Friday, October 16, 2026
Home Blog Page 170

જામનગર જિલ્લાના રમતવીરો માટે સ્પોર્ટ કોમ્પલેક્ષ બનશે : રિવાબા જાડેજા

0

જામનગર જિલ્લા ના રમતવીરો માટે ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ના પ્રયાસોથી મહત્વના આંનદદાયક સમાચાર

  • જામનગર શહેરમાં જૂની બ્રુક બોન્ડ વાળી ૪૮.૦૦૦ ચોરસ મીટર જગ્યામાં વિશાળ ડિસ્ટ્રીક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે રાજ્ય સરકાર ની લીલી ઝંડી
  • ફૂટબોલ-વોલીબોલ-ખોખો-કબડ્ડી લોન ટેનીશ બાસ્કેટબોલ ૪૦૦ મીટર નો એથેલીક ટ્રેક સહીત ની જુદી જુદી રમતો માટેનું કોમ્પ્લેક્સ તૈયાર થશે
  • અંદાજિત રૂપિયા ૨૧ કરોડના ખર્ચે તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ફેબ્રુઆરી ૨૪, જામનગર શહેરના રમતવીરો માટેના ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થયા છે, અને ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા જુની બ્રુકબોન્ડ વાળી ૪૮.૦૦૦ ચોરસ મીટર જગ્યામાં જામનગર જિલ્લાનું નવું ડિસ્ટ્રીક સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા માટેની આખરે મંજૂરી મળી ગઈ છે, અને આ જગ્યામાં બાસ્કેટબોલ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, લોન ટેનિસ, ફૂટબોલ ૪૦૦ મીટર નો એથેલીક ટ્રેક સહિતની જુદી જુદી રમતો માટેનો ઇન્ડોર હોલ અને આઉટ ડોર ગેમ્સ સહિતની રમતો માટેનું ડિસ્ટ્રીક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવનાર છે, અને અંદાજે ૨૧ કરોડના ખર્ચે તૈયાર થનારા નવા ડિસ્ટ્રીક સ્પોર્ટ કોમ્પ્લેક્સ નું ટૂંક સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ થશે, તેવા અહેવાલો ધારાસભ્ય રિવાબા જાડેજાના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે.

જામનગર શહેર જિલ્લાના જુદી-જુદી રમતોના ખેલાડીઓ માટે હાલ કોઈ સરકારી મોટું મેદાન છે નહીં, ત્યારે જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સર્વે રમતવીરોના હિતને ધ્યાનમાં રાખીને જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ની બાજુમાં આવેલા ગ્રીન ઝોન માં સમાવેશ એવા બ્રુક બોન્ડ વાળી જગ્યા, કે જે હાલ સરકાર હસ્તક છે, તે જગ્યાપર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માટે સૌપ્રથમ જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, અને તે અંગેની દરખાસ્ત તૈયાર કરીને ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ કરવામાં આવી હતી.

જે રજૂઆતને આખરે સફળતા મળી છે, અને જામનગર જિલ્લા માટે નવો ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ત્યારે જામનગરના ધારાસભ્ય ની રજૂઆતને આખરે સફળતા મળી છે, અને જામનગરના રમતવીરો માટે ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થયા છે.

નવા રેલ્વે સ્ટેશન ની બાજુમાં આવેલી જગ્યા કે જ્યાં નવું ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઊભું કરી શકાય, તે પ્રમાણેની પર્યાત માત્રામાં જગ્યા હોવાની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી છે, અને ઉપરોક્ત સ્થળે ઇન્ડોર બિલ્ડીંગ બનાવવા માટેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ ઇન્દોર રમતો માટે નો હોલ અને બિલ્ડીંગ તેમજ ૪૦૦ મીટર મીટરની આઠ લેન વાળી એથ્લેટિક ટ્રેક બનશે, ઉપરાંત ફૂટબોલ નું ગ્રાઉન્ડ તૈયાર કરાશે. જ્યારે વોલીબોલ કોર્ટસ બનશે.

સાથોસાથ ખોખો, કબડ્ડી, લોન ટેનિસ, બાસ્કેટબોલ જેવી ઇન્ડોર ગેમ્સ માટેનો પણ નવો હોલ અને બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. જે અંગેની તૈયારીઓ ચાલી રહી છે. સાથો સાથ ખેલાડીઓ માટે પણ કોમ્પ્લેક્સ ની અંદર ટોયલેટ બ્લોક, પાર્કિંગ તેમજ જુદા જુદા એન્ટ્રી એકઝીટ ગેઇટ, સિક્યુરિટી વિભાગ સહિતના તમામ પાસાઓ પણ ચકાસવામાં આવ્યા છે, અને નજીકના ભવિષ્યમાંજ તનું ખાત મુહૂર્ત થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ધારાસભ્ય રિવાબા જાડેજા ના જણાવાયા અનુસાર ટૂંક સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડિસ્ટ્રીક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નું ખાત મુહૂર્ત થશે, અને અંદાજે ૨૧ કરોડના ખર્ચે સમગ્ર કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે. જે બની ગયા પછી જામનગર શહેર જિલ્લાના તમામ રમત વીરો માટે સરકારી માધ્યમથી એક સારું રમતો માટેનું પ્લેટફોર્મ પૂરું પાડી શકાશે, અને રેલવે સ્ટેશન ની નજીક ગ્રીન ઝોન માં જ આવેલું હોવાથી તેનો પ્રત્યેક રમતવિરોને ખૂબ જ લાભ મળી રહેશે.

જામનગર માં પત્ની ના વિયોગમાં યુવાનનો આપઘાત

0

જામનગરના હાપા વિસ્તારમાં રહેતા ગેરેજ સંચાલક યુવાનનો પત્ની ના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

  • પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ હોવાથી અને પરત આવવા રાજી ન હોવાથી ગળાફાંસો ખાઈ જીવ દીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ફેબ્રુઆરી ૨૪, હાપા નજીક રંગમતી આવાસ માં રહેતા અને ગેરેજ નું સંચાલન કરતા એક યુવાને પોતાની પત્નીના વિયોગમાં જિંદગીથી કંટાળી જઇ આપઘાત કરી લીધો છે. પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ હોવાથી અને પરત આવતી ન હોવાથી ગળાફાંસા દ્વારા પોતાનું જીવન સમાપ્ત કર્યું છે.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગર ના હાપા સ્થિત રંગમતી આવાસ ના બ્લોક નંબર ૭૦૫ માં સાતમા માળે રહેતા સંજય દેવશીભાઈ પરમાર નામના બાવીસ વર્ષના ગેરેજ સંચાલક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતક ની બહેન રેખાબેન દેવશીભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં પંચ કોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ની પત્ની છેલ્લા દસેક દિવસથી તેના માવતર રિસાઈને ચાલી ગઈ હતી, જેને અનેક વખત સમજાવવા છતાં પરત આવે તેમ ન હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર માં અગામી તારીખ ૨૪ બપોર થી ૨૫ સવાર સુધી ટાઉનહોલથી સાત રસ્તા સુધીનો માર્ગ બંધ

0

જામનગરમાં તા.૨૪ ના રોજ બપોરે ૩.૦૦ કલાકથી તા.૨૫ ફેબ્રુઆરી સવારે ૯.૦૦ કલાક સુધી ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે

  • વાહનચાલકોએ વૈકલ્પિક રુટ તરીકે સાત રસ્તા સર્કલથી એસ.ટી.બસ સ્ટેન્ડ તરફ તથા ટાઉન હોલ-તીનબતી-અંબર સર્કલ તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પડાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ ફેબ્રુઆરી ૨૪ આગામી તા.૨૪-૨૫/૦૨/૨૦૨૪ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય, આથી જામનગર શહેરના ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા. ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

સદરહુ જગ્યાએ ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવ ની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર દ્વારા જામનગર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બ) અન્વયે તમામ પ્રકારના વાહનો માટે તા.૨૪/૦૨/૨૦૨૪ ના રોજ ૧૫:૦૦ કલાકથી તા.૨૫/૨/૨૪ ના રોજ ૦૯:૦૦ કલાક સુધી ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના બંને સાઈડના રોડ પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.આ માર્ગના વૈકલ્પિક રૂટ તરીકે વાહનચાલકોએ સાત રસ્તા સર્કલથી લઈ એસ.ટી. બસ સ્ટેન્ડ તરફનો રૂટ તથા ટાઉન હોલ-તીનબતી- અંબર સર્કલ તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે.

ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ , કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો તથા ફાયર સર્વિસ તેમજ સદરહુ રસ્તા પર આવેલ સરકારી વસાહતમાં રહેતા લોકોને ખરાઈ કરી અવરજવર માટે બંદોબસ્ત ઈન્ચાર્જના સંકલનમાં રહી જરૂર જણાયે મુક્તિ આપવાની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખામાં ફાયરમેનની ભરતી યોજાઈ

0

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફાયરમેનની ભરતી યોજાઈ

  • ૩૮ જગ્યાઓ ભરવા માટે ૯૩૬ ઉમેદવારો આવ્યા: ઉમેદવારો નું શારીરિક પરીક્ષણ કરાયું

દેશ દેવી ન્યુઝજામનગર તા ૨૨ ફેબ્રુઆરી ૨૪ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફાયરમેનની ભરતી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, અને નવી ૩૮ જગ્યાઓ ભરવા માટે ૯૩૬ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ શારીરિક ચકાસણી કરવામાં આવી રહી છે. જામનગર ના સ્પોર્ટસ સંકુલમાં આજે ફાયરમેનની ભરતી ની પ્રક્રિયાઓ શરૂ કરાઈ હતી, અને ૩૮ જગ્યાઓ ભરવા માટે કુલ આવેલા ૯૩૬ ફોર્મ પૈકી આજે પ્રથમ દિવસે ૧૩૦ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે, અને તેઓની સ્વિમિંગ સહિતની શારીરિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.સતત સાત દિવસ સુધી આ ભરતી ની પ્રક્રિયા ચાલશે, જેની ટેસ્ટ લેવાયા પછી આખરે ૩૮ ફાયરમેનની ભરતી કરવામાં આવશે.

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું

0

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

  • એરફોર્સ સ્ટેશન, સર્કિટ હાઉસ તથા મહાનુભવના કોન્વોય રૂટ સહિતના વિસ્તારોને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ ફેબ્રુઆરી ૨૪, આગામી તા.૨૪-૨૫/૦૨/૨૦૨૪ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે, અને ત્યારબાદ તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંભવિત પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઈ મહાનુભાવની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચાડે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે જામનગર જિલ્લાના એરફોર્સ સ્ટેશન, સર્કીટ હાઉસ તથા મહાનુભાવશ્રીના આવવા-જવાના કોન્વોય રૂટની આજુ-બાજુના વિસ્તારોને “નો ડ્રોન ફલાય ઝોન” જાહેર કરેલ છે.

ઉપરાંત તે વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપુર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે.આ હુકમ તા.૨૧/૦૨/૨૦૨૪ ના કલાક ૦૦-૦૦ થી તા.૨૫/૦૨/૨૦૨૪ ના ૨૨.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાંનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ તળે શિક્ષાપાત્ર થશે.

જામનગરમાં યુવતિએ ફોન ‘ન’ ઉપાડ્યો તો મંગેતરે બેલ્ટથી માર માર્યો

0

જામનગર તાલુકાના નારણપર ગામમાં યુવતીએ ફોન નહીં ઉપાડતાં મંગેતરે તકરાર કરી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

  • તું કેમ મારા ફોન નથી ઉપાડતી અને તારી મનમાની કરે છે, તેમ કહી કારમાં માથું અથડાવી બેલ્ટથી માર મારી સોનાની વીંટી ઝુંટવી લીધી
  • આરોપી : -(૧) રવીરાજસિંહ જોરૂભા કંચવા રહે-જકાતનાકા પાસે,એસ.આર.પંપની સામે, કુદરત રેસીડેન્સી જામનગર મો.૯૮૯૮૭૨૪૨૪૭ 

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ફેબ્રુઆરી ૨૪ જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતી એક યુવતી ને તેણીના મંગેતરે ફોન નહી ઉપાડવા ના પ્રશ્ને ઘર નીચે કારમાં બોલાવી માથું કારમાં અથડાવ્યા પછી બેલ્ટથી માર મારી સોનાની વીંટી ઝુંટવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતી ઋત્વિકાબા ભાવસંગજી જાડેજા નામની ૨૩ વર્ષની એક યુવતીએ પોતાને ઘર પાસે કારમાં બોલાવ્યા પછી તકરાર કરી પોતાનું માથું કારમાં અથડાવી ઇજા પહોંચાડી હતી.ત્યારબાદ પોતે પહેરેલા બેલ્ટ પડે માર માર્યો હતો, અને હાથમાં પહેરેલી રૂપિયા ૧૫ હજારની કિંમતની સોના ની વીટી ઝુંટવી લીધી હતી, અને પરિવારને આ બનાવ બાબતે જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.

