Saturday, October 10, 2026
Home Blog Page 38

જામનગર મહાનગર પાલિકાને “પીએમ સ્વનિધિ યોજના” માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દ્વિતીય એવોર્ડ એનાયત

જામનગર મહાનગર પાલિકાને “પીએમ સ્વનિધિ યોજના” માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમાંકનો એવોર્ડ એનાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮,જાન્યુઆરી ૨૬ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે “સ્વનિધિ સમારોહ-૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી “પીએમ સ્વનિધિ યોજના” ના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યની મેજર સીટીઝ ની કેટેગરીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે.ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલ આ ગૌરવવંતા કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા વતી આસિસ્ટન્ટ કમિશ્નર (વહીવટ)  મુકેશ વરણવા એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત જામનગરના નાના અને ફેરિયા વ્યવસાયકારોને લોન સહાય પૂરી પાડવા અને તેમના આર્થિક ઉત્થાન માટે જામનગર મહાનગરપાલિકાએ સરાહનીય કામગીરી કરી છે, જેની નોંધ રાજ્ય સ્તરે લેવામાં આવી છે. આ સિદ્ધિ બદલ મ્યુનિસિપલ કમિશનર અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

જામનગરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વીબી-જી રામ -જી અધિનિયમ , ૨૦૨૫ અંગે પત્રકાર પરિષદ યોજાઈ

0

વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વીબી-જી રામ -જી અધિનિયમ , ૨૦૨૫ અંગે ભાજપ ની જામનગરમાં પત્રકાર પરિષદ યોજાઈ

  • સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, તેમજ શહેર અધ્યક્ષ બિનાબેન કોઠેરીએ સંબોધન કર્યુ

  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના દરેક નિર્ણયમાં લોકહિત કેન્દ્રસ્થાને : વીબી-જી રામ – જી લોકોને વધુ રોજગારી , વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે

  • કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો, કોંગ્રેસને રામનું નામ,ગામમાં થતો વિકાસ અને છેવાડાના માનવીનેકામ મળે તે ગમતું નથી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮,જાન્યુઆરી ૨૬ જામનગર – દેવ ભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, ભાજપ જામનગર જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, જામનગર શહેર અધ્યક્ષ બિનાબેન કોઠેરી એ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) વીબી-જી રામ – જી અધિનિયમ, ૨૦૨૫ અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.સાંસદ પૂનમબેન માડમ એ પ્રેસવાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગત ૧૧ વર્ષ ના કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણયમાં લોકહિત કેન્દ્ર સ્થાને રહ્યુ છે. જેના પરિણામે દેશના વિકાસને નવી ગતિ, નવી દિશા મળી છે. સમાજના છેવાડાના, વંચિત, ગરિબ તેમજ નાના મા નાના વ્યક્તિને વિકાસની મુખ્યધારામાં લાવવાનું કામ થયું છે. શ્રી મોદીજી એ આવાસ, આરોગ્ય, આહાર, આજીવીકા માટેની વિવિધ યોજનાઓ દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે. આ વિવિધ યોજનાઓ થકી છેલ્લા એક દાયકામાં દેશમાં ૨૫ કરોડથી વધુ ગરીબો ગરીબીરેખાથી બહાર આવ્યા છે. ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વીબી-જી રામ – જી યોજના લઇને આવ્યા છે. આ યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજનામાં ૧૦૦ દિવસ કામ મળતુ હતુ હવે શ્રી મોદીજી ના નેતૃત્વમાં બનેલી વીબી-જી રામ – જી યોજનામાં ૧૨૫ દિવસ કામ ની ગેરેંટી મળશે. આમા કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયુ છે. વાવણી અને કાપણીની મોસમમાં ૬૦ દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઇ કરવામાં આવી છે જેથી ખેતીની સિઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે. વીબી-જી રામ – જી માં ૧૨૫ દિવસ અને ૬૦ દિવસ ખેતીની સિઝનમાં એમ કુલ ૧૮૫ દિવસ રોજગારી મળી શકશે. આ યોજનાન માં કેન્દ્ર સરકાર થી ગ્રામ પંચાયત સુધી વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે. જેનાથી આપણે સંતુલિત વિકાસની દિશામાં વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું.વિકસીત ભારત જી રામજીમાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ રાખવામાં આવ્યું છે. યોજનાના સુચારુ અમલ માટે ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ સાથે બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન, જીયોટેગીંગ અને રિયલ ટાઇમ ડેશબોર્ડ દ્વારા પારદર્શિતા સુનિશ્ચિત થશે. વેતનની ચૂંકવણી પણ સમયસર થાય તે માટે વિલંબ માટે વળતરની પણ જોગવાઇ છે.
વિકસીત ભારત જી રામ જી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામ જી યોજના ગરિબોનું સન્માન કરીને ગ્રામિણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન હર હાથ કો કામ, હર કામ કા સન્માન ને સાકાર કરવામાં ગામાડા અને ગરિબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતાઇ આપશે. દેશની આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭ માં પ્રત્યેક ક્ષેત્રમાં વિશ્વસ્તરે ભારતની અગ્રેસરતા સાથેના વિકસિત ભારતના નિર્માણના વિઝન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નિર્ણાયકતા અને દૂરંદેશીતા સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે.
વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) વીબી-જી રામ – જી
અધિનિયમ , ૨૦૨૫ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ હેઠળની દેશ ની કેન્દ્ર સરકારનું આ જ દિશામાં એક અતિમહત્વપૂર્ણ પગલું છે. આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે.

