જામનગર શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું: ૧૨ સભ્યોની ટીમ માટે ૧૦૦થી વધુ સભ્યો રેસમાં

0
18507

જામનગર મનપા શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર: ૧૨ સભ્યો માટે ૧૦૦થી વધુ દાવેદારો મેદાનમાં

  • ​૨૩ સપ્ટેમ્બરે નિયુક્તિપત્રો સ્વીકારાશે, ૯ ઓક્ટોબરે જનરલ બોર્ડ હોલમાં મતદાન અને મતગણતરી થશે

​દેશ દેવી ન્યુઝ જામનગર : તા ૨૨ સપ્ટેમ્બર ૨૬ જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્યોની ચૂંટણી માટેની સત્તાવાર પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અગાઉના બોર્ડના કોર્પોરેટરોની મુદ્દત પૂરી થતાં શિક્ષણ સમિતિ પણ વિસર્જિત થઈ હતી. હવે નવી સમિતિની રચના માટે આગામી ૯ ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજવાનું વિધિવત રીતે નક્કી કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં સભ્યપદ મેળવવા માટે ભાજપના સ્થાનિક સંગઠન તેમજ દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ૧૦૦થી વધુ દાવેદારોએ પોતાની ઇચ્છા દર્શાવી છે.​મેયર મોનિકાબેન વ્યાસે જાહેર કર્યો ચૂંટણી કાર્યક્રમ ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સંભાળી રહેલા મેયર મોનિકાબેન વ્યાસ દ્વારા ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ:

  • ​૨૩ સપ્ટેમ્બર: સવારે ૧૧:૦૦થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી મેયર કાર્યાલય ખાતે નિયુક્તિપત્રો સ્વીકારાશે.
  • ​૨૫ સપ્ટેમ્બર: સવારે ૧૧:૦૦ વાગ્યે ફોર્મની ચકાસણી હાથ ધરાશે અને બપોરે ૩:૩૦ વાગ્યે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરાશે.
  • ​૨ ઓક્ટોબર: સવારે ૧૧:૦૦થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી કોર્પોરેશનના જનરલ બોર્ડ હોલ ખાતેથી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.

​૯ ઓક્ટોબર: સવારે ૧૧:૩૦થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી જનરલ બોર્ડ હોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ તે જ સ્થળે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. બિનહરીફ વરણી થવાની પ્રબળ શક્યતા : જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું એકહથ્થુ શાસન છે. ભૂતકાળના ઇતિહાસને જોતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી મોટે ભાગે બિનહરીફ જ સંપન્ન થતી આવી છે. આ વખતે પણ પ્રદેશ અને સ્થાનિક પક્ષના નેતૃત્વ દ્વારા નામ આખરી કરાયા બાદ તમામ ૧૨ સભ્યોની બિનહરીફ વરણી થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે.શિક્ષણ સમિતિનું માળખું: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ ૧૫ સભ્યોની બોડી હોય છે. જેમાં ૧૨ સભ્યો મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા ચૂંટવામાં આવે છે, જ્યારે ૨ સભ્યો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે અને ૧ સભ્ય સરકારી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.