જામનગર કનસુમરા GIDC માં કેમિકલ પેઢીની ઓફિસમાંથી રૂ.૧.૯૦ લાખની ચોરી

0
38450

જામનગર નજીક કનસુમરા જીઆઈડીસીની કેમિકલ પેઢીની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૧.૯૦ લાખની રોકડ ચોરી ગયા

  • વહેલી સવારે ચાર તસ્કરોએ પેઢીના મુખ્ય દરવાજા પરથી પ્રવેશ કરી બારીની ગ્રીલ તોડી ઓફિસમાં ઘૂસ્યા : ટેબલના ખાનામાં રાખેલી રૂ.૫૦૦ના દરની ચલણી નોટોની ચોરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫, નવેમ્બર ૨૬ જામનગર તાલુકાના કનસુમરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલની એક ટ્રેડિંગ પેઢીને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂ.૧.૯૦ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પેઢીમાં લગાવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસતાં ચાર અજાણ્યા શખ્સોની ચોરીની કરતૂત સામે આવી છે.બનાવની વિગત મુજબ જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ સામે એકતા એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ મુલચંદાણી (ઉ.વ.૩૪) કનસુમરા જીઆઈડીસીના સર્વે નંબર ૧૮૧, પ્લોટ નંબર ૯/૫માં માતા સપનાબેન અને પિતા રમેશભાઈ સાથે ભાગીદારીમાં ‘ગીરસન સફીન કેમિકલ્સ’ નામની ટ્રેડિંગ પેઢી ચલાવે છે. તેમની પેઢીમાંથી કારખાનાઓમાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોપ્લેટિંગ કેમિકલનું વેચાણ કરવામાં આવે છે.
ગત તા. ૧૬ નવેમ્બરના રોજ સવારે પોણા દસેક વાગ્યે પેઢીના મેનેજર પવનભાઈ કુબાવતે ભાવેશભાઈને ફોન કરીને જાણ કરી હતી કે, પેઢી ખોલવા જતાં ઓફિસની બારીની ગ્રીલ તૂટેલી હતી અને ટેબલનાં ખાનાં પણ ખુલ્લાં તથા તૂટેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. તપાસ કરતાં ટેબલના ખાનામાં રાખેલી રોકડ રકમ પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.ભાવેશભાઈ અમદાવાદથી પરત આવ્યા બાદ પેઢીમાં તપાસ કરી હતી. તેમણે ગત તા. ૪ નવેમ્બરના રોજ પેઢીની દરેડ શાખાના એક્સિસ બેંક ખાતામાંથી રૂ.૨.૨૭ લાખ ઉપાડ્યા હતા, જેમાંથી રૂ.૩૭ હજારનો ખર્ચ કર્યા બાદ બાકીના રૂ.૧.૯૦ લાખ રૂ.૫૦૦ના દરની ચલણી નોટોમાં ઓફિસના ટેબલના ખાનામાં રાખ્યા હતા.પેઢીના સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસતાં વહેલી સવારે આશરે ૪:૧૫ વાગ્યે ચાર અજાણ્યા શખ્સો પેઢીએ આવ્યા હોવાનું જણાયું હતું. જેમાં બે શખ્સો મુખ્ય દરવાજો ટપી અંદર પ્રવેશ્યા હતા, જ્યારે અન્ય બે બહાર નજર રાખતા ઊભા રહ્યા હતા. અંદર ગયેલા શખ્સોએ કોઈ સાધન વડે બારીની ગ્રીલ તોડી ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂ.૧.૯૦ લાખની રોકડની ચોરી કરી હતી અને ત્યારબાદ ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.આ અંગે ભાવેશભાઈ મુલચંદાણીએ ચાર અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.