Saturday, October 10, 2026
Home Blog Page 45

જામનગરના નીલકમલ સોસાયટીમાં ચા પાણી પીવા ગયેલા યુવકને અન્યના ઝઘડામાં માર પડ્યો : માથું ફૂટી ગયું

0

જામનગરમાં નીલકમલ સોસાયટીમાં એક હોટલમાં ચા પાણી પીવા ગયેલા યુવકને અન્યના ઝઘડામાં માર પડ્યો : માથું ફૂટી ગયું

  • બે જ જૂથ વચ્ચે ચાલતા ઝઘડામાં ઇજાગ્રસ્ત યૂવન સામા સાથે જોડાયેલો છે, તેમ માનીને હોટલમાંથી તવીથો લઈ માથામાં ફટકારી દીધો :ત્રણ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮,નવેમ્બર ૨૫ જામનગર નિલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પાણી પીવા માટે ગયેલા એક યુવાનને બીજા બે જૂથના ઝઘડામાં માર ખાવાનો વારો આવ્યો છે, અને ત્રણ શખ્સોએ માથામાં તવીથો ફટકારી દઈ હીચકારો હુમલો કરી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં ખસેડાયો છે, અને માથામાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતો અને મંડપ સર્વિસ ચલાવતો શક્તિસિંહ ઉર્ફે સંજય વિભાજી જાડેજા નામનો ચોવીસ વર્ષનો યુવાન પોતાના મંડપના કામકાજને લઈને પોતાના માસીયાઈ ભાઈ જયપાલસિંહ સાથે નીલકમલ સોસાયટી વિસ્તારમાં મંડપ છોડાવવા માટે ગયો હતો, ત્યારબાદ તે વિસ્તારમાં આવેલી શક્તિ કૃપા નામની ચા ની હોટલમાં ચા પાણી પીવા માટે બંને ઊભા હતા.તે દરમિયાન હોટલ પાસે બે જૂથ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો, અને એક જૂથના મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ, અને જયપાલ વગેરે ત્રણેય ચા પીવા માટે આવેલા મંડપ સર્વિસ ના સંચાલક એવા બંને યુવાનોને પણ પોતાની સાથે ઝઘડો કરવા માટે આવ્યા છે, અને વિરોધ જૂથના સભ્યો છે તેમ માનીને તેઓ પર હુમલો કરી દીધો હતો.

આરોપીએ હોટલમાંથી તવિથો લઈ આવી અને શક્તિસિંહના માથામાં હુમલો કરી દેતાં તેના માથામાં ઊંડો ઘા થઈ ગયો હતો, અને લોહીની ધાર વહી ગઈ હતી. આ બનાવ બાદ શક્તિસિંહ ને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેના માથામાં ટાંકા લેવા પડયા છે, ઉપરાંત હેમરેજ સહિતની પણ ઈજા થઈ છે.આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝન ના પીઆઇ એન. બી. ડાભી અને તેઓની પોલીસ ટીમ ઘટના સ્થળે અને ત્યારબાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાન શક્તિસિંહ જાડેજા ની ફરિયાદ ના આધારે ત્રણ આરોપીઓ મિત સંજયભાઈ સોઇગામાં, તુષાર બારોટ, અને જયપાલ સામે હુમલા અંગે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના નીલકમલ સોસાયટીમાં કાકા ભત્રીજા દ્વારા ચલાવાઈ રહેલા ગાંજા વેચાણનો પર્દાફાશ

0

જામનગરમાં નીલકમલ સોસાયટીમાં રહેતા કાકા- ભત્રીજા દ્વારા ચલાવાઈ રહેલા નશીલા પદાર્થ ગાંજાના વેચાણના નેટવર્કને એસ.ઓ.જી શાખાએ પકડી પાડ્યું

