જામનગર હાપા વીજ થાંભલા પરથી પટકાતા માનસિક અસ્થિર મહિલાનું સારવારમાં કરુણ મોત

0
53688

હાપા રેલવે સ્ટેશન પર વીજ થાંભલા પરથી પટકાતાં તેલંગાણાની માનસિક અસ્થિર મહિલાનું સારવાર દરમિયાન અપમૃત્યુ

  • દ્વારકા દર્શન માટે આવેલી ૫૫ વર્ષીય મહિલાએ માનસિક સંતુલન ગુમાવ્યા બાદ થાંભલા પર ચડી જતાં રેલવે પોલીસ દોડતી થઈ

  • રેલવે પોલીસની સમજાવટ બાદ પણ અચાનક દોડ મૂકી વીજ થાંભલા પર ચડી ગઈ: ફાયર પહોંચે તે પહેલાં પટકાઈ પડી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨,સપ્ટેમ્બર ૨૬ જામનગરના હાપા રેલવે સ્ટેશન પર ગઈકાલે સાંજે એક અચાનક બનેલા બનાવમાં દ્વારકા દર્શન માટે તેલંગાણાથી આવેલી ૫૫ વર્ષીય મહિલાનું વીજ થાંભલા પરથી નીચે પટકાઈ જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.મળતી વિગતો મુજબ તેલંગાણાથી ત્રણ મહિલાઓ દ્વારકા દર્શન માટે આવી હતી. દ્વારકાથી પરત ફર્યા બાદ તેઓ ટ્રેન મારફતે હાપા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાના વતન જવા માટેની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ચીરલા રેણુકમ્મા નામના ૫૫ વર્ષીય મહિલાએ અચાનક માનસિક સંતુલન ગુમાવ્યું હતું. દ્વારકાથી હાપા સુધીની મુસાફરી દરમિયાન પણ તેઓ ટ્રેનમાંથી કૂદી જવાની વાત કરતા હોવાથી સાથેની બંને મહિલાઓએ તેમને પકડી રાખી બચાવ્યા હતા.હાપા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ સાથેની મહિલાઓએ રેલવે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે બપોરે આશરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મહિલાને પોતાની સાથે રાખી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડો સમય મહિલા શાંત રહ્યા બાદ સાંજે સાત વાગ્યાના અરસામાં અચાનક દોડ મૂકી રેલવે સ્ટેશન નજીકના વીજ થાંભલા પર ચડી ગયા હતા.મહિલા વીજ થાંભલા પર ઉપર સુધી ચડી જતાં રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા અને મહિલાને નીચે ઉતારવાના પ્રયાસો હાથ ધરાયા હતા. રેલવે વિભાગ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર ટીમ હાપા પહોંચે તે પહેલાં જ મહિલાએ થાંભલા પરથી નીચે પટકાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મહિલાનો મૃતદેહ તેમના વતન મોકલવાની કાર્યવાહી માટે તેમની સાથે આવેલી બંને મહિલાઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.