન પાઠવ્યા હતા, અને પ્રોત્સાહિત કર્યાં છે.
કાલાવડમાં રહેતા ભાજપનાકોર્પોરેટર ઉપર છરી વડે હુમલો કરનાર તેના બનેવી ની પોલીસ દ્વારા અટકાયત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦, મે ૨૫ જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા ભાજપના કોર્પોરેટર સદ્દામભાઈ ગફારભાઈ બારાડીનામના ૩૩ વર્ષના મેમણ વેપારી યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કાલાવડમાંજ રહેતા પોતાના બનેવી જુનેદ જીકરભાઈ રાવસામે ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આરોપી જુનેદ કે જેના લગ્ન ફરિયાદી ની બહેન રેશમાંબેન સાથે થયા હતા, અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. જે લગ્ન થોડો સમય ચાલ્યા બાદ પતિ જુનેદે મારકુટ કરી, ત્રાસ આપવાનું શરૂ કરતાં રેશમાબેન પોતાના ઘેર પરત ફરી હતી, અને કાલાવડ પોલીસ મથકમાં મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનું મન દુઃખ રાખીને આરોપીએ પોતાના સાળા ઉપર હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. જે આરોપી બનાવ બાદ ભાગી છૂટ્યો હોવાથી તેને કાલાવડ પોલીસની ટિમે તેની શોધખોળ હાથ ધરી ઝડપી પાડ્યો હતો, અને તેની પાસેથી હુમલામાં વપરાયેલી છરી કબજે કરી લેવામાં આવી છે.
ધ્રોળ તાલુકાના હરીપર ગામની ૧૮ વર્ષની અપરણિત યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવારજનોમાં ચિંતા : પોલીસ ને જાણ કરાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ મે ૨૫, જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના હરીપર ગામમાં રહેતી મંજુબેન ઉર્ફે કાજલબેન અમરાભાઇ ભુંડિયા નામની ૧૮ વર્ષની ભરવાડ જ્ઞાતિની અપરણિત યુવતી કે જે ગઈકાલે બપોરે પોતાના ઘેરથી કોઈને જાણ કર્યા વગર એકાએક લાપતા બની ગઈ હતી.પરિવારજનો દ્વારા તેણીની અનેક સ્થળે શોધખોળ કરી હતી, તેમજ સગા સંબંધી વગેરેને પૂછપરછ કરતાં તેણીનો ક્યાંય પતો સાંપડ્યો ન હતો, તેમજ તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.આથી પરિવારજનોદ્વારા ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગુમનોંધ કરાવતાં ધ્રોલ પોલીસે ગુમ થનાર યુવતીની શોધખોળ શરૂ કરી છે.
જામનગરના એક યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયા બાદ સારવાર માં મૃત્યુ નિપજતાં બનાવ હત્યા માં પલટાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ મે ૨૫, જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના ૨૧ વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે ગત ૭મી તારીખે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો, અને ત્યાં જ ફેંકી દેવાયો હતો.જે બનાવની મોડેથી ૧૦૮ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. ઉપરોક્ત યુવાન જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૨ દિવસથી સારવાર મેળવી રહ્યો હતો અને બેશુદ્ધ અવસ્થામાં હતો, દરમિયાન આજે તેની તબિયત લથડતાં મૃત્યુ નીપજયું છે, અને આ બનાવ હત્યામાં પલટાયો છે. જેથી ભારે ચકચાર મચી ગઇ છે.જી.