Wednesday, October 14, 2026
Home Blog Page 146

જામનગર માં મોડી રાત્રે અનૈતિક સંબંધમાં યુવાનની હત્યા

0

જામનગરના ધરાર નગર વિસ્તારમાં આઠ માળિયા આવાસમાં રહેતા યુવાનની મોડી રાત્રે હત્યા

  • અનૈતિક સંબંધો ના કારણે બે શખ્સોએ છરી વડે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

  • હત્યા ના બનાવમાં મૃતકની પત્નીની પણ શંકાસ્પદ ભૂમિકા: પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જૂન ૨૪, જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસમાં આઠમાળના બિલ્ડિંગના ચોથા માળે રહેતા એક યુવાન પર મોડી રાત્રે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ છે. જેમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. અને બે શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે મૃતકની પત્નીની પણ આ બનાવમાં શંકાસ્પદ ભૂમિકા હોવાથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.આ ચકચાર જનક હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધરારનગર નજીક વીર સાવરકર આવાસ ના અઠમાળીયા બિલ્ડિંગના ચોથા માળે ભાડા ના ફ્લેટમાં રહેતા ઇકબાલભાઈ ગનીભાઈ કુરેશી નામના ૩૫ વર્ષના યુવાન પર ગઈ રાત્રે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં બે શખ્સોએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કરી દેતાં તેનું પોતાના ઘરમાં જ મૃત્યુ નિપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઈ ગુલામહુસૈન ગનીભાઈ કુરેશી એ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે બે શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ઈકબાલભાઈ ની પત્ની કરિશ્માબેન કે જેને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ બસીરભાઈ જોખિયા નામના શખ્સ સાથે અનૈતિક સંબંધો હતા, અને તેમાં પતિ આડખીલી રૂપ હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે આ હત્યા નીપજાવાઈ હોવાનું પોલીસને જણાવાયું છે. મૃતક ના ભાઈ ગુલામહુસેન ની ફરિયાદ ના આધારે ઈમ્તિયાઝ બસીર ભાઈ જોખ્યા અને તેના કિશન નામના સાગરીત સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે.સાથો સાથ મૃતક ની પત્ની કરીશમાં ને પણ આ હત્યાના બનાવમાં શંકા ના દાયરામાં રાખી છે, અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.મૃતક ઇકબાલ ડ્રાઇવિંગ કરતો હતો, અને તેના કરિશ્મા સાથે લગ્ન થયા પછી તેને ત્રણ સંતાનો છે. જે પૈકી એક સંતાન મૃતક ના માતા પાસે રહે છે, બીજું સંતાન કરિશ્મા પાસે હતું, અને ત્રીજુ સંતાન મૃતક ના ભાઈ સાચવતા હતા. જયારે કરિશ્મા પોતાના પતિ ઇકબાલથી અલગ નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી હતી. જ્યાં ઇમ્તિયાઝ પણ રહે છે.

ગઈ રાત્રે અચાનક કરિશ્મા પોતાના પતિ ઈકબાલના ઘેર મોડી રાતે આવી હતી, ત્યારબાદ થોડી વારમાં જ આરોપી ઈમ્તિયાઝ અને તેનો સાગરીત કિશન આવી પહોંચ્યા હતા, અને ઇકબાલ પર છરીના પાંચ ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી. જે સમગ્ર બનાવની પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

જામનગર SP નો સરાહનીય અભિગમ : એક કરોડનો ચેક અપાયો

0

જામનગરનાં એસ.પી. પ્રેમસુખ ડેલુ નો માનવતાવાદી અને સરાહનીય અભિગમ

  • ચાલુ ફરજે મૃત્યુ પામનાર પોલીસકર્મીનાં વારસદારોને તાકીદે પેન્શન સહિતનાં હક્ક હિસ્સા અપાવ્યા

