Friday, October 16, 2026
Home Blog Page 161

જામનગર મહાનગર પાલિકાના સિટી ઈજનેરને પૂર્વ કોર્પોરેટરની ગર્ભીત ધમકી

0

જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેરને પૂર્વ કોર્પોરેટરની ગર્ભીત ધમકીની ફરિયાદ થી ભારે ચકચાર

  • મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખ રૂપિયાનો હપ્તો ખંડણી તરીકે આપવો પડશે તેવી માંગણી કરાઈ
  • ફાઇલ ક્લિયર કરવા બાબતે અધિકારીનો કાંઠલો પકડી વકીલ પલેજા ની જેમ ખૂન કરાવી નાખી એસ્ટ્રોસિટીના કેસમાં પણ ફસાવી દેવાની ધમકી અપાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ માર્ચ ૨૪, જામનગર મહાનગર પાલિકાના સીટી ઇજનેર ને પૂર્વ કોંગી કોર્પોરેટરે ફાઈલ ક્લિયર કરાવવાના પ્રશ્ને ધાકધમકી આપી જો સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને એક લાખ રૂપિયા આપવા પડશે, નહીંતર વકીલ હારુન પલેજાનું ખૂન થયું તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી આપી, એસ્ટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાની કે જેઓની કચેરીમાં પૂર્વ કોંગી કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુ પારીયા, કે હાલમાં તેના પત્ની સમજુબેન કોર્પોરેટર છે, તેના કામોના બહાને મહાનગર પાલિકાની કચેરીમાં અવર-જવર કર્યા પછી ફાઈલ ક્લિયર કરવા બાબતે સિટી ઈજનેર ને ધમકી આપી હતી, અને પોતાને મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખ રૂપિયા ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરી હતી, અને જો ફાઈલ ક્લીયર નહીં કરી આપે, તેમ જ પૈસા નહીં આપે, તો જે રીતે વકીલ હારુન પલેજાનુ ખૂન થયું છે, તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી ઉચારી હતી. તેમજ પોતે દલિત જ્ઞાતિ ના હોવાથી એસ્ટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી ઉચ્ચારી હતી, અને અધિકારીની કચેરીમાં તેનો કાંઠલો પકડી લઈ અશોભનીય વર્તન કર્યું હતું.

આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુભાઈ વાલજીભાઈ પારીયા સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. ટી.ડી. બુડાસણાએ આઇપીસી કલમ ૩૮૭, ૩૩૨, ૫૦૪ અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં પ્રખર જૈનાચાર્ય શ્રી ના પાવન આગમનથી જૈન સમાજમાં ઉત્સવનું વાતાવરણ

0

જામનગરમાં પ્રખર જૈનાચાર્ય શ્રી અજીતયશસૂરીશ્વરજી મ.સા.નાં પાવન આગમનથી જૈન સમાજમાં ઉત્સવનું વાતાવરણ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ માર્ચ ૨૪, પ્રખર પ્રભાવક વિદ્વાન મનિષી જૈનાચાર્ય શ્રી અજીતયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમનાં વિશાળ સમુદાય સાથે નગરનાં જૈન સંઘોમાં પધરામણી કરતા સમસ્ત જૈન સમાજમાં આનંદસહ ધન્યતાની લહેર વ્યાપી ગઇ છે.સાઉથ આફ્રિકાનાં એડન દેશમાં જન્મેલા તથા સાડા નવ વર્ષની વયે શેત્રુંજય તીર્થમાં દિક્ષા ગ્રહણ કરનારા પૂ. અજીતયશસૂરીશ્વરજી મહારાજનાં પૂર્વાશ્રમનાં પરીવારનું વતન ગુંદા હોય જામનગરનાં જૈન સમાજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે.

