Tuesday, October 13, 2026
Home Blog Page 123

ખંભાળિયાના કોન્ટ્રાક્ટરનો ધ્રોળ ટોલનાકે કારમાં આપધાત

ખંભાળિયાના કોન્ટ્રાક્ટર યુવાને ધ્રોળના ટોલનાકે પોતાની કારમાં ઝેરી દવા પી લેતાં મૃત્યુ નિપજવાથી ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ઓક્ટોબર ૨૪, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ના વતની એવા કોન્ટ્રાક્ટર યુવાને પોતાની કારમાં ધ્રોલના ટોલનાકે પહોંચી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જે કેવી નગર વિસ્તારમાં રહેતા અને જેસીબી તથા અન્ય મશીનરી નો કોન્ટ્રાક્ટર ધરાવતા રઘુવીરસિંહ કિશોરસિંહ રાઠોડ નામના ૩૬ વર્ષના યુવાને ગઈકાલે સવારે ધ્રોળના સોયલના ટોલનાકા પાસે પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એસ. દલસાણીયા બનાવ ના સ્થળે દોડી ગયા હતા, અને રઘુવીર સિંહ રાઠોડ ને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ અભિજીતસિંહ રાઠોડ એ પોલીસમાં જાહેરાત કરી હતી. જેથી પોલીસે રઘુરરાજસિંહ રાઠોડના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, જ્યારે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી છે.મૃતક કોન્ટ્રાક્ટર યુવાન ખંભાળિયામાં રહેતા હતા અને તેઓને સંતાનમાં ૧૨ વર્ષનો પુત્ર છે. જેઓનો ધંધો બરાબર ચાલતો હતો. પરંતુ કોઈપણ સંજોગોમાં પરમદીને રાતે પોતાના ઘેરથી નીકળ્યા પછી ધ્રોલના ટોલનાકે જઇ પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. જે બનાવ મામલે સૌપ્રથમ સોયલના ટોલનાકા ના કર્મચારીને જાણ થતાં તેઓએ ધ્રોળ પોલીસને સ્થળ પર બોલાવી લીધા હતા. આ મામલામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

જામનગરમાં DP કપાતના મુદ્દે ગાંધી સ્ટાઇલ થી મૌન રેલી

0

જામનગરમાં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગર સુધી નો ડીપી રોડ કાઢવા માટે ૩૩૧ મકાનો દુર કરવા નું પ્રકરણ

  • ડીપી કપાત અટકાવવાના મુદ્દે આગામી ૨ ઓક્ટોબરને ગાંધી જયંતિથી ગાંધી સ્ટાઈલથી અસરકર્તાઓ દ્વારા લડતના મંડાણ
  • બીજી ઓક્ટોબરે આશાપુરા મંદિરથી સ્વામિનારાયણનગર સુધી સવારે ૮:૩૦ વાગ્યે મૌન રેલી નિકળશે

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧ ઓક્ટોબર ૨૪ જામનગરમાં સ્વામીનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધીના ડીપી કપાત રોડને કાઢવા માટે નવાગામ ઘેડથી ગાંધીનગર વિસ્તારના ૩૩૧ મકાનોને તોડવાની તંત્રની તૈયારી સામે સ્થાનિક લોકોએ સંગઠિત થઈને લડત સમિતિ બનાવી છે, જે સમિતિ દ્વારા આવતી કાલે ગાંધી જયંતિના દિવસ તા. ૨ ઓક્ટોબરની સવારે ૮:૩૦ વાગ્યે ગાંધીનગરના આશાપુરા માતાજીના મંદિર સામેથી સ્વામીનારાયણનગર સુધીની મૌન રેલી યોજીને લોક લડતનો આરંભ કરવાની નિર્ધાર કર્યો છે.

મનપા દ્વારા વર્ષ ૨૦૧૯માં નવાગામ ઘેડ-ગાંધીનગર વિસ્તારના ૫૦૦થી વધુ રહિશોને ૩૦ મીટરનો ડીપી રોડ કાઢવા આખા મકાનો અથવા તેના હિસ્સા દુર કરવા નોટીસો અપાઈ હતી. પરંતુ લોકજુવાળ પેદા થઈ ગયો હતો, અને સ્થાનિક વિસ્તારના લોકો એ મહાનગર પાલિકાના તંત્રને આવેદન આપી, કમિશનરને મૌખિક રજુઆતો કરીને આ કપાત રોકવા માંગણી કરી હતી. સાથે સાથે હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં ૨૪૧ લોકો જોડાયા હતા. ત્યારબાદ આ પ્રકરણ ટાઢું પડી ગયું હતું. પરંતુ હવે ફરી કોર્પોરેશને અગાઉના ૩૦ મીટરવાળા ડીપી રોડને ૧૨ મીટર કર્યા બાદ કપાતમાં આવતા ૩૩૧ આસામીઓના મકાનો દુર કરવા નોટીસ આપી છે. ત્યારે સ્થાનિક નાગરિકોએ તાજેતરમાં જ તંત્ર દ્વારા બોલાવાયેલી બેઠકમાં અંદાજે ૧૭૫થી વધુ લેખિત વાંધા રજુ કર્યા છે. મોટાભાગના લોકોએ તંત્રને આ કપાત અટકાવવા રજુઆતો કરી છે.

તંત્ર સામે હવે લોકો સંગઠીત થયા છે, અને આવતી કાલે ગાંધી જયંતિના દિવસે મૌન રેલી દ્વારા ગાંધીજી ની લડત ને અનુસરીને જામનગર મહાનગરપાલિકા સામે લડતના મંડાણ કર્યા છે. તેમ લડત સમિતિના કન્વિનર વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે, અને તમામ સ્થાનિક આધારકર્તાઓને મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે.

જામનગરના ઈવા પાર્કમાં અકસ્માત સર્જનાર કાર ચાલક પકડાયો

0

જામનગરના ઈવા પાર્કમાં બેફામ ગતિએ કાર ચલાવી મહિલાને ફંગોળી દેવાનું ચકચારી પ્રકરણ

  • પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી ત્વરિત અટકાયતમાં લીધો : કાર પણ કબજે લેવાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૦ સપ્ટેમબર ૨૪, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક વિસ્તાર માં બે દિવસ પહેલાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક મહિલાને કાર ચાલકે ઠોકર મારી ફંગોળી નાખી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક ની ધરપકડ કરી છે, અને કાર કબ્જે કરી છે.જામનગરના ઇવા પાર્ક વિસ્તારમાં બેફામ ગતિએ કાર ચલાવી હતી, તે કાર ના ચાલકની પોલીસે ઓળખ કરી લીધી છે, અને આરોપી ભરત શંકરભાઈ દામા, જે ઈવા પાર્કમાં જ રહે છે, તે પોલીસ લખેલી બોલેરો કાર (જી.જે. ટેન ટી.વાય. ૧૩૯૪) ચલાવતો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલા નેહલબેન વિરેન્દ્રભાઈ મકવાણા અટલ બિહારી વાજપાઇ આવાસ સી વિંગમાં રહે છે.આં ઘટનામા પોલીસ ખૂદ ફરિયાદી બની લોક રક્ષક તરીકે સીટી એ. ડીવીજન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા યુવરાજસિંહ ઉદૂભા જાડેજાએ આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પરમારે આ પ્રકરણમાં આઈપીસી કલમ ૧૮૫ સહિતની જુદી જુદી કલમો હેઠળ હેઠળ ગુનો નોંધી આરોપી કારચાલક ની ધરપકડ કરી છે.આ ઘટનાએ લોકોમાં રોષની ભાવના ફેલાવી છે. પોલીસ લખેલી ખાનગી કાર ચલાવતો વ્યક્તિ જો આવું કૃત્ય કરી શકે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ‘જયવીન પુંજાણી ‘ નામના ચિટરથી ચેતતા રહેવું