મનરેગા ૨૦૦૫ માં શરૂ થઈ હતી, પરંતુ ત્યાર થી આજનું ગ્રામીણ ભારત ઘણું બદલાઈ ચૂક્યું છે. ગ્રામીણ ગરીબી ૨૯૧૧-૧૨માં ૨૫.૭. ટકા હતી, જે ૨૦૨૩-૨૪ માં ઘટીને ૪.૮૬ ટકા થઈ છે. સુવિધાઓ સુધરી છે. અને આજીવિકાના સાધનો વિસ્તર્યા છે. તેથી ૨૦૦૫ ની પરિસ્થિતિ મુજબ બનાવેલ યોજના આજના સમયની ગ્રામીણ અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા, આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે. મનરેગા માટી કામ, તળાવનું કામ કે રોડ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતી મર્યાદિત હતી જ્યારે
વીબી-જી રામ – જી નો ઉદ્દેશ્ય માત્ર મજૂરી કામ થકી વેતન આપવાનો નહિ પણ કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા, ગ્રામ્ય એમએસએમઇ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગસાહસિક તરીકે તૈયાર કરવાનો છે. મનરેગામાં ૧૦૦ દિવસ કામની ગેરેંટી હતી જ્યારે વીબી-જી રામ – જી માં ૧૨૫ દિવસના કામની ગેરંટી આપવામાં આવી છે. મનરેગામાં ૧૫ દિવસે વેતન ચૂકવવામાં આવતું હતું જ્યારે વીબી-જી રામ – જી માં સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વીબી-જી રામ – જી માં રિયલ-ટાઈમ ડેટા અપલોડ, જીપીએસ અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક અને એ આઈ ના ઉપયોગથી પારદર્શીતા વધવાથી નકલી જોબકાર્ડ થી ફરજી લાભાર્થીઓ લાભ નહિ લઈ શકે, મનરેગામાં થતો ભ્રષ્ટાચાર અટકશે.

કોંગ્રેસ ના નેતા પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી કહેતા કે તેઓ એક રૂપિયો મોકલે તો જનતા સુધી માત્ર ૧૫ પૈસા પહોંચતા હતા વચેટીયાઓ જનતાના પૈસા ખાઇ જતા હતા. આજે મોદી સરકારમાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર ના માધ્યમથી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સહાય સીધી પહોંચે છે.કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશની અંદાજે ૬૦૦ સંસ્થાઓ, યોજનાઓ અને પુરસ્કારો ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા. ૧૯૮૦ માં ઇન્દિરા ગાંધીજી એ બધી રોજગાર યોજનાઓને ભેગી કરીને રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજના નામ આપ્યું. બાદમાં રાજીવ ગાંધીએ તેનું નામ બદલીને જવાહર રોજગાર યોજના કર્યુ. ૨૦૦૪ માં યુપીએ સરકારે તેનું નામ બદલીને નરેગા કર્યું, અને ત્યારબાદ ૨૦૦૫ માં તેને ફરીથી બદલીને મનરેગા કરવામાં આવ્યું. તો જ્યારે કોંગ્રેસ સરકારે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્યું, ત્યારે શું તે પંડિત જવાહરલાલ નહેરુ નું અપમાન હતું ? મૃત્યુ સમયે પણ મહાત્મા ગાંધીજીના મુખે ભગવાન શ્રી રામનું નામ હતું, તેમના મુખેથી છેલ્લો ઉચ્ચારાયેલો શબ્દ હે રામ! હતો. રામનું નામ લેવામાં કોંગ્રેસને હમેંશા સંકોચ અને સમસ્યા રહી છે. રામના નામથી આજની કોંગ્રેસ અને તેમના વડવાઓને તકલીફ છે. તે સમજાતું નથી કે શ્રી રામનો જન્મ ભારતમાં થયો હતો આ દેશ સનાતન ધર્મમાં માનનારો દેશ છે છતા કોંગ્રેસને રામ નામથી શું વાંધો છે? કોંગ્રેસને ગામનો વિકાસ થાય તો તેમા પણ વાંધો છે. ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તેમા પણ કોંગ્રેસને વાંધો છે એટલે કે ટુંકમાં કહીએ તો કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો છે. કોંગ્રેસે ક્યારેય આઝાદીના ૬૪ વર્ષમાં ગામડાનો વિકાસ અને રોજગારી મળી રહે તે દિશામાં વિચાર્યુ નથી.

કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેકટરી રહી છે,કોંગ્રેસ ભ્રષ્ટાચારને બચાવવાનું આંદોલન કરી રહી છે. સંસદમાં જ્યારે વીબી-જી રામ – જી પર ચર્ચા થઇ રહી હતી ત્યારે રાહુલ ગાંધી ક્યા હતા ? ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન મનરેગામાં રૂ.૨.૫ લાખ કરોડ રૂપિયા વપરાયા જ્યારે ૨૦૧૪ થી ૨૦૨૪ દરમિયાન મોદીજીના સાશનમાં મનરેગામાં અંદાજે ૮.,૫ લાખ કરોડ રૂપિયા વપરાયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હમેંશા લોકશાહી માટે મહત્વપુર્ણ સંસ્થાનો અને યોજનાઓને જનસેવા સાથે જોડવાની પરંપરા સ્થાપી છે. ઉદાહરણ તરીકે રાજભવનનું નામ લોકભવન, રાજપથનું કર્તવ્ય પથ, રેસકોર્ષ રોડનું લોકકલ્યાણ માર્ગ, પ્રધાનમંત્રી કાર્યાલયનું સેવાતીર્થ કરવામાં આવ્યું છે.

