Tuesday, October 13, 2026
Home Blog Page 135

જામનગરમાં બે ગાઢ મિત્રોએ કારમાં બેસી સજોડે ઝેરી દવા ગટગટાવી

0

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર એક કારમાં બેસીને બે વયોવૃદ્ધ મિત્રએ સજોડે ઝેરી દવા પી લેતાં ભારે ચકચાર

  • બંનેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા : કારણ અકબંધ : પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જુલાઈ ૨૪, જામનગરમાં શરૂ સેક્સન રોડ પર ગોલ્ડન સીટી નજીક એક કારમાં બે વયોવૃદ્ધ મિત્રોએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંનેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ ગોલ્ડન સીટી વિસ્તારમાં સરલાબેન આવાસ પાસે પાર્ક કરેલી એક કારમાં અશોક વિપુલભાઈ ધોકિયા અને પરબતભાઈ ગોજીયા નામના બે મોટી ઉંમરના મિત્રો, કે જેઓએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંને બેશુદ્ધ અવસ્થામાં કારમાં પડ્યા હતા.

આ અંગેની જાણકારી મળતાં તેઓને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બંને હાલ બેશુદ્ધ અવસ્થામાં સારવાર મેળવી રહ્યા છે.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને કારમાંથી ઝેરી દવાની બે બોટલ કબજે કરી છે, અને સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. બંને મિત્રોના પરિવારજનોને જાણકારી મળવાથી તેઓ પણ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા છે. પોલીસ આ મામલે તેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.

જામનગરમાં મોબાઈલની ચીલ ઝડપ કરનાર બે ગઠીયા પકડાયા : મુદામાલ કબ્જે

0

જામનગરમાં દિગ્જામ વિસ્તારમાંથી ચાલીને જઈ રહેલા રાહદારીના હાથમાંથી મોબાઇલ ફોનની ચીલ ઝડપ

  • પોલીસે ડબલ સવારી બાઈકમાં ચિલઝડપ કરી ને ભાગી છૂટેલા બે શખ્સોને મોબાઈલ સાથે ઝડપી લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જુલાઈ ૨૪, જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નજીકથી પગપાળા ચાલીને જઈ રહેલા એક રાહદારીના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવીને ડબલ સવારી બાઈકમાં આવેલા બે ગઠીયાઓ છુમંતર થયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાયા પછી પોલીસ બંને ગઠિયાઓને શોધી કાઢ્યા છે, અને મોબાઈલ ફોન કબ્જે કરી લીધો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિલ્વર સરિતા કો ઓપરેટિવ સોસાયટીમાં રહેતા માયારામ જય જય રામ મૌર્ય ઉંમર વર્ષ (પ૮) કે જેઓ દીગજામ ઓવરબ્રિજનજીક થી પગપાળા ચાલીને પોતાના મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા જઈ રહ્યા હતા. જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સ એ તેઓના હાથમાં રહેલા રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમત ના મોબાઈલ ફોન ને ઝુંટવી લીધો હતો, અને હવામાં ઓગળી ગયા હતા.

આ બનાવ સમયે માયારામ મૌર્ય એ દેકારો કર્યો હતો, પરંતુ બંને ગઠીયાઓ રફુચક્કર થઈ ગયા હોવાથી સમગ્ર મામલાને સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી બંને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ઉપરોક્ત મોબાઈલ ફોનની ચિલઝડપ કરનાર જામનગરમાં બાવરીવાસમાં રહેતા રોહિત જીવણભાઈ ડાભી તેમજ અર્જુન સુરજભાઈ સોલંકી ને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી ઉપરોક્ત મોબાઈલ ફોન કબજે કરી લીધો છે.

જામનગર દિગ્વિજય પ્લોટના ધમાલ પ્રકરણમાં 3 સામે ગુનો નોંધાયો

0

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મોબાઇલ કોલ કાપી નાખવાના મુદે સર્જાઇ બબાલ

  • બારી અને એકટીવામાં તોડફોડ કરી ધમકી આપવા અંગે ૩ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ

  • આરોપી : – સાહીલ આરીફભાઇ ઉર્ફ  દંતો , આફ્રિદી અન્ય એક અજાણ્યા સામે ફરીયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જુલાઈ ૨૪ જામનગર શહેરના દિગવીજય પ્લોટ શેરી નંબર ૩૩ માં નહેર ના કાંઠે ફોન કાપી નાખવાની સામાન્ય બાબતનો ખાર રાખીને બાઇકમાં ઘસી આવેલા શખ્સોએ બબાલ કરી હતી, અને બારી તથા એકટીવમાં તોડફોડ કરીને ધમકી આપ્યાનો મામલો સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. જ્યાં ૩ શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગરમાં દિગવીજય પ્લોટ શેરી નંબર ૩૩ માં નહેરના કાંઠે રહેતા સાજીયા સોહીલભાઇ બ્લોચ (ઉ.વ.૩૩) ના પતિના ફઈના દિકરા સાહીલે તેણીના મોબાઇલમાં ફોન કરતા તેના સાત વર્ષના પુત્રએ ફોન કાપી નાખ્યો હતો, જે વાતનો ખાર રાખીને સાહીલ અને તેના બે મિત્રોએ એક સંપ કરી તા.૨૪ ના રાત્રીના ૧૧ વાગ્યા ના સુમારે બાઇકમાં પાઇપ, ધોકા સાથે ફરીયાદીને મારવા માટે તેના ઘરે આવ્યા હતા.

દરમ્યાન ઘરની કાચની બારીમાં છરીનો ઘા મારી તોડી નાખ્યો હતો, અને ફરીયાદીની એકટીવા નં.જી.જે.૧૦.ઇ.એ.૪૩૮૫ માં પાઇપ અને ધોકા મારી, નુકશાન પહોચાડી અપશબ્દો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

જે મામલે સાજીયા સોહીલભાઇ બ્લોચ દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ, સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ફરીયાદી સાજીયા બ્લોચ ના નિવેદન ના આધારે આરોપી સાહીલ આરીફભાઇ, દંતો અને આફ્રિદી નામના અન્ય બે સાગરીતો વિરૂદ્ધ આઇપીસી કલમ ૩૩૩, ૩૨૪ (૪), ૩૫૧ (૩), ૩૫૨, ૧૮૯ (૪) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી ના પીએસઆઇ એ.વી.સરવૈયા તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરમાં વકરતા રોગચાળાના પ્રશ્ને મ્યુનિ.કમિશનરે તબીબો સાથે બેઠક યોજી

0

જામનગરમાં વકરતા રોગચાળાના પ્રશ્ને મ્યુનિ.કમિશનરે જી. જી. હોસ્પિટલના તબીબો સાથે બેઠક યોજી

  • શેરીજનોનોને બોરવેલ નું નહી નળ નું પાણી પીવા અનુરોધ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર૭ જુલાઈ ૨૪ , જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. ત્યારે આજે મ્યુનિ. કમિશનર દ્વારા જી.જી.હોસ્પિટલના તબીબો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પણ જોડાયા હતા. લોકો ને બોરવેલ નું નહી પણ નળ નું પાણી પીવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

જામનગર માં ચાંદીપુરા, કોલેરા, તાવ ,કમળો જેવા અનેક રોગના દર્દીઓનું પ્રમાણ વધુ છે. આ રોગચાળો અટકાવવામાં તંત્રના હાથ ટુંકા પડયા છે. ત્યારે વિપક્ષ નાં વ્યાપક વિરોધ પછી આજે મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી દ્દારા રોગચાળાને અંકુશમાં લેવા અંગે આરોગ્ય વિભાગ ની એક બેઠક આજે રજા નાં દિવસે બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ, ડો. એસ.એસ. ચેટરર્જી, મહાનગરપાલિકાના ડો. ગોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અને દર્દીઓને આપવામાં આવતી સારવાર તકેદારી રાખવી ? કયાં પગલા લેવા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ મિટીંગ પછી મીડિયાને સંબોધતા મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી એ જણાવ્યું હતું કે કોલેરા, ચાંદીપુરા, કમળો સહિત ના રોગચાળા અન્વયે ચર્ચા માટે બેઠક યોજાઈ હતી. તમામ ઝાડા-ઉલ્ટી ના કેસમાં કોલેરા હોય તે જરૂરી નથી. ચાંદીપુરા નો કોઈ કેસ જામનગર શહેર માં નોંધાયો નથી એક મૃત્યુ કેસ માં પણ રિપોર્ટ નેગેટીવ મળ્યો હતો.

