Friday, October 16, 2026
Home Blog Page 274

એસ્ટેટ વિભાગે જપ્ત કરેલા વાહનો બારોબાર વેચીં મારવાનું કૌભાંડનો પર્દાફાશ

0

મનપા દ્વારા શહેરમાંથી જપ્ત કરેલ ગાડી બારોબાર પગ કરી હોવાનો ભાંડાફોડ થયો છે.

શહારના બ્યુટીફીકેશન માટે લાગેલી લોખંડની ગ્રીલો પણ આપી દેવાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર ૩૦ જૂન ૨૨ જામનગર મહાનગરપાલિકા હંમેશા વિવાદમાં રહેવા ટેવાયેલી છે. પછી ભરતી કૌભાંડ હોય કે, ચર્ચાસ્પદ બનેલું ભળતા નામવાળુ ” રાજુ હરશી મકવાણા”  કૌભાંડ અહીં લગભગ વિભાગમાં કૌભાંડો બહાર આવતા રહે છે આવું જ એક કૌભાંડ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરેલી ગાડીઓનું પણ થવા પામ્યું છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કોરોનાકાળ તથા તેના પહેલા ”નો-પાર્કિંગ” માં રાખેલી ગાડીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવતી હતી જે દરમિયાન શહેરમાંથી અનેક ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી જેમાંથી મોટાભાગની ગાડીઓ છૂટી ગઈ હતી.પરંતુ ઘણી ગાડીઓના માલિકો ગાડીઓ લેવા ‘ન’ આવતા, લાંબા સમયથી એસ્ટેટ વિભાગના વાડામાં પડી ગાડીઓને બારોબાર વેચી મારવા અથવા તો ભંગારમાં દેવાનું કૌભાંડ ધીમે ધીમે લાંબા સમયથી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આવી જ ગાડીઓ ધીમે ધીમે બહાર પગ કરવા મંડી છે. મહા પાલિકામાં હાલ 8 વધારે ગાડીનો ગુમ થઈ છે જે બારોબાર વેચી નાખવામાં આવી છે અથવા તો ભંગારમાં દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અમુક કૌભાંડમાં મનપાના ચોક્કસ કર્મચારીઓ તથા અધિકારીઓની સંડોવણી પણ નકારાતી નથી.આ અત્યંત ગંભીર  કૌભાંડ છે. જેમાં ગાડીઓને બારોબાર વેચી દેવામાં આવી છે જામનગર મહા પાલિકા પાસે આવી કોઇ સત્તા નથી કે તેઓ ગાડીને વેચી શકે પરંતુ મળતિયાઓ સાથે મળીને આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે એક ગાડી ઓછી થઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે , આ ગાડીઓનું કોઈ હિસાબ નથી જેના કારણે કેટલી ગાડીઓ ગુમ થઈ તે જાણી શકાય.જોકે  કૌભાંડ પર નજર રાખતા આવી ગાડીઓ બહાર પગ કરી જતી હોવાનો ભાંડાફોડ થયો છે .

જામનગરના બર્ધન ચોકમા દિવાલ ધસી પડતા એસ્ટેટના 3 કર્મચારી ધાયલ

0

જામનગરના બર્ધન ચોકમા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી દરમિયાન દિવાલ તૂટતાં જામ્યુકોની એસ્ટેટ શાખા ના 3 કર્મચારીઓ ઘાયલ