પોતાની ચમત્કૃત અને ચૈતન્યમયી વાણીથી જીવન સંગ્રામમાં હારી ગયેલા લોકોને શ્રદ્ધાનું બળ આપી વિજયી બનાવનાર મ.સા. શાશ્વત તીર્થ શેત્રુજયમાં ઉપાધાન તપની આરાધનામાં નિશ્રા પ્રદાન કરી ગિરનાર મહાતીર્થની છ’રી પાલીત સંઘયાત્રા પછી દ્વારકામાં શ્રી નેમિનાથ જિનાલયની પ્રથમ વર્ષની ઉજવણીમાં પણ નિશ્રા પ્રદાન કરી વતન ગુંદા પધાર્યા ત્યારે તેમનું શાહી સામૈયું કરવામાં આવ્યું હતું. તેમનાં આશિષ છત્ર હેઠળ વિહારધામનાં ઉદઘાટન સહિતનાં ધર્મકાર્ય સંપન્ન થયા હતાં.

આરાધના ધામની ફાગણ સુદ તેરસની ભાવ યાત્રામાં નિશ્રા પ્રદાન કરી મ.સા. જામનગરનાં વિવિધ જૈન સંઘોનાં આંગણે પાવન પધરામણી કરી રહ્યા છે. ત્યારે તેમની જીવન પરીવર્તક દિવ્ય વાણીનો લાભ લેવા સમસ્ત જૈન સમાજને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.પૂ.અજીતયશસૂરીશ્વરજી મ.સા. સાથે જ પૂ. શ્રીમદ વિજય સંસ્કારયશ સૂરીશ્વરજી મ.સા. તથા સાધ્વીઓ સર્વશ્રી વિશુદ્ધમાલાશ્રીજીઆદિઠાણા, સુયશમાલાશ્રીજી આદિઠાણા , વિમલયશાશ્રીજી આદિઠાણા વગેરે વિશાળ સમુદાયનું નગરમાં પણ આગમન થયું છે.

તા. ૨૯.૩ ને શુક્રવારે સવારે ૬ કલાકે સ્વસ્તિક સોસાયટી પાસે સાંસદ પૂનમબેન માડમનાં ઘર પાસેથી સામૈયું નીકળશે,સવારે ૬ :૧૫ કલાકે વિજયભાઇ અનુપચંદ મહેતાનાં ઘરે પધરામણી, સવારે ૬:૪૫ કલાકે બિમલભાઇ મહેતા (ગુંદાવાળા) નાં ઘરે પધરામણી, સવારે ૭:૧૫ બિમલભાઇ મહેતાનાં ઘરેથી સામૈયું, સવારે ૮ થી ૯ શ્રી પેલેસ ઉપાશ્રયમાં વ્યાખ્યાન, સવારે ૯ કલાકે પેલેસ આયંબિલમાં બિમલભાઇ મહેતા તરફથી સકળ સંઘની નવકારશી, સાંજે ૭ કલાકે સંધ્યા ભક્તિ યોજાશે. તા.૩૦.૩ ને શનિવારે સવારે ૭ કલાકે શ્રી પેલેસ ઉપાશ્રયમાં વ્યાખ્યાન તથા સાંજે ૭ કલાકે સંધ્યાભક્તિ યોજાશે. સ્વ.અભેચંદ પોપટલાલ મહેતા તથા સ્વ. માતુશ્રી શારદાબેન અભેચંદ મહેતા પરીવાર દ્વારા પૂજ્ય ગુરૂ ભગવંતોની પાવન નિશ્રાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જામનગર હાપામાં સ્કૂટર પર દારૂની ‘હેરાફેરી’ કરતો સોહીલ ઝડપાયો

0

જામનગરના હાપા વિસ્તારમાંથી સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ માર્ચ ૨૪ જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા હાપા રોડ પર પેટ્રોલિંગ હાથ ધરી સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી સ્કૂટર તેમજ દારૂ વગેરે કબજે કરવામાં આવ્યા છે.આ દરોડા થી વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા જામનગર રાજકોટ ધોરી માર્ગ પર હાપા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન હાપા રેલવે સ્ટેશન પાસે રહેતો સોહીલ સુલતાનભાઇ ખીરા નામનો શખ્સ પોતાના સ્કૂટરમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતાં, તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેના કબજા માંથી ૩૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