  • એસ.બી.આઇ. બેંક તરફથી પણ મૃતક ના પરિવારને એક કરોડની સહાયનો ચેક અપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જૂન ૨૪, જામનગરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુરસિંહ રણજીતસિંહ જાડેજા ગત જાન્યુઆરી મહિનામાં ફરજ દરમ્યાન અકસ્માતમાં મૃત્યુ પામતાં તેમનાં પરીવાર પર આભ તૂટી પડ્યું હતું. આ સમયે જિલ્લા પોલીસવડા દ્વારા કમભાગી પરીવારને સાંત્વનાની સાથે જ ફેમિલી પેન્શન સહિતનાં તેમનાં આર્થિક હક્ક -હિસ્સા તાત્કાલિક મળે એ માટે પણ પ્રયાસો સાથે માનવતાવાદી અભિગમ અપનાવાયો હતો.જેના પરીણામ સ્વરૂપ એસ.પી. કચેરીનાં કારકુનો દ્વારા મૃતકનાં વારસદારોનાં હિતાર્થે તાકીદે ફેમિલી પેન્શન કેસ તૈયાર કરેલા તથા એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સરકારનાં ધારા ધોરણ મુજબ એ જલ્દી મંજૂર કરાવી આપી મૃતકનાં વારસદાર તેમનાં પત્ની ભાવનાબાને જરૂરી દસ્તાવેજો સુપ્રત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત એસ.બી.આઇ. બેંકમાં સેલેરી એકાઉન્ટ ધરાવતા પોલીસ માટે અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકનાં પરીવારને બેંક તરફથી મળવાપાત્ર રૂ. ૧ કરોડની સહાયનો ચેક પણ એસ.પી.ની ઉપસ્થિતિમાં મૃતક મયુરસિંહનાં વારસદારોને એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે જામનગર એસ.બી.આઇ. બેંકનાં મહાપ્રબંધક ભૂપેન્દ્રભાઇ બી. રામાણી, જી.ઇ.બી. ટી.પી.એસ. સિક્કા શાખાનાં પ્રબંધક મનદિપ સંધુ તથા મેનેજર હિતેશ રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

0

જામનગરની સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

  • શહેરમાં નવા ૧૦૦ વૃક્ષ નું વાવેતર કરાયું: બે વર્ષ માટેની જતનની જવાબદારી પણ સ્વીકારી

દેશ દેવી નયૂઝ જામનગર તા ૫ જૂન ૨૪, આજે ૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. એક સ્વચ્છ પર્યાવરમમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે.પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે,પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મુકી દીધુ છે. દુનિયાને આ ખતરાથી માહિતગાર કરાવવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જામનગરની નવાનગર નેચર કલબ છેલ્લા સત્તર વર્ષથી પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવે છે.સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેથી ૫,જૂન ૨૦૨૪ના દિવસે પર્યાવરણ જાગૃતિ અંતર્ગત દર વર્ષે શહેરના વિવિધ સ્થળો પર વૃક્ષા રોપણ કરવામાં આવે છે, અને આ વૃક્ષોની બે વર્ષ સુધી કાળજી લેવામાં આવે છે.તે મુજબ આ વર્ષે જામનગર શહેરના વોર્ડ નં.૧૧ માં આવેલા કામધેનુ રેસીડેન્સીના કોમન પ્લોટમાં તથા દરેડ ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં વૃક્ષા રોપણ રાખવામાં આવ્યું હતું.જેમાં દેશી કુળના ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.જેનું સતત બે વર્ષ સુધી જતન કરવામાં આવશે.

જામનગરમાં પૂનમબેન માડમ હેટ્રીક નોંધાવશે કે મારવીયા મેદાન મારશે ?

0

પૂનમબેન માડમ હેટ્રીક નોંધાવશે કે મારવીયા મેદાન મારશે ?

  • કૌન બનેગા જામનગર કા સાંસદ ? કાલે જાહેર થશે લોકચૂકાદો ?

  • શહેરની હરિયા કોલેજ ખાતે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ:

  • શરૂઆતમાં પોસ્ટલ મતપત્રકોની થશે ગણતરી: સાત વિધાનસભા વિસ્તારોના મતોની ગણતરી માટે સાત રૂપોમાં ૯૮ ટેબલ પર થશે કામગીરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩ જૂન ૨૪, જામનગરની લોકસભાની ચૂંટણી માટે ગત ૭.૫.૨૦૨૪ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ૧૮,૧૭,૮૬૪ મતદારો પૈકી ૧૦,૪૮,૨૯૧ મતદારોએ મતદાન કરતાં આ બેઠક પર ૫૭.૬૭ ટકા મતદાન થયું હતું. અને હવે આવતીકાલે મતગણતરી થવાની છે. જેને લઇને વહીવટીતંત્ર સજજ છે. જામનગર જિલ્લાના પાંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે સહિત સાત વિધાનસભા મત વિસ્તારની મતગણતરી આવતીકાલે હરિયા કોલેજ ખાતે યોજાશે જેની જિલ્લા વહીવટી તંત્રે પણ મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. અને વહિવટીતંત્રની સાથે પોલીસ પણ કોઇ અનિચ્છનીય બનાવ બને નહી અને મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે.