એક કર્મચારીને પગમાં ફ્રેક્ચર તેમજ અન્ય બે કર્મચારીઓને હાથમાં ઈજા થતા જી. જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૯ જૂન ૨૨ જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં વેપારી દ્વારા ગેરકાયદેસર દીવાલ બનાવવામાં આવી હતી. જેને દૂર કરવા તંત્રએ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન એકાએક દીવાલ ધસી પડતાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ત્રણ કર્મચારીઓ દીવાલના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. જેથી તેઓને ઈજા પહોંચતા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં વેપારી દ્વારા ગેરકાયદેસર રીતે દીવાલ કરી દુકાનમાં શટર લગાવી દેવાયા હતા. ગેરકાયદેસર બાંધકામની જાણ થતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર દીવાલ જાતે દૂર કરી લેવા વેપારીને નોટિસ પાઠવી હતી. પરંતુ વેપારી દ્વારા દીવાલ દૂર કરવામાં ન આવતા આજે સવારે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી ડીમોલેશનની કામગીરી કરવા માટે પહોંચી દીવાલનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે એકાએક દીવાલ ધસી પડતાં એસ્ટેટ શાખાના ત્રણ કર્મચારીઓ દીવાલના કાટમાળ હેઠળ દબાયા હતા. જેને લઈ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં એસ્ટેટ શાખાના કર્મચારી અજયસિંહ ચુડાસમાને ડાબા પગમાં ફ્રેકચર તેમજ ગોપાલ ખાણધર તથા અવેશ મકરાણી નામના બે કર્મચારીઓને હાથમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય કર્મચારીઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતા અધિકારીઓનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને ત્રણેય કર્મચારીઓને સારવાર માટેની તજવીજ હાથ ધરી હતી. મનપાના કમિશ્નર વિજય ખરાડીએ પણ બનાવની વિગતો મેળવી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવી સુચના આપી હતી.

સરકારી અનાજના જથ્થો સગે-વગે કરવાના પ્રકરણમાં જામનગરના વેપારીની ધરપકડથી ખળભળાટ

0

રૂા.16 લાખથી વધુની કિંમતનો સરકારી અનાજના જથ્થો સગે-વગે કરવાના પ્રકરણમાં જામનગરના વેપારીની ધરપકડ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૮.જૂન ૨૨ ખંભાળિયાના પ્રાંત અધિકારી તથા જિલ્લાના ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પાર્થ કોટડીયા દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત સરકારી એવા વ્યાજબી ભાવના અનાજનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા ભાણવડના મામલતદાર દક્ષાબેન રિંડાણી દ્વારા ભાણવડ પંથકમાં ડોર ટુ ડોર સપ્લાયનું વ્યાજબી ભાવની દુકાનનોનું અનાજ ગેરકાયદેસર વેચાણા અર્થે લઈ જતા કરવામાં આવેલી કાર્યવાહીમાં 37 હજાર કિલોગ્રામ ચોખા તથા ઘઉં મળી કુલ રૂા.16 લાખથી વધુની કિંમતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.આ પ્રકરણમાં વાહન ચાલક સાથે રાજુભાઈ ચેતરીયા અને મુકેશભાઈ દુધરેજીયા નામના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જિલ્લામાં અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ. જોશી દ્વારા આ પ્રકરણમાં ઊંડી તપાસ કરવામાં આવતા આ પ્રકરણમાં સસ્તા અનાજની ગેરકાયદેસર રીતે ખરીદી કરવા સબબ જામનગરના વેપારી નયન સુરેશભાઈ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં આ શખ્સ દ્વારા અગાઉ પણ આ પ્રકારે અનાજનો જથ્થો ખરીદ કર્યાનું કબૂલ્યું હતું. આ બાબતે પુરવઠા અધિકારીને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી.

ખંભાળીયા ગેઈટ પોલીસ ચોકીમાં ACBની સફળ ટ્રેપ : HC અરજણ ડાંગર રંગે હાથે ઝડપાયો

0

જામનગરમાં એસીબીની સફળ ટ્રેપ: લાંચ લેતા રંગે હાથ પોલીસકર્મીને ઝડપી લેવાયો.

લાંચની રકમના બે હપ્તા કરવા પોલીસકર્મીને ભારે પડી ગયા..

પ્રથમ હપ્તો લીધા બાદ 2500નો બીજો હપ્તો લેવા જતા ફસાયો..