જેથી એલસીબી ની ટીમે રૂપિયા ૧૨,૦૦૦ ની કિંમત નો દારૂ તેમજ સ્કૂટર સહિત કુલ રૂપિયા ૫૨,૦૦૦ ની માલમતા કબજે કરી છે, અને આરોપી સોહિલ ખીરાની અટકાયત કરી લઇ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.

જામનગરમાં શિક્ષિકાનો રિક્ષામાં ભુલાયેલો થેલો પોલીસે શોધી આપ્યો

0

એરફોર્સ સ્કૂલની શિક્ષિકા નો રિક્ષામાં ભુલાયેલો થેલો પોલીસ કમાન્ડ કંટ્રોલરૂમની ટીમે સીસીટીવી કેમેરા ની મદદથી શોધી આપ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ માર્ચ ૨૪, જામનગર માં નુરી ચોકડી પાસે રહેતા અને સમાણા એરફોર્સ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા પોતાનો કિંમતી સામાન સાથેનો થેલો રિક્ષામાં ભુલાઈ ગયો હતો, જે રીક્ષા ને પોલીસે વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટીમેં જુદા જુદા સીસીટીવી કેમેરા ની મદદથી શોધી આપી શિક્ષિકા ને થેલો પરત અપાવ્યો છે.

જામનગરમાં નુરી ચોકડી પાસે રહેતા અને સમાણા એરફોર્સ સ્કૂલમાં ફરજ બજાવતા સરિતાબેન યોગેશભાઈ ભારદ્વાજ કે જેઓ સમાણાથી સ્કૂલ બસમાં જામનગર પરત ફર્યા પછી એક રિક્ષામાં બેસીને પોતાના ઘેર જવા માટે નુરી ચોકડી પાસે ઉતર્યા હતા. દરમિયાન તેઓ પોતાનો કિંમતી સામાન સાથે નો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા.ત્યારબાદ તેઓ તરત જામનગરના પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાના કમાન્ડ એન્ડ કંટ્રોલિંગ વિભાગનો સંપર્ક સાધ્યો હતો. જેથી પોલિસ ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરે ચેક કરવામાં આવ્યા હતા, અને ગણતરીના કલાકોમાં જ રિક્ષા ને શોધી કાઢી તેમનું પડેલો શિક્ષિકા નો થેલો પરત અપાવ્યો હતો, જેથી શિક્ષિકાએ પોલીસની ટીમનો આભાર માન્યો હતો.

જામનગર માં એડવોકેટની હત્યાના ગુન્હામાં સાયચા ગેંગનાં વધુ બે આરોપી ઝડપાયા

0

જામનગર માં એડવોકેટની હત્યાના ગુન્હામાં સાયચા ગેંગનાં વધુ બે આરોપી ઝડપાયા : અન્ય ૭ સાત ની શોધ ખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૬ માર્ચ ૨૪, જામનગરમાં થોડા પહેલાં એક એડવોકેટ ની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી.જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાયચા ગેંગના વધુ બે શખ્સ ને પોલીસે પકડી પાડ્યા છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૮ નો થયો છે.

જામનગરના બેડી વિસ્તારમાં ગત સપ્તાહે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા નીપજવવામાં આવી હતી. જેમાં કુખ્યાત સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે ગુના નાં આરોપીઓ ને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુ એ ડીવાયએસપી જે.એન. ઝાલા ના વડપણ હેઠળની સીટ ની તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી.   દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપી ને પોલીસ દ્વારા ઝડપી લઇ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો હતો.

