જામનગરમાં ગુલાબનગર નજીકની સોસાયટીના રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાનું ઝડપાતાં ખળભળાટ
-
રાજ પાર્ક પાછળ શિવનગર સોસાયટીમાં દરોડો, ભૂંડની કતલ થતી હોવાનો પર્દાફાશ; પોલીસ ટુકડી તપાસમાં જોડાઈ
-
રહેણાક વિસ્તારમાં ભૂંડની દર્દનાક ચીસોથી સ્થાનિકો હરકતમાં આવ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬, જુલાઈ ૨૬ જામનગર શહેરમાં રાજ પાર્ક પાછળ આવેલી શિવનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે કતલખાનું ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોની ફરિયાદના આધારે જીવદયા પ્રેમીઓ અને પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવા ઉપરાંત ભૂંડની કતલ થતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સ્થાનિકોની રજૂઆત બાદ જીવદયા પ્રેમીઓ પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં મકાનની તપાસ દરમિયાન અંદર ભૂંડની કતલ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી કતલ માટે વપરાતા સાધનો સહિતના કેટલાક પુરાવા પણ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.પ્રાથમિક તપાસ દરમિયાન સંચાલકો દ્વારા જામનગર મહાનગરપાલિકામાં કરાયેલી અરજીની નકલ રજૂ કરી કામગીરીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી શકાય કે નહીં તે અંગે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ચલાવવાથી સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે તેમજ સ્વચ્છતા અને જાહેર આરોગ્યના નિયમોનો પણ ભંગ થાય છે. તેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.પોલીસે સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ગેરકાયદે કતલખાનું ચલાવવામાં કોઈ નિયમોનો ભંગ થયો છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે શિવનગર સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.


