Friday, October 9, 2026
Home Blog Page 2

જામનગરમાં પ્રદર્શન મેદાન પાછળના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

0

જામનગરમાં પ્રદર્શન મેદાન પાછળના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

  • ફાયર શાખા ની ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો: ઓળખ કરવા કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩ ઓક્ટોબર ૨૬: જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનની પાછળના તળાવમાંથી આશરે ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી.આ અંગે આજે સવારે ૭:૩૪ વાગ્યે ૧૧૨ મારફતે જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.પોલીસ દ્વારા મૃતકની ઓળખ સલીમભાઈ, ઉંમર આશરે ૩૦ વર્ષ તરીકે કરવામાં આવી છે. મૃતદેહને વધુ તપાસ માટે પી.એમ. માટે મોકલી આ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

જામનગરમાં વાઈલ્ડલાઈફ વીકની ખાસ ઉજવણી: કુદરત અને વન્યજીવોની ઝાંખી કરાવતું ભવ્ય ફોટો એક્ઝિબિશન યોજાયું

0

જામનગરમાં વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે યોજાયું ફોટો એક્ઝિબિશન.

  • ૨૩ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરની ૧૩૦ થી વધુ ચુનંદા તસ્વીરો નિહાળવાનો અનેરો અવસર

દેવી ન્યુઝ જામનગર તા. ૩ ઓક્ટોબર ૨૬  ધ નેચર લેન્સ સોસાયટી જામનગર દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલ આર્ટ ગેલેરીમાં આજથી ત્રણ દિવસ માટે વાઇલ્ડઆઈસ ફોટોગ્રાફી એક એક્ઝિબિશન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જિલ્લા કલેકટર પી.બી. પંડ્યા, આર.ડી.સી વિમલકુમાર ચૌધરી તેમજ મનોદિવ્યાંગ અને અંધબાળકો દ્વારા આ એક્ઝિબિશનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું, શહેરના નામાંકિત ૨૩ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ દ્વારા સમગ્ર દેશના અલગ અલગ સ્થળો ઉપર તેમજ આફ્રિકાના જંગલોમાં પાડવામાં આવેલી બેનમૂન અદભુત તસવીરોનું પ્રદર્શન સવારે ૧૦.૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦.૦૦ વાગ્યા સુધી વિનામૂલ્ય પક્ષીપ્રેમી પર્યાવરણ પ્રેમી તેમજ ફોટોગ્રાફીના શોખીન લોકો નિહાળી શકશે.જે તારીખ ૩-૪ ઓક્ટોબર સુધી ખુલ્લું રેહશે.

જામનગર અરજણ પ્રિસીઝન મેટલ કૌભાંડ: આરોપી સ્ટોર મેનેજરની ક્વાશિંગ પીટીશન હાઈકોર્ટમાં ફ્લોપ

જામનગરમાં કંપનીનો રૂ. ૭૦ થી ૮૦ લાખનો માલ ગુમ થવાનો મામલો: સ્ટોર મેનેજર સામેની FIR રદ કરવા હાઈકોર્ટમાં કરાયેલી પીટીશન પરત ખેંચાઈ

  • ​ગુજરાત હાઈકોર્ટે ક્વાશિંગ પીટીશન યોગ્ય ન જણાતાં આરોપી સ્ટોર મેનેજર દિવ્યેશગીરી ગોસ્વામીને પીટીશન વિથ-ડ્રો (પરત) કરવાની ફરજ પડી

