જામનગરમાં સગીરાને ઘરેથી લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ, યુવાનની ધરપકડ
-
ફેસબુક મારફતે સંપર્ક કેળવી સગીરાને પોતાના ઘરે લઈ ગયો હોવાની ફરિયાદ; સિટી બી ડિવિઝન પોલીસે આરોપીને પકડી જેલહવાલે કર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪: ઓક્ટોબર ૨૬ જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની ૧૭ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સગીરાની માતાએ કરેલી ફરિયાદના આધારે સિટી બી ડિવિઝન પોલીસે ગોકુલનગર વિસ્તારમાં રહેતા વિશાલ વિઠ્ઠલભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, આરોપીએ ફેસબુક મારફતે સગીરા સાથે સંપર્ક કેળવી મિત્રતા કર્યા બાદ આશરે દસ દિવસ પહેલાં તેને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સિટી બી ડિવિઝન પોલીસ મથકના PI એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ હનુમાન ગેટ પોલીસ ચોકીના PSI જે.એસ. ગોવાણી તથા તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વિશાલ વિઠ્ઠલભાઈ ચૌહાણને ઝડપી લીધો હતો. આરોપીને અદાલતમાં રજૂ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યો છે. બીજી તરફ, સગીરાની તબીબી તપાસ કરાવી તેને તેની માતાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


