જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ગેરરીતિ-પ્રદૂષણના આક્ષેપ, રાજ્યપાલ સમક્ષ તપાસની માંગ

0
52349

જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં ગેરરીતિ-પ્રદૂષણના આક્ષેપ, રાજ્યપાલ સમક્ષ તપાસની માંગ

  • પ્લાન્ટ વારંવાર બંધ રહેતા કચરાના ઢગલા અને દુર્ગંધથી આરોગ્ય જોખમ ઊભું થતું હોવાનો દાવો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૬ ઓક્ટોબર ૨૬ : જામનગરમાં કાર્યરત ઘનકચરામાંથી વીજ ઉત્પાદન કરતા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરી સામે ગંભીર ગેરરીતિ, પર્યાવરણીય પ્રદૂષણ, દુર્ગંધ અને તંત્રની બેદરકારીના આક્ષેપો સાથે જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન એ. માડમે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ શહેરમાં ગીચ વસતીની નજીક કાર્યરત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ વારંવાર ચાલુ-બંધ થતો હોવાથી ઘનકચરાના નિકાલની સમસ્યા સર્જાય છે. પ્લાન્ટની કામગીરી દરમિયાન કચરાના ઢગલા, દુર્ગંધ અને જીવાતની સમસ્યા ઊભી થતી હોવા ઉપરાંત તેના કારણે સ્થાનિક નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પ્લાન્ટ દ્વારા સરકાર સાથે કરવામાં આવેલા કરારની શરતોનું પાલન થાય છે કે કેમ, જરૂરી પ્રોસેસિંગ વ્યવસ્થા, પર્યાવરણ સુરક્ષાના પગલાં, ગેસ નિયંત્રણ તથા લીચેટ ટ્રીટમેન્ટની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ તે અંગે પણ રજૂઆતમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા જામનગર મહાનગરપાલિકા સમક્ષ અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માત્ર નોટિસો આપીને મામલો પડતો મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.આ ઉપરાંત પ્લાન્ટ સંચાલક કંપનીને મળેલી સરકારી સહાય, બેંકો મારફત મળેલા નાણાં, વિવિધ મહાનગરપાલિકાઓ સાથે થયેલા કરારો તથા જામનગરના પ્રોજેક્ટની કામગીરીની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જાહેર નાણાંના સંભવિત દુરુપયોગના આક્ષેપોને પગલે આર્થિક ગુના શાખા અથવા સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સી મારફત તપાસ કરાવવાની રજૂઆત કરવામાં આવી છે.નીતિન માડમે રાજ્યપાલ સમક્ષ સમગ્ર મામલે સ્વતંત્ર ઉચ્ચસ્તરીય ન્યાયિક-ટેક્નિકલ તપાસ સમિતિ રચવા, પર્યાવરણીય મંજૂરીઓની વૈજ્ઞાનિક સમીક્ષા તથા સ્થળ તપાસ કરાવવા અને અસરગ્રસ્ત નાગરિકોના આરોગ્ય માટે જરૂરી તબીબી કેમ્પ તથા સારવારની વ્યવસ્થા કરવા માંગ કરી છે. કરારભંગ અથવા નાણાકીય નુકસાન સાબિત થાય તો જવાબદાર કંપની પાસેથી વસૂલાત તથા જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.