Sunday, October 18, 2026
Home Blog Page 222

જામનગરમાં જાનમાલની નુકસાની અટકાવવા “વહીવટી તંત્ર” ખડે પગે

0

સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક: જિલ્લામાં જાનમાલની નુકસાની અટકાવવા વિવિધ વિભાગો દ્વારા લેવાઈ રહેલ અનેકવિધ અસરકારક પગલાઓ

  • આકસ્મિક સંજોગોમાં પીવાના પાણી માટે દરિયાકાંઠાના ૨૨ ગામો માટે ૧૧ ટેન્કર સ્ટેન્ડ ટુ રખાયા
  • પી.જી.વી.સી.એલ.ના ૧૦૨ કોન્ટ્રાકટરો જરૂરી સાધન સામગ્રી તથા વાહનો સાથે ફરજ પર તૈનાત
  • માર્ગ અને મકાન વિભાગની ૧૯ ટીમો જે.સી.બી, ટ્રેકટર, ડમ્પર, લોડર સાથે અલગ અલગ સ્થળો પર ફરજરત
  • સિંચાઇ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોને વોર્નીંગ આપવા તથા સ્થાનિક તંત્રને જાણ કરવા જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈ

દેશ દેવી ન્યુઝ તા.૧૫ જૂન ૨૩ જામનગર બિપરજોય વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલનું ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક અને સાબદુ બન્યું છે. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા આ માટે અનેકવિધ અસરકારક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.

જેમાં તંત્ર દ્વારા દરિયાકાંઠાના ગામોમાં દરિયાની નજીકનાં કાચા મકાનો તથા ઝુ૫ડાઓમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના 4442 તથા મહાનગરપાલિકા વિસ્તારના 5500 મળી કુલ 9942 લોકોનું સ્થળાંતર કરેલ છે.તેમજ આશ્રયસ્થાનોમાં રહેતા લોકો માટે આજ દિન સુધીમાં 48,000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે. રાજય સરકાર તરફથી NDRF ની ૨ ટીમ તથા SDRFની ર ટીમ જામનગરને ફાળવવામાં આવેલ છે જેમાંની SDRFની એક ટીમ લાલપુર તાલુકાના ઝાંખર મુકામે તથા એક ટીમ જામનગર પટેલ સમાજ મુકામે ફાળવવામાં આવેલ છે જ્યારે NDRF ની ૧ ટીમ જોડીયા તથા ૧ ટીમ જામનગર ગ્રામ્ય તાલુકાના બેડ મુકામે ફાળવવામાં આવેલ છે.

પી.જી.વી.સી.એલ.ના ૧૦૨ કોન્ટ્રાકટરોને જરૂરી સાધન સામગ્રી અને વાહન સાથે સ્ટેન્ડ ટૂ રાખેલ છે. જે પૈકી ૩૬ કોન્ટ્રાકટર તાત્કાલિક વિજપોલ ઉભા કરી શકે તેવા નિષ્ણાંતની સેવા લેવાયેલ છે. જે ઉપરાંત ૩૧ કોન્ટ્રાકટરો અન્ય જિલ્લામાંથી આવેલ છે. હાલ પીજીવીસીએલ પાસે ૮૪૩૮ વિજપોલ ઉપલબ્ઘ છે. 

પાણી પૂરવઠા બોર્ડ દ્વારા આકસ્મિક સંજોગોમાં પીવાના પાણીનો પૂરવઠો પૂર્વવત કરવા અલગ અલગ ૪ ટીમો જરૂરી સાધનો સાથે સ્ટેન્ડ ટૂ રાખેલ છે તથા જરૂરી પાણીની જથ્થો અનામત રાખવા અને સંપ પૂર્ણ સપાટીથી ભરવામાં આવેલ છે. આકસ્મિક સંજોગોમાં પીવાના પાણી માટે દરિયાકાંઠાના ૨૨ ગામો માટે ૧૧ ટેન્કર સ્ટેન્ડ ટુ રાખેલ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયેલ હોય તેમજ આકસ્મિક સંજોગોમાં રોડ બ્લોક થવા, ઝાડ પડવા વિગેરે કારણોસર રસ્તાઓ બંધ થાય તેના રીસ્ટોરેશન માટે કુલ ૧૮ ટીમો જે.સી.બી., ટ્રેકટર, ડમ્પર, લોડર સાથે અલગ અલગ સ્થળો પર સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. 