જેની ઊંડાણપૂર્વકની પૂછપરછ ના આધારે તપાસની પોલીસ ટુકડીએ સાયચા ગેંગના વધુ બીજા આરોપી સિકંદરની અટકાયત કરી લઇ તેને પણ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે.ત્યાર બાદ હત્યા પ્રકરણના ત્રીજા આરોપી દિલાવર હુસેન કકકલ ની ધરપકડ કરી લીધી છે, જેને પણ ૭ દિવસના રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.દરમિયાંન આ પ્રકરણમાં વધુ એક ચોથા આરોપી સુલેમાન હુસેન કકકલ ઉપરાંત અન્ય બે સગીર ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ આજે વધુ બે આરોપીઓ ઇમરાન નૂર મહંમદ સાયચા અને રમજાન સલીમ સાયચા ની અટકાયત કરી લેવામાં આવી છે આમ અત્યાર સુધીમાં આ હત્યા પ્રકરણમાં બે ટાબરીયાઓ સહિત કુલ ધરપકડનો આંક ૮ નો થયો છે, ત્યારે અન્ય સાત આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર : લાલપુરના કોલેજીયન યુવાનનો અભ્યાસના ભારણથી આપધાત

0

લાલપુરના કોલેજીયન યુવાને અભ્યાસના ભારણ થી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકનું મોજું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ માર્ચ ૨૪ જામનગર જિલ્લાના લાલપુરમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક કોલેજીયન યુવાને અભ્યાસના ભારણ થી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર માં ગોહિલવાસ વિસ્તારમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દિવ્યેશ વાલજીભાઈ સિંગરખીયા નામના ૨૦ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઈને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

જે બનાવ અંગે મૃતકના દાદા વીરાભાઈ ગોવિંદભાઈ સિંગરખીયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તપાસની પોલીસ હેડ કોન્સ્ટેબલની પૂછપરછ દરમિયાન મૃતક યુવાન કે જે અભ્યાસના ભારણ થી કંટાળ્યો હતો, અને તેના કારણે તેણે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તે બચી ગયો હોવાનું મૃતકના દાદાએ જણાવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે ફરીથી તેણે આપઘાત નું પગલું ભરી લીધું છે, જે સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

જામનગર નવાગામ ઘેડમાં ‘દરબાર’ યુવાનની હત્યાનો પ્રયાસ : 3 મહિલા સહિત 16 સામે ફરીયાદ

0

જામનગરમાં નવાગામ ઘેડમાં હોળીની રાતે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં રાજપૂત યુવાન અને તેના ત્રણ મિત્રો પર ખુની હુમલો

  • સ્થાનિક વિસ્તારમાં રહેતી ત્રણ મહિલા સહિતના ૧૫ શખ્સો સામે મરચાની ભૂકી છાંટી ખૂની હુમલો કરી વાહનમાં તોડફોડ કર્યા ની ફરિયાદ થી ચકચાર
  • (૧) રોહીત શીંગાળા(૨) રોહીતનો ભાઈ સુનીયો શીંગાળા (૩) મયુર શીંગાળા (૪) રોહીત ચીના (૫) દીનેશ ઉર્ફે ડુંગો (૬) આદેશ શીંગાળા (૭) સુર્યા કોળી (સદામ શીંગાળા નો જમાઈ) (૮) નીતીન શીંગાળા (૯) સાગર કોળી (૧૦) અશોક શીંગાળા (૧૧) મયુર ઉર્ફે ટીટો શીંગાળા તથા બે અજાણ્યા પુરુષ તથા ત્રણ અજાણી મહીલા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ માર્ચ ૨૪ જામનગર ના નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં વાહનનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને એક રાજપૂત યુવાન અને તેના ત્રણ મિત્રો પર ખૂની હુમલો કરાયો છે. સ્થાનિક વિસ્તારમાં રહેતી ત્રણ મહિલા સહિતના ૧૫ શખ્સોના ટોળાએ મરચાની ભૂકી છાંટી છરી તલવાર લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી વાહનમાં તોડફોડ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતા જયપાલસિંહ મનુભા જાડેજા નામના ૨૮ વર્ષના રાજપૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર અજયરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા ઋષિરાજસિંહ ગોહિલ વગેરે પર છરી,તલવાર, લોખંડના પાઇપ, ધોકા જેવા ધારદાર હથિયારો વડે હુમલો કરી ખૂનની કોશિશ કર્યા ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જેમાં આરોપી તરીકે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા રોહિત શિંગાળા, રોહિતનો ભાઈ સુનિયો શીંગાળા, મયુર શિંગાળા, રોહિત ઉર્ફે ડુંગો, આદેશ શિંગાળા, સૂર્યો કોળી (સદામ શિંગાળા નો જમાઈ), નીતિન શિંગાળા, સાગર કોળી, અશોક શિંગાળા, મયુર ઉર્ફે ટીટો શિંગાળા, અને બે અજ્ઞાત પુરુષો, તથા ત્રણ અજાણી મહિલાઓ સહિત ૨૫ શખ્સોના નામ આપ્યા છે.

