Thursday, October 15, 2026
Home Blog Page 150

જામનગરના મોરકંડામાં ‘પાવડરવાળી’ : VCE રૂ.150 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

0

મોરકંડા ગામ ના VCE ને ખેડૂત પાસેથી દાખલો કઢાવવા ની લાંચ લેતાં જામનગર ACB એ રંગે હાથ ઝડપ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ મે ૨૪ જામનગર તાલુકાના મોરકંડા ગામમાં ખેડૂતોને પોતાના ૭-૧૨ અને હક પત્રક સહિતના દાખલાઓ કાઢવા માટે ૧૫૦ ની લાંચ લેવા અંગે વીસીઇને જામનગરની એસીબી શાખાએ રંગે હાથ ઝડપી લીધો છે, અને તેની સામે લાંચ-રુશ્વત ધારા ભંગ બદલ કેસ કરવામાં આવ્યો છે.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામના વી.સી.ઇ. નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ (કોમ્પ્યુટર ઓપરેટર) કે જે ના દ્વારા ખાતેદાર ખેડૂતોને ૭-૧૨ ના ઉતારા, હક પત્રક સહિતના દાખલા કોમ્પ્યુટર મારફતે કાઢવા માટે નું કામ ગ્રામ પંચાયત દ્વારા નિમણૂક કરીને સોપાયું છે. જે કર્મચારી દ્વારા પ્રત્યેક ખેડૂતોને દાખલા કઢાવવા માટે વધારાની રકમ ની માંગણી કરવામાં આવે છે, તેવી ફરિયાદ જામનગર એ.સી.બી. શાખાને મળી હતી.

જેના અનુસંધાને આજે મોરકંડા ગામમાં એસીબી દ્વારા લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન વીસીઇ (કોમ્પ્યુટર ઓપરેટર) નવીનચંદ્ર નકુમ કે જે એક ખેડૂત પાસેથી દાખલા ની વધારાની ૧૫૦ ની રકમ લાંચ સ્વરૂપે સ્વીકારવા જતાં એસીબી ની ટુકડીએ તેને રંગે હાથ ઝડપી લીધો છે.ખાતેદાર ખેડૂત દ્વારા જામનગર એ.સી.બી. નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ખેડૂતને પાવડરવાળી ૧૫૦ રૂપિયાની વધુ નોટો અપાઇ હતી, જે નોટ સ્વીકારતાં વીસીઇને ઝડપી લેવાયા છે. જેને એ.સી.બી. કચેરીએ લઈ ગયા પછી તેની સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

જામનગરની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ મે ૨૪, જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઝૂંપડી માંથી એક અજ્ઞાત પુરુષ બેશુદ્ધ અવસ્થા માં મળી આવ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલની અંદર લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી એક છાપરી નીચે અંદાજે ૫૦ વર્ષની વયનો કોઈ અજ્ઞાત પુરુષ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. તબીબો દ્વારા તેની તપાસણી કરતાં તેનું બીમારીના કારણે મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

જે બનાવ અંગે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ચંદ્રેશ કાંતિલાલ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ કે. એન. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જયારે તેની ઓળખ કરવા માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. મૃતકે સફેદ ચોકડી વાળું આખી બાયનું શર્ટ તેમજ ભૂરા કલરનું પેન્ટ પહેરેલા છે. જે અંગેની કોઈને જાણકારી હોય તો સિટી બી. ડિવિઝન પોલીસમાં પીએસઆઇ કે.એન. જાડેજા નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

જામનગર કાલાવડના ખેડૂત પિતા-પુત્ર પાસે ૧૫ લાખની ખંડણી માંગતાં ભારે ચકચાર

0

કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત પિતા-પુત્ર પાસે બે શખ્સોએ ૧૫ લાખની ખંડણી માંગતાં ભારે ચકચાર