સિંચાઇ વિભાગ દ્વારા જિલ્લામાં આવેલ દરેક ડેમ ઉપર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે તેમજ ડેમોમાં પાણીનું રૂટ લેવલ જાળવવા અલગથી અધિકારી તથા કર્મચારીઓની નિયુકિત કરેલ છે. ડેમમાંથી પાણી છોડવાના કિસ્સામાં અગાઉથી નીચાણવાળા વિસ્તારોને વોર્નીંગ આપવા તથા સ્થાનિક તંત્રને જાણ કરવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ડેમોને નુકસાની થવાના સંજોગોમાં તાત્કાલિક રીપેરીંગ કરવા અર્થે જરૂરી સાધનસામગ્રી સાથેની ટીમો તૈયાર રાખવામાં આવેલ છે.

 વન વિભાગ દ્વારા જરૂરી ઘાસનો જથ્થો ઉપલબ્ઘ રાખવામાં આવેલ છે તથા વાવાઝોડા કે વરસાદથી નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ અલગ અલગ ટીમો બનાવી વન વિસ્તારમાં મોબાઇલ ટીમો દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ નડતરરૂપ વૃક્ષો દુર કરવા જરૂરી સાધનો સાથેની ટીમોની રચના કરવામાં આવેલ છે.

અહેવાલ-વિરેન્દ્રસિંહ પરમાર

બિયોરજોય : જામનગર ST વિભાગના તમામ ડેપો પરથી બસોનું પરિવહન સ્થગિત કરાયું

0

બિપરજોય વાવાઝોડાના પગલે જામનગર એસ.ટી.વિભાગના તમામ ડેપો પરથી બસોનું પરિવહન સ્થગિત કરાયું

દેશ દેવી ન્યુઝ તા. ૧૫ જૂન ૨૩ બિપરજોય વાવાઝોડા અન્વયે નાગરિકોને ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જામનગર એસ.ટી.વિભાગ દ્વારા તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે.વિભાગ હેઠળના જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ તથા જામજોધપુર સહિતના તમામ એસ.ટી.બસ ડેપો પરથી પરિવહન કરતી તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.સરકારશ્રી તરફથી નવી સૂચના મળ્યે બસોનું પરિવહન પૂનઃ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે તેમ જામનગરના વિભાગીય નિયામક સંજય જોશી દ્વારા જણાવાયું છે.

જામનગર : મોટીખાવડી ગામે 250 લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતરીત કરવામાં આવ્યા

0

સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને અસરગ્રસ્તોને આશરો અને અન્ન પૂરું પાડતું જામનગર જિલ્લા વહીવટી તંત્ર

  • જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે કાચા મકાનો અને દરિયાકિનારાની નજીક રહેતા 250 જેટલા લોકોને આશ્રયસ્થાન પર સ્થળાંતરીત કરવામાં આવ્યા
  • ગ્રામ પંચાયત દ્વારા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થાને (માધ્યમિક શાળા) ખસેડી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે : તલાટીમંત્રીશ્રી ભારદ્વાજસિંહ વાઘેલા
  • સરકાર દ્વારા અમને ત્રણ ટાઈમ ભોજન, આરોગ્યની અને રહેવાની ખૂબ સરસ વ્યવસ્થા આપવામાં આવી છે. : દિનેશભાઈ રાઠોડ
  • વાવાઝોડાના ખતરા વચ્ચે અમારી સાર સંભાળ લેવા બદલ સરકારનો આભાર : હંસાબેન

 

દેશ દેવી ન્યુઝ તા.૧૫ જૂન ૨૩ જામનગર સંભવિત ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.જામનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારો,કાચા મકાનો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં કુલ 8542 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોટી ખાવડી ગામે આવેલ માધ્યમિક શાળાને આશ્રય સ્થાન તરીકે જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા 250 જેટલા અસરગ્રસ્તોને 3 દિવસથી શાળામાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે. ગ્રામપંચાયત દ્વારા તમામને રહેવાની, જમવાની તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.જેથી લોકોએ વાવાઝોડાના ભય વચ્ચે રાહતનો શ્વાસ લીધો છે.