  • ​CCTV તપાસમાં સ્ટોર મેનેજર અને અન્ય બે ઈસમોની સંડોવણી ખુલી

​દેશ દેવી ન્યુઝ જામનગર / અમદાવાદ તા. ૧ ઓક્ટોબર ૨૬ જામનગરમાં આવેલી ‘અરજણ પ્રિસીઝન મેટલ પ્રા. લી.’ કંપનીમાં બ્રાસ, કોપર અને સ્ટીલ સહિતના કરોડોના સામગ્રીની ચોરી/ફુલેકુ ફેરવવાના ચર્ચાસપદ બનાવમાં મુખ્ય આરોપી અને સ્ટોર મેનેજરે પોતાની સામે નોંધાયેલી FIR રદ કરાવવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે અરજી ગ્રાહ્ય રાખવા યોગ્ય ન ગણતાં આરોપીને અંતે પોતાની પીટીશન પરત (વિથ-ડ્રો) ખેંચી લેવી પડી છે.  રૂ. ૭૦ થી ૮૦ લાખનો માલ-સમાન ઓછો માલૂમ પડ્યો હતોકેસની વિગત મુજબ, જામનગરમાં આવેલી મશીન કોમ્પોનેન્ટસ બનાવતી ‘અરજણ પ્રિસીઝન મેટલ પ્રા. લી.’ કંપનીમાં એપ્રિલ-૨૦૨૫ દરમિયાન સ્ટોક મેળવણી હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન બ્રાસ, કોપર સ્ટીલ, ચાંદી પ્લેટીંગનો માલ, ટુલ્સ તથા ભંગાર મળી આશરે રૂ. ૭૦ થી ૮૦ લાખની કિંમતનો માલસામાન ઓછો મળી આવ્યો હતો.

​CCTV તપાસમાં સ્ટોર મેનેજર અને અન્ય બે ઈસમોની સંડોવણી ખુલી આ મામલે સઘન તપાસ અને સીસીટીવી ફુટેજ ચકાસતા માલૂમ પડ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કંપનીમાં નોકરી કરતા સ્ટોર મેનેજર દિવ્યેશગીરી સુરજગર ગોસ્વામી તથા અન્ય બે ઈસમો દ્વારા કંપનીની પરવાનગી વગર આશરે રૂ. ૭૦ થી ૮૦ લાખની રકમનો માલસામાન બારોબાર લઈ જવામાં આવ્યો હતો.પોલીસ ફરિયાદ અને હાઈકોર્ટમાં ક્વાશિંગ પીટીશન કંપનીના ડાયરેક્ટર દિલીપભાઈ ટેકચંદભાઈ ચંદનાણી દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપી દિવ્યેશગીરી સુરજગર ગોસ્વામી વિરુદ્ધ FIR રજિસ્ટર કરી હતી. આ FIR રદ (ક્વાશ) કરાવવા આરોપી દિવ્યેશગીરીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્વાશિંગ પીટીશન દાખલ કરી હતી.હાઈકોર્ટમાં બંને પક્ષોની રજૂઆત બાદ અરજી પરત ખેંચીનામદાર ગુજરાત હાઈકોર્ટે તપાસ કરનાર અધિકારી દ્વારા રજૂ કરાયેલ અહેવાલ, સાક્ષીઓના નિવેદનો અને બંને પક્ષકારોની રજૂઆતો ધ્યાને લીધી હતી. તમામ પુરાવાઓ અને રજૂઆતો જોતાં હાઈકોર્ટે FIR રદ કરવા માટે યોગ્ય ન હોવાનું જણાતાં આરોપી દિવ્યેશગીરી સુરજગર ગોસ્વામી દ્વારા કરાયેલ ક્વાશિંગ પીટીશન પરત ખેંચવી (વિથ-ડ્રો કરવી) પડી છે. આ કેસમાં મૂળ ફરિયાદી કંપની અરજણ પ્રિસીઝન મેટલ પ્રા. લી. તરફથી જામનગરના જાણીતા સીનિયર ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા ગુજરાત હાઈકોર્ટના ધારા શાસ્ત્રી  નિરલ વી. ઝાલા અને જીતેન્દ્ર ડી. પટેલ રોકાયેલા હતા.

જામનગર હાપા સબ ડિવિઝનલ ઓફિસના દિલીપસિંહ જાડેજા વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં સન્માન કરાયું

0

​હાપા સબ ડિવિઝનલ ઓફિસના દિલીપસિંહ જાડેજા વયમર્યાદાના કારણે નિવૃત્ત: શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવસભર વિદાય અપાઈ

