જામનગર GIDC માં ભઠ્ઠી ફાટતા નેપાળી શ્રમિક નું મોત : સારવારમાં દમ તોડ્યો

0
79905

જામનગર ના દરેડ- જીઆઈડીસીના એક કારખાનાની ભઠ્ઠીના બ્લાસ્ટ પ્રકરણમાં દાઝેલાં નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં ભારે ચકચાર

  • ચેલા સ્થિત કારખાનામાં પીતળ ઓગાળતી વખતે સર્જાયો અકસ્માત; અન્ય બે શ્રમિકો પૈકી એકને ફ્રેક્ચર અને એક પણ દાઝ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૬, તાલુકાના ચેલા ગામ નજીક આવેલી વિઝન ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. ૩૩૩ ખાતે આવેલા એલાઇટ મેટલ રિસાયકલ કારખાનામાં પીતળ ઓગાળવાની કામગીરી દરમિયાન ભઠ્ઠીમાં થયેલા બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝેલા નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, તા. ૨૦ જુલાઈના રોજ સવારે અંદાજે ૧૧:૪૫ વાગ્યાના સમયે કારખાનામાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પીતળ ઓગાળવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ભઠ્ઠીમાં ગેસ બન્યા બાદ ઉપર પડ જામી ગયો હતો. આ પડને દૂર કરવા માટે નેપાળી શ્રમિક દિલબહાદુર આઈટે સુનાર આઈટે (ઉ.વ. ૪૩)એ સળિયાથી ધક્કો મારતા અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ થતાં ત્યાં કામ કરતા મંતોષસિંહ શીલાસિંહ ભઠ્ઠીના ઉપરના ભાગેથી નીચે કૂદી જતા તેમના જમણા પગની ઘૂંટીમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે હરીઓમ રાજપૂત (ઉ.વ. ૧૯)ના શરીર પર ગરમ પીતળનો રસ ઉડતાં હાથ, છાતી અને બંને પગના તળિયામાં દાઝવાની ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ દિલબહાદુરના શરીર પર પણ ગરમ પીતળનો રસ પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.ત્રણેયને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન દિલબહાદુર આઈટે સુનાર આઈટેનું મોત નીપજ્યું હતું. તેઓ મૂળ નેપાળના કંચનપુર જિલ્લાના દોધારા ગામના રહેવાસી હતા અને હાલ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં રહેતા હતા.આ બનાવ અંગે જામનગર તાલુકા પંચકોશી બી-ડિવિઝન પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે એ.એસ.આઈ. એચ.બી. પાંડવ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.