અરજીમાં અટકાયતી પગલાં લઈ મારકૂટ કે હેરાન ન કરવા બદલ 6000ની લાંચ માગી હતી

પોલીસ સ્ટેશનથી 150 મીટરના અંતરે આવેલી પોલીસ ચોકીમાં ACB એ સફળ ટ્રેપ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૭ જૂન ૨૨.જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને જામનગર એસીબીએ રૂ.2500 ની લાંચ લેતાં પકડી પાડયો છે. અરજદાર પાસેથી અરજીના કામ પેટે 6 હજારની લાંચની માંગણી કર્યા બાદ 3500 રૂપિયાની રકમ અગાઉ સ્વીકારી લીધી હતી જ્યારે બીજો હતો રૂ.2500નો સ્વીકારતી વેળા એ એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલને રંગેહાથ પકડી પાડયો છે.જામનગરમાં એસીબીએ વધુ એક સફળ ટ્રેપ પાર પાડી છે શહેરના સીટી એ ડીવીઝન પોલીસ દળના ફરજ બજાવતા અરજણ ડાંગર નામના હેડ કોન્સ્ટેબલે અરજીના કામ પેટે રૂપિયા 6 હજારની લાંચની માગણી કરી હતી. અરજીની તપાસ દરમિયાન હેરાન “ન” કરવા અને મારકૂટ ના કરવા માટે રૂ 6 હજારની લાંચનું નક્કી કરી જે તે સમયે રૂ 3500 સ્વીકાર્યા હતા ત્યારબાદ બાકી રહેતી રૂ.2500 ની રકમ બાબતે અવારનવાર ફરિયાદીને ફોન કરી માંગણી કરી હતી. જેને લઇને ફરિયાદી દ્વારા એસીબી નો સંપર્ક કરવામાં આવ્યો હતો.લાંચની માંગણી અરજી મળતાં જ જામનગર એસીબીની ટીમે આજે ખંભાળિયા ચોકી નજીક જ ગોઠવી હેડ કોસ્ટેબલ અરજણ ડાંગર ને રૂપિયા 2500ની લાંચ લેતા આબાદ પકડી પાડયો છે એસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ જવાન લાંચ લેતા પકડાઈ ગયો હોવાની વાતને લઇને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

સાવધાન..ખાનગી વાહનોમાં MLA, POLICE, PRESS, DOCTORના લખાણ હટાવી લેજો નહીંતર..

0

ગુજરાતીઓ સાવધાન!: ખાનગી વાહનોમાં MLA, POLICE, PRESS, DOCTORના લખાણ હટાવી લેજો નહીંતર…

ગુજરાત વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય
ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૭ જૂન ર૨ ગાંધીનગર: રાજ્યમાં ખાનગી વાહનો પર આપણે જોયુ છે કે વાહનના માલિકો પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે.હવેથી ખાનગી વાહનો પર આ પ્રકારનું કોઇ પણ સ્ટીકર કે લખાણ લખનારા લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જે વાહન માલિકે પોતાના વાહન પર આ પ્રકારનું કોઇ પણ લખાણ કે સ્ટીકર લગાવ્યુ હશે તો તેને પોલીસ દંડ ફટકારશે. ખાનગી વાહનો ઉપર પોલીસ કે એમ.એલ.એ. કે પછી ‘પ્રેસ’ લખેલું હશે તો પણ દંડ થશે. વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે.મહત્વનું છે કે આપણે ખાનગી વાહનોમાં પ્રેસ, ડોક્ટર અને પોલીસ જેવા લખાણ વાહનો પર લખાવીએ છીએ પરંતુ જો તમારા વાહન પર પણ આવું કોઇ લખાણ હોય તો આજે જ હટાવી દેજો કારણ કે ટ્રાફિક પોલીસની નજરમાં આવી જશો તો તમારે મસમોટો દંડ ભરવો પડશે.

જામનગર જીલ્લાના પૂર્વ SP અને હાલ DIG દીપન ભદ્રનને વધુ એક મહત્વની જવબાદારી સોંપાઇ

0

જામનગર જીલ્લાના પૂર્વ એસ.પી. અને હાલ ડીઆઇજી દીપન ભદ્રનને વધુ એક મહત્વની જવબાદારી સોંપાઇ

ભૂમાફિયા જયેશ પટેલની ગેંગનો સફાયો કરનાર જાબાંઝ પોલીસ અધિકારી દીપન ભદ્રનના હાથમાં કેસ આવતા તીસતા સેતલવાડ અને તેના મળતિયાનું ચડી આવ્યું!

કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર તીસતા સેતલવાડના કેસમાં ‘સીટ’ની રચના

‘સીટ’ના ચેરમેન તરીકે એટીએસ-ડીઆઇજી દીપન ભદ્રનની નિમણુંક કરતા ડીજીપી આશિષ ભાટિયા

હાલ તીસત સેતલવાડ અને શ્રીકુમારની ધરપકડ, પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની પાલનપુર જેલમાંથી હવે ધરપકડ કરાશેદેશ દેવી ન્યુઝ જામનગર: ૨૬ જૂન ૨૨ જામનગર જીલ્લામાં ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગનો સફાયો કરનાર તત્કાલિક જીલ્લા પોલીસવડા દીપન ભદ્રન હાલ એટીએસ-ડીઆઇજીને વધુ એક મહત્વની જવાબદારી સોંપાઇ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર તીસતા સેતલવાડ અને તેની મદદગારી કરનારાઓ સામે તપાસ કરવા માટે ‘સીટ’ (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે.

2002 રમખાણ અંતર્ગત ઝાકિયા જાફરીની સુપ્રીમ કોર્ટમાં અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આર.બી .શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ (પૂર્વ આઇપીએસ અધિકારી) ને સમન્સ પાઠવવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ ગુજરાત પોલીસે નવેસરથી એફ.આર.આઇ. દાખલ કરી છે.આરોપ છે કે તિસ્તા સેતવલવાડે ગુજરાતને બદનામ કર્યું હતું. તેના માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.હવે તિસ્તાએ જણાવવું પડશે કે કોના કહેવા પર, ક્યાંથી અને કોની સાથે આ નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આઇપીસી કલમો 468, 471, 194,211,218, અને 120ઇ હેઠળ કેસ નોંધ્યા છે. તીસ્તા સેતલવાડની મુંબઈથી અને આર.બી.શ્રીકુમારની ગાંધીનગરથી ધરપકડ કરી હતી. પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની પાલનપુર જેલમાંથી હવે ધરપકડ કરાશેે.‘સીટ’માં કોનો સમાવેશ :ગુજરાત એટીએસના ડીઆઇજી દિપેન ભદ્રનને ‘સીટ’ ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે. જોકે એટીએસ એસ.પી. સુનિલ જોષી અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માન્ડલીક ‘સીટ’ના સભ્ય રહેશે. અમદાવાદ શહેર એસ.ઓ.જી.ના એ.સી.પી. બી. સી. સોલંકી કેસના તપાસ અધિકારી રહેશે. તો મહિલા પીઆઈ સહિત ત્રણ પીઆઇનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

શહેર ભાજપ દ્વારા ડો. શ્યામપ્રસાદ મુખરજી બલિદાન દિવસે “પુષ્પાંજલિ” અર્પણ

0

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા ડો. શ્યામપ્રસાદ મુખરજી બલિદાન દિવસે “પુષ્પાંજલિ” અર્પણ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૪ જૂન ૨૨ ભારતીય જનતા પાર્ટીના સહસંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીનો બલિદાન દિવસના દિવસે શહેર ભાજપ કાર્યાલય ખાતે “પુષ્પાંજલિ” અર્પણ કરવામાં આવેલ તથા તેઓના જીવન કવન ઉપર ઉદબોધન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત કોર્પોરેટર દ્વારા સમૂહગીતથી કરવામાં આવેલ. શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મોરબીના પ્રભારી પ્રકાશ સોની, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ અધ્યક્ષ અને ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પવનહંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા વગેરે દ્વારા દીપ પ્રાગ્ર્ય કરવામાં આવેલ.

ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા સ્વાગત પ્રવચનમાં ઉદબોધન કરવામાં આવેલ કે, ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ ઉપલક્ષયમાં આપણે સૌએ તેઓને “પુષ્પાંજલિ” અર્પણ કરી. ઉપરાંત આગામી સમયમાં મુખ્યત્વે વૃક્ષારોપણ તથા સદસ્યતા અભિયાન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ. વીરાંજલી કાર્યક્રમ અંગે શહેર સંગઠન, કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા જણાવેલ કે કાર્યક્રમ ખુબ સફળ રહ્યો, અને તેઓ વિશેષ થી જણાવેલ કે અનેક લોકોએ ફોન કરી એ કાર્યક્રમનું ફરી આયોજન કરવા અનુરોધ કરેલ છે.