આ પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમ, ભારતીય જનતા પાર્ટી, જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય્ મેધજીભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રોલના નથુવડલા ગામે પત્નિના વિયોગમાં પતિનો આપધાત

0

ધ્રોળ તાલુકાના નથુ વડલા ગામમાં રહેતા શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭, જાન્યુઆરી ૨૬ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા શ્રમિક યુવાને પોતાની પત્ની રિસાઈને ચાલી ગઈ હોવાથી તેના વિયોગમાં ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુ વડલા ગામમાં રહેતા ખેડૂત બલવીરસિંહ સજ્જનસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગૌતમ દિનેશભાઈ વસાનીયા નામના ૨૫ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની વાડીની ઓરડીમાં લોખંડના પાઇપ માં ચુંદડી બાંધી ગળાફાંસ દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની પત્ની મમતાબેન ગૌતમભાઈ આદિવાસીએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા બનાવ ન સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનની પત્ની રિસાઈને તેની બહેનના ઘરે ચાલી ગઈ હોવાથી મૃતક યુવાનને મનમાં લાગી આવતાં પત્નીના યોગમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

જામનગર : લાલપુર પાસે ત્રણ માનવ જિંદગીનો ભોગ લેનાર બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો

0

લાલપુર નજીક સણોસરા ગામ પાસે ત્રણ માનવ જિંદગીનો ભોગ લેનાર બોલેરો ચાલક સામે લાલપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો: આરોપીની અટકાયત

  • કાકાને ટાયર બદલવા જેક પહોંચાડવા ગયેલો બત્રીજો અને તેનો મિત્ર અકસ્માતનો ભોગ બન્યા: જેક નાનો પડતાં જામજોધપુરનો પિતરાઈ ભાઈ પણ મોતના શરણે પહોંચ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭જાન્યુઆરી ૨૬, જામનગર- લાલપુર ધોરીમાર્ગ પર સણોસરા ગામના પાટીયા પાસે પરમદીને મોડી રાત્રે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ત્રણ માનવ જિંદગી હોમાઈ હતી, જે અકસ્માત સર્જનાર બોલેરો ચાલક સામે ગુનો નોધ્યો છે, અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે. કોલસો ભરીને આવી રહેલા બોલેરો ચાલક ના ટાયરમાં પંચર પડતાં તેણે પોતાના ભત્રીજા પાસે જેક મંગાવ્યો હતો, જે પોતાના મિત્ર સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ જેક નાનો પડતાં જામજોધપુર થી પિતરાઈ ભાઈને બીજા જેક સાથે બોલાવ્યો હતો, અને તમામ લોકો ટાયર બદલી રહ્યા હતા જે દરમિયાન અન્ય બોલેરો ચાલકે ત્રણને કચડી નાખ્યા હતા, અને એક હજુ સારવાર હેઠળ છે.આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા કમલેશભાઈ નારણભાઈ ગાગીયા (ઉંમર વર્ષ ૩૬) પોતાના જી.જે. ૨૫ યૂ ૫૮૦૩ નંબરના બોલેરો પીકપ વેનમાં કોલસો ભરીને લાલપુર તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન સણોસરા પાસે પરમદીને રાત્રે પંચર પડતાં તેણે પોતાના ભત્રીજા શ્યામ તેમજ તેના મિત્ર શ્રુદીપ ગોજીયાને સૌપ્રથમ સ્થળ પર બોલાવ્યા હતા. જેઓ જેક લઈને આવ્યા હતા. પરંતુ તે જેક નાનો પડતાં તેઓએ જામજોધપુર પંથકમાં રહેતા પોતાના પિતરાઈ ભાઈ ભરત ડાંગર ને બીજા જેક સાથે બોલાવ્યો હતો, અને તમામ લોકો ટાયર બદલી રહ્યા હતા.જે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. ૧૦ ડી.એ. ૨૨૮૭ નંબરના બોલેરોના અન્ય ચાલકે તેઓને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, જેમાં બોલેરો ચાલક કમલેશ નારણભાઈ (ઉંમર વર્ષ ૩૬) પિતરાઈ ભાઈ ભરત લક્ષ્મણભાઈ ડાંગર (ઉ. વર્ષ ૨૧) અને પોતાના ભત્રીજા સાથે આવેલા શ્રુદીપ હિતેશ ગોજીયા (૧૬) ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે ભત્રીજો શ્યામ અશોકભાઈ ગાગિયા ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હોવાથી જામનગરની જી જી હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે.

