સોશ્યલ મીડીયામાં ફેક એકાઉન્ટ બનાવીને ધમકી આપનાર ભાણવડનો શખ્સ પોલીસ પાંજરે પુરાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૨ ઓગસ્ટ ૨૩ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતી એક યુવતીના કોઇ અજાણ્યા શખ્સે તેમના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા તેમની ફઇની દિકરીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં ફરિયાદીના ફોટાને મોર્ફ કરી બિભત્સ બનાવી મોકલેલ. ત્યાર બાદ ફરીયાદી યુવતીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં આરોપીએ બિભત્સ મેસેજ કરવા તથા ઘમકીઓ આપીને યુવતીની ઓનલાઇન જાતિય સતામણી કરી, સમાજમાં બદનામ કરવાની કોશિષ કરવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ ખાતે ફરીયાદ અરજી બાદ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી, સાયબર ક્રાઇમ સેલને તપાસ સોંપવામાં આવી હતી.
આ પ્રકારના બનાવમાં ભોગ બનનાર વ્યક્તિ ગભરાઈને આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા હોય છે. જે બાબતને ધ્યાને લઇ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક રાધવ જૈનના માર્ગદર્શન હેઠળ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચ તથા તેમની ટીમ દ્વારા તમામ પ્રકારની ટેકનીકલ માહિતીઓ એકત્ર કરીને આરોપીઓનું પગેરૂ શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવેલ હતી.
આ પ્રકરણમાં ભાણવડના વેરાડ નાકા પાસે આઝાદ ચોક ખાતે રહેતા મોહીત લલીતકુમાર ભોગાયતા નામના 19 વર્ષના વિદ્યાર્થી યુવાનની ધરપકડ કરવામાં આવી છે.આરોપી મોહીત ભોગાયતા હાલ જામનગર ખાતે બી.કોમ.ના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે ફરીયાદીના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પોતાની ઓળખ છુપાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પરંતુ ફરીયાદીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસેપ્ટ ના કરતા, ફરીયાદીને હેરાન તથા બદનામ કરવાના ઇરાદાથી આરોપીએ ફરીયાદીના ઓરીજનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફરીયાદીના ફોટા ડાઉનલોડ કરી ફેસબુકમાં આવતી જાહેરાતમાં ફોટો એડીટ કરવાની લિંક પર જઇને ફરીયાદીના બે ફોટા મોર્ફ કરીને ન્યુડ ફોટો બનાવ્યા હતા. પોતે બનાવેલા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફરીયાદીના ફઇની દિકરીને મેસેન્જરમાં ફરીયાદીના મોર્ફ કરેલા બે ન્યુડ ફોટા મોકલી તથા ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં આ કામના આરોપીએ બિભત્સ મેસેજ પણ કર્યા હતા અને ધમકીઓ આપી હોવાની પણ કબુલાત કરી છે. હાલમાં આ ગુનાની આગળની તપાસ Dysp સમીર સારડા ચલાવી રહ્યા છે. આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમ સેલના પી.આઈ. એ.વાય. બલોચ, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઈ કેશરીયા, હેમંતભાઈ કરમુર, રાજુભાઈ ઢેબાણીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી તથા મુકેશભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ ઓગસ્ટ ૨૩ સમગ્ર જામનગર શહેરી વિસ્તાર તથા જામનગર તેમજ લાલપુર તાલુકાની 140 પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 24 હજાર જેટલાં ભૂલકાઓને સમયસર તાજું, ગરમ અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા “પી.એમ.પોષણ યોજના” હેઠળ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.અને આ સમગ્ર વ્યવસ્થા સુચારૂ રીતે અમલી બને તે માટે જિલ્લા પુરવઠા વિભાગ, જામનગર મહાનગરપાલિકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ અક્ષયપાત્ર સંસ્થા અનેક આધુનિક મશીનરીઝ, વાહનો તથા સ્વયંસેવકો સાથે સતત કાર્યશીલ છે.ગઈકાલે જામનગરના અક્ષયપાત્ર મેગા કિચનથી સૌથી દૂરના અંતરે આવેલ પડાણા પાટિયા નજીકની શિવપુરા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય અને અધિકારીઓ દ્વારા ભોજનનું તાપમાન ચકાસવામાં આવ્યું હતું જે ભોજન 80 ડિગ્રી કરતાં પણ વધુ ગરમ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જણાયું હતું.
આ ઘટના રાજ્ય સરકાર દ્વારા શાળામાં બાળકોને પૌષ્ટિક અને ગરમ ભોજન મળે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલ પ્રશંસનીય પ્રયાસોના પ્રમાણ સમાન છે.આ માટે અક્ષયપાત્ર સંસ્થાના 126 સ્વયંસેવકોની ટીમ સવારે 4 વાગ્યાથી જ કામે લાગી જાય છે અને નિયત કરેલા વિવિધ 14 રુટ પર ખાસ પ્રકારે તૈયાર કરેલા 18 જેટલા વાહનો થકી આ ભોજન શાળાના બાળકો સુધી પહોંચતું કરે છે. ભોજનમાં રાજય સરકાર દ્વારા નક્કી કરાયેલ મૅનું અનુસાર દાળ-ઢોકળી, વેજ પુલાવ, મિક્ષ શાક, રાઈસ, દાલ ફ્રાય, ખીચડી, સુખડી, મસાલા સિંગ, ચૂરમું વગેરે જેવી પૌષ્ટિક વાનગીઓ બાળકોને પીરસવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં આવેલ 52 પ્રાથમિક શાળાઓ તેમજ લાલપુર તથા જામનગર તાલુકાની 88 જેટલી શાળાઓ મળી કુલ 140 પ્રાથમિક શાળાઓમાં આ પ્રકારે નિરંતર પૌષ્ટિક ભોજન પહોંચાડી રાજય સરકાર દ્વારા દેશના ઉજ્જવળ ભવિષ્ય સમા ભૂલકાઓની વિશેષ કાળજી લેવાઈ રહી છે.
આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરેલ વિશિષ્ટ કામગીરી બદલ જી.જી.સરકારી હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ વંથલી, ઓસવાળ આયુષ હોસ્પિટલ, સેવીયર એવોર્ડ માટે 108 એમ્બ્યુલન્સ સેવા, શ્રેષ્ઠ કામગીરી બદલ જામનગર જિલ્લા પોલીસ, જિલ્લા માહિતી કચેરી જામનગર, વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓ તથા કલાકરો, બીપરજોય વાવાઝોડા દરમિયાન ઉમદા કામગીરી કરેલ અધિકારીઓ તથા કર્મચારીઓ, સરકારની વિવિધ જાણ કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા બદલ જિલ્લાના મહેસુલી કર્મચારીશ્રીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વગેરે મળી વિવિધ ક્ષેત્રના કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે સાથે સ્વામીત્વ યોજના હેઠળ તૈયાર થયેલ પ્રોપર્ટી કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
