જામનગર પોલીસના બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૭૭ બોટલ રક્ત એકત્ર : થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે માનવતાની અનોખી પહેલ
-
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસના આયોજનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા : પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સફળ આયોજન
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૦, જુલાઈ ૨૬ જામનગર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને સમયસર રક્ત મળી રહે તે હેતુથી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના આયોજન હેઠળ વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રક્તદાતાઓના ઉત્સાહપૂર્ણ સહભાગથી કુલ ૩૭૭ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના સૂચનાથી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ ખીજડીયા બાયપાસ ખાતે આવેલા રોયલ રિસોર્ટમાં જી.જી. હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને થેલેસેમિયા પીડિત બાળકોના જીવન બચાવવાના આ સેવાયજ્ઞમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા, નાયબ પોલીસ અધિક્ષક જે. એચ. ઝાલા, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જી. બી. ચૌધરી તેમજ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. વી. ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જામનગર જિલ્લા પોલીસની આ માનવતાલક્ષી પહેલને રક્તદાતાઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા સરાહનીય ગણાવવામાં આવી હતી.