મોટી ખાવડીના તલાટીમંત્રી ભારદ્વાજસિંહ વાઘેલા જણાવે છે કે, સરકારની સૂચના અનુસાર ગ્રામપંચાયત દ્વારા આશ્રિતોને રહેવાની, સવારનો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન, આરોગ્યની, સુવાની તેમજ પ્રાથમિક તમામ જરૂરીયાતો પૂરી પાડવામાં આવી રહી છે. 250 જેટલા લોકોને ત્રણ દિવસથી ગ્રામપંચાયત દ્વારા જમવાનું આપવામાં આવી રહ્યું છે.અને ગામના 5 જેટલા બહેનો સેવાકીય કામ કરી જમવાનું બનાવી આપે છે. આશ્રય સ્થાનમાં હાલ તમામ લોકો સુરક્ષિત છે.

આશ્રયસ્થાનમાં આશરો મેળવનાર મોટી ખાવડીના આંબાવાડી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ રાઠોડ જણાવે છે કે, વાવાઝોડાના ખતરાને લઈને અમને માધ્યમિક શાળામાં લઈ આવવામાં આવ્યા છે. અંહી ગ્રામ પંચાયત દ્વારા અમારી ખૂબ સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે.સવારે ચા-નાસ્તો, બપોરે અને સાંજે સારું ભોજન, પીવાનું શુદ્ધ પાણી, સુવાની, આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. તે બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું.

સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા હંસાબેન જણાવે છે કે સરકારે અમને આશરો આપ્યો તે બદલ તેમનો હું આભાર માનું છું.અહિયાં અમને ભોજન,પાણી, રહેવાની ખૂબ સારી સુવિધા મળી છે.અમારા નાના બાળકોને નાસ્તો આપવામાં આવે છે.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સગર્ભાઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.બાળકોનું આરોગ્ય તપાસવામાં આવે છે.વાવાઝોડાના ખતરાને લઈને સરપંચ દ્વારા અમારા ઘરે આવીને ત્રણ દિવસ પહેલા અમને સમજાવવામાં આવ્યા હતા અને આશ્રય સ્થાનમાં આવી જવા જણાવ્યું હતું.ત્રણ દિવસથી અમને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે.

બિપરજોય વાવાઝોડાં : અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે

0

બિપરજોય વાવાઝોડા સંદર્ભે : અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે

  • સેવાનો લાભ લેવા માટે મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૪ જૂન ૨૩ રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે.

વધુમાં જણાવાયાનુસાર “બિપરજોય” વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે.

આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં તા. ૧૭ જૂન ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

ગાંધીનગર GSDMA દ્વારા જામનગર ખાતે હેમ રેડીયો ટીમ ફાળવાઈ

0

GSDMA ગાંધીનગર દ્વારા જામનગર ખાતે હેમ રેડીયો ટીમ ફાળવાઈ

  • કુદરતી આપદામાં જ્યારે તમામ પ્રકારના સંદેશા માધ્યમો ખોરવાય છે ત્યારે કામ આવે છે હેમ રેડિયો સિસ્ટમ
  • સુરજ કોટેચા, ઘનશ્યામસિંહ પરમાર, સુરેશ કુંબલે, કૌશિક જોગીદાસ, નીતીશ મહેતા, મયુરધ્વજસિંહ પરમાર સહિતની ટીમ સ્ટેન્ડબાય

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ જૂન ૨૩ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે.

વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ જાય છે તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે હેમ રેડિયો ઓપરેટર સુરજ કોટેચા, ઘનશ્યામસિંહ પરમાર, સુરેશ કુંબલે, કૌશિક જોગીદાસ, નીતીશ મહેતા, મયુરધ્વજસિંહ પરમાર સહિતના સભ્યો સાથેની હેમ રેડીયો ટીમ કલેક્ટર કચેરી જામનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

હેમ રેડિયો એટલે શું? અને તે કઈ રીતે કામ કરે છેહેમ રેડિયોને સરળ ભાષામાં સમજીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ પણ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર રહેતી નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. આ હેમ રેડિયો એક એવુ કોમ્યુનિકેશન માધ્યમ છે કે જે વાવાઝોડા અને ભુકંપ જેવી કુદરતી આપદામાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બને છે. ઉલ્લેખનીય છે કે હાલ જામનગર પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આ હેમ રેડિયો સિસ્ટમ આપાતકાલીન સ્થિતિમાં સંદેશાની આપ-લે માટે ખૂબ મહત્વની બની રહેશે

જામનગર લોનના હપ્તા ‘ન’ ભરી શકતા સતવારા પ્રોઢે આયખું ટુંકાવ્યું

0

લોનના હપ્તા ન ચૂકવી શકનાર જામનગરના પ્રૌઢે આયખું ટુંકાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર: લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામના વતની અને હાલમાં જામનગરના ગોકુલ નગર પાસે લક્ષ્મીનગરની શેરી નં.3માં રહેતા કરશનભાઈ અરજણભાઈ કટેશીયા (47) એ ગઈકાલે સવારે પોતાના ગામ-મોટી રાફુદળમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. દવાની વિપરીત અસર થતાં બેશુદ્ધ બની ગયેલા કરશનભાઈનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે તેમના પુત્ર નરેન્દ્રભાઈ એ પોલીસ ને જાણ કરી છે. આથી લાલપુર પોલીસે તપાસ શરૂ કરી હતી.

મૃતક પ્રૌઢ દ્વારા આઈડીબી આઈ તથા એચડીબી બેંકમાંથી લોન મેળવાઈ હતી. જેના બે-ત્રણ હપ્તા ચૂકવવાના બાકી હતા તેનું ટેન્શન અનુભવતા કરશનભાઈએ ગઈકાલે પોતાના ગામના વાડી વિસ્તારમાં આવેલા મકાને ઝેર પીધું હોવા નું ખૂલ્યું છે.

જામનગર જિલ્લામાં વીજ પ્રવાહ સતત જળવાઈ રહે તે માટે PGVCL દ્વારા 145 ટીમો તૈનાત

0

જિલ્લામાં વીજ પ્રવાહ સતત જળવાઈ રહે તે માટે પી.જી.વી.સી.એલ. જામનગર દ્વારા 145 ટીમો તૈનાત

  • વીજ પુરવઠો જાળવવા તેમજ વાવાઝોડા બાદ ત્વરિત રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવા સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળોએ ટીમો રવાના

