જામનગરમાં વાસાવીરા સોસાયટીના એપાર્ટમેન્ટમાં તસ્કરોનો તરખાટ: રૂ. ૨૨.૦૪ લાખના સોના-દાગીના અને રોકડની ચોરી
-
કન્સ્ટ્રક્શનના ધંધાર્થીના મકાનનું તાળું તોડી કબાટના લોકર ફંફોસ્યાં: ૨૨ તોલા ઉપરાંત ૮૫ ગ્રામ સોનાના દાગીના સહિત રોકડની મત્તા ઉસેડી તસ્કરો ફરાર
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૦, નવેમ્બર ૨૬ જામનગર શહેરની વાસાવીરા સોસાયટી વિસ્તારમાં આવેલા માધવ પેલેસ એપાર્ટમેન્ટમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રૂ. ૨૨,૦૪,૪૦૦ની મત્તાની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટ તથા તેનાં ખાનાંના લોક તોડી સોનાના દાગીના, રોકડ રકમ અને મંગળસૂત્રની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વાસાવીરા સોસાયટી, શેરી નંબર-૩માં આવેલા માધવ પેલેસ એપાર્ટમેન્ટ-૨ના રૂમ નંબર-૨૦૧માં રહેતા વિશાલ મસરીભાઈ છુછર (ઉ.વ. ૨૫)એ સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૧૯ નવેમ્બરના રોજ સવારે ૧૦:૩૦થી સાંજે ૭:૩૦ વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રહેણાક રૂમમાં આવેલા કબાટનું લોક તથા ખાનાંના લોક તોડી તેમાં રાખેલા આશરે ૨૨ તોલા ઉપરાંત ૮૫ ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત રૂ. ૨૧,૭૬,૯૦૦ થાય છે, તેમજ રૂ. ૨૫,૦૦૦ રોકડ અને રૂ. ૨,૫૦૦ની કિંમતનું એક નકલી મંગળસૂત્ર મળી કુલ રૂ. ૨૨,૦૪,૪૦૦ની મત્તા ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.આ બનાવ અંગે વિશાલભાઈની ફરિયાદના આધારે સીટી સી ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫ અને ૩૩૧(૩) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