  • ​પૂજ્ય દેવીપ્રસાદજી મહારાજે પાઠવ્યા આશીર્વાદ

​દેશ દેવી ન્યુઝ જામનગર ૧ ઓક્ટોબર ૨૬ જામનગરના હાપા સબ ડિવિઝનલ ઓફિસ ખાતે દીર્ઘકાળ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કર્મચારી દિલીપસિંહ જાડેજા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં કચેરી પરિવાર દ્વારા તેમનો ભાવસભર વિદાય તથા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.​આ પ્રસંગે શ્રી આણદાબાવા આશ્રમના મહંત પૂજ્ય દેવીપ્રસાદજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી અથવા શુભાશીર્વચન પાઠવીને દિલીપસિંહ જાડેજાની નિષ્ઠાવાન કામગીરીને બિરદાવી હતી અને તેમના નિવૃત્ત જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.સમારોહ દરમિયાન કચેરીના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાથી કર્મચારીઓ દ્વારા દિલીપસિંહ જાડેજાનું શાલ ઓઢાડીને તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ સહકર્મીઓએ તેમની સેવાઓ અને સહકારભર્યા વ્યવહારની સરાહના કરી હતી.​કાર્યક્રમના અંતે અધિકારીઓ અને કર્મચારીઓએ દિલીપસિંહ જાડેજાને તેમની સફળ સરકારી સેવા બદલ અભિનંદન પાઠવી, તેમના આગામી નિવૃત્ત જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-શાંતિની મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.

ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચ પર સટ્ટાબાજી: જોડીયામાં ભાવ ફેરનો જુગાર રમાડતા બે ઝડપાયા

0

જામનગરના જોડીયામાં ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે મેચના ભાવ ફેરનો જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા

  • માંડવી ચોકની હરભોલે હોટેલના પગથિયા પરથી રૂ.૨૦ હજાર રોકડા સહિત મુદ્દામાલ કબજે

દેશ દેવી ન્યુઝ જામનગર, તા.૧ ઓક્ટોબર ૨૬: જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જોડીયા પોલીસે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી વનડે મેચમાં ભાવ ફેરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.જોડીયા ટાઉનના માંડવી ચોક ખાતે આવેલી હરભોલે હોટેલના પગથિયા ઉપર જાહેરમાં મેચના ભાવ ફેરનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પો. હેડ કોન્સ્ટેબલ ચંદ્રવિજયસિંહ એચ. ઝાલા તથા પો. કોન્સ્ટેબલ ભરતકુમાર કિશોરભાઈ બંધિયાએ દરોડો પાડી સ્થળ પરથી રોકડ રૂ.૨૦,૦૦૦ તથા જુગાર સંબંધિત મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે આ મામલે જીગ્નેશભાઈ ચંદુભાઈ ગોસાઈ (રહે. વાણીયા શેરી, જોડીયા)ને ઝડપી પાડ્યો હતો, જ્યારે રાજેશ ધામેચા (રહે. જોડીયા ગામ) ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બંને સામે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી પો.ઇન્સ્પેક્ટર જે.પી. સોઢાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના કાલાવડ નાકા બહાર કોલેજિયન યુવકના શટરમાં માથા પછાડી ચાર શખ્સો તૂટી પડ્યા

0

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

  • લાકડાના ધોકાથી માથામાં ઘા મારી શટર સાથે માથું અથડાવતાં નાકમાં ફ્રેક્ચર; જાનથી મારી નાખવાની ધમકી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ઓક્ટોબર ૨૬, જામનગરમાં કાલાવડ નાકા બહાર શાહ પેટ્રોલ પંપ પાસે પાન લેવા ગયેલા ૧૯ વર્ષીય યુવાનને ચાર શખ્સોએ ગાળો આપી લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવાનને માથા તથા શરીરે મૂઢ ઇજાઓ ઉપરાંત નાકના ભાગે હાડકાનું ફ્રેક્ચર થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. મોરકંડા રોડ પર સનસિટી-૧માં રહેતા અને ડી.કે.વી. કોલેજમાં બી.એ.ના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ગુલામહેદર ફિરોજભાઈ ખફી તા.૩૦ સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ગનીભાઈ પાનવાળાની દુકાને પાન લેવા ગયા હતા. ત્યાં અકીલ નામનો શખ્સ બેઠો હતો અને ગુલામહેદર તેની પાસે પાન લીધા બાદ તેની દુકાન પાસે બેઠેલા ફેસલ સમા તરફ જોતાં ફેસલે ‘સામું કેમ જુએ છે’ તેમ કહી ગાળો આપી બોલાચાલી કરી હતી.ત્યારબાદ ફેસલે ફોન કરીને અન્ય શખ્સોને બોલાવ્યા હતા. થોડીવારમાં ઈદ્રીશ હાલા અને મોઈનુદ્દીન હાલા બર્ગમેન મોટરસાયકલ પર તથા આદિલ હાલા એક્સેસ મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા. ઈદ્રીશ પાસે લાકડાનો ધોકો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ચારેય શખ્સોએ ગુલામહેદરને ગાળો આપી ઈદ્રીશે ધોકાનો ઘા માથાના પાછળના ભાગે માર્યો હતો. ત્યારબાદ ફેસલ, મોઈનુદ્દીન અને આદિલે પણ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. મારથી નીચે પડી ગયેલા ગુલામહેદરને ચારેય શખ્સોએ માથા તથા શરીરે લાતો મારી હતી. તે ઉભા થવાનો પ્રયાસ કરતા ફેસલે તેનું માથું પકડી નજીકની બંધ દુકાનના શટરમાં જોરથી અથડાવ્યું હતું. જેના કારણે નાકના ભાગે ઈજા થઈ હતી. આસપાસના લોકો ભેગા થતાં હુમલાખોરોએ ત્યાંથી ભાગી છૂટતા પહેલાં ફરી સામું જોશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાદમાં ગુલામહેદરના કાકા અલીભાઈ વુનુસભાઈ ખફી તથા મુન્નાભાઈ ગુજરાતી ત્યાં પહોંચ્યા હતા અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં તપાસ દરમિયાન માથા તથા શરીરે મૂઢ ઇજાઓ અને નાકના હાડકાનું ફ્રેક્ચર હોવાનું જણાવાયું હતું. આ બનાવ અંગે ગુલામહેદર ખફીની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના ગુલાબનગરમાં ચાની હોટલ પાસે ધીંગાણું: તલવાર અને પાઇપ વડે હુમલો, સામસામે ગુનો નોંધાયો