દેશ દેવી જામનગર તા.૧૩ જૂન ૨૩ જામનગર આગામી સમયમાં બિપરજોય વાવાઝોડું જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે. જેને પરિણામે જિલ્લામાં વીજ પુરવઠાને પણ વ્યાપક અસર થઈ શકે છે. જેથી જામનગર જિલ્લામાં વીજ પુરવઠો અવિરતપણે જળવાઈ રહે તેમજ વાવાઝોડા બાદ સમારકામ અને જરૂરી મેન્ટેનન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે હેતુથી આગોતરા આયોજનના ભાગરૂપે પી.જી.વી.સી.એલ. જામનગર દ્વારા 145 જેટલી ટીમો તૈયાર કરી અનેકવિધ મોરચે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો આપતા પી.જી.વી.સી.એલ. જામનગરના અધિક્ષક ઇજનેર એલ.કે.પરમારે જણાવ્યું હતું કે જામનગરના બેડી પોર્ટ, જોડિયા ભુંગા, માધાપર ભુંગા, રોજી પોર્ટ, વાલસુરા તથા બાલાચડી ખાતે વીજ પુરવઠો જાળવવા તેમજ મેન્ટેનન્સ માટે 37 ટિમ, સિક્કા, શાપર વિસ્તાર અને લાલપુર તાલુકા માટે ૪૦ ટીમ, જોડિયાના દરિયાકાંઠાના વિસ્તારો માટે 35 ટીમ તથા લાલપુર દરિયાકાંઠાના વિસ્તારો માટે 33 ટીમોની રચના કરવામાં આવી છે. અને આ તમામ ટીમોને નિયત સ્થળે ફરજ બજાવવા રવાના કરી દેવામાં આવી છે. આ ઉપરોક્ત ટીમો સમગ્ર જિલ્લાના 509 ગામોમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. આ ટીમો જ્યાં વીજ પુરવઠાની માંગ આવશ્યક છે તેવા સ્થળો એટલે કે હોસ્પિટલ, વોટર વર્ક્સ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પ્રવાહ કાર્યરત રહે તે માટે પ્રયત્નો કરશે. તેમજ વાવાઝોડા બાદ પડી ગયેલ લાઇનો દુર કરી રોડ રસ્તા ચાલુ કરવા, નુક્સાન થયેલ થાંભલાઓ તેમજ ટ્રાન્સમીટર પૂર્વવત કરવા સહીતની રીસ્ટોરેશનની કામગીરી કરશે. વધુમાં PGVCL દ્વારા ૨૪ * ૭ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે જેમા કચેરીના નોન-ટેકનીકલ તથા વધારાના સ્ટાફને ફરજો સોપી કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

જામનગરમાં મોબાઈલ તફડાવતી બેલડીને ઝડપી લેતી LCB : 15 ફોન જપ્ત કરાયા

0

જામનગરમાં મોબાઈલ તફડાવતી બેલડીને ઝડપી લેતી એલસીબી, 15 ફોન જપ્ત કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ જૂન ૨૩: જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ભીડભાળવાળી જગ્યાએથી લોકોના ખિસ્સા માંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કર બેલડીને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી 15 નંગ ચોરાઉ મોબાઈલ ફોન કબજે કરી લીધા છે.

એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઇ કરમટા, પીએસઆઇ ગોહીલ, પીએસઆઇ મોરીની સુચના અનુસાર સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. જામનગર શહેરમાં શાક માર્કેટ ગુજરી બજાર સહિત ભીડ ભાળ વાળા વિસ્તારોમાં ગિરદી નો લાભ લઈને લોકોના મોબાઈલ ફોનની ચોરી થઈ જતી હોવાની ફરિયાદના અનુસંધાને એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવી હતી, દરમ્યાન એલસીબીનીના ફીરોજ ખફી તથા શિવભદ્રસિંહ જાડેજા અને હરદીપ ધાંધલને બાતમી મળી હતી કે જામનગરના એસટી બસ સ્ટેન્ડ તથા ગુજરી બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં ખાનગી વોચ ગોઠવીને બે શકમંદોને અટકાયત માં લઈ લીધા હતા, તેઓની તલાસી લેતાં બંનેના કબજા માંથી 15 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

જે મોબાઈલ ફોન અંગે પૂછ પરછ કરતાં તમામ મોબાઈલ ફોનના કોઈ બિલ ન હોવાનું અને લોકોના ગજવામાંથી સેરવી લીધા હોવાનું કબૂલી લીધું હતું. જેથી બંને શકમંદોને એલ.સી.બી. ની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા, અને તેઓના નામો પૂછતાં એક શખ્સનું નામ સોનુ ઉર્ફે અજય રામઠાકુર ઉર્ફે ડુખુ જયોતીન ઠાકુર અને ઝારખંડ રાજ્યના મહાજપુર મીનાબજારનો વતની હોવાનું, જ્યારે બીજાનું નામ રોહિત કુમાર આરજુ ભુટા નોનીયા જે વેસ્ટ બંગાળ સોદપુર ચીનાકરી બજારનો વતની હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 90,000 ની કિંમતના મોબાઈલ ફોન કબજે કર્યા છે, અને બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

તપાસ દરમ્યાન સીટી-એના બે અને સીટી-બીનો એક ગુનો ડીટેકટ થયેલ છે, આરોપીઓ શહેરમાં એસટી બસ સ્ટેન્ડ, ગુજરી બજાર, શાક માર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં અવર જવર કરતા લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરીને અંજામ આપતા હોવાની કબુલાત કરી છે.

બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે

0

બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે

  • જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક રહેતા કુલ 3200 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરાયું : આજે સાંજ સુધી કુલ 8500 લોકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવશે
  • જિલ્લાના 13 મીઠાના યુનિટો પર કામ કરતાં તમામ 355 અગિયારીઓને આશ્રિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા
  • સરકાર તરફથી એસડીઆરએફ અને એનડીઆરએફની બે-બે ટીમો ફાળવવામાં આવી

જામનગર તા13 જૂન 23 જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આફતને પહોંચી વળવા માટે કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવેલ છે તે મંત્રીશ્રીઓ દ્વારા ગામોની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં રહેતા લોકો, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, કાચા મકાનો અને ઝુંપડાઓમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લાના કુલ 1300 લોકોનું ગઇકાલે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 3200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ 5300 જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કામગીરી ચાલુ છે. જે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. આમ સ્થળાંતર કરવા પાત્ર કુલ 8500 લોકોને સુરક્ષિત આશ્રિત સ્થળો પર ખસેડવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના 0 થી 5 તથા 6 થી 10 કિમીના 39 ગામોમાં આશ્રિત સ્થાનો નક્કી કરી ત્યાં જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં મીઠાના કુલ 13 યુનિટ આવેલા છે. ત્યાં કામ કરતાં તમામ 355 અગિયારીઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ડિલેવરી થનાર 117 મહિલાઓને આઇડેન્ટીફાઈ કરી તે પૈકી 73 મહિલાઓને હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે.આમ, વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને કોઈ જાનહાનિ ન થાય તે દિશામાં તંત્ર દ્વારા કામગીરી કરી રહ્યું છે.

જામનગર દરીયાકાંઠા વિસ્તારમાંથી 73 પ્રસુતાઓને નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરાયા

0

જામનગર દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારોમાથી 73 પ્રસુતાઓને સ્થળાંતરિત કરી નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરાયાં

  • 73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ કરાવી સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પડાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ જૂન ૨૩ જામનગર બિપરજોય વાવાઝોડા સંદર્ભે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જામનગરની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાંઓ લેવાઈ રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી  વિકલ્પ ભારદ્વાજના સીધી દેખરેખ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને આપદાનો સામનો કરવા સજ્જ કરાઈ રહ્યા છે.રેપીડ રિસ્પોન્સ મેડિકલ ટીમ તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દરિયાકાંઠાના ગામોમાં ફરી નાદુરસ્ત લોકોના આરોગ્ય તથા આશ્રયને લગતી તમામ કાળજીઓ લઈ રહી છે.

જિલ્લા આરોગ્યની ટીમે આજ રીતે તમામ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પહોંચી આગામી અઠવાડીયા દરમિયાન જે સગર્ભાઓની પ્રસૂતિ થવાની હોય તેવી ૭૩ બહેનોને દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારમાથી સ્થળાંતરિત કરી પ્રસૂતિ થઇ શકે તેવા નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી એમ્બ્યુલન્સ મારફતે રીફર કરેલ છે. જ્યાં ૨૪×૭ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તેઓની પૂર્વ પ્રસૂતિ અંગેની સતત કાળજી રાખી રહ્યા છે. અને તમામ જીવન જરૂરી આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન ૭૩ પૈકીના ૯ સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવેલ છે.અને તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પાડવામાં આવેલ છે.વિરેન્દ્રસિંહ પરમાર (માહિતી ખાતુ)

error: Copying and use of the content of the website is considered as illegal activity.