ગુજરાત પ્રદેશ મહામંત્રી માનનીય પ્રદીપસિંહ વાઘેલાએ જણાવેલ કે જામનગરમાં આ ૧૪ મોં કાર્યક્રમ હતો, અને હવે જ્યાં ક્યાંય કાર્યક્રમ થાય તેઓએ જામનગર શહેરની જેમ તૈયારીઓની પ્રેરણા લેવા સૂચવેલ છે, આ પક્ષના પ્રત્યેક કાર્યકર્તા માટે મોટી ઉપલબ્ધી છે, શહેરના પ્રત્યેક ઘરે નિમંત્રણ પાઠવા કાર્યકર્તા શહેર સંગઠન અને તમામ મોરચાએ જહેમત ઉઠાવેલ. તેઓ એ વિશેષ થી જણાવેલ કે જામનગર શહેરમાં હાલ ૪૫૦૦૦ થી વધુ સભ્યો પ્રાથમિક સભ્ય તરીકે જોડાયેલ છે, અને આગામી સદસ્યતા અભિયાનમાં ૨૫૦૦૦ જેટલા નવા પ્રાથમિક સદસ્યો જોડવા આયોજન કરવા સૂચવેલ. આ તબ્બકે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોનીનું સ્વાગત કરેલ.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા એ આગામી કાર્યક્રમો વિષે માહિતી આપેલ. ભાજપ શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા ઉપાધ્યક્ષ કે.જી. કનખરાને સંગઠન સંરચનાની જવાબદારી તથા મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા અશ્વિનભાઈ તાળાને વૃક્ષારોપણ કાર્યક્રમના ઇન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવેલ, આ તબ્બકે આગામી દિવસમાં શહેરમાં પ્રત્યેક વોર્ડમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેશે, તથા વૃક્ષઓની જાળવણીની પણ ચિંતા કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના વોર્ડમાં સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી શહેર ઉપાધ્યક્ષ કે.જી. કનખરા દારા ૨૫ જૂન ના દિવસ ને અનુસંધાને જણાવવામાં આવેલ કે, એ દિવસ કાળો દિવસ રહ્યો હતો દેશ માટે. કોંગ્રેસ દ્વારા ૨૫ જૂન ૧૯૭૫ ના દિવસે કટોકટી લાદવામાં આવેલ. આ કાળા દિવસના દિવસે બ્લેક ડે ના પ્લે કાર્ડ સાથે દેખાવ કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેના વિશે માહિતી આપવામાં આવેલ.
સુરેન્દ્રનગરના પૂર્વ અધ્યક્ષ તથા મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન વિશે ઉદબોધન કરેલ. તેઓએ ઉદબોધનમાં જણાવેલ કે, એક સમય જયારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ઉપર પ્રતિબંધ લાડવાનો પ્રયાસ કરાયો ત્યારે લોકશાહી તથા રાષ્ટ્રવાદને જીવંત રાખવા માટે સાંસદમાં કોઈ પ્રતિનિદિતવા કરી શકે તે ઉદેશ થી જનસંઘ ની સ્થાપના કરાવમાં આવેલ.