ફરિયાદી યુવતી નું આરોપી સાથે પાંચમી ફેબ્રુઆરીના રોજ સગપણ થયું હતું, અને ફરિયાદી સાથે અવાર-નવાર મોબાઇલ ફોનમાં વાતચીત કરતા હતા. પરંતુ ગત ૧૭ મી તારીખે ફરિયાદી પોતાના ઘેર સૂઈ ગયા હતા, દરમિયાન આરોપીએ ફોન કરતાં તેનો ફોન રિસીવ થયો ન હતો. તેનું મનદુઃખ રાખીને ગઈકાલે આરોપી પોતાના કારમાં મંગેતર ના ઘેર આવ્યો હતો, અને ઘરમાંથી નીચે કારમાં બોલાવી લીધા પછી તેને માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસે.પી.કો. કલમ ૩૯૪, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા ચલાવે છે.

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ૩૮ વર્ષના યુવાનનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ

0

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષના યુવાનનું હૃદય બંધ પડી જતાં અપ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ફેબ્રુઆરી ૨૪ મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ મોટી ખોડીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું હાર્ટ ફેઇલ થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. જે મામલે સિક્કા પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ બીહાર રાજ્યનો વતની અને હાલ મોટી ખાવડીમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતો અનુજ યાદવ નામનો ૩૮ વર્ષનો યુવાન, કે જે ગત ૧૯મી તારીખે બીમારીની સારવાર માટે સિક્કાની હોસ્પિટલમાં આવ્યો હતો, અને તેની સારવાર ચાલુ હતી દરમિયાન પોતે રજા લીધા વિના હોસ્પિટલથી બહાર નીકળી ગયો હતો, અને સિક્કા વિસ્તારમાં એકાએક બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો.

તેને ફરીથી પ્રથમ સિક્કાની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ ફેઇલ થઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીરસિંહ ડી. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના કોંગી કોર્પોરેટરને હત્યાના પ્રયાસ કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કરાયા

0

જામનગરના કોંગી કોર્પોરેટર અને પૂર્વ વીપક્ષી નેતા ની પોલીસ દ્વારા પાંચ માસ પહેલાંના હત્યા પ્રયાસ કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટરની ગઈ રાત્રે પોલીસ દ્વારા હત્યા પ્રયાસ અંગેના પાંચ માસ જુના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, અને અદાલત સમક્ષ રજુ કરાયા પછી તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નંબર ૧૨ના કોંગી કોર્પોરેટર અસલમ ખીલજી કે જેની સામે આજથી પાંચ માસ પહેલાં સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં એક યુવાનની હત્યા નો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા રહ્યા હતા. જામનગરના કાલાવડ નાકા બહાર રહેતા અબુ સૂફીયાન નામના યુવાન સાથે જુના ચૂંટણીના મન દુઃખ અંગે તકરાર ચાલતી હતી, અને મારામારીના કેસમાં જામીન પર છૂટ્યા પછી તુરત જ અસલમ ખીલજીના કહેવાથી તેના અન્ય ચાર સાગરીતો દ્વારા તેનું આપહરણ કરાયું હતું, અને જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જે અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયા પછી આટલા સમયથી કોર્પોરેટર અસલમ ખીલજી નાસતા ફરતા રહ્યા હતા. દરમિયાન ગઈકાલે તેઓ જામનગરમાં આવ્યા હોવાની બાતમી મળતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સૂચનાથી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા અને તેમની ટીમે અસલમ ખીલજીની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને આજે અદાલત સમક્ષ રજૂ કરાતાં તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે.

