જામનગરમાં પુત્રીના 8 તોલા સોનાના દાગીના પરત નહી આપ્યાનો ભાભી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

0
131567

પુત્રીના આઠ તોલા સોનાના દાગીના પરત નહી આપ્યાનો ભાભી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

  • સાચવવાના બહાને લીધેલા પાંચ લાખના દાગીના પોતાની દીકરીને આપી દીધાનો આક્ષેપ; લાંબા સમય સુધી સમાધાનના પ્રયાસો બાદ પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, જુલાઈ ૨૬ જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી અરુણભાઈ ભીમજીભાઈ વાધેલા (ઉં.વ. ૪૧), રહે. ગણેશફળી વાલ્મીકીવાસ, જામનગરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૮ દરમિયાન તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવાથી અને અગાઉ તેમના ઘરની આસપાસ ચોરીની ઘટના બનતા તેમના ભાઈ ધનજીભાઈ તથા ભાભી પ્રભાબેને સોનાના દાગીના પોતાના ઘરે સુરક્ષિત રાખવા જણાવ્યું હતું. જેના આધારે ફરિયાદીએ તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ દીકરીના આશરે આઠ તોલા જેટલા ૨૨ કેરેટના સોનાના દાગીના, જેમાં ત્રણ તોલાનો હાર, ત્રણ તોલાની પાનભૂટી, એક તોલાની કાનસર અને અડધા તોલાની વીંટી સહિત હાલમાં અંદાજે પાંચ લાખ રૂપિયાની કિંમતના દાગીના ભાભીને સાચવવા આપ્યા હતા.ફરિયાદ મુજબ બાદમાં અનેક વખત દાગીના પરત માંગવા છતાં આપવામાં આવ્યા નહોતા. વર્ષ ૨૦૨૩ દરમિયાન ભાભીએ દાગીના ચાંદી બજારમાં આવેલા એક જ્વેલર્સ પાસે હોવાની વાત કરી હતી. જોકે જ્વેલર્સે માત્ર એક હાર પોતાની પાસે હોવાનું અને બાકીના દાગીના પરત લઈ જવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ દાગીના પરત ન મળતાં પરિવાર દ્વારા સમાધાનના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર ૨૦૨૪માં પરિવારના એક પ્રસંગ દરમિયાન ભાભીની દીકરી વિણાબેન ફરિયાદીની દીકરીના દાગીના પહેરેલી જોવા મળી હતી. આ અંગે પૂછતાં ભાભીએ તે દાગીના પોતાના હોવાનું જણાવ્યું હતું અને કોઈ ખરીદીનું બિલ પણ રજૂ કર્યું ન હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના દાગીના પોતાની દીકરીને આપી દેવામાં આવ્યા અને આજે સુધી પરત આપવામાં આવ્યા નથી.લાંબા સમય સુધી પરિવારજનો મારફતે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા અંતે ફરિયાદીએ ભાભી પ્રભાબેન ધનજીભાઈ વાધેલા સામે વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.