છેલ્લા બે માસમાં જામનગર અને આજુબાજુના વિસ્તારમાંથી ર૪ કેસ કોલેરા નાં નોંધાયા છે. ખાસ કરીને મોહર્મ ના જુલુસ પછી ના બે-ત્રણ દિવસ પછી થોડા કેસ વધ્યા હતાં. આરોગ્ય વિભાગ નો સ્ટાફ ઘરે જઈ ને કામગીરી કરી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે , બોરવેલનું પાણી હાલના તબક્કે પીવુ હીતાવહ નથી. છતાં જરૂર હોય તો ઉકાળી ને અથવા કલોરીન કરીને જ પીવું અન્યથા મહાનગર-પાલિકા દ્વારા વિતરણ થતા સુપર કલોરીન વાળા પાણી નો પીવા માટે ઉપયોગ કરવો. ખુલ્લા ખોરાક ખાવા નહીં, રસ, બરફ અને પાણીપુરી ના અનેક ધંધા ઓ બંધ કરાવાયા છે. એકંદરે લોકો એ પણ સાવચેતી રાખવી જરૂરી છે.

જામનગરના ઉદ્યોગનું કેમિકલવાળું અને પ્રદૂષિત પાણી રંગમતી નદી માં ઠલવાતા રોષ

0

જામનગર ના ઉદ્યોગ નું કેમિકલવાળું અને પ્રદૂષિત પાણી રંગમતી નદી મા ઠલવાતા રોષ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૭ જુલાઈ ૨૪ જામનગર માં ભાગોળે આવેલા ઉદ્યોગનગર નું પાણી કેમિકલ વાળું પાણી સીધું રંગમતી નદી માં ઠલવાતું હોવાથી જમીનના તળ ના પાણી પણ પ્રદુષિત થઈ રહ્યા છે. આ અંગે વિરોધ કરવામાં આવ્યો છે.

જામનગરના કોંગ્રેસ અગ્રણી પાર્થ પટેલના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગ નગર ના કારખાનામાંથી નીકળતા કેમિકલ વાળા અને પ્રદૂષિત પાણીનો નિકાલ રંગમતી નદીના પાણીમાં કરવામાં આવે છે પરિણામે નદી નું પાણી પણ પ્રદૂષિત થાય છે જેમાં થી ઢોર પાણી પીતાં હોય છે .આ ઉપરાંત જમીનના તળના પણ પાણી પ્રદૂષિત થતા અનેક લોકો ડંકી બોર માંથી પાણી પીતા હોવા થી તેમના આરોગ્ય ઉપર પણ ખતરો ઝળૂંબી રહ્યો છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જામનગર મહાનગરપાલિકાની કચેરી દ્વારા આ ગંભીર બાબતે કોઈ પગલાં પણ લેવામાં આવતા નહિ હોવાનો તેમણે આક્ષેપ પણ કર્યો છે.હકીકતે આવા પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કર્યા બાદ જ નદીમાં છોડવું જોઈએ તેવી પણ તેમણે માંગણી કરી છે

જામનગરમાં કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી યોજાઈ

0

જામનગરમાં કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઈ

  • શહેરના બંને ધારાસભ્ય- મેયર સહિતના ભાજપના આગેવાનો મસાલ રેલીમાં જોડાયા: શહીદ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પિત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગઈકાલે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મસાલ રેલી યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેરના બંને ધારાસભ્યો, મેયર, શહેર ભાજપના પ્રમુખ સહિતના અગ્રણીઓ જોડાયા હતા, અને મસાલ રેલી બાદ તળાવની પાળે આવેલા શહિદ સ્મારકે જઈને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી, અને ૨૫ કલાક માટેની અખંડ જ્યોત પ્રજ્વલિત કરી હતી.

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મશાલ યાત્રાનું વોર્ડ નંબર ૯,૧૦,૧૧ અને ૧૨ માં આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ૭૮- વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગરના પ્રથમ નાગરિક વિનોદભાઈ ખીમસૂર્યા, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દાસાણી મહામંત્રી વિજયસિંહ જેઠવા તેમજ જામનગર મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના સર્વે હોદ્દેદારો વગેરે મશાલ રેલીમાં જોડાયા હતા.

જે મસાલા યાત્રા શ્યામજી કૃષ્ણ વર્મા ની પ્રતિમા પાસેથી પ્રારંભ થઈ હતી, અને તળાવની પાળે આવેલા શહીદ વીર સ્મારક સુધી પહોંચી હતી. જ્યાં ૨૫ કલાક માટેની અખંડ જ્યોત પ્રગટાવાઇ હતી, જ્યારે સર્વે મહાનુભાવો એ શહીદ વીરો ને નમન કર્યા હતા, અને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

જામનગરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં બે શખ્સોની ધમાલ

0

જામનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઘુસી આવેલા બે શખ્સોએ હંગામો મચાવી સબ રજિસ્ટ્રારને ધાકધમકી આપી