  • જમીનના વેચાણના ચાર કરોડ આવ્યા હોવાની જાણકારીને લીધે બે ખંડણીખોરોએ ૧૫ લાખની ખંડણી માંગતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર હા ૧૬, મે ૨૪ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત પિતા-પુત્ર પાસે બે શખ્સોએ રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગતાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂતને જમીનના વેચાણના ચાર કરોડ રૂપિયા આવ્યા હોવાની બંનેને જાણકારી મળી હોવાથી ખંડણી માગી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધીરુભાઈ હરજીભાઈ જેસડીયા નામના ૫૫ વર્ષના ખેડૂતે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાને તથા પોતાના પુત્ર જયને ટેલીફોન ઉપર તેમજ ઘર પાસે આવીને ધાક ધમકી આપ્યાની અને રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગ્યા અંગેની ફરિયાદ પોતાના જ ગામના વિશાલ કારાભાઈ રાખસિયા તેમજ પીઠડીયા ગામના દિનેશભાઈ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખેડુતે ધીરુભાઈએ પોતાની ખેતીની જમીન આજથી એકાદ વર્ષ પહેલા રાજકોટના એક વ્યક્તિને વેચાણથી આપી હતી, જેના વેચાણની અંદાજે ૪ કરોડ રૂપિયા જેવી રકમ આવી હતી. જે રકમ મળી હોવાની જાણકારી ઉપરોક્ત બંને આરોપીઓને થઈ જતાં અગાઉ ટેલિફોન મારફતે ધમકી આપી ૧૫ લાખ ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરાઈ હતી.

જે માંગણી નહીં સ્વીકારતાં બંને આરોપીઓ ઘરે આવીને દરવાજામાં લાતો મારી પૈસાની માંગણી કરતા હોવાથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો છે. જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૮૫ ,૨૯૪-ખ, ૫૦૬-૧ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. જે બંને આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે. કાલાવડ તાલુકાના નાના એવા આણંદપર ગામમાં આ ફરિયાદના બનાવે ભારે ચકચાર જગાવી છે.

જામનગરના કરુણ બનાવમાં ‘કેટરીંગ સર્વિસ’ ના સંચાલક સામે ફોજદારી

0

જામનગરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક પ્રસંગ દરમિયાન બાળકનું લિફ્ટ માં ફસાઈ જતાં મૃત્યુ નીપજ્યાનું પ્રકરણ

  • સગીરવય ના બાળક પાસે મજૂરી કામ કરાવનાર કેટરીંગ સર્વિસના બે સંચાલકો સામે શ્રમ આયુક્ત અધિકારી દ્વારા ગુનો નોંધાવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ મે ૨૪, જામનગરમાં રણજીત નગર પટેલ સમાજમાં ચાલી રહેલા એક પ્રસંગમાં કુમળીવયના બાળક પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી, જે દરમિયાન બાળકનું લિફ્ટ માં ફસાઈ જતાં મૃત્યુ નીપજ્યું હતું,જે પ્રકરણમાં તપાસના અંતે જામનગરના મદદનીશ શ્રમ આયુક્ત કચેરી ના સરકારી અધિકારીએ જાતે તપાસ કરી બાળમજૂરી કરાવનાર કેટરીંગ સર્વિસના બે સંચાલકો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

આ કાર્યવાહી ની વિગત એવી છે કે જામનગરના રણજીત નગર પટેલ સમાજમાં ગત ૨૬.૪.૨૦૨૪ ના દિવસે એક પ્રસંગ ચાલી રહ્યો હતો, જેમાં ભોજન સમારંભ માટે કેટરિંગ સર્વિસ ની ટીમને ઓર્ડર અપાયો હતો, અને લાલપુરમાં સપના નાસ્તા ભુવન ના સંચાલક ચિરાગભાઈ ઉર્ફે સંદીપભાઈ ગોકળભાઈ ગોરીયા તેમજ પંચેશ્વર ટાવર પાસે રહેતા રાજુભાઈ કાનાભાઈ વાઘેલા દ્વારા કેટરિંગ નો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો.જે બંનેએ ઉપરોક્ત પ્રસંગમાં ૧૪ વર્ષથી નાની વયના બાળકને કામે રાખીને બાળ મજુરી કરાવવામાં આવતું હોવાથી બાળમજૂરી કરી રહેલા એક બાળકનું લિફ્ટ માં મજૂરી કામ દરમિયાન ફસાઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

જે બનાવ સંદર્ભે જામનગરની શ્રમ આયુક્ત કચેરી ના સરકારી અધિકારી ડી.ડી. રામી અને તેઓની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક ની તપાસણી કરવામાં આવી હતી, જે તપાસના અંતે, ૧૩ વર્ષની વયના એક બાળક પાસે બાળ મજુરી કરાવાઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેથી કેટરીંગ સર્વિસ ના બંને સંચાલકો ચિરાગભાઈ તથા રાજુભાઈ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેમાં સરકારી અધિકારી ડી.ડી. રામી જાતે ફરિયાદી બન્યા હતા, અને બંને આરોપીઓ સામે ઘી ચાઇલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ ૧૯૮૬ ની કલમ ૩,૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરની રીયા સરવૈયા હાલારમાં પ્રથમ અને ગુજરાતમાં બીજા ક્રમાંકે