જે તમામ પંદર આરોપીઓ સામે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝા એ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને હુમલા ના બનાવ બાદ ભાગી છૂટેલા તમામની શોધખોળ ચલાવાઇ રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સાહેદ હેમતસિંહ ગોહિલ કે જેમણે હુમલાખોર આરોપીઓ હોળી ને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના મોટરસાયકલમાં મોટા અવાજથી હોર્ન વગાડતા હતા, જેથી તેઓને હોર્ન વગાડવાની ના પાડતાં તેઓએ બોલાચારી કરી હતી. જે દરમિયાન અજયરાજ સિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા અને ફરિયાદી જયપાલસિંહ જાડેજા કે જેઓ આવી પહોંચ્યા હતા, અને ઝઘડો કરવાની ના પાડતાં ત્રણ મહિલા સહિતના પંદર જેટલા આરોપીઓ ટોળાના સ્વરૂપમાં આવ્યા હતા, અને મરચાની ભૂકી છાંટી તલવાર,છરી, પાઇપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.

જે હુમલામાં ઋષિરાજસિંહ ગોહિલને ગંભીર ઇજા થઈ હતી, અને તેનું ડાબી બાજુનું આંતરડું બહાર નીકળી ગયું હતું. હુમલા ના બનાવ બાદ તમામ મિત્રોના વાહનોમાં પણ પથ્થરમારો કરી તોડફોડ કરી નાખવામાં આવી હતી, અને તમામ આરોપીઓ ભાગી છૂટયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. મોડી રાત્રિના બનેલા આ બનાવ બાદ નવાગામ ઘેડ સહિતના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો, અને સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડતો થયો હતો. પોલીસ દ્વારા હુમલાખોર આરોપીઓની શોધખોળ ચલાવાઈ રહી છે.

જામનગર શંકર ટેકરીમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ : યુવાનની હત્યાનો પ્રયાસ

0

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં હોળીની રાત્રે ખૂની ખેલ ખેલાયો: જુના મનદુખમાં એક યુવાનની હત્યાનો પ્રયાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ માર્ચ ૨૪, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં હોળીની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો, અને એક યુવાન પર જુની અદાવતનું મન દુઃખ રાખીને છરી વડે હુમલો કરી હત્યારનો પ્રયાસ કરાયો હતો. યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે હુમલાખોર આરોપીની શોધખો હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સુનિલ નથુરામ દુધરેજીયા નામના યુવાન પર હોળીની રાત્રે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં જૂની અદાવત નું મન દુઃખ રાખીને તે જ વિસ્તારમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઈ પરમાર નામના શખ્સે પેટના ભાગે છરીના ઘા ઝીંકી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી. તેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તબીબો દ્વારા તેની સધન સારવાર કરવામાં આવી રહી છે.