હાલારની સાત વિધાનસભા મત વિસ્તારના મતદાનની મતગણતરી હરિયા કોલેજમાં કરવામાં આવશે. મતગણતરીની કામગીરીમાં બે હજારથી વધુ કર્મચારીઓ, અધિકારીઓ જેમાં માઇક્રો ઓબ્ઝર્વર, સુપરવાઇઝર કોમ્યુટર ટીમ, સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ અધિકારીઓ, કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે તંત્ર વહેલી સવારે જ મતગણતરીના સ્થળે પહોંચી જશે. અને આઠ વાગ્યે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત દરેક વિધાનસભા મતક્ષેત્ર દીઠ પાંચ-પાંચ વીવીપેટની સ્લીપોની ગણતરી કરી. તેની ઇવીએમમાં પડેલા મતોની સાથે સરખામણી કરવામાં આવશે.

મત ગણતરી માટે વિધાનસભા બેઠક પ્રમાણે દરેક બેઠકમાં ૧૨ ટેબલ ગોઠવવામાં આવ્યા છે. 

જામનગર લોકસભાની બેઠકમાં આ વખતે કુલ ૧૦,૪૮,૨૯૧ મત પડ્યા હતા, અને પ્રત્યેક વિધાનસભા વિસ્તાર પ્રમાણે મત ગણતરી કરવામાં આવશે. જેમાં કુલ અલગ અલગ સાત વિધાનસભા વિસ્તારો માટેના ૭ રૂમોમાં ટેબલો ગોઠવવામાં આવ્યા છે, અને ૧૭ થી ૨૭ રાઉન્ડ દરમિયાન મતગણતરી હાથ ધરવામાં આવશે.

જેમાં રાઉન્ડ વાઇસ ગણતરી કરવામાં આવે તો ૭૬- કાલાવડ વિધાનસભા વિસ્તારમાં ૧૨ ટેબલ ગોઠવી ને ૨૪ રાઉન્ડમાં ગણતરી થશે, જયારે જામનગર ગ્રામ્યમાં ૧૨ ટેબલ ગોઠવીને ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે.ત્યારબાદ જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ૧૨ બેઠક પર ૨૦ રાઉન્ડમાં મતગણતરી કરાશે, જયારે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પણ ૧૨ ટેબલ ગોઠવીને ૧૭ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે.

જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં ૧૨ ટેબલ ગોઠવીને ૨૩ રાઇન્ડ માં મત ગણતરી કરાશે.

જયારે ૮૧- ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં ૧૪ ટેબલો ગોઠવીને ૨૪ રાઉન્ડમાં મતગણના થશે, ઉપરાંત દ્વારકા વિધાનસભા માટે ૧૨ ટેબલ ગોઠવીને કુલ ૨૬ રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. સૌથી વધુ મત દ્વારકા વિધાનસભા વિસ્તારમાં ૧,૫૭,૩૬૫ મત પડ્યા છે, જેથી ત્યાં સૌથી વધુ ૨૬ રાઉન્ડમાં મત ગણતરી થશે, જ્યારે સૌથી ઓછા મત જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ૧,૩૫,૮૩૦ પડ્યા હોવાથી ત્યાં ૧૭ રાઉન્ડમાં મતગણતરી પૂરી થઈ જશે.

જામનગર જિલ્લા ના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જામનગર લોકસભા ની બેઠક ના પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં દરેક ટેબલ દીઠ ત્રણ અધિકારી અને અન્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ૧૦ ટકા જેટલો સ્ટાફ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. મતગણતરીમાં ફરજ બજાવનારા તમામ અધિકારી અને કર્મચારીઓને કેવી રીતે મતગણતરી થાય, અને શું તકેદારી રાખવી, તેની તમામ તાલીમ આપવામાં આવી છે.

જામનગર લોકસભા બેઠકની મત ગણતરીને લઈને ચૂંટણીતંત્ર સજ્જ

0

૧૨-જામનગર લોકસભા બેઠકની મત ગણતરીને લઈને જામનગર જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ

  • સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ ૮૬ ટેબલ તેમજ પોસ્ટલ બેલેટના કાઉન્ટીંગ માટે કુલ ૧૦ ટેબલ પર મત ગણતરી થશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૩ જૂન ૨૪, જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ની ૧૨-જામનગર લોકસભા બેઠકની મતગણતરી હરિયા કોલેજ ખાતે આવતીકાલ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે.