  • પાલનપુર થી પોણા ત્રણ કિલો ગાંજા નો જથ્થો લઈને જામનગર આવી રહેલો ભત્રીજો પકડાયો : ગાંજો મંગાવનાર કાકાને ફરારી જાહેર કરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭,નવેમ્બર ૨૫ જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજા દ્વારા નશીલા પદાર્થ ગાંંજાના વેચાણનું નેટવર્ક એસ.જી શાખા ની ટુકડીએ ખુલ્લું પાડ્યું છે, અને પાલનપુર થી ગાંજાનો જથ્થો લઈને જામનગર આવી રહેલા ભત્રીજા ની એસ.ઓ.જી. શાખા ની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે ગાંજો મંગાવનાર તેના કાકાને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.જામનગરની એસ.ઓ.જી. શાખા ના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા હસમુખ પરસોત્તમભાઈ પરમાર અને તેના કાકા મનસુખ ગોરધનભાઈ પરમાર કે જે કાકા ભત્રીજાઓ દ્વારા ગાંજાના વેચાણનું નેટવર્ક ચલાવાઇ રહ્યું છે, અને પાલનપુર થી ખાનગી વાહન મારફતે ભત્રીજો હસમુખ પરમાર ગાંજો લઈને જામનગરમાં પ્રવેશી રહ્યો છે.જે બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન ગુલાબ નગર મેઇન રોડ પર એક ખાનગી વાહનમાંથી ઉતરેલા હસમુખ પરસોત્તમભાઈ પરમાર ને પોલીસે અટકાયતમાં લઈ લીધો હતો, અને તેના કબજામાં રહેલો થેલો, કે જે ચેક કરતાં તેની અંદરથી બે કિલો અને ૯૮૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ ટિમ દ્વારા ઉપરોક્ત આરોપીની અટક કરી લઈ તેની સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, અને રૂપિયા ૨૯,૮૮૦ની કિંમત નો ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૩૪,૮૮૦ ની માલમતા કબજે કરી લેવામાં આવી છે. જ્યારે ઉપરોક્ત નશીલા પદાર્થનો જથ્થો મંગાવનાર તેના કાકા મનસુખ પરમાર ને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં મહિલા વેપારીની દુકાનમાં બે શખ્સનો હંગામો

0

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેઇડ કાપડ ની વેપારી મહિલાની દુકાનમાં બે શખ્સો નો હંગામો મહિલાને મારકૂટની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ નવેમ્બર ૨૫, જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરીયા કોમ્પલેક્ષમાં રેડીમેઇડ કાપડની દુકાન ચલાવતી પિન્કીબેન અવિનાશભાઈ સરકાર નામની બંગાળી વેપારી યુવતીએ પોતાની દુકાનમાં હંગામો મચાવી તોડફોડ કરવાની કોશિશ કરવા અંગે તેમજ સાથી મહિલા કર્મચારી ઉપર હુમલો કરવા અંગે દિવ્યરાજસિંહ તથા મોસીન નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી મહિલાની દુકાન પાસે ઊભા રહીને બંને આરોપીઓ અપશબ્દો ઉચ્ચારતા હતા, જેથી બંનેને અટકાવવા જતાં બંને આરોપીઓ દુકાનમાં ધસી આવ્યા હતા, અને વેપારી મહિલા સાથે જીભાજોડી કરી હતી. જે દરમિયાન પોતાના પાસે રહેલો લાકડાનો ધોકો કે જેના વડે દુકાનનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન દુકાનમાં કામ કરતાં દર્ષાબેન નામના મહિલા વચ્ચે આવી જતાં તેના ઉપર હુમલો કરી દેવાયો હતો, અને ધાક ધમકી અપાઇ હતી. જેથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગર મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડીમાં સાંસ્કૃતીક હોલનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરાયું

0

જામનગર મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડીમાં સાંસ્કૃતિક હોલનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરાયું

  • મોઢ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા હંમેશા સેવાકીય કાર્યો કરાય છે જેનો હું સાક્ષી છું : દિવ્યેશ અકબરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૫ નવેમ્બર ૨૫ જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતી અને તેના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા હંમેશા જ્ઞાતી અને આ વિસ્તારના લોકો માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેનો હું સાક્ષી છું, ભુતકાળમાં જયારે આ વાડીમાં કઇં ન હતું ત્યારે ધીરે ધીરે જ્ઞાતીજનો દ્વારા સગવડતા વધારવામાં આવી અને ખાસ કરીને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રોજેકટ મુર્તીમંત કરીને ફકત જ્ઞાતીની વાડીનો જ નહીં, આ વિસ્તારમાં લોકોની સુવિધા માટે પણ સતત રજુઆત કરી છે, જેની અમે નોંધ લઇને આગામી દિવસોમાં રિલાયન્સ પમ્પના ઢાળીયાથી જ્ઞાતીની વાડીની આગળના ભાગ સુધી ૮૫ લાખના ખર્ચે સીસી રોડ મંજુર કર્યો છે, અમે સૌ પદાધીકારીઓએ અલગ અલગ અનુદાનમાંથી આ રકમ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં વાડીની મઘ્યમાં આવેલ હોલમાં એસી હોલ બનાવવા માટે ૫ લાખનું ફરીથી હું અનુદાન આપુ છું તેમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સાંસ્કૃતીક હોલના લોકાર્પણ વિધિમાં જણાવ્યુ હતું.વિશેષમાં ધારાસભ્ય જણાવ્યું હતું કે આપ સૌવ ના આશીર્વાદથી હું કુપોષીત બાળકોને દતક લઉં છું, બ્લડ ડોનેશન તેમજ દિવાળીના દિવસોમાં ગરીબ વિસ્તારોમાં મિઠાઇ અને ફટાકડા પણ વેચુ છું, ત્યારે આપ સૌના આશીર્વાદ છે કે તમે એવી પ્રાર્થના કરો કે આગામી દિવસોમાં હું વધુ સેવાકીય કામ કરીશ, કાર્યક્રમમાં સન્માનના પ્રત્યુતરમાં ડે. મેયરે જણાવ્યુ હતું કે મેં મારા વોર્ડમાં સાંસ્કૃતીક હોલ માટે ૧૦ લાખની રકમ ફાળવી હતી ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ પણ ૫ લાખની રકમ ફાળવી હતી જેને લીધે આ સરસ હોલ તૈયાર થયો છે અને હું મારા સન્માન બદલ તમામ જ્ઞાતીજનોનો આભાર માનુ છું.ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યુ હતું કે સેવાકીય પ્રોજેકટમાં જ્ઞાતીજનો આવતા હોય છે, ખાસ કરીને આ પ્રોજેકટના ડાયરેકટર અવાર નવાર રજુઆત કરે છે અને જ્ઞાતી માટે સારા પ્રયાસ કરે છે, ભવિષ્યમાં પણ તેઓ સર્વાંગી વિકાસ થાય અને જ્ઞાતી અગ્રેસર થાય તેવા પ્રોજેકટ કરશે અમારા તરફથી પણ અમે સારા કામોમાં ચોકકસ મદદ કરીશું, ભાજપના પુર્વ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાએ યુવા સોશ્યલ ગ્રુપની કામગીરીને બિરદાવીને જણાવ્યુ હતું કે, પત્રકાર અને પ્રોજેકટ ડાયરેકટર અમારા મિત્ર છે અને તેઓ જ્ઞાતીની સેવા માટે કામ કરે છે તેનું અમને પણ ગર્વ છે, ભવિષ્યમાં પણ તેઓ સારા કામ કરે તેવી અમારી શુભેચ્છા છે, આ કાર્યક્રમમાં યુવા સોશ્યલ ગ્રુપના તમામ સભ્યોએ તલવાર અર્પણ કરી, સાલ ઓઢાડી ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાનું મહિલા પાંખના સભ્યોએ લવાર અને સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતીના ટ્રસ્ટી અને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદીએ કર્યુ હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ચેતનભાઇ ત્રિવેદી, પ્રીતીબેન ત્રિવેદી તથા અભ્યુદય મંડળ, યુવા સોશ્યલ ગ્રુપ જામનગર અને મહિલા પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

બિહાર ચૂંટણી ની જીત ની જામનગર માં ભાજપ દ્વારા ફટાકડા ફોડી ને ઉજવણી કરાઈ

0

બિહાર ચૂંટણી ની જીત ની જામનગર માં ભાજપ દ્વારા ફટાકડા ફોડી ને ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪, નવેમ્બર ૨૫ બિહાર વિધાનસભા ની ચૂંટણ ચૂંટણી માં એનડીએ ને સ્પષ્ટ બહુમતી મળી છે. આથી આ બમ્પ પર જીતની ભાજપ દ્વારા થયેલ ઉજવણી કરવામાં આવી રહી છે જામનગરમાં પણ ભાજપના આગેવાનોએ એક મેક ના મોઢા મીઠા કરાવીને તેમજ ફટાકડા ફોડીને આ જીત ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં મેયર વિનોદ ખીમસુરીયા , ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા , શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા.,સ્ટેન્ડિંગ કમિટી.ના ચેરમેન નિલેશ કગથરા , ભાજપ ના કોર્પોરેટરો આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર માહિતી વિભાગ અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