આ હુમલા ના બનાવ અંગે સુનિલ ના કાકા રસિકભાઈ મનીરામભાઈ દુધરેજીયાએ પોતાના ભત્રીજા પર જૂની અદાવત નું મનદુઃખ રાખી ને આ હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગે પ્રકાશ ગોવિંદભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતાં સીટી સી. ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૦૭ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે.ઇજાગ્રસ્ત તેમજ આરોપીને તાજેતરમાં દીપ સોંદરવા ના પુત્રના બાલમોવારા ના પ્રસંગમાં ઝઘડો થયો હતો, અને માથાકૂટ ચાલતી હતી. જેનું મનદુઃખ રાખીને આ જીવલેણ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં ૩૧ ચોરાઉ મોબાઈલ સાથે ૪ ‘ચિંદી ચોર’ ઝડપાયા

0

જામનગર માથી ૩૧ નંગ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ચાર આરોપીઓ ઝડપાયા

  • સીટી સી ડિવિઝન PI જે .વી ચોધરીના વડપણ હેઠળ સ્ટાફના હર્ષદભાઈ પરમાર તથા ઓમદેવસિંહ જાડેજા સહિતની બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪ માર્ચ ૨૪, જામનગર, રાજકોટ અને દેવભુમી દ્વારકા વિસ્તારો માંથી છળકપટ કે ચોરી થી મોબાઇલ ફોન સેરવી લેતા તસ્કરો ને કુલ ૩૧ નંગ મોબાઇલ ફોન સાથે પોલીસે જામનગર માંથી ઝડપી લીધા છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક જામનગર પ્રેમસુખ ડેલુ ની સૂચના થી પોલીસ ઇન્સ. જે.વી ચૌધરી નાં માર્ગ દર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ વી.બી. બરબસીયા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા .તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે અંધાશ્રમ આવાસ શંકરના મંદિર પાસે અમુક ઇસમો અલગ અલગ મોબાઇલ ફોન ચોરી કે છળકપટ થી મેળવી ને ઉભા છે. જે હકીકત આધારે રેઇડ કરવામાં આવી હતી.અને સંજય નાનાજીભાઈ ગોહીલ , મયુરભાઇ પ્રકાસભાઇ મહિડા અને મિલન ઉર્ફે કાલી અમરશીભાઇ શેખવા તેમજ એક સગીર ને ઝડપી લીધા હતા.અને તેઓ નાં કબ્જા માંથી રૂ.૨ લાખ ૯૦ હજાર ની કિંમત નાં ૩૧ નંગ મોબાઇલ ફોન કબ્જે લિધા હતા.આરોપી ઓ ની પુછપરછ મા તેઓ એ જામનગર થી રાજકોટ અને કાલાવડ થી રાજકોટ હાઇવે ઉપર આવતા પેટ્રોલપંપ અને બંધ મકાન અને ઝુપડામા મોડી રાત્રીના બે આરોપી ઓ મોબાઈલ ચોરી કરતા તે સમયે બાકી નાં આરોપી ૧ અને ૪ નજર રાખતા હતા . તેમજ જામનગર થી દ્વારકા જતા પદયાત્રી જેઓ રાત્રી ના કેમ્પમાં રોકાયેલ ત્યા થી પણ ઉપરોકત ચારેય જણાઓ એ મોબાઇલ ફોન ઉઠાંતરી કરી હતી.પોલીસે ચારેય આરોપીઓ ની વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગરમાં આવતીકાલે હોલિકા દહન : શહેરમાં ત્રણસોથી વધુ સ્થાને હોળી પ્રગટાવાશે

0

જામનગરમાં આવતીકાલે હોલિકા દહનની તડામાર તૈયારીઓ: શહેરમાં ત્રણસોથી વધુ સ્થાને હોળી પ્રગટાવાશે