આઝાદી પછી કોંગ્રેસની સરકાર બની, બે મંત્રી કોંગ્રેસ ના ન હોવા છતાં સરકારમાં પ્રતિનિદિતવા કરી રહ્યા હતા, જેમાં એક ડો. શ્યામાપ્રસાદ મુખરજી હતા. ડો. શ્યામાપ્રસાદ મુખરજી આઝાદી પૂર્વે હિન્દૂ મહાસભાના અધ્યક્ષ રહ્યા. કોંગ્રેસની સરકારમાં રહેવા સમયે ડો. શ્યામાપ્રસાદ મુખરજીને પ્રતીત થયું કે કોઈ એવું માળખું હોવું જોઈએ જે રાષ્ટ્રવાદ માટે કઈક કરી શકે, એ સમયે અલગ અલગ સંગઠન કાર્યરત હતા. આ સમયે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની મુલાકાત સંઘ સંચાલક ગુરુજી સાથે થઇ, સંઘએ માળખું ઉભું કરવા સહયોગ આપ્યો અને ડો. શ્યામાપ્રસાદ મુખરજી તથા પંડિત દીનદયાલ ઉપાધીયાંયજીએ જનસંઘની સ્થાપણા કરી. અને પ્રથમ ચૂંટણીમાં જનસંઘને સાંસદમાં ૩ સીટ મળી. ડો. શ્યામપ્રસાદ મુખરજી મૂળ બંગાળના હતા અને ઉચ્ચ શિક્ષણ મેળવેલ. તેઓ બંગાળ યુનિવર્સીટીના કુલપતિ રહ્યા. તેઓ બાળકો અને યુવાનોને રાષ્ટ્રવાદી વિચારો થી પ્રેરિત કરતા. આઝાદી પછી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવવા છતાં, એ વિસ્તારમાં દાખલ થવા માટે મંજૂરી લેવી પડતી, ત્યાંનો ધ્વાજ અલગ, સંવિધાન અલગ, તથા ત્યાંના મુખ્યમંત્રી ને વઝિરિઆઝમ કહેવું પડતું. ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ આ બાબતે વિરોધ કરેલ, અને કાશ્મિતમાં પણ ભારતનું સંવિધાન લાગુ થાય, ત્યાં પણ ભારતનો જ ઝંડો ફરકાવામાં આવેલ તેવી વાત રજુ કરેલ, માંગણી કરેલ. વિરોધ પ્રગટ કરવા તેઓ કાશ્મીર ગયેલ, અને ત્યાં તેઓ ને એક આઉટ હાઉસ જેવી ઇમારતમાં રાખવામાં આવેલ. તેઓની તબિયત નાદુરસ્ત બનતા કોંગ્રેસ સરકારએ સ્થાનિક તબીબો દ્વારા પ્રતીકાત્મક સમાન ઈલાજ જ કરાવવામાં આવેલ. પરંતુ અપૂરતા ઈલાજ ને કારણે ડો. શ્યામાપ્રસાદ મુખરજીનું નિધન થયું. એ બલિદાનના ફળ સ્વરૂપ હજારો શ્યામાપ્રસાદ મુખરજી જનમ્યા, જેઓ એ કાશ્મીર એ ભારત નું અભિન્ન અંગ છે તેવી માંગણી કરી. અને આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના પ્રયાસથી કાશ્મીર ભારત કાશ્મીરનું અભિન્ન અંગ બન્યું છે. આ તબ્બકે પ્રકાશભાઈ સોનીએ ઉદબોધનના છેલ્લા શબ્દોમાં જણાવેલ કે ડો. શ્યામાપ્રસાદ મુખરજીના કાર્યોને જીવંત રાખવાએ જ સાચી અંજલિ છે. કાર્યક્રમનું સફળ સંચાલન શહેર મહામંત્રી પ્રકાશભાઈ ભામણીયા તથા વિજયસિંહ જેઠવાએ કરેલ.

આ કાર્યક્રમમાં ડો. વિમલભાઈ કગથરા, મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોની, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઈ ભામણીયા, વિજયસિંહ જેઠવા, સાશકપક્ષના નેતા, દંડક કેતન ગોશરાણી, ગોવાશિપ યાર્ડના ડાયરેક્ટર હસમુખ હિંડોચા, પવનહંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પૂર્વ અધ્યક્ષ અશોકભાઈ નંદા, સહીત શહેર સંગઠનના હોદેદારો, મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, વોર્ડ સમિતિના હોદેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનની 15 મુદ્દા અમલીકરણ સમિતિમાં યુનુસ સમા, પિયુષ પારેખ અને મનજીતસિંઘ ઉપાલની વરણી

0

વડાપ્રધાનની 15 મુદ્દા અમલીકરણ સમિતિમાં યુનુસ સમા, પિયુષ પારેખ અને મનજીતસિંઘ ઉપાલની વરણી