0

જામનગર માહિતી વિભાગ અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

  • જામનગર રેડક્રોસ સોસાયટી ખાતે પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ લાભ લીધો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ નવેમ્બર, ૨૫ જામનગર જિલ્લાના પત્રકારો માટે માહિતી વિભાગ અને ગુજરાત રેડક્રોસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન નેશનલ હાઈસ્કૂલ, રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઇલ, કીડની, થાઇરોઇડ, બી-૧૨ અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સ રે, ઇસીજી વગેરે ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પનો ૪૪ પત્રકારોએ લાભ લીધો હતો.નિદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. જેમાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો.અવિનાશ ભટ્ટ, જામનગર જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક રજાક ડેલા, રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દીપા સોની, પત્રકાર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાવલ , સિનીયર પત્રકાર સંજયભાઈ જાની ,સમીર ગડકરી ,હિરેન ત્રિવેદી , મુબારક મંધવા ,પ્રદ્યુમનસિંહ જાડેજા ,ઉપેન્દ્ર ગોહિલ ,રાજેશ ધ્રુવ , પી.પી પરમાર, ઈસ્માઈલ શેખ તેમજ રેડક્રોસ સોસાયટીના સભ્યો, જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીશ્રીઓ, પત્રકારશ્રીઓ, ગુજરાત રેડક્રોસ સોસાયટીની ટીમ વગેરે સહભાગી થયા હતા.

જામનગર કાલાવડ તાલુકાના ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગ ના છ સભ્યો પકડાયા

0

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગ ના છ સભ્યો પકડાયા : મીતાણા ની ચોરી કર્યાની પણ કબુલાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪નવેમ્બર રપ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા માંથી તાજેતરમાં થયેલા કેબલ ની ચોરી નો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે તસ્કર ગેંગના ૬ સભ્યોની અટકાયત કરી લીધી છે. જેણે મીતાણા ની પણ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ માંથી કેબલની ચોરી થઈ હતી, જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસના આધારે કેબલ ચોરી કરનાર ગેંગના છ સભ્ય ઉમેશ માધુભાઈ સોલંકી કુવાડવા રોડ રાજકોટ, રવિ ઇશ્વરભાઇ ધધાણીયા- પ્રદ્યુમનનગર રાજકોટ, આલીશા જુસબશા શેખ અંજાર કચ્છ, રહીમશા જુસબશા શેખ અંજાર કચ્છ, બિલાલ ઉર્ફે મોસીન હિંગોરજા, તેમજ બુધનશા ઉર્ફે બાવલો મામદશા ફકીર પાસેથી વાયર કટીંગ કરવાના કટર સહિતના હથિયારો કબજે કર્યા છે. જેઓ દ્વારા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામમાં આવેલી પવન ચક્કીમાંથી પણ કેબલની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.ઉપરોક્ત તમામ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ છે, અને તમામ આરોપીઓ અલગ-અલગ ચોરીના ગુન્હામાં અગાઉ પકડાઈ ચૂક્યા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ તમામની ઊંડાણપૂર્વકની પૂછપરછ ચલાવી રહી છે.

જામજોધપુરના ગઢકડા ગામે બકરીને ચારો આપતી વેળાએ મહિલાને ઝેરી જાનવર કરડી જતા મોત

0

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતી એક મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪,નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ગઢકડા ગામમાં રહેતી રહેમતબેન ઈરફાનભાઇ નામની ૪૩ વર્ષની સંધિ જ્ઞાતિની મહિલા ગઈકાલે બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી તેમની બકરીઓને ઘાસ ચારો દેવા માટે પોતાની વાડીના શેઢે ગઈ હતી. જે દરમિયાન તેણીને કોઈ ઝેરી જાનવર કરડી જતાં વિપરિત અસર થઈ હતી, અને બેશુદ્ધ બની હતી.જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઝેરી અસર થવાના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, આ બનાવ અંગે મૃતકના પતિ ઈરફાનભાઇ ઉમરભાઈ સંધિએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને રહેમતબેન ના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં બોગસ પિતા , પુત્રીના જાસામાં ફસાઈ રાજકોટના સોની વેપારીએ ૧૮ લાખ ગુમાવ્યા

0

રાજકોટના એક સોની વેપારીએ જામનગરની એક યુવતી અને રાજકોટના એક શખ્સના જાસામાં ફસાઈ જતાં ૧૮ લાખ ગુમાવવાનો વારો આવ્યો