આ અકસ્માતના બનાવવા અંગે મૃતક કમલેશ ના મોટાભાઈ કાનાભાઈ નારાયણભાઈએ લાલપુર પોલીસ મથકમાં બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવતાં લાલપુરની પોલીસ ટીમેં ઘટના સ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા બાદ અકસ્માત સરનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધી તેનું વાહન કબજે કરી લીધું છે જ્યારે રાજસ્થાનના વતની ભરતસિંહ ગિરધારીસિંહ શેખાવતની અટકાયત કરી લઈ તેને પોલીસ મથકમાં બેસાડી દેવામાં આવ્યો છે.ત્રણેય મૃતકો ના લાલપુર ની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા હતા, અને મૃતદેહો તેમના સ્વજનોને સોંપી દેવાયા હતા, ત્યારે ભારે ગમગીની ફેલાઈ હતી. લાલપુરના ખાયડી ગામમાંથી મૃતકો ની અર્થી નીકળી, ત્યારે ગામમાં અશ્રુઓનો દરિયો છલકાયો હતો.

જામનગરના ઔદ્યોગિક આંગણે ‘ટેક ફેસ્ટ-૨૦૨૬’ નો પૂ. આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના હસ્તે ભવ્ય શુભારંભ

0

જામનગરના ઔદ્યોગિક આંગણે ‘ટેક ફેસ્ટ-૨૦૨૬’ નો પૂ. આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના હસ્તે ભવ્ય શુભારંભ

  • જામનગરનું ઉત્પાદન શ્રેષ્ઠ છે, હવે પેકિંગ અને ફિનિશિંગમાં પણ વિશ્વને હંફાવીએ” – પૂ. આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ

  • જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા આયોજિત મેગા એક્ઝિબિશન ખુલ્લું મુકાયું; રાજકીય અને ઔદ્યોગિક અગ્રણીઓની પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭,જાન્યુઆરી ૨૫ ‘બ્રાસ સિટી’ તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા જામનગરના ઔદ્યોગિક ક્ષેત્રમાં આજે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે, જ્યાં જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા આયોજિત બહુપ્રતિક્ષિત ‘ટેક ફેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ ફેર-૨૦૨૬’નો અત્યંત દબદબાભેર અને માંગલિક વાતાવરણમાં શુભારંભ કરવામાં આવ્યો છે. શહેરના ઉદ્યોગ જગત માટે ગૌરવરૂપ આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત તમામ અતિથિ વિશેષોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આયોજિત આ મેગા ફેરના ઉદ્ઘાટન સમારોહમાં રાજકીય નેતાઓ, ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને નવી આશાઓથી છવાઈ ગયું હતું.આ મેગા ઈવેન્ટનો વિધિવત પ્રારંભ શ્રી પ, નવતન પુરીધામ ખીજડા મંદિર ટ્રસ્ટના મહંત અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના વરદ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતો, જે જામનગરના ઉદ્યોગો માટે આશીર્વાદ સમાન બની રહ્યું. રીબીન કટિંગ બાદ પૂજ્ય મહારાજશ્રી અને અન્ય મહાનુભાવોએ પ્રદર્શનમાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રદર્શિત કરાયેલી અદ્યતન મશીનરી તેમજ પ્રોડક્ટ્સ વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી હતી. સ્ટોલ ધારકો સાથેના સંવાદ દરમિયાન મહારાજશ્રીએ નવીન ટેકનોલોજી નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી, અને ઉદ્યોગકારોને સતત પ્રગતિ કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, આ મુલાકાત દરમિયાન ઉદ્યોગકારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે તેમના વક્તવ્યમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માર્મિક વાત કરી હતી જે દરેક ઉદ્યોગકાર માટે ચિંતનનો વિષય છે. તેમણે જણાવ્યું હતું કે, “આપણો દેશ ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે પરંતુ પેકિંગમાં આપણે થોડા નબળા પડીએ છીએ; જો આપણે આપણી પ્રોડક્ટનું પેકિંગ થોડું વધુ આકર્ષક બનાવીએ અને આખી દુનિયામાં જે રીતે ફિનિશિંગ સાથે માલ મોકલવામાં આવે છે તેવું ચોકસાઈભર્યું કામ કરીએ, તો આપણને કોઈ હરાવી ન શકે.તેમણે જી.આઈ.ડી.સી. એસોસીએશનના આ ‘ટેક ફેસ્ટ’ના આયોજનને બિરદાવતા કહ્યું હતું કે આ એક ખૂબ જ સરાહનીય અને ઉમદા કાર્ય છે, અને તેમના આશીર્વાદ આપતા ઉમેર્યું હતું કે જામનગર ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગળ વધે અને વિશ્વના નકશા પર તેનું નામ રોશન કરે.આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. જેમાં ખાસ કરીને પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા પણ હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ એસોસીએશનની કામગીરીની પ્રશંસા કરી હતી અને જામનગરના લઘુ ઉદ્યોગોને સરકાર અને સંગઠન તરફથી મળતા સહયોગની ખાતરી આપી હતી.ઔદ્યોગિક જગતમાંથી પણ દિગ્ગજ નેતૃત્વની હાજરી નોંધપાત્ર રહી હતી, જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી બિપેન્દ્રસિંહજી જાડેજા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણીકભાઈ અકબરી અને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ ખાસ હાજરી આપી હતી. ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશનસ ના ખજાનચી લાખાભાઈ કેશવાલા પણ આ પ્રસંગે જોડાયા હતા. આ તમામ અગ્રણીઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે આવા મેગા ટેકફેસ્ટ થકી જામનગરના સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટની સ્પર્ધામાં ટકી રહેવા માટે જરૂરી ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને નવી દિશા મળી રહેશે, અને આ ચાર દિવસીય મેળો ઉદ્યોગકારો માટે જ્ઞાન અને વ્યાપારનો સંગમ તીર્થ બની રહેશે.

જામનગરના ગોકુલનગર માં રીક્ષા ચાલક સાથે સોલાર પેનલના નામે ઠગાઈ : બે સામે ફોજદારી

0

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકે સોલાર પેનલ ફીટ કરાવવા માટેના રૂપિયા બે લાખ ચુકવ્યા બાદ બે વ્યક્તિએ ઠેંગો બતાવ્યો : ઠગાઈ ની ફરિયાદ

  • આરોપી :- (૧) કાનાભાઇ બૈડિયાવદરા રહે.જામનગર (ઇન્ટીફાઇ સોલાર પ્રા.લીમિટેડના ડિરેક્ટર (૨)રાહુલભાઇ રહે.જામનગર (ઇન્ટીફાઇ સોલાર પ્રા.લીમિટેડના કર્મચારી)

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬જાન્યુઆરી ૨૫, જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકને પોતાના ઘેર સોલાર પેનલ લગાવવાના મામલે ધોખો થયો છે. એક ખાનગી પેઢીના સંચાલક અને તેના કર્મચારીએ સોલાર પેનલ ફીટ કરાવવા માટે ૨,૧૮,૦૦૦ ની રકમ મેળવી લીધા બાદ લાંબા સમયથી સોલાર પેનલ ફીટ નહીં કરી, છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા અમિતભાઈ ગોગનભાઈ ચુડાસમા નામના ૩૨ વર્ષના રાવળદેવ યુવાને સોલાર પેનલ ફીટ કરવાના મામલે પોતાની સાથે છેતરપિંડી કરવા અંગે જામનગરની ઇન્ટીફાઇ સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરા તેમજ તેના કર્મચારી રાહુલભાઈએ પોતાની પાસેથી રૂપિયા ૨,૧૮,૦૦૦ ની રોકડ રકમ મેળવી લીધા બાદ સોલાર પેનલ લાંબા સમય સુધી ફીટ કરી નહીં આપી, તેમજ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીનો સંપર્ક થયો હતો, જેના આધારે પોતાના ઘરમા સોલાર પેનલ લગાવવા માટે વાતચીત થયા પછી ખાનગી પેઢીના કર્મચારી રાહુલભાઈ તેના ઘેર આવીને રકમ લઈ ગયા હતા અને ૧૨૩ દિવસમાં સોલાર પેનલ ફીટ થઈ જશે, તેવો ભરોસો આપ્યો હતો. ત્યારબાદ પણ લાંબો સમય વીતી જવા છતાં સોલાર પેનલ ફીટ કરી ન હતી. અને ત્યાં સુધી પોતાના ઘેર સોલાર લગાવશે નહીં, ત્યાં સુધી તેના ઘરનું લાઈટ બિલ ખાનગી પેઢી ભોગવશે તેવું પ્રલોભન આપ્યું હતું. પરંતુ તે રકમ અથવા તો સોલાર પેનલ ફીટ કરી ન હતી, અને પહેલા ની મૂળ રકમ પણ પરત નહીં કરતાં આખરે પોતાની સાથે છેતરપીડી થઈ હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર મનપાની મેયર ઇલેવનની ટીમ તેમજ કમિશ્નર ઇલેવન ટીમના વિજય માટે પુજન વિધી કરાઈ

0

જામનગર મહાનગર પાલિકાની મેયર ઇલેવનની ટીમ તેમજ કમિશ્નર ઇલેવન ટીમના વિજય માટે પુજન વિધી કરાઈ

  • જામનગર મહાનગરપાલિકાની મેયર ઇલેવન ટીમ તેમજ કમિશ્નર ઇલેવન ટીમ ભાવનગર ખાતે ઇન્ટર કોર્પોરેશન ટુનામેન્ટમાં ભાગ લેવા જશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫જાન્યુઆરી ૨૬, જામનગર મહાનગરપાલિકાની મેયર ઇલેવન ટીમ તેમજ કમિશ્નર ઇલેવન ટીમ ભાવનગર ખાતે ઇન્ટર કોર્પોરેશન ટુનામેન્ટમાં ભાગ લેવા જવાની હોય તે પ્રસંગે આજ તા. ૦૫-૦૧-૨૦૨૬ ના રોજ ચેરમેન ની કચેરીમાં મેયર ઇલેવન તેમજ કમિશ્નર ઇલેવનની બંને ટીમોનો વિજય થાય તે માટે પુજન વિધી રાખવામાં આવી હતી.આ પુજન વિધીમાં મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા આશીષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, કમિશ્નર ડી.એન.મોદી, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશ્નર મુકેશભાઇ વરણવા, સીટી એન્જીનીયર ભાવેશ જાની તેમજ મેયર ઇલેવન ટીમના ખેલાડીઓ અને કમિશ્નર ઇલેવન ટીમના ખેલાડીઓ ઉપરાંત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓ દ્વારા પુજન વિધી કરવામાં આવી હતી.