0

જામનગરના નાગરિકોએ એક ચિટર શખ્સથી ચેતતા રહેવા સાયબર સેલ નો અનુરોધ

  • સાયબર એક્ષપર્ટ ,એડવોકેટ, લીગલ એડવાઈઝર ની ઓળખ આપી લોકો ને ગેરમાર્ગે દોરતા શખ્સ થી સાવધાન રહેવું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૦ સપ્ટેમર , ૨૪  પોલીસ વિભાગ ની વિશેષ શાખા, કચેરીઓ તથા અન્ય સરકારી કચેરી, જામનગર કોર્ટ ખાતે પોતે સાયબર એક્ષપર્ટ , લીગલ અને ટેકનીકલ એડવાઈઝર તરીકે ઓળખ આપી લોકો ને ગેર માર્ગે દોરતા શખ્સ થી સાવધ રહેવા જામનગરની સાયબર સેલ ની પોલીસ ટીમે લોકો ને અનુરોધ કર્યો છે.

ગુજરાતના અલગ અલગ શહેરોમા યુવા વર્ગ નવા કરીયર ની સતત શોધમાં હોય છે, જે શોધમાં તેઓ કોમ્પુટર લગત, લીગલ, પેરા લીગલ, મીડીયા, પોલીટીક્સમાં પોતાના સમ્પર્ક બનાવે છે અને વિવિધ માહીતીઓ ના જાણકાર બની જાય છે, ખરે-ખર તેઓ કોઇ ડીગ્રી ધરાવતા નથી, કોઇ લીગલ કે ટેકનીકલ બેક ગ્રાઉંડ ધરાવતા નથી, ન તો સંપુર્ણપણે જાણકાર હોય છે ન તો કોઇ પ્રોફેશનલ ફીલ્ડ થી પે-રોલ ઉપર અપોઇંટેડ હોય છે .પરંતુ તેઓના સમ્પર્ક થી મેળવેલી “સુપરફીશયલ માહીતી” નો સમય જતા દુરઉપયોગ કરવા લાગે છે. અને તેઓ શહેરી વિસ્તારમા તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના સંપર્કમા વારંવાર આવી મોટી-મોટી વાતો કરી તેઓનો વિશ્વાસ જીતી તેઓ સાથે છેતરપીંડી કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

જામનગર શહેરમાં રહેતા જયવીન સંજયભાઈ પુંજાણી બાબતે આવી જ વિવિધ જાણ સારૂ રજુઆત એશોશીએશન, ગ્રુપ્સ, નાગરીકો દ્વારા સીટી-બી પો.સ્ટેશન તથા જામનગર સાયબર ક્રાઇમ પો.સ્ટેશન તથા જીલ્લા ની અન્ય કચેરીઓ ને મળી હતી, જે રજુઆત મુજબ જયવિનભાઇ પોતે પોલીસ વિભાગ ની વિશેષ શાખા, કચેરી ઓ તથા અન્ય સરકારી કચેરી, જામનગર કોર્ટ ખાતે પ્રથમ પોતે સાયબર એક્ષપર્ટ/ હાઇ-કોર્ટ એડવોકેટના લીગલ એડ, સરકારી વકીલઓના લીગલ એન્ડ ટેકનીકલ એડવાઈઝર તરીકે ઓળખ આપી શુભેછા મુલાકાત લે છે અને ત્યાં અધિકારીઓ/નામાંકીત વકીલો સાથે ફોટા પડાવી તેનો ઉપયોગ કરી સામાન્ય જનતા સાથે વાતો-વાતમાં એવું જણાવે છે કે તે જામનગર જીલ્લા પોલીસ ખાતાના અધીકારીઓને, જામનગર કોર્ટના/ગુજરાત હાઇ-કોર્ટના એડવોકેટને, કોર્પોરેટ આરબીટ્રેટરને, લીગલ એડવાઈઝર, પોલીટીકલ સ્ટ્રેટીજીસ્ટ, તથા મીડીયા હાઉસીસ ને ઓળખે છે. અને જામનગર તથા અન્ય જીલ્લાની પોલીસ પણ તેની પાસે ટેકનીકલ તપાસમાં મદદ માંગે છે તેવી ખોટી માહીતી લોકો મા આપતા ફરે છે .અને લોકોનો વિશ્વાસ જીતી તે બાદ વિશ્વાસમાં આવી ગયેલ લોકો પાસેથી કેસ લડવાના, કંમ્પની વચ્ચે સીવીલ સ્યુટ્સ માં સમાધાન કરાવવા માટે તથા અન્ય કોર્ટ કાર્યવાહીના નામે પૈસા પડાવવા પ્રયત્ન કરે છે.

