જામનગર-કાલાવડ રોડ ફરી રક્તરંજિત : !.મોટા થાવરિયા-અલિયા રોડ પર ગમખ્વાર અકસ્માતથી અરેરાટી : માતાનું મોત, પુત્ર ઘાયલ
-
હરિપરના તૃપ્તિબેન વસોયાએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો : ૬ વર્ષીય પુત્રને માથામાં ઈજા થતાં જી.જી. હોસ્પિટલ ખસેડાયો
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૬ નવેમ્બર ૨૬: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગઈકાલે સાંજના સમયે મોટા થાવરિયા નજીક આલિયા રોડ પર બે એક્ટિવા સામસામે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હરિપર ગામના રહેવાસી તૃપ્તિબેન વસોયાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના છ વર્ષીય પુત્ર આર્યને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે તા. ૧૫ નવેમ્બરના સાંજે આશરે ૫:૪૫ વાગ્યાના અરસામાં મોટા થાવરિયા-આલિયા રોડ પર બે એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આઅકસ્માતમાં હરિપર ગામના તૃપ્તિબેન વસોયાને જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના છ વર્ષીય પુત્ર આર્ય ચિરાગભાઈ વસોયાને માથાના ભાગે ઈજા થવાની સાથે ખુલ્લો ઘા પડતાં લોહી નીકળતું હતું.અકસ્માતની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં માતાનું મોત અને માસૂમ પુત્ર ઘાયલ થતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


