Friday, October 16, 2026
Home Blog Page 167

જામનગરના સાયચા બંધુઓ સામે લેન્ડગ્રેબીંગ અંગેનો બીજો ગુનો નોંધાતાં ચકચાર

0

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા કુખ્યાત સાયચા બંધુઓ સામે લેન્ડગ્રેબીંગ અંગેનો બીજો ગુનો નોંધાતાં ચકચાર

  • હાલ જેલમાં રહેલા બંને ભાઈઓ દ્વારા સરકારી જગ્યામાં ગેરકાયદે બંગલો બનાવી લીધા નું ખુલ્યું હોવાથી બીજો ગુન્હો દર્જ
  • આરોપી: – રજાક નુરમામદ સાયચા તથા હનીફ નુરમામદ સાયચા બંન્ને રહે.બેડીના ઢાળીયા પાસે જામનગર તથા તપાસમા ખુલે તે તમામ 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૭ માર્ચ ૨૪ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા કુખ્યાત સાયચા બંધુઓ સામેના એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. બંને સાયચા બંધુઓએ સરકારી જમીનમાં વધુ એક બંગલો ગેરકાયદે રીતે ખડકી દીધો હોવાનું સર્વે દરમિયાન સામે આવ્યું છે, જેથી તેમની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રજાક નુરમામદ સાયચા, અને અને હનીફ નૂરમામદ સાયચા દ્વારા બેડી વિસ્તારમાં સરકારી રેવન્યુ સર્વે નંબર ૪૦ વાળી જગ્યામાં ગેરકાયદે બંગલો બનાવી લીધા નું સામે આવ્યા પછી બંને ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો, અને તેઓએ બનાવેલા બંગલા પર સરકારી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

દરમિયાન તેણે હાઇકોર્ટનો આશરો મેળવીને થોડા સમય માટે સ્ટે મેળવ્યો હતો, પરંતુ તાજેતરમાં હાઇકોર્ટ તરફથી સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો છે, અને સરકાર પક્ષે જમીન ખુલ્લી કરાવવાનો માર્ગ મોકળો બન્યો છે, અને ફરીથી ડીમોલેશન ની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
દરમિયાન જામનગર શહેર વિભાગના મામલતદાર ની કચેરીના સર્કલ ઓફિસર હિતેશકુમાર ખુશાલભાઈ જાદવની તપાસના આધારે બંને સાયચા બંધુઓએ બેડી વિસ્તારમાં આવેલી સરકારી ખરાબા ના રેવન્યુ સર્વે નંબર ૪૦ પૈકીની જમીનમાં વધુ એક બંગલો ખડકી દઈ દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.
જેથી સર્કલ ઓફિસર દ્વારા સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે વધુ એક લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.

જે ફરિયાદના અનુસંધાને જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીર સિંહ ઝાલાએ સમગ્ર પ્રકરણની તપાસ પોતાના હાથમાં રાખી છે, અને બંને સાયચા બંધુઓ રજાક નુરમામદ અને હનીફ સાયચા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેય ૨૦૨૦ ની કલમ ૪(૨),૪(૩), અને ૫ (ગ) મુજબ ગુનો નોંધ્યો છે, હાલ બંને આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા હોવાથી તેઓનો ટ્રાન્સફર વોરંટ થી કબજો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, સાથો સાથ સરકારી જગ્યા પર ખડકાયેલા બંગલાને ડીમોલેસન કરવાની પણ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.

જામજોધપુરના નરમાણા ગામમાં ખેડૂત કુવામાં પડી જતાં ડૂબી જવાથી અપમૃત્યુ

0

જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં ખેડૂત યુવાનનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ માર્ચ ૨૪ જામજોધપુર તાલુકા ના નરમાણાં ગામમાં રહેતો અને ખેતી કામ કરતો એક યુવાન પોતાની વાડીના કુવામાં પાણી જોવા જતાં અકસ્માતે કુવામાં પટકાઈ પડ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતો અને ખેતી કામ કરતો દિલીપ વલ્લભભાઈ અજુડીયા નામનો ૪૫ વર્ષનો પટેલ યુવાન ગઈકાલે રાત્રે પોતાની વાડીએ ધાણાના પાકમાં પાણી વાળવા માટે ગયો હતો.