ઉપરાંત સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના સાયબર ફ્રોડ ના ફરીયાદી હોય તો તેઓને પ્રાઇવેટ તપાસ કરી તેઓની મદદ કરશે અને સાયબર ફ્રોડનો કોઇ ઉપર આક્ષેપ હોય તેવા ઈસમો ને તેઓના જામીન થાય અને કાયદાકીય કાર્યવાહી માં તેઓને પોતે સલાહ આપી મદદ કરશે .અને એના નામે નાણા મેળવવાના પ્રયત્ન કરે છે.

આ શખ્સ આવી પ્રવૃતી કરતો હોવાનુ વિવિધ જગ્યા થી રજુઆત મળતા, ફરીયાદ ની પ્રથમિક તપાસમાં મળેલ માહીતી ઉપરથી જણાઇ આવેલ કે ઉપ્રોકત દર્શાવેલ વિવિધ વ્યવસાય થી જોડાયેલા કોઇ પણ પ્રોફેશનલ ફીર્મ/ ઇંફોર્મલ ફ્રીલાન્સ થી આ જયવિનભાઇ જોડાયેલ નથી અને કોઇ પણ લીગલ બેગ-ગ્રાઉન્ડ કે એક્રીગેટેડ ટેકનીક્લ ડીગ્રી ધરાવતા નથી, તથા તેઓના તમામ દાવાઓ પાયા વિહોણા તથા ભ્રમીત કરનારા નું જણાઇ આવેલ છે. જેથી તમામ રજુઆતો અને તથ્યો ને ધ્યાને લઇ મજકુર વિરુધ્ધ ભારતીય નાગરીક ન્યાય સંહીતા મુજબ પ્રિવેટીંવ એકશન લેવામાં આવેલ છે.

જેથી જાહેર જનતાને અપીલ છે કે આજ દીન સુધી મળેલ માહીતી ઉપરથી જણાઇ આવેલ છે કે, સદરહુ જયવિનભાઇ પુંજાણી જામનગર જીલ્લા પોલીસ કે એજેંસી જામનગર કોર્ટના/ગુજરાત હાઇ-કોર્ટના એડવોકેટ, કોર્પોરેટ આરબીટ્રેટરને, લીગલ એડવાઈઝર તથા મીડીયા હાઉસીસ સાથે જોડાયેલા નથી. જેથી તેમની ખોટી વાતો માં આવવુ નહી, અને છેતરપીંડી થી બચવુ. તથા સદરહુ વ્યક્તિ કોઇ પણ ખોટી વાતો કરી છેતરપીંડી કરવાનું પ્રયત્ન કરે તો તરત લગત પો.સ્ટે અથવા સાયબર ક્રાઇમ પો.સ્ટે પોલીસનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે તથા આવા તત્વો થી દુર રહેવા પણ અપીલ કરવામાં આવે છે.

