જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં એક યુવાનની તિક્ષણ હથિયાર વડે હત્યા નિપજાવાયાનો મામલો સામે આવતા ભારે ચકચાર
- પોલીસે અમૃતક ના ભાઈ ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો અપરાધ નોંઘ્યો: સીસીટીવી કેમેરાની મદદથી તપાસ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ માર્ચ ૨૪ જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક યુવાનના માથા પર તિક્ષણ હથીયાર ના ઘા ઝીંકી દઇ હત્યા નો મામલો સામે આવતાં ભારે દોડધામ થઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, અને સીસીટીવી કેમેરા ના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોતાની પત્ની સાથે વાંધો પડ્યો હોવાથી ભરણ પોષણનો કેસ પણ ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા પ્રતાપભાઈ બાબુભાઈ મકવાણા નામના ૩૦ વર્ષના યુવાન પર ગઈકાલે સવારે કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથીયાર ના ઘા ઝીંકી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસ દ્વારા મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જેમાં તેને તીક્ષણ હથીયાર વડે હુમલો કરાયો હોવાથી તેનું મૃત્યુ નીપજયું હોવાનું તારણ નીકળ્યું હતું.જેથી પોલીસે મૃતકના ભાઈ મનસુખભાઈ મકવાણા ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને આરોપીઓને શોધવા માટે જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસવાનું શરૂ કર્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એક થી વધુ વ્યક્તિઓનું આકારસ્તાન હોવાનું અનુમાન લગાવાયું છે, અને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.મૃતક યુવાનને પોતાની પત્ની સાથે વાંધો પડ્યો હોવાથી તેનાથી અલગ રહેતો, હોવાનું અને પોતાના પુત્ર સાથે છેલ્લા ત્રણ મહિનાથી અલગ મકાન ભાડે રાખીને રહેતો હોવાનું અને ભરણ પોષણનો કેસ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે. સીટી બી. ડિવિઝન ના પી.આઈ.એચ.પી.ઝાલા અને તેઓની ટીમ સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે, અને નજીકના ભવિષ્યમાં જ હત્યાનો ભેદ ઉકેલાઈ જાય તેમ જાણવા મળી રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ માર્ચ ૨૪ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારીજી આજરોજ તા.૦૨ માર્ચના રોજ જામનગરની મુલાકાતે છે. ત્યારે દિયા કુમારીજીએ જામનગર શહેરમાં સ્થિત સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરે પ્રભુ ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
દિયા કુમારીજી સાથે ધારાસભ્ય સર્વેશ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી સર્વેશ્રી રમેશભાઈ મુંગરા, ડો.વિમલભાઈ કગથરા , સાસક પક્ષના નેતા આશિષ જોષી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ માર્ચ ૨૪, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓએ એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, શ્રીજી હોલ પાસે મિલેટ એક્સપોને ખુલ્લો મૂકી જામનગર જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી એ વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં બેડી બંદર રોડ, ઓવર બ્રિજ નજીક બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના રમત સંકૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
જામનગરમાં જિલ્લા કક્ષાનું રમત સંકૂલ બનાવવા માટે સરકાર દ્વારા આશરે ૧૨ એકર જમીન ફાળવવામાં આવી છે. અંદાજે ૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રમત સંકુલમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ, ૧૦૦ મી. શુટીંગ રેન્જ તથા આઉટડોર ગેમ્સમાં ૪૦૦ મીટર મડી એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે વોલીબોલ કોર્ટ, બે કબડ્ડી મેદાન, ખો-ખો કોર્ટ, ચાર ટેનીસ કોર્ટ, બે બાસ્કેટબોલ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.આ જિલ્લા રમત સંકૂલના નિર્માણથી જામનગર જિલ્લાની યુવા પેઢીને રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસિત કરવાની તેમજ રમત ગમત ક્ષેત્રે આગળ વધવાની ઉમદા તકો પ્રાપ્ત થશે.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આઈપીએસ અધિકારી અજય કુમાર મીણાં અને ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા ગઈકાલે સાંજે ખંભાળિયા બાયપાસ રોડ પર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ડાર્ક ફિલ્મ લગાવીને કાર ચલાવતા હોય તેવા કાર ચાલકો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલે સાંજે બે કલાકના સમયગાળા દરમિયાન ડાર્ક ફિલ્મ લગાવેલા ૨૦ કાર ચાલકો મળી આવ્યા હતા. જે તમામ કારમાંથી ડાર્ક ફિલ્મને ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી, જયારે તેઓ પાસેથી સ્થળ પર હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.