૧૨-જામનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ ૮૬ ટેબલ ઉપર મત ગણતરી થશે. તેમજ પોસ્ટલ બેલેટના કાઉન્ટીંગ માટે ૧૦ ટેબલ રાખવામાં આવશે.

વિધાનસભા મતદાર વિભાગ દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ઇવીએમ મશીન માટે ૧૨ ટેબલ તથા ૨૪ રાઉન્ડમાં, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભામાં ૧૨ ટેબલ અને ૨૩ રાઉન્ડ, ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા જેમાં ૧૨ ટેબલ અને ૨૦ રાઉન્ડ,૭૯-જામનગર (દક્ષિણ)માં ૧૨ ટેબલ અને ૧૭ રાઉન્ડ, ૮૦-જામજોધપુરમાં ૧૨ ટેબલ અને ૨૩ રાઉન્ડ, ૮૧-ખંભાળિયામાં ૧૪ ટેબલ પર ૨૪ રાઉન્ડમાં અને ૮૨-દ્વારકા વિધાનસભા મત વિસ્તારની ગણતરી ૧૨ ટેબલ પર અને ૨૬ રાઉન્ડમાં કરવામાં આવશે.

જામનગરમાં બ્યુટીફિકેશનના નામે સત્યાનાશ : તળાવ ૨૦ ફુટ બુરી દેતા વિરોધ

0

જામનગરના જીવાદોરી સમાન લાખોટા તળાવ ના પાછળના ભાગને બ્યુટીફિકેશન ના નામે બુરી દેવાનું કામ વિરોધ પક્ષે અટકાવ્યું

  • પાણીના સંગ્રહ માટેના લાખોટા તળાવને બ્યુટીફિકેશનના બહાને ૨૦ ફૂટ બુરી દેવાનો વિરોધ: જન આંદોલનની ચીમકી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ જૂન ૨૪, જામનગર શહેરની મધ્યમાં આવેલું અને લોકોની જીવાદોરી સમાન લાખોટા તળાવ, કે જેના પાછળના ભાગે સાયકલ ઝોન બનાવવાના બહાને ચારેય બાજુથી ૨૦ ફૂટ તળાવ બુરી નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેનો જામનગર મહાનગરપાલીકા ના વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને તાત્કાલિક અસરથી આ કામ રોકવામાં નહીં આવે તો જન આંદોલનની ચીમકી પણ અપાઇ છે.

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ વિપક્ષી નેતા આનંદ રાઠોડ,પૂર્વ કોર્પોરેટર આનંદભાઈ ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, સંજયભાઈ કાંબરીયા, ભરતભાઈ વાળા સહિત કોંગી અગ્રણીઓ આજે સવારે લાખોટા તળાવની પાળે પહોંચ્યા હતા, અને જે સ્થળે કામ ચાલી રહ્યું હતું, ત્યાં વિરોધ વ્યક્ત કર્યો હતો.

જામનગર શહેરના જીવાદોરી સમાન કે જ્યાં તળાવની ઊંડું ઉતારીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ, તેના બદલે તળાવમાં બહારથી માટી લાવીને તળાવ બુરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેનો વિરોધ કર્યો હતો, અને આ કામ રોકવામાં નહીં આવે, તો ભવિષ્યમાં જન આંદોલનની ચીમકી પણ અપાઈ હતી.

ધ્રોલના બાળકી અપહરણ પ્રકારણમાં ચોકાવનારો ખુલાસો : જનેતા હત્યારી

0

ધ્રોલ નજીક હાડાટોડા ગામમાં પર પ્રાંતીય શ્રમિક પરિવારની ૧૦ મહિનાની બાળકીના અપહરણ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો

  • બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા નિપજાવ્યાનું સામે આવતાં ભારે અરેરાટી

  • માસૂમ પુત્રીને જન્મથી જ શ્વાસની તકલીફ હોવાથી અને રાત્રે રડતી હોવાના કારણે માતાએ જ પુત્રીને કુવામાં ફેંકી દીધી