જામનગરનો એક કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : અમદાવાદના ચાર શખ્સોએ રૂપિયા ૨૩.૯૮ લાખ પડાવી લીધા

0

જામનગર નો એક કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના ચાર શખ્સોએ રૂપિયા ૨૩.૯૮ લાખ પડાવી લીધા

  • જામનગરની એક હોટેલમાં ચીટર ટોળકીએ સેમીનાર ગોઠવ્યો

  • અમદાવાદની મહિલા સહિત ના ૪ શખ્સોએ રાજ્યભરમાં જાળ બિછાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ જાન્યુઆરી ૨૬, જામનગર નો એક કોન્ટ્રાક્ટર યુવાન શોર્ટકટ થી નાણા મેળવવા માટેની એકના ડબલની સ્કીમમાં અમદાવાદની એક મહિલા સહીતના ચાર શખ્સોની ચુંગાલમાં ફસાયો હતો, અને તેણે રોકાણ કરવા માટે આપેલી રૂપિયા ૨૩.૯૮ લાખની રકમ કે જે પરત નહીં કરી વિશ્વાસઘાત અને તેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

મોટા ભાગના માણસો રૂપિયા કમાવવાની લાયમાં સોર્ટ કટ પસંદ કરતા હોય છે. આવી જ પ્રજાતિના માણસો અન્ય લોકોનું કરી નાખવા માટે જાળ બિછાવતા હોય છે, એ જાળમાં જે ફસાય તેને આર્થિક નુકસાની સિવાય કઈ મળતું નથી, છેલ્લે મામલો પોલીસ દફતર સુધી પહોચે છે, અને કોર્ટ કાર્યવાહી શરુ થતી હોય છે. આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જેમાં એક કોન્ટ્રાકટર એકના અનેક કરવાની લાલચમાં આવી ગયા અને ઠગબાજોની સ્કીમનો ભોગ બની જતા લાખો રૂપિયા ગુમાવી દીધા છે. અમદાવાદના ચાર શખ્સોએ આ આસામીને મોટા વળતરની લાલચ આપી ૨૩.૯૮ લાખની રકમ ખંખેરી લીધી હોવાનું જાહેર થયું છે. પોલીસે અમદાવાદના ૪ શખ્સો સામે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.અમદાવાદની મહિલા સહિત ના ૪ શખ્સોએ રાજ્યભરમાં જાળ બિછાવી : ટૂંકા ગાળામાં પૈસાદાર કે પૈસા કમાવવા માટે અમુક સાતીર સખ્સો અનેક લોકોને છેતરવા બજારમાં નીકળી પડે છે, એવા જ અમદાવાદ રહેતા મનોજ પટેલ રહે.અમદાવાદ મો.નં.૯૨૧૬૪૫૬૬૦૪, ૯૦૬૭૨૪૪૧૭૨, હરીશ બારૈયા રહે.અમદાવાદ મો.નં.૯૯૯૮૫૬૨૦૮૮, પુજા રાવત રહે.અમદાવાદ મો.નં.૬૩૭૬૧૪૭૮૮૪, ૬૩૫૯૧૧૧૫૭૧ અને ભવ્ય પટેલ રહે.અમદાવાદ મો.નં.૮૭૮૦૭૩૪૨૪૩, ૯૪૨૬૦૨૬૧૮૧ વાળા શખ્સોએ પૈસા કમાવવા સુયોજિત પ્લાન રચ્યો હતો. જે મુજબ રાજ્યભરમાં પોતાના પરિચિતોને જાણ કરી એકના અનેક રૂપિયા કરી આપવા માટે રોકાણની સ્કીમ લોન્ચ કરી, બે ગણું રીટર્ન આપવાની સ્કીમ તૈયારી કરી આ શખ્સોએ ‘એક્સીસવર્ડ’ કંપનીમાં રોકાણના નામે જાળ બિછાવી હતી.

જામનગરની એક હોટેલમાં ચીટર ટોળકીએ સેમીનાર ગોઠવ્યો અમદાવાદના મનોજ પટેલ, હરીશ બારૈયા, પુજા રાવત અને ભવ્ય પટેલ નામના શખ્સોએ એકના ડબલ આપવાની સ્કીમ લોન્ચ કરી જાળ બિછાવી હતી. જામનગર ખાતે તા.૧૫/૯/૨૦૨૪ના રોજ હોટેલ વિવિધ ખાતે એક લાલચી સેમીનારનું આયોજન કર્યો હતું. જેમાં ૭૦ થી વધુ લોકો જોડાયા હતા. જેમાં અમદાવાદના ઠગબાજોએ તમામને સમજાવેલ કે અમારી સાથે રોકાણ કરવાથી એક વર્ષે ડબલ અને બે વર્ષે ત્રણ ગણું રીટર્ન મળશે, વૈભવી હોટેલની ચમક દમક વચ્ચે ઠગબાજોએ હાજર લોકોને આઈડી બનાવી એક સોફ્ટવેરમાં રોકાણ અંગેનો ડેમો પણ બતાવ્યો હતો.તમે રૂપિયા આપશો અમારે ડોલરમાં કન્વર્ટ કરવા પડશે હોટેલમાં યોજેલ સેમીનારમાં આરોપીઓએ એક્સીસવર્ડ કંપનીમાં રોકાણ કરવા લાલચ આપી હતી જે મુજબ જે તે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવા ઇચ્છે તો તેઓએ પોતાના નાણા આંગડીયા મારફત મોકલવાના રહેશે, એવો નિયમ બનાવાયો, જે નાણા ચારેય શખ્સોને મળે છે તે નાણાને તેઓ અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરી એટલે કે ડોલરની ખરીદી કરશે એમ કહેવાયું હતું. જો કે રોકાણ માટે એક માત્ર આંગડીયા નહિ પરંતુ બેંક કે રોકડ રૂપે પણ નાણા સ્વીકારવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું.