  • સબ રજિસ્ટ્રાર દ્વારા આરોપીના પરિવારજનો સામે દસ્તાવેજમાં છેડછાડ અંગે નો કેસ કર્યો હોવાથી મનદુઃખ રાખીને ફરજ માં રૂકાવટ કરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ જુલાઈ ૨૪, જામનગર ની સબ રજીસ્ટર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર ને ગઈકાલે ચાલુ ફરજ દરમિયાન બે શખ્સો એ ધસી આવી પોતાના પરિવાર સામે દસ્તાવેજ અને રેકોર્ડમાં છેડછાડ સંબંધેની ફરિયાદ કરવા સંદર્ભે ધાક્ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે મૂળ જૂનાગઢના વતની અને હાલ જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને જામનગરની સરૂ સેક્શન રોડ પર આવેલી સબ રજિસ્ટ્રાર ની કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હર્ષ દિલીપભાઈ પરમાર નામના અધિકારીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસમાં પોતાની ફરજમાં રૂકાવટ કરવા અંગે અને ઓફિસમાં ઘુસી આવી હંગામો મચાવી અધિકારી ને ગાળો ભાંડવા અંગે જામનગરના અશોક પરમાર અને નરસિંભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુંસાર બંને આરોપીઓ ગઈકાલે પોતાની ફરજ પર હતા, જે દરમિયાન સરકારી કચેરીમાં ધસી આવ્યા હતા, અને હંગામો મચાવ્યા પછી આરોપી અશોક પરમાર કે જેના સગા તેમજ આરોપી નરસિંભાઈ ચાવડા ના પુત્ર ભાવિન ચાવડા વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ અને સરકારી રેકર્ડમાં ચેડાં બાબતેની ફરિયાદ કરી હતી. જેનું મનદુઃખ રાખીને કચેરી આવી બંને એ ગઈકાલે હંગામો મચાવ્યો હતો, જેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે પીએસઆઇ ડી.જે. રાજ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરમાં શ્રાવણ માસના પ્રારંભ પહેલાં જ મહિલાઓ જુગારમાં જોતરાઈ

0

જામનગરમાં શ્રાવણ માસના પ્રારંભ પહેલાં જ મહિલાઓ પણ જુગારની પ્રવૃત્તિમાં જોતરાઇ

  • ગઇ રાત્રે પોલીસે પાડેલા જુગારના ત્રણ દરોડામાં પાંચ મહિલા સહિત ૧૧ શખ્સો પકડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં શ્રાવણ માસનો પ્રારંભ થાય તે પહેલા મહિલાઓ જુગારની પ્રવૃત્તિમાં જોડાઈ છે. ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં પાંચ મહિલા સહિત ૧૧ આરોપીઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો મહિલા કોલેજ પાછળ પ્રતાપ નગર શેરી નંબર-૧માં પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી આશાબેન શની ભાઈ મકવાણા, દિવાળીબેન જયંતીભાઈ ઝાલા, મધુબેન શીવાભાઈ ચૌહાણ, કાજલબેન સાગરભાઇ ચૌહાણ, ધાર્મિબેન શીવાભાઈ ચૌહાણ અને સન્ની ભરતભાઈ મકવાણા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૨૦૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

જામનગરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા અજય છગનભાઈ ડોણાંસિયા, મિલન છગનભાઈ ડોણાસીયા, અને બાબુભાઈ પ્રેમજીભાઈ ઢાપા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૪૩૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ ઉપરાંત જામનગરમાં સ્મશાન નજીકના વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ભીખુભાઈ ધનજીભાઈ બારીયા અને દિનેશ મગનભાઈ ચંદ્રપાલને પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૬૦૦ ની રોકડ કબજે કરી છે.

જામનગરના વિજરખી ડેમમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

0

જામનગર નજીક વિજરખી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલા એક યુવાનને શોધવા માટેની ફાયર તંત્રની કવાયત

  • બે પિતરાઈ ભાઈઓ સાથે ફરવા ગયેલા અને ડૂબેલા યુવાન ને બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા

  • ફાયર બ્રિગેડ ની ગઈકાલ સાંજે તથા આજે સવારની શોધખોળ બાદ આખરે ડેમમાંથી મૃતદેહ સાંપડયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જુલાઈ ૨૪, જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહીને મજૂરી કામ કરતો ૧૮ વર્ષનો એક યુવાન પોતાના બે પિતરાઇ ભાઈઓ સાથે ગઈકાલે સાંજે વિજરખી ડેમ પાસે ફરવા ગયો હતો, જ્યાં અકસ્માતે ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેમની સાથે રહેલા બે પિતરાઈ ભાઈઓએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઊંડા પાણીમાં ચાલ્યો જતાં લાપતા બન્યો હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી.