ભાજપના અગ્રણીઓએ આપ્યા અભિનંદન જામનગરના ત્રણ સમાજના અગ્રણીઓને મળ્યું સ્થાન

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૩ જૂન ૨૨ જામનગર લઘુમતીઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રી દ્વારા રચવામાં આવેલ 15 મુદ્દા કાર્યક્રમના અમલીકરણ માટે જીલ્લાસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જામનગરની આ મહત્વની સમિતિમાં ત્રણ બિન- સરકારી સભ્ય તરીકે નગરના ત્રણ સમાજના આગેવાનોને નિયુકિત આપવામાં આવી છે. આ સમિતિનો મહત્વ ઉદ્દેશ એ રહેશે કે ભારત સરકાર દ્વારા લઘુમતીઓના કલ્યાણ માટે જે જે 15 મુદ્દા કાર્યક્રમો રચવામાં આવ્યા છે તેનો અસરકારક રીતે અમલીકરણ થાય મહત્વનો મનાતી આ સમિતિમાં અઘ્યક્ષ પદે જિલ્લા કલેકટર રહેશે જ્યારે સહ અઘ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી રહેશે.27 સભ્યોની બનેલી આ સમિતિમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રાઘવજી પટેલ (કૃષિમંત્રી), આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પ્રવિણભાઇ મુછડીયા, ચિરાગભાઇ કાલરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા ઉપરાંત રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદરિયા જેવા પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ છે.

આ ઉપરાંત સભ્યોમાં જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયતના રોજગાર અધિકારી, જિલ્લાના શિક્ષણ અધિકારી, લીડ બેંકના અધિકારી, જિલ્લા ઉદ્દયોગ કેન્દ્રના મેનેજર, જામનગરના ચીફ ઓફિસર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સરકારી કોલેજના પ્રતિનિધિ, આઇટીઆઇના પ્રિન્સીપાલ તેમજ વિકસતી જાતિના જિલ્લા નાયબ નિયામકનો સમાવેશ છે.આ સમિતિમાં બિન સરકારી સભ્યો તરીકે જામનગરના પિયુષભાઇ રમેશચંદ્ર પારેખ, યુનુસ જુસબભાઇ સમા, મનજીતસિંઘ મોહનસિંઘ ઉપાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યત્વે ભારત સરકાર દ્વારા લઘુમતીઓના કલ્યાણના માટે પ્રધાનમંત્રી દ્વારા 15 મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.

આ યોજનાનું પાલન આઅસરકારક રીતે થાય તેવા હેતુ સાથે તમામ જિલ્લામાં જીલ્લાસ્તરીય સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે અને તેમાં બિન સરકારી સભ્ય તરીકે જામનગરના 3 વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે એ બાબત વિશેષરૂપ છે.ભારતીય જનતા પાર્ટી શહેર અઘ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ધારાસભ્ય આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઇ બામભણીયા, વિજયસિંહ જેઠવા, ડે. મેયર તપન પરમાર, કેતન ગોસરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, વાઈસ ચેરમેન પ્રજ્ઞનાબા સોઢા, કોર્પોરેટરો, પક્ષના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સભ્યો સહિત કાર્યકરોએ આ નિમણુંકને આવકારેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

જામનગરના ચર્ચાસ્પદ જતીન પઢીયાર અને વિરલ હાડા અપહરણ-ખંડણી પ્રકરણમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

0

U.P મુકામે અપહરણ કરી 20 લાખ ની ખંડણી માગ્યા ના ગુન્હા માં સંડોવાયેલ ફોજી તથા અન્ય એક શખ્સ ને જામીન મુક્ત : ગુજરાત હાઇકોર્ટ

નગરના યુવા ધારાશાસ્ત્રી શિવરાજસિંહ રાઠોરની ધારદાર દલીલોને મળી વધુ એક સફળતા

પોલીસે જતીન પઢીયાર અને વિરલ હાડા નામના બંને યુવાનોને છોડાવી હેમખેમ મૂક્ત કરાવેલ હતા

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૨ જૂન ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચર્ચસ્પદ બનેલ જામનગર શહેરના સ્વામીનારાયણનગરમાં રહેતા બે મિત્રો ઉત્તરપ્રદેશ ફરવા માટે ગયા હતા , દરમ્યાનમાં ત્યાં કોઇએ અપહરણ કરી ધમકીઓ આપી અને ખંડણીની માંગણી કરી હતી.આ બાબતની જાણ જામનગર બે મિત્રો પૈકીના એકના પત્નીને થતા પોલીસનો સંપર્ક કર્યો હતો જેના આધારે હરકતમાં આવેલી જામનગર પોલીસે તાકીદે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું..