જી. હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો હાજર હતા અને ભારે દેકારો બોલી ગયો હતો. એક તબક્કે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરતાં ભારે હલચલ મચી ગઈ હતી, વિપ્ર યુવાન વિપ્ર જ્ઞાતિ નો હોવાથી બ્રહ્મ સમાજના અન્ય અગ્રણીઓ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા છે.આ બનાવ મામલે અગાઉ મૃતક યુવાન કે જે પોતાની પ્રેમિકા ક્રિષ્નાબેન કેશવાલાસાથે લિવ એન્ડ રિલેશનશીપમાં રહેતા હતા, અને આશિષ અસ્વાર કે જેને કેટલાક લોકો ઉઠાવી ગયા હતા, અને માર મારીને ફેંકી દીધો હતો. જે બનાવ બાદ ક્રિષ્નાબેને પોતાના ફઈબા ને ટેલીફોનથી વાત કરતાં તેના ફઇબા એ જણાવ્યું હતું કે તારા પિતા અને ફુવા વગેરે આશિષ ને ઉઠાવી ગયા છે અને પોરબંદર લઈ ગયા છે. તારે જે કરવું હોય એ કરી લેજે તેમ કહ્યું હતું.જેથી ક્રિષ્નાબેન પોતાના પાડોશી સાથે સીધી સીટી સી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પ્રેમી મિત્ર આશિષ નું અપહરણ કરી જવા અંગે અને ઢોર માર મારવા અંગે પોતાના જ પિતા વિક્રમભાઈ તેમજ ફુવા રામદેવભાઈ અને ફઈબા નીરૂબેન વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે, અને સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ મે ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત ઇમારતો કે જેને સિફ સ્ટેજે લઈ જવા અથવા તો દૂર કરવા માટેની તાકીદની કાર્યવાહી ચાલી રહી છે, અને આવા તમામ જર્જરીત મકાનો વગેરેની રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, આસી. મ્યુનિ કમિંશનર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ ટીપીઓ શાખા ના ઇજનેર ઊર્મિલ દેસાઈ તેમજ અનિલ ભટ્ટની રાહબરી હેઠળ અલગ અલગ છ ટીમો બનાવી છે,અને ખાસ કરીને જૂના જામનગરના શહેરી વિસ્તારમાં તમામ ટુકડીઓને તાત્કાલિક અસરથી દોડતી કરી દેવાઇ છે.ગત વર્ષ ની સરખામણીએ ૨૦૮ જર્જરી મકાનો કે જેના માલિકો વગેરેને પોતાની મિલકતો સેઈફ સ્ટેજે લઈ જવા માટે ની સૂચના અપાઇ હતી, અને તે પૈકી કુલ ૬૧ મકાનો રિપેર કરી લેવામાં આવ્યા છે, જયારે ૧૪૭ મિલકતો હજુ જર્જરીત અવસ્થામાં છે, તે તમામ મિલકત ધારકોને સર્વે દરમિયાન ફરીથી નોટિસ પાઠવવામાં આવી છે, અને ચોમાસાની સિઝન પહેલા જ પોતાની મિલકતોને સેઇફ સ્ટેજે લઈ જવા અથવા તાત્કાલિક રીપેર કરવા અને જરૂર પડે તો તોડી પાડવા માટેની આખરી મહેતલ આપી દેવામાં આવી છે. હાલ તે સર્વે ચાલી રહ્યું છે. જેમાં આઠ નવી મિલકતો એવી જોવા મળી હતી, કે જે જર્જરિત અવસ્થામાં છે, તેના માલિકોને પણ નોટિસ પાઠવી દેવામાં આવી છે.તાજેતરમાં વોર્ડ નંબર ૧૦ માં એક મકાનની બાલકની નો હિસ્સો ખૂબ જ જર્જરીત બની ગયો હોવાથી એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઇ હતી, અને તાત્કાલિક અસરથી મુખ્ય રોડ પર નો વાહન વ્યવહાર બંધ કરી દઈ ઉપરોક્ત જર્જરીત બાલકની નો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાકીના અન્ય મકાનને સેઇફ સ્ટેજે લઈ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં જોખમી મકાનો કે જેની મરામતની કાર્યવાહી હાથ નહિ ધરી લેવાય તો જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ચોમાસા પહેલાં આવા ભયજનક મકાનોને દૂર કરી લેવા માટે ની કાર્યવાહી હાથ ધરી લેવાશે.
ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવનારા ત્રણ આરોપી પકડાયા : મુખ્ય ભેજાબાદ રાજસ્થાની શખ્સ તથા જામનગરના વિક્રેતાને ફરારી જાહેર કરાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ મ, ૨૫ જામનગર નજીક કનસુમરા વિસ્તારમાં એક ફેક્ટરી ભાડે રાખીને તેમાં ચલાવતી ડુપ્લીકેટ ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને તેમાંથી ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. જે સ્થળેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવા માટે નું સ્પીરિટ, કલર તથા અન્ય સામગ્રી ખાલી બોટલો, લેબલ, ઢાંકણા વગેરે સહિત રૂપિયા સવા આઠ લાખની માલમતા કબજે કરી છે, ઉપરાંત દારૂની ડુપ્લીકેટ દારૂ ની ફેક્ટરી ના મુખ્ય ભેજાબાજ રાજસ્થાનના એક શખ્સ તેમજ દારૂ ના વેચાણકાર જામનગરના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયા છે. આ ફેક્ટરી ૩ મહિનાથી ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ દ્વારા પ્રોહીબીશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા સૂચના અપાઈ હતી, જેથી જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા જામનગર જીલ્લા માથી પ્રોહીબીશન બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા અને તેઓની ટીમના પો.સ.ઇ.પી.એન.મોરી અને પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સમગ્ર એલસીબી ની ટિમ ને દોડતી કરાવાઇ હતી.જેઓ જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ ને ખાનગી બાતમીદારોથી હકિકત મળેલી કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા જે ત્રણેય જામનગરના શખ્સો કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી આલ્કોહોલ સ્પીરીટ/ કલર/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી,ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી,દારૂનુ વેચાણ કરવા જામનગરના દારૂના વિક્રેતા ગજેન્દ્રસિંહ જાડેજા સાથે મળી ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચલાવતા હોવાની બાતમી મળી હતી.જે બાતમી ના આધારે ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા રેઇડ કરી ત્યાંથી (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા ને પકડી પાડયા હતા.જેના કબ્જામા સ્પીરીટ, ફલેવરકલર મીશ્રણ કરી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવેલ જથ્થો, આલ્કોહોલ સ્પીરીટ, બોટલ મા લગાડવાના સ્ટીકર,કાળા કલરનુ પ્રવાહી,મોબાઇલ ફોન, ફોરવ્હીલકાર વિગેરે કબ્જે કરી લઈ ત્રણેય ઇસમો વિરૂધ્ધ દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મીની ફેક્ટરી ચલાવતા અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી ઉવ.૪૩ રહે. સેનાનગર પાછળ, જામનગર ), મહિપાલસિંહ આશીષસિંહ રાણા (ઉવ.૩૪ રહે. રામેશ્વરનગર, કિષ્નાપાર્ક, શેરી નંબર-૩,જામનગર ), અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉવ.૨૫ રહે. રામેશ્વરનગર માટેલ ચોક,જામનગર) કરી લેવામાં આવી છે જ્યારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા કિશનસીંગ શેખાવત (રહે. જયપુર રાજસ્થાન -સ્પીરીટ થી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનાર) અને ગજેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર (ઇંગ્લીશ દારૂનું વેચાણ કરનાર) ને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
એલસીબી દ્વારા ડુપ્લીકેટ દારૂ ની ફેક્ટરી માંથી થોકબંધ સાહિત્ય કબજે કરાયું