હાલારના ૧૪૫૦ રામભક્તો અયોધ્યામાં શ્રી રામ લલ્લાના દર્શનાર્થે રવાના

0

હાલારના બન્ને જિલ્લામાંથી આસ્થા સ્પે.ટ્રેન મારફતે ૧૪૫૦ રામભક્તો અયોધ્યામાં રામ લલ્લા ના દર્શનાર્થે રવાના થયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૧ ફેબ્રુઆરી ૨૪, રામ ભક્તો નો પ્રવાહ અયોધ્યા તરફ વળ્યો છે.હાલારના બન્ને જિલ્લામાંથી ૧૪૫૦ થી વધુ રામ ભકતો આજે ખાસ ટ્રેન મારફત અયોધ્યા જવા રવાના થયા હતા.જેમાં સાંસદ પણ દ્વારકા થી જામનગર સુધી ટ્રેનમાં જોડાયા હતા. બંને જિલ્લાના રામભકતો અયોધ્યા જવા માટે આજે રવાના થયા, ત્યારે જામનગરના રેલ્વે સ્ટેશન પર ઉપસ્થિત રહેલા ભાજપ નાં આગેવાનો એ વિદાય આપી હતી.

ભગવાન શ્રીરામના જન્મ સ્થળ અયોધ્યામાં મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પછી મંદિર લોકોના દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવતા ભકતોનો પ્રવાહ અયોધ્યા તરફ જઈ રહ્યો છે.આજે દ્વારકાથી લગભગ ૪૦૦ યાત્રિકો ખાસ ટ્રેન માર્ગે રવાના થયા છે. આ ટ્રેન બપોરે જામનગર આવી પહોંચી હતી. ત્યારે લગભગ જામનગર જિલ્લાના ૧૦૫૦ જેટલા રામભકતો જામનગર થી આ ટ્રેનમાં સાથે જોડાયા હતા. અને અયોધ્યા જવા રવાના થયા હતાં.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના સાંસદ પૂનમબેન માડમ પણ દ્વારકા થી જ રામભક્તો સાથે ટ્રેનમાં જોડાયા હતા અને દ્વારકા થી જામનગર સુધી મુસાફરી કરી હતી. આજે બપોરે આ ટ્રેન જામનગરના રેલ્વે સ્ટેશન આવી પહોંચતા આ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા , શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા , ભાજપના કોર્પોરેટરો, આગેવાનો સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ એ રામ ભક્તોને વિદાય આપી હતી.

જામનગર બનેવી ના ઘરે આંટો દેવા આવેલા સાળાનું હ્દય બેસી ગયું

0

લાલપુરમાં બનેવીને ઘેર આંટો દેવા આવેલા ભાણવડ પંથકના ૩૨ વર્ષ ના યુવાનનું હાર્ટ ફેઇલ થઈ જતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ફેબ્રુઆરી ૨૪, ભાણવડ તાલુકા ના મેવાસા ગામનો ૩૨ વર્ષનો દલિત યુવાન ગઈકાલે રાત્રે લાલપુરના ધરાર નગર વિસ્તારમાં રહેતા પોતાના બનેવી ને ઘેર આંટો દેવા માટે આવ્યો હતો, દરમિયાન તેનું હાર્ટ ફેઈલ થઈ જતાં મૃત્યુ નીપજયું છે. જેથી પરિવારજનોમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું છે.

આ બનાવની વિગત એવી છે કે ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતો રાજુ ઉર્ફે રાજેશ મેઘાભાઈ ચાવડા નામનો ૩૨ વર્ષનો યુવાન, કે જે ગઈકાલે રાત્રે લાલપુરના હુસેની ચોક વિસ્તારમાં રહેતા પોતાના બનેવીને ઘેર રોકાવા માટે આવ્યો હતો, અને રાત્રે રોકાણ કર્યા પછી આજે સવારે તેને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેનું હાર્ટ ફેઈલ થઈ જતાં મૃત્યુ નિપજ્યું હોવાનું લાલપુર ની સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતક ના પિતા મેઘાભાઈ આલાભાઇ ચાવડાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.પી. વસરા બનાવના સ્થળે તેમજ લાલપુર ની સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા, અને રાજેશ ચાવડાના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક યુવાનને જુની વાલની તથા માનસિક બીમારી હતી, અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલતી હતી. દરમિયાન આજે સવારે તેનું હાર્ટ ફેઈલ થઈ ગયું હોવાનું પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં જાહેર કરાયું છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં શોક નુ મોજું ફરી વળ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.