જ્યાં રાત્રે ના અંધારામાં કુવામાં પાણી જોવા જતાં અકસ્માતે કુવામાં પટકાઈ પડ્યો હતો, અને ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંજય વલ્લભભાઈએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં વીજબિલના નાણાં ભરવામાં ઠાગાઠૈયા કરતા ગ્રાહકના કનેક્શન થશે કટ

0

જામનગર શહેરના દરબારગઢ વિસ્તારમાં વીજબિલના બાકી રોકાતા નાણાં વસૂલવા માટેની વિજતંત્ર દ્વારા ઝુંબેશ

  • વીજબિલના નાણાં ભરવામાં ઠાગાઠૈયા કરતા વીજ ગ્રાહકોને ત્યાં રિકવરી માટે ની ટુકડીને દોડાવાઇ વીજ કનેક્શન કટ સહિતની કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા તા ૬ માર્ચ ૨૪, જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા વીજબિલના નાણાં નહીં ભરનારા વીજ ગ્રાહકો સામે પગલાં લેવા માટેની કાર્યવાહીનો આજથી પ્રારંભ કરાયો છે.

આગામી ૩૧ માર્ચ ને અનુલક્ષીને વીજબીલના નાણાની રિકવરી ની ઝુંબેશને વેગવંતી બનાવવાના ભાગરૂપે જામનગર શહેરના દરબારગઢ વિસ્તારમાં રહેતા વીજ ગ્રાહકોઝ કે જે લોકોની લાંબા સમયથી વીજબિલની રકમ બાકી છે, તેવા વીજ ગ્રાહકો ના ઘેર ઘેર ચેકિંગ ટુકડીને દોડાવવામાં આવી રહી છે. તેઓ પાસેથી સ્થળ પર જ બિલના નાણાંની વસુલાત કરવા માટેની કામગીરી હાથ કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈ નાણાં ભરવામાં ઇન્કાર કરે, તો તેઓના વીજ જોડાણ કટ કરી વિજ મીટર ઉતારી લેવા માટેની પણ પ્રક્રિયાઓ હાથ ધરાતાં નાણા નહીં ભરનારા તત્વો માં ફફડાટ મચી ગયો છે.

જામનગરનાં તબીબ દંપતિની પુત્રીએ વધાર્યુ નગરનું ગૌરવ

0

જામનગરનાં તબીબ દંપતિની પુત્રીએ વધાર્યુ નગરનું ગૌરવ

  • યશ્વી સાતાને રાજ્યપાલની ઉપસ્થિતિમાં એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૯ ગોલ્ડ મેડલ સહિત ૧૧ પુરસ્કાર થશે એનાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ માર્ચ ૨૩, રાજકોટમાં ૧૦ માર્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની યશ્વી સાતાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૯ ગોલ્ડ મેડલ સહિત ૧૧ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે યશ્વીનાં પિતા ડો. વિજય સાતા ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં ઓર્થોપેડીક વિભાગનાં વડા તરીકે સેવારત છે, જ્યારે માતા ડૉ. નીતાબેન (માંઢાઈ) સાતા ગાયનેકોલોજીસ્ટ છે. યશ્વી એ માતા-પિતાનાં પગલે ચાલી તબીબી અભ્યાસક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરી સાતા પરીવાર ઉપરાંત સમગ્ર શહેરનાં ગૌરવમાં વધારો કર્યો છે.

જામનગર પશ્ચિમ બંગાળમાં મહિલા ઉપર અત્યાચારનાં મુદ્ ABVP નું કલેકટર ને આવેદન પત્ર

0

પશ્ચિમ બંગાળ મા મહિલા ઉપર અત્યાચાર નાં મુદ્દે જામનગર મા એ બી વી પી નું કલેકટર ને આવેદન પત્ર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૫ માર્ચ ૨૪ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત ગુનેગારો દ્વારા મહિલાઓ સામે આચરવામાં આવેલા જઘન્ય અપરાધો અંગે આજે જામનગર મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાષ્ટ્રપતિ ને ઉદ્દેશી લખવા મા આવેલું આવેદન પત્ર જીલ્લા કલેક્ટર ને પાઠવાયું હતું. પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના સંદેશખાલી વિસ્તારની મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત ગુનેગારો દ્વારા તેમની સામૂહિક ઓળખનું ઉલ્લંઘન અને તેમના પરિવારો પર પદ્ધતિસરના અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. માનવતાને શરમજનક બનાવતી આ ઘટના ની એ બી.વી પી નિંદા કરે છે. ગત તાં.૧૦ /૨/૨૪ ના રોજ પશ્ચિમ બંગાળના ગવર્નર આનંદ બોઝ ની સંદેશખાલી મુલાકાતને કારણે આ ઘૃણાસ્પદ શોષણનું સત્ય વ્યાપક લોકો સમક્ષ આવ્યું. પશ્ચિમ બંગાળમાં, ઘણા જઘન્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં શાસક પક્ષના નેતાઓ હિંદુ ઘરોમાંથી સગીર છોકરીઓ અને મહિલાઓને બળજબરીથી અપહરણ કરે છે. અને રાજ્યમાં સત્તાધારી પક્ષના કાર્યાલયમાં લાવે છે અને. અત્યાચાર તેમજ દુષ્કર્મ આચરે છે. મોટાભાગના પીડિતો અત્યંત પછાત અને અનુસૂચિત જાતિની મહિલાઓ છે અને તેમના પર થતા અત્યાચારોથી કંટાળીને ઘણા પરિવારોને સંદેશખાલીમાંથી ભાગી જવાની ફરજ પડી છે. પશ્ચિમ બંગાળ રાજ્યના મહિલા મુખ્યમંત્રીના આશ્રય હેઠળ વર્ષોના શારીરિક અને માનસિક શોષણથી કંટાળેલી સંદેશખાલીની હજારો મહિલાઓ આજે રાજ્ય સરકાર સામે આંદોલન કરી રહી છે.

