જામનગરનો શ્રાવણી લોકમેળો રાત્રે પૂરો થાય અને સફાઈકર્મીઓનું કામ શરૂ !! રાત્રીભર સ્વચ્છતા ની ડ્યુટી
-
રાત્રીભર ૩૦ જેટલા સફાઈકર્મીઓ દ્વારા સમગ્ર મેળા ગ્રાઉન્ડની સફાઈ: રાત્રી સફાઈ ને લઇને સ્ટોલધારકો અને લોકોમાં ખુશી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬,સપ્ટેમ્બર ૨૬ જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શ્રાવણી લોકમેળામાં સ્વચ્છતા જાળવવા માટે સફાઈકર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલી રાત્રીભરની સફાઈ કામગીરી લોકોની આંખે વળગી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવા છતાં સફાઈકર્મીઓ સતત જહેમત ઉઠાવી મેળા પરિસરને સ્વચ્છ રાખી રહ્યા છે, જેથી મેળાની મજા માણવા આવતા લોકોને કોઈ પ્રકારની હાલાકી “ન” પડે. શ્રાવણ માસ દરમ્યાન જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી કાગળ, પ્લાસ્ટિક, ખાણી-પીણી ની ચીજવસ્તુઓ સહિતનો કચરો એકઠો થતો હોય છે. તેમ છતાં સફાઈકર્મીઓ દ્વારા સતત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહી છે.
ખાસ કરીને રાત્રિ ના સમયે મેળો પૂર્ણ થયા બાદ સફાઈકર્મીઓ દ્વારા સમગ્ર પરિસરમાં સફાઈ કરવામાં આવે છે. મ્યુની. કમિશનર દીપેશ કેડિયા ના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને આસી. કમિશનર મુકેશ વરણવા ની રાહબરીમાં સમગ્ર મેળા દરમિયાન પ્રતિદિન સફાઈ નું અભિયાન હાથ ધરવામાં આવે છે. દરરોજ મોડી રાત્રે એસએસઆઈ વિજયભાઈ બાબરીયા ના નેતૃત્વ હેઠળ આશરે ૩૦ જેટલા સફાઈકર્મીઓ રાત્રીભર ૧૨:૦૦ થી સવારે ૦૭:૦૦ વાગ્યે સુધી સતત મહેનત કરીને મેળા ગ્રાઉન્ડની સફાઈ કરે છે. જેના કારણે બીજા દિવસે મેળામાં આવતા લોકોને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળી રહે છે.
લોકમેળામાં બાળકો સહિત પરિવારો મોટી સંખ્યામાં રાઈડ્સ, ખાણી-પીણી અને મનોરંજનની મજા માણવા આવતા હોય છે. આવા સમયે સ્વચ્છતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. સફાