જામનગરના ધ્રોલમાં રૂ. ૬.૦૬ લાખના દારૂ-બિયર સાથે ઇનોવા કારચાલક ઝડપાયો

0
152498

જામનગર જિલ્લાના ધ્રોલમાં હાઈસ્કૂલ સામેથી રૂ.૬.૦૬ લાખના દારૂ-બિયરના વિશાળ જથ્થા સાથે ઇનોવા કારચાલક ઝડપાયો

  • જોડિયા-ભાદરા પાટિયા તરફથી આવતી કારમાંથી દારૂ-બિયરની ૧,૦૬૮ બોટલો-ટીન મળ્યાં: જામનગરના બૂટલેગર અને ઝીંઝુવાડાના સપ્લાયર સામે પણ ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૩ ઓક્ટોબર ૨૬: જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથક વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી હરધ્રોલ હાઈસ્કૂલ સામે ગોઠવેલી વોચ દરમિયાન રૂ. ૬.૦૬ લાખના દારૂ-બિયર, ઇનોવા કાર અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે જામનગરના એક કારચાલકને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર જામનગરના બૂટલેગર અને જથ્થો ભરી આપનાર સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાના સપ્લાયર સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા આપવામાં આવેલી સૂચના અન્વયે જામનગર ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કે. મકવાણા, હરદેવસિંહ જે. જાડેજા તથા કલ્પેશભાઈ ડી. કામરીયાને સંયુક્ત બાતમી મળી હતી કે, જોડિયા-ભાદરા પાટિયા તરફથી એક ઇનોવા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ધ્રોલ શહેરમાં હરધ્રોલ હાઈસ્કૂલ સામે વોચ ગોઠવી હતી.આ દરમિયાન શંકાસ્પદ ઇનોવા કાર નંબર જીજે-૧૦-વાય-૯૪૧૦ને અટકાવી તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બિયરનો જથ્થો મળી કુલ ૧,૦૬૮ નંગ મળી આવ્યાં હતાં. પોલીસે કારચાલક પ્રેમભારથી ભીખુભારથી ગોસાઈ બાવાજી, ઉંમર વર્ષ ૩૦, ધંધો ડ્રાઈવિંગ, રહે. બ્લોક નં. ઈ-૨૪, હાઉસિંગ બોર્ડ, સાઈબાબા મંદિર પાસે, ગાંધીનગર, જામનગરની ધરપકડ કરી હતી.જામનગરના બૂટલેગર અને ઝીંઝુવાડાના સપ્લાયરનું નામ ખુલ્યું પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો જામનગરના જીતેન્દ્રભાઈ મનસુખભાઈ વિઠલાણીએ મંગાવ્યો હોવાનું અને સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ખાતે રહેતા જનકસિંહ કિરીટસિંહ ઝાલાએ કારમાં ભરી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેને ગુનામાં આરોપી તરીકે દર્શાવી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

રૂ. ૬,૦૬,૪૩૬નો મુદ્દામાલ કબજે

ધ્રોલ પોલીસે રૂ. ૨,૫૧,૪૩૬ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, રૂ. ૩,૫૦,૦૦૦ની કિંમતની ઇનોવા કાર તથા રૂ. ૫,૦૦૦નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૬,૦૬,૪૩૬નો મુદ્દામાલ કબજે કર્યો છેઆ કામગીરી ધ્રોલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, હરદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા, નાગજીભાઈ ગમારા, સંજયભાઈ સોલંકી અને ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે કરી હતી.