દેશ દેવી નયૂઝ જામનગર તા ૩ જૂન ૨૪, જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના હાડાટોડા ગામમાં ખેત મજૂરી કરી રહેલા પરપ્રાતિય શ્રમિક પરિવાર ની દસ માસની બાળકી એકાએક લાપત્તા બની જતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી. પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં ચોકાવનારો ખુલાસો થયો છે, અને બાળકીની જનેતાએ જ કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવ્યાનું સામે આવતાં ભારે ચકચાર જાગી છે. બાળકી જન્મથી શ્વાસની તકલીફ વાળી હોવાથી તેમજ રાત્રિના રડતી હોવાના કારણે માતાએ તેને કૂવામાં ફેંકી દઇ મોતને ઘાટ ઉતારી હોવાથી ધ્રોલ પોલીસે માતા સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજ પુરના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડા ટોડા ગામના ખેડૂત વિરેન્દ્રસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કાળુભાઈ સવજીભાઈ મીનાવા નામના આદિવાસી ખેત મજૂરની દસ માસની બાળકી ખુશી શનિવારે બપોરના સમયે લાપતા બની ગઈ હતી. પરિવારજનો દ્વારા વાડી સહિતના આસપાસના વિસ્તારમાં શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો નહીં મળતાં આખરે ધ્રોલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની ૧૦ માસની પુત્રી ખુશી ગુમ થઈ હોવાની જાણ કરી હતી. આથી ધ્રોળ પોલીસે બાળકીના અપહરણ અંગે ગુનો નોંધ્યો હતો, અને તેની શોધખોળ શરૂ કરી હતી.આદિવાસી શ્રમિક પરિવારના ચાર સંતાનો પૈકીની સૌથી નાની પુત્રી ખુશી કે જે ઘરમાં સૂતી હતી, દરમિયાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઇ હતી, જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો બાળકીની માતા સંગીતા દેવી કે જેણે જ પોતાની ૧૦ માસની બાળકીને કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે કૂવામાંથી બાળકીના મૃતદેહ અને બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં સંગીતાએ જણાવ્યું હતું, કે પોતાની પુત્રી ખુશી, કે જેને જન્મથી જ શ્વાસની તકલીફ હતી, અને રાત્રિના રડતી હતી, જેથી કંટાળીને આખરે તેની હત્યા કરી નાખવાનો મનસુબો ઘડ્યો હતો, અને શનિવારે બપોરે તેને કૂવામાં ફેંકી દઈ હત્યા નીપજાવી હતી.ધ્રોલ પોલીસે બાળકીના પિતા કાળુભાઈ સવજીભાઈ મીનાવા ની ફરિયાદના આધારે તેની પત્ની સંગીતા સામે આઇપીસી કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધ્યો છે, અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે. આ બનાવે ધ્રોળ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

જામનગરમાં બાળકને અડફેટ લેનાર પશુને ઢોરના ડબ્બે મોકલાવી

0

જામનગર માં હાપા એલગન સોસાયટીમાં ૫ વર્ષની બાળકીને હડફેટે લેનાર પશુને જામ્યુકોની ટીમે શોધી કાઢી ઢોરના ડબ્બામાં મોકલાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧, જૂન ૨૪ જામનગર ના હાપા એલગન સોસાયટી માં એક રખડતા પશુએ એલગન સોસાયટી વિસ્તારમાં રમી રહેલી ૫ વર્ષની બાળકીને હડફેટે લીધી હતી. જેથી બાળકી ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી. સ્થાનિક મહિલાએ હિંમત દાખવીને પશુના કબજા માંથી બાળકીને છોડાવી લેતાં તેનો જીવ બચી ગયો હતો. જેનો વિડીયો વાયરલ થયા પછી જામનગર મહાનગરપાલિકાની ટીમ હરકતમાં આવી હતી, અને હાપા વિસ્તારમાં વોચ ગોઠવી બાળકીને ગંભીર સ્વરૂપે ઘાયલ કરી દેનાર રસ્તે રઝળતા પશુ ને શોધી કાઢ્યું હતું, અને તેને પકડી લઈ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મોકલાવી દીધું છે.

જામનગર પોલીસની પ્રશંસનીય કામગીરી કરી : ખેડુતના 3 લાખ શોધી આપ્યા

0

કલ્યાણપુરના નંદાણાના ખેડૂતની જામનગરમાં પડી ગયેલી ત્રણ લાખની રકમ સિટી સી. ડિવિઝન પોલીસે પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી

  • પુત્ર ની સગાઈ માટે સોનાના દાગીના બનાવવા માટે આવેલા ખેડૂતની રકમ ખાનગી ટ્રાવેલ્સમાં ભુલાઈ જતાં પોલીસે રકમ પરત અપાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તારીખ ૧ જૂન ૨૪, કલ્યાણપુર તાલુકા ના નંદાણા ગામના એક ખેડૂત ૩ લાખની રોકડ રકમ લઈને પુત્ર ની સગાઈ માટે ઘરેણા બનાવવા માટે જામનગર આવ્યા હતા, અને તેઓની ત્રણ લાખની રોકડ રકમ ભરેલો થેલો ગાયબ થયો હતો. સિટી સી. ડિવિઝન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ ના સંચાલકનો સંપર્ક કરીને ખેડૂતનો રોકડ રકમ ભરેલો થેલો શોધી કાઢી રકમ પરત અપાવીને પ્રસંસનિય કામગીરી કરી હતી. જેથી ખેડૂતે પોલીસ વિભાગનો તેમ જ ટ્રાવેલ સંચાલકનો આભાર માન્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત વજશીભાઈ નાથાભાઈ કરમુર (ઉ.વ.૫૩) કે જેઓ પોતાના પુત્રની સગાઈ કરવા માટે સોનાના દાગીનાની ખરીદી કરવા માટે ગઈકાલે બપોરે ખાનગી લક્ઝરી બસ મારફતે જામનગર આવ્યા હતા. દરમિયાન તેઓનો ત્રણ લાખની રોકડ રકમ ભરેલો થેલો ગાયબ થયો હતો, અથવા તો ક્યાંક ભુલાયો હતો.

તેથી તેમણે તુરત જ સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, ત્યાં ઇન્ચાર્જ પ્રોબેશનલ પી.આઇ. આર.ડી. રબારી તેમજ પી.એસ.આઇ. વી.બી. બરબાસીયા અને સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જાડેજા તથા મહાવીરસિંહ જાડેજા વગેરેએ તાત્કાલિક અસરથી રોકડ રકમ શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જેઓએ સામરાજ ટ્રાવેલ્સ ના સંચાલક શક્તિસિંહ રામસંગજી સોઢા કે જેઓ મૂળ શેખપાટ ગામના વતની છે, તેઓનો સંપર્ક સાધ્યો હતો, અને ખાનગી લક્ઝરી બસ વગેરેની તપાસની કરાવી હતી.

દરમિયાન ખેડૂતની બસમાં ભૂલાયેલી રૂપિયા ત્રણ લાખની રોકડ રકમ મળી ગઈ હતી, અને ખેડૂત વજશીભાઈ ને તે રકમ પોલીસની હાજરીમાં પરત અપાવી દેતાં તેઓએ પોલીસ વિભાગ તેમજ ટ્રાવેલ સંચાલક નો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગરમાં રખડતા પશુ હડફેટ પાંચ વર્ષની બાળકી ધવાઇ : રંજાડ યથાવત્

0

જામનગર માં રખડતાં પશુઓની રંજાડ યથાવત્ : ૫ વર્ષની બાળકીને હડફેટે લેતાં ગંભીર સ્વરૂપે ઘાયલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૧ મે ૨૪, જામનગર ના હાપા એલગન સોસાયટી માં રખડતા પશુનો ત્રાસ યથાવત્ રહ્યો છે. અને ગત તા.૨૯ ના સાંજે ૬:૩૦ વાગ્યાના અરસામાં હાપા એલગન સોસાયટી વિસ્તારમાં રમી રહેલી ૫ વર્ષની બાળકીને રખડતાં પશુએ હડફેટે લીધી હતી. જે જોતાં જ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, જોત જોતામાં આ પશુએ બાળકી ને પોતાના નીચે લઈ મારવા જતાં લોકો ત્યાં આવી જતાં બાળકીનો માંડ માંડ બચાવ કર્યો હતો. આવા રખડતાં પશુઓના માલિક સામે તંત્રએ કડક હાથે કામ લેવાની જરૂર છે.

બાળકીનો જીવ માંડ માંડ બચ્યો..!

બાળકી ને હડફેટે લેનાર પશુ માલિક સામે તંત્ર ક્યારે કડક પગલાં લેશે..? કે પછી બધી વાતો કાગળ પર જ.! લોકોના જીવ લઈ લે પછી આ નાની રમી રહેલી બાળકીને પણ માત્ર વાતો જ કરવામા આવે છે.! લોકો દ્વારા એવું ચર્ચાયું હતું કે આ પશુ ૩/૪ દિવસ બઘા લોકોને મારવા દોડે છે. અંતે આ પશુએ હડફેટે લઈ અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હાલ બાળકીની તબિયત નાજુક છે. આંખ ની ભાગે પાંચ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવશે કે નહીં..!?

error: Copying and use of the content of the website is considered as illegal activity.