0

જામનગરના ગુલાબનગરમાં ચાની હોટલ પાસે તલવાર પાઇપ અને કાચના ગ્લાસથી હુમલાની ફરિયાદ : સામા પક્ષે પણ ગાળો-ધમકીની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦, સપ્ટેમ્બર ૨૬ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં લક્કી હોટલ પાસે ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે થયેલા ઝઘડામાં સિટી- બી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. બંને ફરિયાદમાં એકબીજા સામે મારામારી, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે.પ્રથમ ફરિયાદમાં મોરકંડા રોડ રબાની પાર્ક વિસ્તારમાં રહેતા હાજીભાઈ અયુબભાઈ ખફીએ શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણી સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ હાજીભાઈ પોતાના મિત્રો શકીલ અને કાસમ સાથે સ્કોર્પિયો કારમાં ગુલાબનગરની લક્કી હોટલ પાસે ચા પીવા ગયા હતા. ચા અને સિગારેટ માંગવાના મુદ્દે શાહરૂખ સાથે બોલાચાલી થતાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ઈન્ડિયન પેટ્રોલ પંપ પાસે ઊભા હતા ત્યારે આરોપીઓ કારમાં આવી પહોંચ્યા હતા.ફરિયાદ મુજબ એક આરોપી તલવાર લઈને આવ્યો હતો અને હુમલો કરતાં ફરિયાદીએ હાથથી બચાવ કરતા ડાબી હથેળીમાં ઇજા થઈ હતી. અન્ય આરોપીએ લોખંડના પાઇપ વડે ફરિયાદીની સ્કોર્પિયો કારના કાચ અને બોનેટના કાચમાં ઘા મારી નુકસાન કર્યું હતું. ફરિયાદીના મિત્રો સાથે પણ ઢીંકાપાટુની મારામારી કરાઈ હોવાનો આક્ષેપ છે.

ત્યારબાદ ફરિયાદીને આરઝુ હોટલ પાસે લઈ જવાયો હતો, જ્યાં હનીફ નામના વ્યક્તિ સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદીને લાકડાના ધોકાથી ખભા તથા પગમાં ઘા મારવામાં આવતા ડાબા હાથની હથેળીમાં ચાર ટાંકા આવ્યા હોવાનું જણાવાયું છે. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

સામા પક્ષની ફરિયાદમાં કાચના ગ્લાસથી હુમલાનો આક્ષેપ

આ જ બનાવ અંગે શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણીએ હાજીભાઈ અયુબભાઈ ખફી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ હાજીભાઈ સ્કોર્પિયો કાર લઈને ચાની દુકાને આવ્યા હતા અને બે દિવસ અગાઉ થાર કાર લઈને જતા સમયે કતરાઈને જોવાના મુદ્દે બોલાચાલી કરી હતી. બાદમાં ગાળો આપી ચાના થડા પર પડેલા ખાલી કાચના ગ્લાસના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.આ રીતે ગુલાબનગરના એક જ બનાવમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા સિટી-બી પોલીસે બંને ફરિયાદના આધારે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપો કરી કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરે છે : ભાજપ