  • ધુળેટી ના રંગોત્સવ પર્વ ને મનાવવા માટે પણ યુવાઓમાં થનગનાટ: ખાનગી પાર્ટી પ્લોટ- હોટલ ના સ્થળો પર મોટા આયોજનો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ માર્ચ ૨૪, છોટી કાશીના ઉપનામ થી પ્રચલિત એવી ધર્મ નગરી જામનગર શહેરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે ઉત્સાહપૂર્વક ઉજવાય છે, તે અનુસાર આવતીકાલે હોળી મહોત્સવ તેમજ ધુળેટીના પર્વની પણ લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે, અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં અંદાજે ૩૦૦ થી વધુ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે, જેની પણ અનેક સ્થળોએ તૈયારી થઈ છે. અને જુદા જુદા શેરી-ચોક મહોલ્લા વગેરેને ધજા પતાકાથી શણગારવામાં આવી રહ્યા છે. છાણા-લાકડા વગેરે ગોઠવીને નાની મોટી હોળી પ્રગટાવવામાં આવે છે.ખાસ કરીને શાક માર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા ૨૫ ફૂટ ના વિશાળ કદનું ત્રણ ટન વજનનું હોલિકા નું પૂતળું બનાવીને ખૂબ જ મોટો હોળી મહોત્સવ મનાવાય છેઝ અને શહેર જિલ્લાના અનેક આગેવાનો ની હાજરીમાં હોલિકા દહન નો કાર્યક્રમ યોજાય છે. જેને નિહાળવા જામનગર શહેરના અનેક ઉત્સવ પ્રેમીઓ જોડાય છે. જે હોળીની આસપાસ અન્ય નાની મોટી ૨૫ થી વધુ હોળીઓ પ્રગટાવાય છે, અને સૌ લોકો સાથે મળીને હોલિકા મહોત્સવની ઉજવે છે.

ત્યારબાદ ધૂળેટીના પર્વની પણ વિશેષ રૂપે ઉજવણી થઈ રહી છે, અને જામનગર શહેર તથા આસપાસની કેટલીક હાઈવે હોટલ- ખાનગી પાર્ટી પ્લોટ વગેરેમાં પણ ધૂળેટીના રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. અને તેના માટે યુવા ધન થનગની રહ્યું છે. જામનગર શહેરમાં હંગામી ધોરણે અથવા તો કાયમી હોય તેવી ૩૦૦ થી વધુ દુકાનો- સ્ટોલ મંડપ સામિયાણાં વગેરેમાં હોળીના કલર- પિચકારી વગેરે ના વેચાણ ચાલુ થઈ ગયા છે, ઉપરાંત હોળી માં પધરાવવા માટેના શ્રીફળ, પતાસા ના હાર, ધાણી, દાળિયા, ખજૂર વગેરે સામગ્રીના સ્ટોલ પણ અનેક સ્થળે ઊભા કરાયા છે, અને તેની ખરીદી માટે પણ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ધુળેટીના તહેવાર દરમિયાન પોલીસ તંત્ર સતર્ક રહેશે

ધૂળેટીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તેમ જ કોઈ વ્યક્તિને તેની મરજી વિરુદ્ધ કલર ઉડાડીને પરેશાની કરવામાં ન આવે, તે બાબતે પોલીસ તંત્ર પણ સાબદુ બન્યું છે. અને જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર જિલ્લાના તમામ પોલીસ સ્ટાફને ધુળેટીના તહેવાર દરમિયાન સતર્ક બનાવી દેવાયો છે, અને તમામ મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ અને પોલીસના પોઇન્ટ ગોઠવી દેવાયા છે. કોઈ આવારા તત્વો ફુલ સ્પીડમાં બાઈક ચલાવીને રાહદારીઓ અથવા અન્ય વ્યક્તિને કલર ઉડાવીને પરેશાન ન કરે, તે માટેની સ્પેશિયલ પોલિસ ટીમને દોડતી કરાવાઈ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.