જામનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરી સામે ખાનગી ફરિયાદમાં ત્રણ પોલીસ અધિકારીઓને સમન્સ કાઢવાનો હુકમ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ સપ્ટેમ્બર ૨૬, જામનગરની અદાલતે તત્કાલીન પો.સબ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, પી.આઈ. એસ.એચ. આચાર્ય અને તત્કાલીન પી.આઈ. પી.કે. લીલા સામે પ્રથમદર્શનીય ગુનો જણાતાં સમન્સ બજાવવાનો હુકમ કર્યો જામનગરની અદાલતમાં ફરિયાદી ચંદ્રવિજયસિંહ ઝાલા દ્વારા એવા મતલબની માંગણી અંગે ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગુના રજિસ્ટર નંબર ૦૪/૨૦૧૯ના કામે સામેવાળા સામે ગુનો દાખલ થાય તે પહેલાં જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું જણાવી ફરિયાદીએ પોતાના હિતને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ફરિયાદ મુજબ, આ સમગ્ર કાર્યવાહી ગુનાની તપાસની કામગીરી સાથે જોડાયેલી ગણાવી સામેવાળાઓ સામે ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અદાલત સમક્ષ ફરિયાદી તરફથી વિવિધ દસ્તાવેજો તથા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ થયેલા દસ્તાવેજો અને પુરાવાઓને ધ્યાને લેતાં અદાલતે તત્કાલીન પો.સબ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, તત્કાલીન પી.આઈ. એસ.એચ. આચાર્ય તેમજ તત્કાલીન પી.આઈ. પી.કે. લીલા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૬૬ તથા ૧૧૪ હેઠળ પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું ઠરાવી, ફરિયાદના કામે ત્રણેય સામે સમન્સ કાઢવાનો હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદી ચંદ્રવિજયસિંહ ઝાલા તરફથી જામનગરના જાણીતા વકીલ કેતન આશર, દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.