ગઈકાલે સાંજે તેમજ આજે સવારથી ફાયર બ્રિગેડ દ્વારા વિજરખી ડેમમાં શોધખોળ ચાલુ રખાયા બાદ આખરે ડેમના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં માતમ છવાયો છે.જામનગર તાલુકાના વિજરખી ગામમાં પોતાના મામાના ઘેર રોકાવા આવેલા અને વિજરખી ગામમાં જ મજૂરી કામ કરતા મહેબુબ આમીન શેખ (૧૮ વર્ષ) કે જે પોતાના બે પિતરાઈ ભાઈઓ વલીમામદ હુસેનભાઇ તેમજ ઇકબાલભાઈ પઠાણ સાથે ગઈ કાલે સાંજે વિજરખી ડેમ પાસે ફરવા ગયો હતો.

દરમિયાન તે એકાએક ડેમના પાણીમાં ઉતર્યા પછી ડૂબવા લાગ્યો હતો, અને પાણીમાં તેના માત્ર બે હાથ દેખાઈ રહ્યા હતા. જેને બચાવવા માટે વલીમામદ તેમજ ઈકબાલ નામના બે પિતરાઈ ભાઈઓ પણ પાણીમાં ઊતર્યા હતા. પરંતુ તરતા આવડતું ન હોવાથી તેઓ બચાવી શક્યા ન હતા, અને પાણીમાંથી બહાર નીકળીને પરિવારને જાણ કરી હતી.

આ બનાવ બાબતે ફાયર બ્રિગેડ ને પણ જાણ કરાઈ હતી. જેથી ગઈકાલે સાંજે ફાયર વિભાગ ની ટુકડી વિજરખી ડેમ પર પહોંચી હતી, અને લાપતા યુવાન મહેબૂબ ની શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ મોડી રાત સુધી તેનો કોઈ પતો મળ્યો નહોતો. તેથી રાત્રે ઓપરેશન અટકાવ્યા બાદ આજે વહેલી સવારથી ફરીથી ડેમમાં શોધ ખોળ નું કાર્ય શરૂ કર્યું હતું, દરમિયાન ૧૧.૩૦ વાગ્યાના અરસામાં તેનો મૃતદેહ ડેમના પાણીમાંથી મળી આવ્યો હતો. જેને બહાર કાઢી પંચકોશી એ. ડિવિઝન ના સ્ટાફ ને સુપ્રત કરી દીધો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવે છે. આ બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં માતમ છવાયો છે.

જામનગર ધારાસભ્ય રિવાબા જાડેજાએ હોસ્પિટલ ની મુલાકાત લીધી

0

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસ તેમજ કોલેરા ના દર્દીઓની મુલાકાત લીધી

  • તમામ દર્દીઓની સારવાર તથા જરૂરી આરોગ્ય સુવિધાઓ સંબંધે જી.જી. હોસ્પિટલના તબીબી અધિકારીઓ સાથે પણ બેઠક યોજી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જુલાઈ ૨૪, જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદિપુરા વાયરસના દર્દીઓ તેમજ કોલેરાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી, અને તેઓના ખબર પૂછ્યા હતા. ઉપરાંત તમામ દર્દીઓને સારવાર અને જરૂરી આરોગ્ય સુવિધાઓ સંબંધિત જી.જી. હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ તથા અન્ય તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.તાજેતરમાં ઋતુ ફેરબદલ થતાં જામનગરમાં કોલેરાના કેસો તેમજ હાલમાં નાના બાળકોમાં ફેલાયેલો ચાંદીપૂરા રોગના કેસ જામનગરમાં નોંધાયા છે, અને સરકાર દ્વારા સંચાલિત જી. જી. હોસ્પિટલ માં સારવાર મેળવી રહ્યા છે.દરમિયાન જામનગરના ૭૮ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જી.જી. હોસ્પિટલ માં ઉપરોક્ત તમામ દર્દીઓની મુલાકાત લઈને વર્તમાન વ્યવસ્થાનુ નિરીક્ષણ કર્યું હતું, અને દાખલ થયેલા તમામ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.આ ઉપરાંત જીજી હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ તથા અન્ય તબીબી અધિકારીઓને દર્દીઓની સત્વરે અને સધન સારવાર સંબંધે જરૂરી સૂચના આપી હતી.આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાની સાથે જામનગર મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા  આશિષભાઈ જોષી, જી.જી. હોસ્પિટલના વિભાગીય અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.