  • પિતા-પુત્રી તરીકેની ખોટી ઓળખ આપી બંને શખ્સોએ જામનગરમાં ખાનગી ફાઈનાન્સ કંપની માંથી ગોલ્ડ છોડાવવા ના બહાને નાણાં પડાવી લીધા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩, નવેમ્બર ૨૫ જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાજકોટના એક શખ્સ સાથે મળીને પિતા-પુત્રી તરીકેની પોતાની ખોટી ઓળખ બતાવી રાજકોટના એક સોની વેપારીને છેતરી લીધા હતા. પોતાનું ફાઈનાન્સ કંપનીમાં ગોલ્ડ ફસાયેલું છે, તે છોડાવવા માટે ૧૮ લાખ જેવી માતબર રકમ બેંક ખાતામાં જમા કરાવી લીધા બાદ સોનું નહીં આપી રફુચક્કર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં નીલકંઠ પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતા અને રાજકોટમાં સોના ચાંદીનો શોરૂમ ધરાવતા સાહિલ પરેશભાઈ પાલા નામના સોની વેપારીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને પોતાની સાથે રાજકોટના આલાભાઇ નકુભા ઝડફવા નામના ગઢવી શખ્સ અને જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી સેજલબેન સંજયભાઈ રાયચુરા સામે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી લઈ રૂપિયા ૧૮,૦૬,૦૦૦ ની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રાજકોટના આલાભાઇ ગઢવી, કે જેઓએ રાજકોટના સોની વેપારીઓનો સંપર્ક કર્યો હતો, અને પોતાની પુત્રી સેજલબેન સંજયભાઈ રાયચુરા કે જે જામનગરમાં રહે છે, તેવી ખોટી ઓળખ આપી હતી. પરંતુ તે તેની પુત્રી થતી ન હતી. છતાં ખોટી ઓળખ આપીને બંનેએ સોની વેપારી પાસે ૧૮ લાખની રકમ માગી હતી. સેજલબેન ની લાલ બંગલા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં ૨૭ તોલા સોનું પડેલું છે, જે ૧૮ લાખ રૂપિયા ભરીને છોડાવવાનું થાય છે, તેવું પ્રલોભન આપીને સોની વેપારીને જામનગર બોલાવી લીધા હતા, અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી બેંકના ખાતામાં તે રકમ સોની વેપારી મારફતે જમા કરાવી લીધી હતી.તે રકમ જમા કરાવ્યા બાદ પોતે લાલ બંગલા ની બ્રાંચમાંથી સોનુ છોડાવીને આપી જાય છે, તેમ કહી લાલ બંગલા વિસ્તારમાં તમામ લોકો આવ્યા હતા, ત્યારે સોની વેપારી ને પોતાની કાર માં બેસાડી રાખ્યા હતા, અને સૌ પ્રથમ સેજલબેન રફુ ચક્કર થઈ ગઈ હતી, અને ત્યારબાદ આલાભાઇ ગઢવી પણ ત્યાંથી સોની વેપારીને છેતરીને નાસી જતાં આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વિશ્વાસ અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ વી. એ. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરના ધ્રોલ નજીક બોલેરો પીકઅપ નડ્યો અકસ્માત : આઠ મજૂરો ઇજાગ્રસ્ત

0

ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માત : ૮ મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવારમાં ખસેડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ નવેમ્બર ૨૫, જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક સોયેલ ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક બોલેરો પીકઅપ વેન ને અકસ્માત નડ્યો હતો. બોલેરો પીકપ વેન નું ટાયર ફાટી જતાં પલ્ટી મારી ગયું હતું. જેથી તેમાં બેઠેલા આઠ જેટલા શ્રમિકો ઇજાગ્રત બન્યા છે, અને તમામને ધ્રોળની સરકારી હોસ્પિટલના સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતના બનાવ બાદ ધ્રોળનો પોલીસ કાફલો દોડતો થયો છે.

જામનગર- ધ્રોલ હાઈવે પર આવેલ સોયલ ટોલનાકા નજીક આજે સવારે અકસ્માત સર્જાયો હતો. ધ્રોલ પંથકમાંથી મજુરોને લઈને જઈ રહલા બોલેરો પીકઅપવાનનું ટાયર ફાટી જતાં અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન પિકઅપવાનમાં સવાર ૮ જેટલા મજુરોને નાની મોટી ઈજા થઈ હતી. જેને લઇને લોકોના ટોળા એકઠા થયા હતા. લ દરમિયાન સ્થાનિકો દ્વારા ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સને જાણ કરતાં તેનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને તમામ ઇજાગ્રસ્તોને ધ્રોળ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

કેટલાક ઇજાગ્રસ્ત ને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પણ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલના એએસઆઈ જે કે દલસાણીયા બનાવના સ્થળે, અને સરકારી હોસ્પિટલમાં દોડી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.