જામનગરના આસામીએ સમયાંતરે કર્યું લાખોનું રોકાણ એક ખાનગી કંપનીમાં પેટા કોન્ટ્રાકટર તરીકે કાર્યરત એવા મયુર કાન્તીભાઈ ગોહિલએ જામનગર ખાતે તા. ૧૫/૯/૨૦૨૪ના રોજ યોજેલ સેમીનારમાં ભાગ લીધો હતો. જે સ્કીમ સારી લાગતા તેઓએ તા.૨૪/૯/૨૦૨૪ના રોજ આરોપી હરેશ બારૈયાના પત્ની સ્વેતા બારીયાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૩.૯૯ લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ એક આઈડી બનાવી મયુરભાઈને મોકલ્યું હતું. જેમાં રોકાણ, નફો અને નુકસાનીના આકડા બતાવવામાં આવતા હતા. ચાર લાખના રોકાણ બાદ બે’ક મહિનામાં વધુ નફો જે તે આઈડી પર દેખાતા મયુરભાઈ વધુ નાણા રોકવા માટે તૈયાર થયા હતા.

મયુરભાઈએ સપ્ટેમ્બર ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૫માં નાણાં રોક્યા હતા અમદાવાદની એક્સીસવર્ડ નામની ઠગ કંપનીના ચારેય ઠગબાજોની જાળમાં જામનગરના મયુરભાઈ સપડાઈ ગયા, મયુરભાઈએ ચાર લાખના રોકાણ બાદ વધુ નફાની લાલચે તા. ૭/૧૦/૨૦૨૪ના રોજ આંગણિયા વાટે રૂપિયા ૨,૬૨૦૦૦, તા.૩/૨/૨૦૨૫ના રોજ આંગડીયા મારફતે રૂપિયા ૮,૫૫૦૦૦ તથા તા. ૧૫/૩/૨૦૨૫ના રોજ આંગડીયા વાટે રૂપિયા ૪,૬૮૦૦૦ અને તા.૩/૪/૨૦૨૫ના રોજ વધુ એક વખત આંગડિયા મારફતે રૂપિયા ૧,૪૮,૫૦૦, અને તા.૨૮/૮/૨૦૨૫ના રોજ બેંક દ્વારા રૂપિયા ૯૫૦૦૦ અને તા. ૪/૯/૨૦૨૫ના રોજ રૂપિયા ૧,૫૩,૪૦૦ની રકમ બેંકમાં જમા કરાવી હતી. આમ કુલ ૨૩,૯૮,૭૦૦ની મૂડી મયુરભાઈએ એક વર્ષમાં જમા કરાવી હતી.

ઓનલાઈન નફો બતાવવામાં આવે પણ ખાતા માંથી રકમ વિડ્રો ન થઇ શકે મયુરભાઈએ આશરે ૨૪ લાખનું રોકાણ કર્યા બાદ કંપનીના સોફ્ટવેરમાં તેની એન્ટ્રીઓ પણ બતાવતી હતી, અને આ રોકાણ બાદ મળેલ નફો પણ થતો હતો. તગડા રોકાણ બાદ મયુરભાઈએ જોઈતી રકમ વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે તે એકાઉન્ટમાથી બેંક ખાતામાં ટ્રાન્સફર થતી ન હતી. જેથી તેઓએ કંપનીના ઠગબાજોનો સંપર્ક કર્યો હતો પરંતુ ઠગબાજો યેનકેન ઉતર આપી દેતા હતા.વારેવારે કોલ કરવામાં આવતા ઠગબાજો ધમકી સુધી પહોચી ગયા અને છેવટે તો ફોન રીસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. જેને લઈને પોતે છેતરાઈ ગયા હોવાનો ભાવ થયો હતો.

ચારેય સખ્સો સામે સિટી સી. ડિવિઝનમાં છેતરપીંડી અંગેની પોલીસ ફરિયાદ

અમદાવાદની એક્સીસવર્ડ કંપનીના ચારેય શખ્સો સામે મયુરભાઈ ગોહિલે સીટી સી ડીવીજન પોલીસમાં અરજી કરી પોતાની ફરિયાદ આપી હતી.પોલીસે ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૫૪ મુજબ ફરિયાદ નોંધી છે. જામનગરમાં એક માત્ર મયુરભાઈ જ નહિ પણ અન્ય લોકો પણ ચીટર ટોળકીના જાસામાં આવી ગયા હોવાની વિગતો આધારભૂત સુત્રો પાસેથી જાણાવા મળી છે. જો કે કેટલા આસામીઓને કેટલા નાણા ફસાયા છે તેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે.પોલીસે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી આરોપીઓ સુધી પહોચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરના સિક્કામાં પાર્ક કરેલી એક લક્ઝરી બસમાંથી ૧૫૦ લીટર ડીઝલની ચોરીની પોલિસ ફરીયાદ

0

જામનગર નજીક સિક્કામાં નગરપાલિકા પાસે પાર્ક કરેલી એક લક્ઝરી બસમાંથી ૧૫૦ લીટર ડીઝલની ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ

  • જામનગરમાં મહિલા કોલેજ વિસ્તાર માંથી એક મોટર સાયકલની કોઈ તસ્કરો ઉઠાંતરી કરી ગયા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ જાન્યુઆરી ૨૬, જામનગર નજીક સિક્કામાં રહેતા અસગરભાઈ કરીમભાઈ સુમરા નામના યુવાને નગરપાલિકા પાસે પાર્ક કરેલી પોતાની જી.જે. ૧૦ ટી.વી. ૯૭૪૩ નંબરની લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો રૂપિયા ૧૪,૦૦૦ ની કિંમત ના ૧૫૦ લીટર ડીઝલ ની ચોરી કરી લઈ ગયા હતા. જે મામલે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ રાઠોડ નામના બુઝુર્ગે મહિલા કોલેજ વિસ્તારમાં પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર LCB ત્રાટકી : 24 ઝડપાયા

દેવભૂમિ દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર LCB પોલીસ ત્રાટકી

  • 19.06 લાખના મુદ્દામાલ સાથે બે ડઝન શખસો ઝબ્બે

  • LCB મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને કુલદીપસિંહ જાડેજાની બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ જાન્યુઆરી ૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે બુધવારે રાત્રે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકાના નજીક આવેલા કુરંગા વિસ્તારમાંથી ઘોડીપાસાના જુગારની મોજ માણી રહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 24 શખ્સોને ઝડપી લઇ, રૂ. 6.70 લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 19.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા દ્વારકા વિસ્તારમાં પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે નૂતન વર્ષ પૂર્વે મધ્યરાત્રિના સમયે જ દ્વારકા તાલુકાના કુરંગા ગામના ગામની સીમ વિસ્તારમાં ઘોડીપાસાની શતરંજ જેવો પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા ધુતપ્રિય લોકો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ દરોડામાં પોલીસે માયા ગોપાલ ધારાણી (રહે. કુરંગા વાડી વિસ્તાર), લાખા દલુ ધારાણી (રહે. યાદવનગર પાછળ, જામનગર),સંજય હરદાસ માતકા (રહે. નરસંગ ટેકરી, દ્વારકા), સુનિલ કરસન ભાટિયા (રહે. યાદવનગર, જામનગર), સાજણ નાથા મૂન (રહે. મહાદેવનગર, જામનગર), કચરા ઉર્ફે કિશન લગધીર સંધિયા (રહે. મહાદેવનગર, જામનગર), પેથા ભીમા મતકા (રહે. નરસંગ ટેકરી, દ્વારકા), જનક બાબુ પાંડાવદરા (રહે.આવડપરા, દ્વારકા), જયેશ પ્રવીણ માતંગ (રહે. એરફોર્સ, જામનગર), કિશોર ઉર્ફે કિરીટ મનસુખભાઈ ઘુચલા (રહે. ખોડીયાર કોલોની, જામનગર), બાબુ દેવા કનારા (રહે. ડીફેન્સ કોલોની, જામનગર), ઉમેશ નાકાભાઈ સુરાણી (રહે. સરમત પાટીયા તા.જી. જામનગર), રાજુ દેવશીભાઈ રવશી (રહે. રેતવા પાડો, દ્વારકા), પરેશ ઈશ્વરભાઈ મારુ (રહે. ખારવા ચકલા, જામનગર), રાજુ જેવા લઢેર (રહે. મહાવીર સોસાયટી, જામનગર), આસિફ ઉર્ફે ફુલવાલા ઈશા ફુલવાલા (રહે. લીંડી બજાર, જામનગર), અલ્ફેશ ઈબ્રાહીમ અમરેલીયા (રહે. બ્લોચ ઢાલની કમાન, જુનાગઢ), મયુર બુધા ટોયટા (રહે. પંચેશ્વર ટાવર રોડ, જામનગર), ફારૂક હુશેન ઉડીયા (રહે. રણજીત સાગર રોડ, જામનગર), કલ્પેશ દિલીપ કારીયા (રહે. જલારામ સોસાયટી, દ્વારકા), અલ્તાફ ઉર્ફે અતુડો સતારભાઇ આંબલીયા (રહે. રણજીતસાગર રોડ, જામનગર), રફીક નુર મહંમદ નુરમામદ શેખ (રહે. અલ સફા સોસાયટી, જામનગર), હનીફ ગફાર કાસ (રહે. નેશનલ સોસાયટી, જામનગર) અને આદમ હુશેન સંધાર (રહે. સરમત ગામ, તા.જી. જામનગર) નામના 24 શખ્સોને દબોચી લીધા હતા.આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 6,70,200 ની રોકડ રકમ, રૂ 96,000 ની કિંમતના 17 નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 11 લાખની કિંમતની જુદી-જુદી ચાર મોટરકાર અને રૂ. 40,000 ની કિંમતના બે મોટરસાયકલ વિગેરે મળી, કુલ રૂપિયા 19 લાખ 6 હજાર 200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ ઐતિહાસિક રેઈડથી જુગારી તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વગપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. શીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, દિનેશભાઈ માડમ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પીંડારીયા, કુલદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, ગોવિંદભાઈ કરમુર, મુકેશભાઇ કેસરીયા, પીઠાભાઈ ગોજીયા, સહદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.