જ્યારે સંદેશખાલીની મહિલાઓનું રાજ્યમાં શાસક પક્ષના નેતાઓ દ્વારા મુખ્યમંત્રીના આશ્રય હેઠળ શોષણ કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય પોલીસ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે; તેથી, એબીવિપી આ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાષ્ટ્રપતિ નાં હસ્તક્ષેપની માંગ કરે છે. ન્યાયના આ અભિયાનમાં રાજયપાલ, રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના હસ્તક્ષેપને આવકારી ને, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ માંગણી કરી છે કે

રાજ્ય સરકારની સંડોવણીને ધ્યાનમાં રાખીને, સમગ્ર સંદેશખાલી ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવે અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. સંદેશખાલીની મહિલાઓ પર થતી હિંસા અને તેમની સામૂહિક ઓળખના ભંગને તાત્કાલિક રોકવો જોઈએ. સરકાર, વહીવટીતંત્ર અને ન્યાયિક સંસ્થાઓ ને મહિલા ઓ વિરુદ્ધ હિંસા અને દુર્વ્યવહાર ની ઘટનાઓ ની વાસ્તવિકતા નિર્ભયપણે પહોંચાડવી. હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ કરાવવો જોઈએ.

ન્યાય મેળવવાની સુવિધા માટે, પીડિત મહિલાઓને મફત કાનૂની સહાય પૂરી પાડવી જોઈએ. આ મહિલાઓને વર્ષોના માનસિક અત્યાચારમાંથી ધીમે ધીમે સાજા થવા માટે મનોચિકિત્સકો દ્વારા કાઉન્સેલિંગ સત્રો પણ પૂરા પાડવા જોઈએ.

ભયમુક્ત બનાવવા માટે કેન્દ્રીય દળોની નિયુક્તિ કરવી જોઈએ જેથી કરીને પરિવારોનું સ્થળાંતર અટકાવી શકાય. અને સંદેશખાલીની મહિલાઓને ન્યાય મળી શકે તે માટે તે તમામ માધ્યમો અને તંત્ર સુનિશ્ચિત કરવામાં આવે. આ આવેદન પાઠવતા સમયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર વિભાગ સંયોજક સંદીપ બેરા, જિલ્લા સંયોજક ઋત્વિક પટેલ નગર મંત્રી દિવ્યરાજસિંહ જાડેજા અને ભાગ સંયોજક ભવ્ય વોરા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં જંગલી વેલ કાઢવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર

0

જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં જંગલી વેલ કાઢવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૪ માર્ચ ૨૪, જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા વિપ્ર યુવાન પર જંગલી વેલ કાઢવા બાબતે પોતાના પાડોશી સાથે તકરાર થઈ હતી, અને એક મહિલા સહિત બે શખ્સોએ લોખંડના પાઇપ અને વાંસના બામ્બુ વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બાલાજી પાર્કમાં રહેતા ગીરીશભાઈ પ્રેમજીભાઈ જોશી નામના ૫૦ વર્ષના વિપ્ર યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ અને વાંસના બાંબુ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા સુભદ્રાબેન સંજયભાઈ કુશવાહા અને સુધાંશુ કુશવાહા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાના ઘરની સામે આવેલ લીંબુના ઝાડમાં રહેલી જંગલી વેલ કાઢવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન પાડોશીઓએ આવીને તકરાર કર્યા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં દિપડો : માનવ વસ્તીથી માત્ર ૫૦ મીટર દૂર દીપડાની અવરજવર