0

જામનગરની રીયા સરવૈયા 99.98 ટકા સાથે હાલારમાં પ્રથમ અને ગુજરાતમાં બીજા ક્રમાંકે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ મે ૨૪ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતર માં ધોરણ 10 માર્ચ 2024 માં લેવાયેલી પરીક્ષામાં જામનગર સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કૂલની વિદ્યાર્થીની સરવૈયા રીયાએ 99.98 પર્સન્ટાઈલ મેળવી સમગ્ર બોર્ડમાં સેકન્ડ અને જામનગર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

જામનગર શહેરની સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કૂલની વિદ્યાર્થીની સરવૈયા રીયાએ ધોરણ 10 , SSC ની માર્ચમાં પરીક્ષા આપી હતી અને તેમાં કુલ 600 માંથી 588 માર્ક્સ મેળવી 99.98 પર્સન્ટાઈલ સાથે સમગ્ર બોર્ડમાં બીજુ સ્થાન મેળવ્યું છે અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.તેણીએ બે વિષયમાં તો– 100 માં થી 100 માર્ક મેળવ્યા હતા , માતૃભાષા ગુજરાતીમાં તેણીને 97 માર્ક્સ મળ્યા હતા.

આ અંગે રીયાએ ટેલીફોનિક -વાતચીતમાં જણાવ્યું હતું કે સખત મહેનત કરીને તેઓએ જામનગર માં એ વન ગ્રેડ તો મળ્યો જ પરંતુ સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યાની ખુશી વ્યક્ત કરી હતી આ માટે શિક્ષકોની પણ મહેનત હોવાનું તેણે જણાવ્યું હતું તેમના પિતા પંકજભાઈ સરવૈયા લાખાબાવળ PHC સેન્ટરમાં હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે , અને માતા શાળા નંબર 31 માં શિક્ષક હોવાનું જણાવ્યું હતું – તેના પરિવારમાં આટલું ઊંચું પરિણામ હજુ સુધી કોઈ લાવ્યું ન હોવાનુ પણ જણાવ્યું હતું. હવે તેને – સાયન્સ માં બી ગ્રુપ લઈ ડોક્ટર બનવુ છે.

ABVP દ્વારા’ ગામ ને જાણો’, ‘ગામને માણો’ વિષયક કાર્યક્રમ યોજાયો

0

એ.બી.વી.પી. દ્વારા ગ્રામ્ય જીવન દર્શન અનુભૂતિ- ૨૦૨૪ અંતર્ગત ‘ગામ ને જાણો’, ‘ગામને માણો’ વિષયક કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ મે ૨૪ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગ્રામ્ય જીવનદર્શન અનુભૂતિ -૨૦૨૪ અંતર્ગત ગામને જાણવા માટે તેમજ ગ્રામ્ય પ્રવુતિ ને માણવા ના હેતુથી એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૫૦ થી વધુ ગુજરાતભર માંથી વિદ્યાર્થીઓ જોડાયા હતા.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા “ગ્રામ્ય જીવન દર્શન – અનુભૂતિ ૨૦૨૪ ” નું તારીખ ૧૦ મે થી ૧૩ મે દરમિયાન ઓખા દ્વારકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ “ગામને જાણો અને ગામને માણો” એવા હેતું થી દર વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજન કરવામાં આવે છે.આ કાર્યક્રમ મા ગુજરાત માંથી અંદાજિત ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.જેમાં વિદ્યાર્થીઓ એ દ્વારકા,બેટ દ્વારકા અને ઓખા ના અલગ અલગ ગામડાઓ મા જઈ ને અને ઐતિહાસિક અને પૌરાણિક સ્થાનો ની માહિતી મેળવી હતી.

જામનગર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ બેન્ડ માસ્ટર ને જેલ હવાલે કરાયો

0

બાલાચડી સૈનિક સ્કૂલમાં બાળ વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ બેન્ડ માસ્ટર ને જેલ હવાલે કરાયો

 

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૫ મે ૨૪, જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી બાલાચાડી સૈનિક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં કરનાર બેન્ડ માસ્ટરની જોડીયા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાયા પછી તેને આજે જેલમાં ધકેલી દેવાયો છે.

