જામનગર નજીક દરેડ જીઆઈડીસીની ફેક્ટરીમાં કામ કરતી સગીરાને ઠેકેદાર ભગાડી ગયાની ફરિયાદ
-
જામનગરના દરેડમાં મજૂરીકામ કરતી ૧૬ વર્ષીય યુવતી ગુમ : નાઘેડીનો ઠેકેદાર પ્રવિણ જોધાણી પણ ગાયબ, અપહરણની ફરિયાદ નોંધાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ નવેમ્બર ૨૬, દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં મજૂરીકામ કરતી ૧૬ વર્ષીય સગીરા ગુમ થઈ જતાં તેના પિતાએ ફેક્ટરીના ઠેકેદાર સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે નાઘેડી ગામના પ્રવિણ જોધાણી સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૩૭(૨) અને ૮૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ફરિયાદની વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના રહેવાસી અને હાલ દરેડ ગામમાં મસ્જિદ રોડ પર પરિવાર સાથે રહેતા ૪૮ વર્ષીય આધેડ ખાનગી કંપની સહિતના સ્થળોએ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ૧૬ વર્ષ અને ત્રણ માસની પુત્રી દરેડ જીઆઈડીસીમાં રાંદલમાતાજીના મંદિર પાસે આવેલા રેડવુડ બાથ નામના કારખાનામાં મજૂરીકામ કરતી હતી.
ગત તા. ૧૭ ઓક્ટોબરના રોજ સવારે આઠ વાગ્યે સગીરા ટિફિન લઈને કારખાને કામે ગઈ હતી. તે દિવસે કારખાનામાં બાળમજૂરોને કામે રાખવા અંગે તપાસ થવાની હોવાનું જણાવી તે પોતાની સાથે આધારકાર્ડ પણ લઈ ગઈ હતી. બપોરે પિતાએ કારખાનાના ઠેકેદાર પ્રવિણનો સંપર્ક કરી પુત્રી સાથે વાત કરાવવાનું કહેતાં તેણે થોડીવારમાં વાત કરાવવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ સંપર્ક થઈ શક્યો નહોતો.રાત્રે પરિવારજનો ઘરે પરત ફર્યા ત્યારે સગીરા ઘરે આવી ન હતી. જેથી પિતાએ કારખાને જઈ તપાસ કરતાં તે બંધ જોવા મળ્યું હતું. ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં પુત્રી મળી આવી નહોતી. બીજા દિવસે કારખાને તપાસ કરતાં પ્રવિણ જોધાણી નામનો ઠેકેદાર પણ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રવિણ અને સગીરા વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત પણ પરિવારને જાણવા મળી હતી.
પરિવારજનો દ્વારા પોતાની રીતે શોધખોળ કર્યા બાદ પણ સગીરા અને ઠેકેદાર પ્રવિણ જોધાણીનો કોઈ પત્તો નહીં મળતાં આખરે પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સગીરાની ઉંમર ૧૬ વર્ષ અને ત્રણ માસ હોવાનું જણાવી ઠેકેદાર પ્રવિણ જોધાણી તેની સગીર વયનો લાભ લઈ લગ્ન કે બદકામના ઇરાદે અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સગીરા અને આરોપીની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.