જામનગરના કાલાવડમાં ‘રાત્રી ના યાત્રી’ CCTV કેમેરામાં કેદ

0

કાલાવડમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં જુદી જુદી ત્રણ સોસાયટીમાં આવેલા પાંચ મકાનો ને નિશાન બનાવ્યા

  • બે મકાનમાંથી ૨.૮૫ લાખની માલ મતા ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ : ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯, સપ્ટેમ્બર ૨૪ જામનગર જિલ્લાના કાલાવડમાં જુદી જુદી ૩ સોસાયટી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને એકી સાથે પાંચ રહેણાંક મકાનોની નિશાન બનાવી લીધા હતા. જેમાં બે મકાનમાંથી રૂપિયા ૨.૮૫.૦૦૦ ની માલ માતાની ચોરી થઈ ગઈ છે. જયારે અન્ય ત્રણ મકાનમાલિક બહારગામ હોવાથી ચોરીનો અંદાજ જાણી શકાયો નથી. પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતાં ત્રણ તસ્કરો કેદ થયા છે. જેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લાના કાલાવડમાં તસ્કરોએ અતિક્રમણ કર્યું હતું, અને શ્યામ વાટિકા સોસાયટી અવધ રેસિડેન્સી અને હેલિપેડ સોસાયટીમાં એકી સાથે પાંચ મકાનોને નિશાન બનાવી લીધા હતા.સૌપ્રથમ કાલાવડમાં શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ ભંડેરીના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને તે મકાનમાંથી રૂપિયા ૨,૧૦,૦૦૦ ની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સાહિત્ય ૨,૬૦,૦૦૦ ની માલમતા ઉઠાવી ગયા હતા.

આ ઉપરાંત તેના પડોશ માં રહેતા કપિલભાઈ ધરમદાસભાઈ પૂર્ણવૈરાગી ના મકાનમાં પણ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને ૨૫,૦૦૦ ની રોકડ રકમ ઉઠાવી ગયા હતા. ત્યારબાદ અન્ય બે સોસાયટીઓ શ્યામ વાટીકા અને હેલિપેડ સોસાયટીમાં પણ ખાતર પાડ્યું હતું, અને આનંદભાઈ રમેશભાઈ સખીયા, રાજેશભાઈ બધેલ તથા અલ્પેશભાઈ બગડાના બંધ રહેણાંક મકાનને પણ નિશાન બનાવ્યા હતા. જો કે તેઓ બહારગામ ગયા હોવાથી તેમાંથી કેટલી રકમ ની ચોરી થઈ છે, તે જાણી શકાયું નથી.

આ બનાવની જાણ થવાથી કાલાવડ ટાઉન ના પોલીસ ઇન્સ્પેક્ટર એન વી આંબલીયા તેમજ સ્ટાફના મયુરસિંહ જાડેજા વગેરે વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસ્યા હતા. જેમાં ત્રણ બુકાનની ધારીઓ ચોરીના ઇરાદે આવ્યા હોવાનું નજરે પડ્યું હતું, તેથી પોલીસે તેના ફૂટેજ ના આધારે તસ્કરોને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે.

પ્લાસ્ટિક ઝુંબેશ : જામનગર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો દંડાશો

0

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્લાસ્ટિક ના ઉપયોગ સામે ઝુંબેશ : ચાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું: ૪,૯૦૦ નો દંડ

જામનગર તા. ૨૯ સપ્ટેમ્બર ૨૪, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી હતી, અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કુલ ૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને આવા વેપારીઓ પાસેથી કુલ રૂ. ૪૯૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

જામનગર : મોટા ખડબા ગામે બે ખેડૂત નદીમાં તણાયા

0

લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સસોઈ નદીમાં બે ખેડૂત તણાયા: એક પ્રૌઢનો મૃતદેહ સાંપડ્યો: અન્ય એકની શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ સપ્ટેમ્બર ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સસોઈ નદીમાં શનિવારે મોડી સાંજે બે ખેડૂત તણાયા હતા. જે પૈકી એક ખેડૂત પ્રૌઢ નો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા ખેડૂત યુવાનનની શોધખોળ ચલાવાઇ રહી છે. આ બનાવને લઈને મોટા ખડબા ગામ શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા છોટુભા મનુભા જાડેજા (૫૫) તેમજ તેના પાડોશી લાલુભા મહિપતસિંહ જાડેજા (ઉંમર વર્ષ ૨૭) કે જેઓ બંને ખેતી કામ પૂર્ણ કરીને પોતાના ઘેર પગપાળા ચાલીને પરત ફરી રહ્યા હતા અને લાલપુરની સસોઈ નદી ઓળંગી રહ્યા હતા.