જામનગરના જોડીયા પંથકમાં બાલાચડી નજીક આવેલી સૈનિક સ્કૂલ માં ૧૨ વર્ષની ઉંમરના બે બાળ વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરી અઘટિત કૃત્ય કરનાર સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટર મૂળ રાજસ્થાનના જોધપુરના વતની પવન કુમાર જગદીશ કુમાર ડાંગી સામે સૈનિક સ્કૂલ ના પ્રિન્સિપાલ દ્વારા જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પોકસો સહિતની જુદી જુદી કલમો હેઠળ જોડિયા પોલીસે ગુનો નોંધી બેન્ડ માસ્ટરની ગઈકાલે જ ધરપકડ કરી લીધી હતી. જેને આજે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતે તેને જેલમાં ધકેલી દેવા હુકમ ફરમાવ્યો હતો, જેથી તેને મોડી સાંજે જામનગરની જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

જામનગરના પીપરટોડામાં મકાનની લોનના ટેન્શનમાં યુવાનનો ગળાફાંસો

0

લાલપુર ના પીપરટોડામાં દરજી કામ કરતા યુવાનનો મકાનની લોન ના ટેન્શન ના ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ મે ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને દરજી કામ કરતા એક યુવાને પોતાના મકાનની લોનના ટેન્શનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે.આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલ જામનગર રાજકોટ રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા અને દરજી કામ કરતા બીપીનભાઈ રામજીભાઈ વસોયા નામના ૪૧ વર્ષના પટેલ યુવાને પીપરટોડા ગામમાં આવેલી પોતાની વાડીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હસમુખભાઈ રામજીભાઈ વસોયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક બીપીનભાઈ ને ખેતીવાડી હતી, પરંતુ તેઓ દરજી કામ કરતા હતા, અને હાલ ધંધામાં મંદી હતી. દરમિયાન તેણે મકાનની લોન લીધી હતી, જે લોનના ટેન્શનમાં આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જણાવાયું હતું, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

ધ્રોલના ચકચારી રાજપૂત યુવાન હત્યા પ્રકરણના સાક્ષીને ધમકીના બનાવથી ભારે ચકચાર

0

ધ્રોલના ચકચારી રાજપૂત યુવાન હત્યા પ્રકરણના સાક્ષીને ધમકીના બનાવથી ભારે ચકચાર

  • હત્યા કેસ ના આરોપી સાથે સમાધાન કરી લેવા માટે દબાણ કર્યાની અને શાર્પ શૂટર મારફતે પતાવી દેવાની ધમકી અપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ મે ૨૪ જામનગર જિલ્લાના ધ્રોલમાં પેટ્રોલ પંપ પર રાજપૂત યુવાનના મર્ડર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.જે હત્યા કેસના એક સાક્ષીને આરોપી સાથે સમાધાન કરી લેવા બાબતે જામનગરની કોર્ટ કમ્પાઉન્ડમાં આરોપીના એક મળતીયાએ ધાકધમકી આપી હતી, અને આરોપી સાથે સમાધાન નહીં કરી લે તો શાર્પ શુટર મારફતે પતાવી દેવાની ધમકી આપ્યા નો મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાંથી ચાર વર્ષ પહેલાં દિવ્યરાજસિંહ જાદુવીરસિંહ જાડેજા નામના રાજપૂત યુવાનની પેટ્રોલ પંપ પાસે સરા જાહેર હત્યાં નીપજાવાઈ હતી. જે હત્યા અંગેનો કેસ જામનગરની અદાલતમાં ચાલી રહ્યો છે, અને તે કેસમાં જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અજયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા કે જે સાહેદ તરીકે છે.જે કેસની જામનગરની અદાલતમાં તારીખ હોવાથી અજયરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને પોતાનું એકટીવા સ્કૂટર અદાલત પરિસરમાં પાર્ક કરીને ત્યાં ઉભા હતા. જે દરમિયાન હુમલા ખોર આરોપી ઓમદેવસિંહના એક મળતીયા નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા કે જે ધ્રોલમાં ત્રિકોણબાગ પાસે રહે છે, તેણે આવી અને ધાકધમકી આપી હતી, અને કહ્યું હતું કે હું તને શોધી રહ્યો છું, તેમ કહી પેન્ટના નેફામાંથી છરી બતાવીને ઘાકતમકી આપી હતી, અને હત્યા કેસના આરોપી ઓમદેવસીહ અમારા મિત્ર છે, તું દેવુભાના મર્ડર કેસમાં ઓમદેવસિંહ સાથે સમાધાન કરી લેજે, તેમ કહી ફરી ધમકી આપી હતી.