સાયબર ક્રાઇમની મદદ મેળવી જામનગર પોલીસની ટુકડી ઉત્તરપ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી અને ગણતરીની કલાકોમાં ઓપરેશન પાર પાડીને ભોગ બનનારને છોડાવી આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓએ એડવોકેટ શિવરાજસિંહ રાઠોર મારફત જામીન મુક્ત થવા માટે અ૨જી કરી હતી.જામનગરમાં તારીખ 27/11/2021 ના રોજ જામનગર ના ૩ વેપારી ને U.P કાનપુર મુકામે કાવતરું રચી બોલાવી અપહરણ કરી ગોંધી રાખેલ લમણે બંધુક રાખી તેમના ઘરે ફોન કરી ૨૦ લાખ ની ખંડણી માગવા બાબતે જામ. સિટી-બી. ડિવી માં IPC 364A , 386, 506(2), 342, 120(B), 114 મુજબ ગુન્હો નોંધાયેલ હતો ઇન્ચાર્જ SP નીતીશ પાંડેએ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી 3 શખ્સોને  U.P મુકામે થી છોડાવી પરત લાવવા માં આવેલ હતા બાદ આરોપીઓ દ્વારા કરવામાં આવેલ જામીન અરજી ગુજરાત હઇકોર્ટ સમક્ષ ચાલી જતા સરકાર પક્ષ દ્વારા ગુન્હો માં આજીવન તેમજ ફાંસીની સજા ને પાત્ર ગુન્હો ગુન્હો હોઈ જેથી જામીન રદ કરવા દલીલો કરેલ હતી જ્યારે આરોપી ના વકીલ દ્વારા માત્ર ગુન્હા ની સજા ની ગંભીરતા જોઈ જામીન નક્કારી શકાઈ નહીં તેમજ અન્ય કાયદાકિય દલીલો કરવામાં આવેલ હતી જે ધ્યાને લઈ એક રીટાઇર સુબેદાર સહિત અન્ય એક U.P ના બાહુબલી ને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે આરોપી તરફે વકીલ શિવરાજસિંહ બી રાઠોર રોકાયેલા હતા

આસામીની વડીલોપાર્જીત મિલ્કતને ગેરકાયદેસર રીતે પચાવી પાડનાર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ

દ્વારકામાં વધુ એક લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

આસામીની વડીલોપાર્જીત મિલ્કતને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૨ જૂન ૨૨.દ્વારકા: દ્વારકાના અંબુજા નગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ ચંદારાણા નામના 44 વર્ષના વેપારી યુવાન દ્વારા દ્વારકાના રહીશ મોહનદાસ રામદાસ ગોંડલીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ 2005ની સાલમાં એક આસામી પાસેથી ફરિયાદી પ્રકાશભાઈના પિતાએ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી સિટી સરવે નંબર 2688, 2691 તથા 2692 પૈકીની કિંમતી જગ્યામાં અગાઉ ભાડુઆત તરીકે રહેતા શાંતાબેન રામદાસ ગોંડલીયા રહેતા હતા.જેઓ વર્ષ 2012માં અવસાન પામ્યા હતા, અને ત્યાર બાદ છેલ્લે તેમના પુત્ર મોહનદાસ રામદાસ ગોંડલીયા પરીવાર સાથે સરવે નંબર 2688 વાળી જગ્યામાં રહેવા આવી ગયા હતા. આ જગ્યા પર તેની માલિકી ન હોવા ઉપરાંત અગાઉ તેઓ કેસ હારી ગયા હોવા છતાં પણ આશરે રૂપિયા 50 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી ઉપરોક્ત જગ્યા પર તેમના દ્વારા કબજો બરકરાર રાખી દબાણ કરવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી લેન્ડ ગ્રેબિંગ ધારા હેઠળની ફરિયાદમાં તપાસ બાદ દ્વારકા પોલીસે મોહનદાસ રામદાસ ગોંડલીયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.આ વચ્ચે આરોપી મોહનદાસ ગોંડલીયા દ્વારા વર્ષ 2019 માં મેહુલ નામના એક આસામી ઉપર આ સંદર્ભે હુમલો કરવા સબબ તેની સામે આઈ.પી.સી. કલમ 307 મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની તપાસ દ્વારકાના ડીવાયએસપી એસ.એચ. સારડા દ્વારા કરવામાં આવી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.