0

ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપો કરી કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરે છે : ભાજપ

  • રાહુલ ગાંધી અને વિપક્ષ ‘ખોટું કથાનક’ ઊભું કરી રહ્યા હોવાનો આક્ષેપ : જામનગરમાં ભાજપની પત્રકાર પરિષદ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૯ સપ્ટેમ્બર ૨૬ : જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભાજપના આગેવાનોએ કોંગ્રેસ તથા રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ગજેરા સહિત ભાજપના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરના મેયર મોનિકાબેન વ્યાસે પત્રકાર પરિષદને સંબોધી હતી.મેયર મોનિકાબેન વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા કાલ્પનિક લેખના આધારે ચૂંટણી પંચ સામે ખોટા સવાલો ઉઠાવી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પત્ર દ્વારા સ્પષ્ટતા કરી છે કે એસ.આઈ.આર. સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે તેમજ ફોર્મ-૬માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મતદારોની ચકાસણી પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે. તેમ છતાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી અંગે પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ભાજપના આગેવાનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે ‘જૂઠાણાંની ફેક્ટરી’ બની ગઈ છે. અગાઉ ઈ.વી.એમ., ત્યારબાદ એસ.આઈ.આર. અને હવે ચૂંટણી પંચને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી અને વિપક્ષ દ્વારા ‘ખોટું કથાનક’ ઊભું કરી દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ ભાજપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.

જામનગરની સડકો પર કોંગ્રેસનો આક્રોશ: ‘વોટ ચોરી’ મામલે સૂત્રોચ્ચાર સાથે વિરોધનો વંટોળ

0

વોટ ચોરીના આક્ષેપ મામલે જામનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

  • જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખ ની આગેવાનીમાં શરૂસેક્શન રોડથી કલેક્ટર કચેરી સુધી રેલીનો પ્રયાસ : પોલીસે અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખસેડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮સપ્ટેમ્બર ૨૬ : મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને ‘વોટ ચોરી’ના આક્ષેપોના મુદ્દે આજે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ શરૂસેક્શન રોડ પર રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી તરફ આવેદનપત્ર આપવા જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે રેલીને અટકાવી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. તમામને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.બીજી તરફ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં લાલ બંગલા સર્કલ ખાતે પણ ‘વોટ ચોરી’ના મુદ્દે ધરણા-વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી અને મતદાર યાદી સંબંધિત મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે અહીં પણ વિરોધ પ્રદર્શન અટકાવી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. આમ, ‘વોટ ચોરી’ના આક્ષેપોના મુદ્દે કોંગ્રેસ દ્વારા યોજાયેલા બંને વિરોધ પ્રદર્શનને પોલીસે અટકાવી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

જામનગર લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ૪ કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

0

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ૪ કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

  • રૂા.૨.૧૧ લાખના મુદ્દામાલ સાથે એસઓજી અને મેઘપર પોલીસની સંયુક્ત કાર્યવાહી : ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખ્યો હોવાનું ખુલ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ સપ્ટેમ્બર ૨૬ : જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસઓજી અને મેઘપર (પડાણા) પોલીસની સંયુક્ત ટીમે મેઘપર ગામમાંથી ૪ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે રૂા.૨.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.એસઓજી તથા મેઘપર (પડાણા) પોલીસની ટીમ સંયુક્ત પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, મેઘપર ગામમાં આરઓ પ્લાન્ટ પાસે આવેલા મકાનની ઓરડીમાં રહેતો સુનિલકુમાર રામબાબુ રાય ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઓરડીમાંથી સુનિલકુમાર રામબાબુ રાય (મૂળ રહેવાસી વૈશાલી, બિહાર) મળી આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ૪ કિલો ગાંજો, કિંમત રૂા.૨ લાખ, એક મોબાઇલ ફોન રૂા.૧૦ હજાર તથા રોકડા રૂા.૧,૫૨૦ મળી કુલ રૂા.૨,૧૧,૫૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ કામગીરી એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયા તથા એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.