જો સમાધાન નહીં કરે તો બહારથી શાર્પ સુટરને બોલાવીને તારું મર્ડર કરાવી નાખીશ. તેવી ધમકી આપી હતી. એક મર્ડર માં હું સંડોવાયેલો છું, અને બીજું તને પણ પતાવી દેવો છે, અને જીવતો નહીં રહેવા દઉં. તેમ કહીને ધમકી આપતાં ફરીયાદી અજયસિંહ જાડેજા કે જેણે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ધ્રોળ ના નરેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬-૨ તેમજ જીપીએક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં તું જે ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ અમારો છે’ તું અહીંથી નીકળી જા, તેમ કહી સાસુ મારવા દોડ્યા

0

જામનગરના સેન્ટ્રલ જીએસટી વિભાગના કર્મચારીને ધાક ધમકીના પ્રકરણમાં ઉલટી ગંગા

  • પત્ની અને સાસુએ ધાક ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર

  • જીએસટી ના કર્મચારી જે ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ અમારો છે’ તું અહીંથી નીકળી જા, તેમ કહી સાસુ મારવા દોડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ મે ૨૪, જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ જીએસટી ના કર્મચારીને ધાક ધમકી આપવા અંગેના પ્રકરણમાં ઉલટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે. જીએસટી ના કર્મચારીને તેની પત્ની અને સાસુએ ધમકી આપી મકાનમાંથી કાઢી મુકતાં મોડી રાત્રે પોલીસનો સંપર્ક સાધ્યો છે, અને પત્ની અને સાસુ સામે ધાકધમકી આપી ઘરમાંથી હાંકી કાઢવા અંગેની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે, જેથી ભારે ચકચાર જાગી છે.સામાન્ય સંજોગોમાં પતિ દ્વારા પત્ની ને ત્રાસ અપાતો હોવાથી અને ઘરમાં થી કાઢી મુકવા અંગેની મોટાભાગે પત્નીઓ દ્વારા ફરિયાદ નોંધાવાતી હોય છે, પરંતુ જામનગર ના એક જીએસટી ના કર્મચારીના પ્રકરણમાં ઉલટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે.

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલા શ્લોક હાઈટસ નામના બિલ્ડીંગના ૫૦૪ નંબરના ફ્લેટમાં રહેતા અને જામનગર સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમર્સમાં નોકરી કરતા સાહિલભાઈ રાજેશભાઈ ભારદ્વાજ (૩૧) કે જેમણે પોતાને ધાક ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પત્ની સુનિતા અને સાસુ જ્યોતિ સામે ફરિયાદ નોંધાવી છે.

સાહિલ રાજેશભાઈ ભારદ્વાજ કે તેઓ જામનગરમાં ઉપરોક્ત વિસ્તારમાં પોતાના પત્ની સુનિતાબેન સાથે રહે છે. તાજેતરમાં તેના સાસુ જ્યોતિબેન થોડા દિવસથી અહીં રહેવા માટે આવ્યા હતા, અને પોતાની પુત્રીના ઘેર સાથે જ રહે છે. દરમિયાન ગઈકાલે સાહિલ ભારદ્વાજ અને તેના પત્ની સુનીતાબેન વચ્ચે ઝઘડો થયો હતો.

જે ઝઘડામાં આખરે પત્ની સુનીતા અને તેની સાસુ જ્યોતિએ સાહિલ ભાઈને ધાકધમકી આપી હતી, અને આ ફ્લેટ અમારો છે, તું અહીંથી ચાલ્યો જા, તેમ કહીને ઘરમાંથી કાઢી મુક્યા હતા, અને સાહિલભાઈના સાસુ તેને મારવા દોડ્યા હોવાથી ઘર છોડીને પોતાના મિત્ર પાસે મોડી રાત્રે પહોંચ્યા હતા.

જે સમગ્ર બનાવ બાબતે સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. ત્યાં તેમણે પોતાને ધાક ધમકી આપી ઘરમાંથી કાઢી મુકવા અંગે પોતાના પત્ની સુનિતા અને સાસુ જ્યોતિબેન સામે ફરિયાદ નોંધાવી છે. અનિતાબેને પોતાના ભાઈ સેખર કે જે તેના વતનમાં રહે છે, તેને બોલાવીને જાનથી મરાવી નાખીશ તેમજ તને અને તારા પરિવારને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી પણ ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે પત્ની સુનીતાબેન અને સાસુ જ્યોતિબેન સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨, અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને PSI વંસતભાઈ ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.