જે દરમિયાન એકાએક નદીનો ધસમસતો પ્રવાહ પસાર કરવા જતાં બંને તણાયા હતા. જે બનાવની જાણ થતા અન્ય લોકોએ બુમાબૂમ કરી હતી. દરમિયાન કાલાવડ અને જામનગર ફાયર બ્રિગેડની ટીમ બનાવના સ્થળે આવી પહોંચી હતી, જ્યારે કેટલાક તરવૈયાઓ પણ તેઓને શોધવા માટે મદદમાં જોડાયા હતા. દરમિયાન છોટુભા જાડેજા નો મૃતદેહ હાથ લાગ્યો હતો, ત્યારે લાલુભા જાડેજા નદીના પાણીમાં લાપતા બન્યા હોવાથી તેઓની ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા શોધ ચલાવવા આવી રહી છે.

આ બનાવની જાણ થવાથી લાલપુરની પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં બિયરનો જથ્થો ઘુસાડે તે પહેલા જ પોલીસે એકને દબોચી લીધો

0

મોરબી થી મોડી રાત્રે જામનગરમાં બોલેરો પીકપ વેન મારફતે ઘુસાડવામાં આવેલો બિયરના ટીન નો મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો

  • સીટી એ. ડિવિઝન પોલીસે ૧,૯૨૦ નંગ બિયર ના ટીન અને બોલેરો સહિત ૫.૯૭ લાખ ની માલમતા સાથે એક ને પકડ્યો : અન્ય એક ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ સપ્ટેમ્બર ૨૪ મોરબીથી જામનગરમાં બોલેરો પીકપ વેન મારફતે ઘુસાડવામાં આવેલો બિયરનો મોટો જથ્થો સીટી એ. ડિવિઝન પોલીસે ગઈકાલે રાત્રે વોચ ગોઠવી ઝડપી લીધો હતો, અને એક બુટલેગર ની અટકાયત કરી લઈ ૧૯૨૦ નંગ બિયરના ટીન અને બોલેરો સહિત રૂપિયા ૫.૯૭ લાખની માલમતા કબજે કરી છે, જ્યારે આગળ બાઈકમાં બોલેરો ને એસ્કોર્ટ કરી રહેલા શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

આ દરોડા ની વિગત એવી છે કે જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે મોરબી થી બોલેરો પીકપ વેનમાં બિયરનો મોટો જથ્થો ભરીને અડધી રાત્રે જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે ગઈકાલે મોડી રાત્રે ઠેબા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.જે દરમિયાન સૌ પ્રથમ એક શખ્સ બાઈકમાં આવી રહ્યો હતો, અને તેની પાછળ એક બોલેરો પીકપ વેનને પોતે એસ્કોર્ટ કરી રહ્યો હતો. જે જી.જે.૩ એન.એમ. ૮૧૭૯ નંબરની બાઈકનો ચાલક પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો.

પરંતુ જીજે ૩૬ ટી ૬૦૧૮ નંબરની બોલેરો પીકપ વેનને પોલીસે આંતરી લીધી હતી. જેની તલાસી લેતાં અંદરથી ૧,૯૨૦ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે બિયરના ટીન અને બોલેરો સહિત ફૂલ ૫,૯૭,૦૦૦ ની માલમતા કબજે કરી હતી, જ્યારે બોલેરો ના ચાલક મૂળ રાજસ્થાનના વતની મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈ ની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ ના આધારે આગળ બાઈક લઈને ભાગી છુટેલા રાજસ્થાનના રાજુરામ બિશ્નોય ને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. જે પકડાયા બાદ બિયરનો જથ્થો જામનગરમાં ક્યાં ઉતારવાનો હતો, તેની હકીકત જાણવા મળશે તેમ મનાઈ રહ્યું છે.