0

જામનગરની ભાગોળે મોરકંડા ગામમાં ખેતરમાં દીપડો દેખાતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

  • માનવ વસ્તી થી માત્ર ૫૦ મીટર દૂર દીપડાની અવરજવરને લઈને ફોરેસ્ટ વિભાગ દોડતું થયું: પાંજરું ગોઠવવા કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ માર્ચ ૨૪, જામનગર નજીક મોરકંડા ગામમાં ગઈકાલે સાંજે ૫.૩૦ વાગ્યા ના અરસામાં એક ખેડૂતના ખેતરમાં દીપડો નજરે પડતાં ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મોરકંડા ગામના ખેતરમાં માનવ વસ્તીથી માત્ર ૫૦ મીટર દૂર દિપડો દેખાયો હતો, અને એક સ્થળે લગાવાયેલા સીસીટીવી કેમેરામાં દીપડો આંટાફેરા કરતાં સ્પષ્ટ દેખાયો હતો, જે અંગેની જાણકારી મળતાં આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી.

સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં ફોરેસ્ટ શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને સીસીટીવીના ફૂટેજ નિહાળ્યા પછી આસપાસના વિસ્તારમાં વોચ શરૂ કરી દીધી છે. અને દીપડાને પકડી લેવા માટે પાંજરું ગોઠવવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરના મુંગણીમાં વાહન ધીમુ ચલાવવા બાબતે સાસુ-વહુ પર પાડોશી નો હુમલો

0

જામનગર તાલુકાના મુંગણી ગામમાં વાહન ચલાવવા બાબતે તકરાર થયા પછી સાસુ-વહુ પર હુમલો: પાડોશી સામે ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ માર્ચ ૨૪ જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતી એક મહિલાએ વાહન ધીમુ ચલાવવા બાબતની તકરારમાં પોતાના ઉપર તેમજ પોતાના સાસુ પર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતી અસ્મિતાબા સહદેવસિંહ કંચવા નામની ૩૨ વર્ષની મહિલા પાડોશમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગીતો ગાઇને પોતાના સાસુ સાથે પગપાળા ચાલી ને ઘેર પરત ફરી રહી હતી.

દરમિયાન મહિપાલસિંહ ઉર્ફે છોટીયો જીતુભા કયોર નામનો શખ્સ સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો, જેને સરખું વાહન ચલાવવાનું કહેતાં કારચાલક ઉસકેરાયો હતો, અને અસ્મિતાબા અને તેના સાસુ પર લાકડી વડે અને ધોલ ધપાટ કરી હુમલો કરી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે અંગે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રી જામનગરના મહેમાન બન્યા

0

મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રી તેમજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી જામનગરના મહેમાન બન્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ માર્ચ ૨૪, જામનગરના આંગણે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને વૈભવી મર્ચન્ટના વેડિંગ સેરેમનીનો આજે અંતિમ દિવસ છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે તેમજ આસામના મુખ્યમંત્રી હેમંતા વિશ્વશર્માનું આજે જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું.આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર સીંદે પણ જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, અને અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. જેઓને મોટર માર્ગે મોટી ખાવડી લઈ જવામાં આવ્યા હતા, અને પ્રિ વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી.મહારાષ્ટ્ર અને આસામના મુખ્યમંત્રી નું જામનગરના એરપોર્ટ પર જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ નવા મરચાની આવકથી ઉભરાયું

0

જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ નવા મરચા ની આવકથી ઉભરાયું: ૧૦,૦૦૦ ભારી ઉતારાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ માર્ચ ૨૪, જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે રવિવારના રજાના દિવસે પણ મરચાની ૧૦,૦૦૦ જેટલી ભારીની જંગી આવક થવાથી માર્કેટિંગ યાર્ડ ઉભરાયું છે, અને નવી જાહેરાત ન થાય, ત્યાં સુધી મરચાની આવક બંધ કરવાની ફરજ પડી છે.જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી નવા મરચા ની આવક શરૂ થઈ હતી, અને ખેડૂતો દ્વારા જુદા જુદા ૨૦૫ જેટલા વાહનોમાં મરચાંની ભારી નો જંગી જથ્થો ઠાલવવામાં આવ્યો હતો અને બપોર સુધીમાં ૧૦,૦૦૦ થી વધુ મરચાની ભારીની આવક થઈ હતી, જેથી બપોરે ૧૨.૦૦ વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ને બંધ રાખવાની ફરજ પડી છે.હાલમાં આવેલા જથ્થાની હરાજી ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી નવી આવક ચાલુ કરાશે, તેમ હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.