(૧) આલ્કોહોલ સ્પીરીટ થી બનાવેલ ઇગ્લીશ દારૂ બોટલ-૫૯ કિ.રૂ. ૨૯,૫૦૦,(૨) આલ્કોહોલ સ્પીરીટ ભરેલ મોટા બેરલ-૪ લીટર-૮૦૦ કિ.રૂ.૩,૨૦,૦૦૦,(૩) ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-૪૦ કિ.રૂ ૮૦૦૦, (૪) ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ-લીટર-૧૦ કિ.રૂ. ૨,૦૦૦, (૫) ફિનાઇલ બોટલ -૧૨૦૦ કિ.રૂ ૮૪,૦૦૦, (૬) કાર-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦, (૭) મોબાઇલ ફોન-૪ કિ.રૂ.૬૦૫૦૦, (૮) દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ મશીન-૨ કિ.રૂ ૧૦,૦૦૦, (૯) દારૂ મા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર-૧ કિ.રૂ ૨૦૦૦, (૧૦) ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-૧ વ્હીસ્કી,કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, ઓફિસર ચોઇસ વ્હીસ્કી, ના સ્ટીકર નંગ- ૧૦૯૨૦, (૧૧) પ્લાસ્ટીકની પાણી ની ટાંકીઓ -૨ કિ.રૂ. ૫૦૦૦, (૧૨) ઇંગ્લીશ દારૂ રાખવાના માટે ના બોકસ- ૨૨૦, (૧૩) ઇંગ્લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા-૬૬૦૦, (૧૪) ઇંગ્લીશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટીક ની ખાલી બોટલો- ૨૦૦, (૧૫) ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- ૨૫૭૫, (૧૬) ઇંગ્લીશ દારૂ ના પુઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો ની પટ્ટીઓ -૧૦૦ વગેરે મળી કુલ .રૂ ૮,૨૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.સ્પીરીટમાથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની પ્રોસીઝર ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મીની ફેક્ટરી સાથે પકડાયેલા આરોપીઓએ આલ્કોહોલ સ્પીરીટ,કેમીકલ તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના બ્રાન્ડનો ફલેવર લાવવા માટેનુ કલર પ્રવાહી,પાણીની ટાંકીઓમા મિશ્રણ/ભેળસેળ કરી,ઇંગ્લીશ દારૂ ના માર્ક -ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નં- ૧,કોન્ટેસા, વોડકા,રોયલ સ્ટગ,ઓફિસર ચોઇસ ના ડુપ્લીકેટ વ્હીસ્કીના સ્ટીકર તથા બુચો બનાવી,દારૂ પ્લાસ્ટીક ની બોટલોમા ભરી,ડુપ્લીકેટ દારૂમા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર ઉપયોગ કરી,મશીનથી બોટલો ના બુચ શીલ કરી,ડુપ્લીકેટ દારૂનુ વેચાણ કરતા હોવાનુ ખુલવા પામેલ છે.જે ત્રણેય ઇસમોની પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથી સદરહુ આલ્કોહોલ સ્પીરીટ થી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચાલુ કરલી હોવાનુ ખુલવા પામ્યુ છે. જે ઇસમો ૨૦૦ લીટર આલ્કોહોલ સ્પીરીટમા ફલેવર કલર તથા કેમીકલનુ વેચાણ કરી,અલગ અલગ બ્રાન્ડનો ૬૦૦ બોટલ આસપાસ દારૂ બનાવતા હોવાનુ ખુલવા પામ્યુ છે
જામનગરમાં એક હથિયારના લાયસન્સ ધારક નિયમોનો ભંગ કરીને સોશિયલ મીડિયામાં હથિયાર સાથે સીન સપાટા કરતાં મળી આવ્યો
એસઓજી દ્વારા લાયસન્સ વાળું હથિયાર કબજે કરી લઈ હથીયાર ધારક ના સીન વીંખી નાખ્યા : લાયસન્સ રદ કરવા કાર્યવાહી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ મે ૨૫, જામનગરના એક હથિયારના લાયસન્સ ધારક શખ્સને સોશિયલ મીડિયામાં પોતાનું લાયસન્સ વાળું હથિયાર દર્શાવી સીન સપાટા કરવા ભારે પડ્યા છે. એસ.ઓ.જી શાખા દ્વારા તેનું હથીયાર કબજે કરી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે, અને લાયસન્સ રદ કરવા માટેની પ્રક્રિયાઓ કરી લેવામાં આવી રહી છે.જામનગરની એસ.ઓ.જી.ની ટીમ દ્વારા શહેર જિલ્લાના સોશિયલ મીડિયાના એકમ પર વોચ ગોઠવીને પોતાના લાયસન્સ વાળા હથીયારના ફોટા તથા વિડીયો બનાવી સોશિયલ મિડીયાના માધ્યમથી વાયરલ કરી સમાજમા ભય ફેલાવી પોતાની ધાક જમાવવા માટે સિનેસપાટા કરતા હોય તેવા ઈસમો ને સોશિયલ મિડીયાના માધ્યમથી શોધી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર બી. એન. ચૌધરી દ્વારા સૂચના અપાઇ હતી.
