પિતાના મકાનનો કબજો લેવા તાળું તોડી નાખ્યું, વિરોધ કરતાં ૫ સંબંધીઓએ મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી
-
જામજોધપુરના ગીગણી ગામમાં મિલકતના ભાગ બાબતે પારિવારિક વિવાદ : આંગણવાડીમાં નોકરી કરતી મહિલાની ફરિયાદના આધારે ભત્રીજાઓ સહિત પાંચ સામે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦,જામજોધપુર તાલુકાના ગીગણી ગામમાં પિતાની મિલકતના ભાગ બાબતે પારિવારિક વિવાદમાં મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.આ અંગે ગીગણી ગામે રહેતાં અને આંગણવાડીમાં નોકરી કરતાં મંજુબેન કારાભાઈ વારસંકીયા (ઉ.વ. ૫૭)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતાના નામે ગીગણી ગામમાં આશરે દસ વીઘા જમીન અને ચાર મકાનો આવેલાં છે. આ મિલકત ભાઈ-બહેનોની સંયુક્ત માલિકીની છે. ગત તા. ૩ નવેમ્બરના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેઓ ઘરે ગયાં ત્યારે પિતાના મકાનનું તાળું તોડી નાખી ભત્રીજા મથુરભાઈ ઉર્ફે રાજનભાઈએ મકાનનો દરવાજો ખોલી નાખ્યો હોવાનું અને પરિવારના સભ્યો મકાનમાં રહેવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આથી મંજુબેન ત્યાં જઈ ભત્રીજાઓને મકાનમાં રહેવા બાબતે પૂછતાં શ્યામભાઈ મેઘજીભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને આ મકાન તેમના દાદાનું હોવાનું કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રવજીભાઈ બચુભાઈ, કાકા બચુભાઈ દેવાભાઈ તથા પ્રણવભાઈ રાજનભાઈ પણ ત્યાં આવી ગયા હતા અને તમામે ભેગા મળી મંજુબેનને ગાળો આપી હતી. કાકા બચુભાઈએ મિલકતમાં ભાગ માગવા ફરી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.
બનાવના પગલે મંજુબેને ૧૧૨ નંબર પર ફોન કરતાં પોલીસ પહોંચી હતી. બીજા દિવસે જામજોધપુર પોલીસમાં અરજી આપ્યા બાદ સમાધાનની વાતચીત ચાલતી હતી, પરંતુ સમાધાન નહીં થતાં આખરે મંજુબેને પોતાની બહેન દયાબેન સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ પાંચેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