જામનગર : મેઘપર ગામમાં લાઈટના પ્રશ્ને કર્મચારીને માર પડ્યો : 3 સામે ફોજદારી

0

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં લાઈટ ના પ્રશ્ને PGVCL ના સેડ્યુલકાષ્ટ કર્મચારીને મારકુટ કર્યાની ૩ સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ સપ્ટેમ્બર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પીજીવીસીએલના એક સેડ્યુલ કાષ્ટ કર્મચારીને મેઘપર ગામના ત્રણ શખ્સોએ લાઇટના પ્રશ્ને તકરાર કર્યા પછી ઢીકા પાટુ નો માર મારી, સેડ્યુલ કાષ્ટ જાતિ ના હોવાથી હડધૂત કરવા અંગેની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા અને લાલપુર ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર કુમાર કાંતિલાલ કલાસવા નામના વીજ કર્મચારીએ પોતાને મારકુટ કરી ધમકી આપવા અંગે તેમજ પોતે શેડ્યૂલ કાસ્ટ ના હોવાથી પોતાને જાતિ પ્રથા કે અપમાનિત કરવા અંગે મેઘપર ગામના મયુરસિંહના દેવુભા કંચવા, શિવરાજસિંહ કરણસિંહ કંચવા, અને પ્રિયરાજસિંહ વીજયસિંહ કંચવા સામે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને તેમની સાથેના અન્ય વીજ કર્મચારીઓ મેઘપર ગામમાં લાઈટ ની ફરિયાદના પ્રશ્ને કામ પર ગયા હતા, જે દરમ્યાન ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ફરિયાદી રાજેન્દ્રકુમાર કલાસવા સાથે સૌપ્રથમ જીભાજોડી કર્યા પછી ઢીકા પાટુનો માર માર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી, સેડ્યુલ કાષ્ટ ના હોવાથી તેઓને સમાજમાં હલકા પાડવા માટેનો પ્રયત્ન કરાયો હોવાથી તમામ સામે એસ્ટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો

0

અનામત વિરોધી કોંગ્રેસ સામે જામનગર માં ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૭ સપ્ટેમ્બર ૨૪, કોંગ્રેસ નેતા દ્વારા અનામત વિરોધી સ્ટેટમેન્ટ આપવામાં આવતાં જામનગર માં ભાજપ દ્વારા કોંગ્રેસ સામે ધરણા – પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .અને કોંગ્રેસ ના અનામત વિરોધી મનસુબા સફળ થવા દેવામાં નહી આવે તેમ ભાજપ દ્વારા જણાવાયું હતું.

કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી એ અમેરિકા માં જઈને અનામત વિરોધી માનસિકતા છતી કરી હતી. અને તેણે બંધારણનું અપમાન કર્યું હતું. તેમ જણાવી ભાજપ દ્વારા જામનગર શહેરના લાલ બંગલા સર્કલમાં આજે સાંજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને જણાવ્યું હતું કે એસ.સી , એસ ટી અને ઓબીસી ના અનામત રદ કરવા ના રાહુલ ગાંધી ના નાપાક ઇરાદા ભાજપ દ્વારા કામયાબ થવા દેવામાં આવશે નહીં.

આજના ધરના કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ , રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર વિનોદ ખીમસુરીયા , ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન નિલેશ કગથરા , નેતા આશિષ જોષી ,દંડક કેતન નાખવા ,.જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા , શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા શહેર અને જિલ્લા ભાજપ ના હોદ્દેદારો , કોર્પોરેટરો ,તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.