જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તાર પરાણે પ્રિત નો મામલો: સગીરાએ મિત્રતા તોડી નાખતાં યુવાને માસીના ઘરે ઘૂસીને ઢોર માર માર્યો
-
અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં થપ્પડ અને લાતો મારી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ નવેમ્બર ૨૬, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષ અને ૨ મહિના ૨૨ દિવસની સગીરાએ મિત્રતા તોડી નાખતાં ઉશ્કેરાયેલા યુવાને ઇન્દિરા સોસાયટીમાં આવેલા તેની માસીના ઘરે ઘૂસી જઈ માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે નવાગામ ઘેડ વિસ્તારની એક સોસાયટીમાં રહેતી અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને મોરકંડા રોડ પર રહેતા નવાઝ રફીકભાઈ કુરેશી સાથે મિત્રતાનો સંબંધ હતો. જોકે, બાદમાં સગીરાએ તેની સાથે મિત્રતા રાખવાનું બંધ કરી દેતાં આરોપી ઉશ્કેરાયો હતો.
ગત તા. ૧૭ નવેમ્બરના રોજ સવારે સાડા છ વાગ્યાના અરસામાં સગીરા ઇન્દિરા સોસાયટીમાં પોતાની માસીના ઘરે હતી, ત્યારે આરોપી ત્યાં પહોંચી ગયો હતો. આરોપીએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી સગીરાને તેણી અનુસૂચિત જાતિની હોવાનું જાણતો હોવા છતાં થપ્પડ અને લાતો મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, ગાળો આપી મિત્રતા તોડી નાખી હોવાના કારણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે સગીરાની ફરિયાદના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે નવાઝ રફીકભાઈ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૩૩, ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) તથા અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ ૩(૨)(૫-એ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલને સોંપી છે. જયારે ભોગ બનનાર સગીરા ઇજાગ્રસ્ત બની હોવાથી તેણીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