જે અનુસંધાને સોશ્યલ મિડીયાની સાઈટ ઉપર ઈન્સ્ટાગ્રામ આઈ નંબર 79O પર અસરફ ખફીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો અપલોડ કરેલ હતો.જે ફોટોમાં પોતે જાહેરમા પોતાના હાથમા એક બંદુક થઈ ફાયરીંગ કરતાં હોય તેવા પોઝ મા ઉભો હોવાનુ જોવામા આવતાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક અશરફ જુમાભાઈ ખફી ને એસ.ઓ.જી. કચેરીએ બોલાવી એની પૂછપરછ કરી હતી જેમાં પોતે સીન સપાટી કરતો હોવાની કબુલાત આપી દેતાં એસ.ઓ.જી. દ્વારા તેનું રૂપિયા ૧૨,૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કરી લેવાયું છે, જયારે તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે, સાથો સાથ તેનું પાક રક્ષણ માટેનું હથીયારે કે જે નો પરવાનો રદ કરાવવા માટેની પણ પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ મે રપ, જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં રહેતા અને હોમગાર્ડ માં નોકરી કરતા રાકેશ અમૃતલાલ વારા નામના ૪૦ વર્ષના હોમગાર્ડના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના સાથી હોમગાર્ડ ના જવાન ધર્મેન્દ્રભાઈ મહેતા ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે હોમગાર્ડના અન્ય છ જવાનો મનીષ દાઉદીયા, હિરેન કુંભારાણા, ધર્મેન્દ્ર જેઠવા, જયેશ વારા, સોમીલ વારા, અને બ્રલેશ વારા સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી રાકેશ વારાઅને ધર્મેન્દ્ર મહેતા કે જેઓને પત્રકાર કોલોની સામે જજના બંગલામાં પોતાની ફરજ પર ગોઠવાયા હતા, અને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ તેઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો, જે દરમિયાન તેની સાથે જ સીટી બી. ડિવિઝન પોલીસ મથક માં હોમગાર્ડ ની ફરજ બજાવતા મનિષ દાઉદીયા સહિતના જવાનોએ ત્યાં પહોંચી જઈ બંને કર્મચારીઓ સાથે જીભા જોડી કરી હતી.હોમગાર્ડના સભ્યોની સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ક્યુ આર કોડ કે જેનાથી હાજરી પુરાવા સંબંધે વિરોધ ચાલી રહ્યો છે, તેનો ભંગ કરીને તમે બંને ફરજ પર પહોંચી ગયા, તેમ કહી તમામે હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.જે સમગ્ર મામલે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન બી.એન.એસ કલમ ૧૧૫(૨) ૩૫૨ ૩૫૧(૨) ૩૫૧(૩) ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયાને પણ સમગ્ર મામલાની જાણ થતાં આ બાબતને ગંભીર ગણીને તે અંગે આગળની જરૂરી કાર્યવાહી કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરમાં ગોવાળ મસ્જિદ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક રીક્ષા ચાલક પર છરી વડે જીવલેણ હુમલો કરાતાં ભારે દોડધામ
ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક યુવાનને લોહી નીતરતી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો: ૪૫ થી વધુ ટાંકા લેવા પડ્યા: હાલત અત્યંત નાજુક
પૂર્વ પ્રેમિકાના પતિ જોડિયા ના શખ્સ સામે હત્યા પ્રયાસ અંગે પોલીસે ગુનો નોંધ્યો : આરોપીની શોધખોળ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭, મે ૨૫ જામનગરમાં ગોવાળ મસ્જિદ વિસ્તારમાં એક રીક્ષા ચાલક યુવાન પર પ્રેમ પ્રકરણના કારણે ગઈકાલે બપોરે છરી વડે હુમલો કરી દેવાયો હતો, અને સ્કૂટર પર હેલ્મેટ પહેરીને આવેલા શખ્સે છરીના ઘા ઝીંકી દેતાં તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ૪૫ થી વધુ ટાંકા લેવા પડ્યા છે, અને તેની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે.રીક્ષા ચાલક યુવાનની પૂર્વ પ્રેમિકાના પતિ જોડીયા ના શખ્સે આ હુમલો કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતો અને રિક્ષા ચલાવતો મહમ્મદભાઈ અબ્દુલભાઈ કુરેશી નામનો ૩૫ વર્ષનો રીક્ષા ચાલક યુવાન ગઈકાલે બપોરે ગોવાળ મસ્જિદ પાસેથી પોતાની રીક્ષા લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન સ્કૂટર પર હેલ્મેટ પહેરીને આવેલા એક શખ્સે તેના ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. છાતી ના ભાગે, ગળાના ભાગે, હાથમાં, ગરદન અને માથાપર પર અલગ અલગ પાંચ જેટલા ઘા ઝીંકી દેતાં રીક્ષા ચાલક યુવાન લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો.જેને ૧૦૮ નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેને શરીરમાં છરિના પાંચ જેટલા ઘા લાગ્યા હોવાના કારણે ૪૫ થી વધુ ટાંકા લેવા પડ્યા હતા, અને હાલ તેની સધન સારવાર ચાલી રહી છે. જ્યારે તેની હાલત પણ અત્યંત નાજુક ગણાવાઇ રહી છે.સમગ્ર મામલાની જાણ થવાથી સૌપ્રથમ સિટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા પોતાની ટીમ સાથે બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, ત્યાં ઇજાગ્રસ્ત યુવાન ભાનમાં હોવાથી પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર મોહમ્મદભાઈ ખુરશી એ પોતાના ઉપર હુમલો કરવા અંગે જોડીયામાં રહેતા સલીમ યુનુસ ભાઇ કુરેશી સામે ફરિયાદ નોંધાવી હતી. જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સલીમભાઈની પત્ની કે જેની સાથે રિક્ષાવાળાને પ્રેમ સંબંધ હતો, અને તેઓ બન્ને મોબાઈલ ફોન પર વાતચીત કરતા હતા. જે અંગેની જાણકારી પતિ સલીમ ને થઈ જતાં પોતે રીક્ષા ચાલક મોહમ્મદભાઈને મારી નાખવાના ઇરાદે જોડીયા થી હેલ્મેટ પહેરીને સ્કૂટર પર જામનગર આવ્યો હતો, અને ગોવાળ મસ્જિદ પાસે મોકો ગોતીને આ હુમલો કરી દીધાનું જણાવ્યું હતું.
સૌ પ્રથમ પોતે હેલ્મેટ પહેરેલો હતો, અને તેની ઓળખ થઈ ન હતી, પરંતુ ઝપાઝપી દરમિયાન હેલ્મેટ નીકળી જતાં સલીમ કુરેસી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેની સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત હુમલાખોર આરોપી હાલ ભાગી ચૂક્યો છે, જે મામલે પોલીસે બી.એન.એસ. કલમ ૧૦૯ (૧), ૧૧૫ (૨), ૧૧૭(૧), ૩૫૨, ૩૫૧ (૩), તેમજ જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર નજીક મોમાઈ નગર વિસ્તારમાં ત્રણ મકાનો પર બુલડોઝર ફેરવાયું
નદીનો પ્રવાહ રોકાઈ જતો હોવાથી એસ્ટેટ શાખા ની ટીમે ભારે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરી ૩,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવી
દેશ દેવી ન્યુઝજામનગર તા ૧૭ મે ૨૫, જામનગરના ગાંધીનગર- મોમાઈનગર વિસ્તારમાં શાળા નંબર ૫૦ ની પાસે નદીના વહેણના નિકાલ માટેની જામનગર મહાનગરપાલિકાના ની જગ્યામાં ત્રણ આસામીઓ દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું, અને આશરે ૩,૦૦૦ ફૂટ જગ્યામાં ત્રણ મકાનો ખડકી દેવાયા હતા.છેલ્લા પાંચ વર્ષથી આ દબાણો ઊભા કરી દેવાયા હોવાનું મહાનગરપાલિકાને ધ્યાનમાં આવ્યું હતું, અને જે મકાનો ના કારણે નદીનો પ્રવાહ પણ રોકાઈ જતો હોવાની જાણકારી મળી હતી.જેથી ત્રણેય આસામીઓને મહાનગરપાલિકા દ્વારા જગ્યા ખુલી કરાવી દેવા માટેની નોટિસ પાઠવી દેવાઈ હતી. જેની આખરી નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી મુકેશભાઈ ગોસાઈ, હરેશ વાણીયા તથા નીતિનભાઈ મહેતા સહિતના અધિકારીઓની ટીમ ૫૦ જેટલા એસ્ટેટ શાખા સ્ટાફ ને સાથે રાખીને આજે વહેલી સવારે ડીમોલેશન માટે પહોંચ્યા હતા, જે સમયે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અને સીટી બી. ડિવિઝનની મોટી પોલીસ ટુકડી જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા, જેનો સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.ત્રણ જેસીબી મશીન, બ્રેકર મશીન, જનરેટર, ટ્રેકટર સહિતની તમામ સામગ્રીઓ સાથે રાખીને ડિમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું અને અંદાજે ૩,૦૦૦ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. જેથી આગામી સમયમાં ચોમાસા દરમિયાન નદીના પાણીના પ્રવાહ ને વાળવામાં પણ મુક્તિ મળશે, તેમ જાણવા મળી રહ્યું છે.