જામજોધપુરમાં વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: બે સ્થળેથી ૧૮ શખ્સો ઝડપાયા

0
60214

જામજોધપુરમાં એક વાડીમાં જુગારધામ ધમધમતું હતું, બે સ્થળેથી ૧૮ શખ્સો ઝડપાયા

  • જામજોધપુરમાં બે ફિલ્ડમાં જુગાર રમતા ૧૨ સામે કાર્યવાહી, રૂ.૭.૫૬ લાખનો મુદ્દામાલ કબજે; લાલપુરના જશાપરમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ સપ્ટેમ્બર ૨૬,: જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે મોડી રાત્રિથી વહેલી સવાર સુધી બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ ૧૮ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં જામજોધપુર તાલુકાના કોટડા બાવીશી ગામની સીમમાં આવેલી વાડીમાં જુગારધામ ધમધમતું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે વાડીની બે અલગ-અલગ જગ્યાએ ચાલી રહેલા જુગારના અખાડામાંથી કુલ ૧૨ શખ્સોને ઝડપી લઈ રોકડ, મોબાઇલ, વાહનો સહિત કુલ રૂ.૭,૫૬,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે લાલપુરના જશાપર ગામના પાદરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો ઝડપાયા હતા અને તેમની પાસેથી રૂ.૧૦,૫૦૦ રોકડ મળી આવી હતી.જામજોધપુર પોલીસને મળેલી બાતમીના આધારે તા.૧૭ સપ્ટેમ્બરની વહેલી સવારે કોટડા બાવીશી ગામે કીરીટભાઈ રવજીભાઈ કાલાવડીયાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ પહોંચતા વાડીમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી. પોલીસે બે અલગ-અલગ ફિલ્ડમાં કાર્યવાહી કરી કુલ ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસના જણાવ્યા મુજબ, પ્રથમ ફિલ્ડમાંથી રૂ.૨૨,૩૦૦ રોકડ, ૫૨ ગંજીપત્તા, ચાર મોબાઇલ ફોન તથા એક મોટરસાયકલ મળી કુલ રૂ.૭૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે બીજી ફિલ્ડમાંથી રૂ.૨,૧૨,૩૦૦ રોકડ, ૫૨ ગંજીપત્તા, પાંચ મોબાઇલ ફોન અને એક કાર મળી કુલ રૂ.૬,૮૪,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બંને સ્થળનો કુલ મુદ્દામાલ રૂ.૭,૫૬,૬૦૦ થયો હતો.આ કાર્યવાહી અંગે કીરીટભાઈ રવજીભાઈ કાલાવડીયા સહિત કિશોરભાઈ દેવજીભાઈ ગડારા, મહેન્દ્રભાઈ ચંદુભાઈ કણસાગરા, યોગેશ જગદીશભાઈ નગરીયા, મૌલિકભાઈ રમેશભાઈ કંટારીયા, હિતકુમાર અશ્વિનભાઈ ખાંટ, જસ્મીનભાઈ મનસુખભાઈ ઝાલાવડીયા, દીપકભાઈ ભગવાનભાઈ લાડાણી, નીતિનભાઈ દિનેશભાઈ કનેરીયા, હિતેશભાઈ ઠાકરશીભાઈ શાપરીયા, રીપલભાઈ મથુરભાઈ ભાલોડીયા અને રાજેશભાઈ શામજીભાઈ ભાલોડીયા સામે જુગાર ધારા કલમ ૪-૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.બીજી તરફ લાલપુર પોલીસે તા.૧૬ સપ્ટેમ્બરની રાત્રે જશાપર ગામના પાદરમાં સ્ટ્રીટલાઈટના અજવાળામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૧૦,૫૦૦ રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાનાં મળી કુલ રૂ.૧૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં જયેશ નગાભાઈ બરાય, દીનેશ નથુભાઈ બરાઈ, કેશુર વિદુભાઈ જોગલ, પરાગ ધનજીભાઈ પરમાર, કેતન નરશીભાઈ નકુમ અને પાલાભાઈ રાજશીભાઈ નંદાણીયાને ઝડપી લેવામાં આવ્યા હતા. લાલપુર પોલીસે તમામ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.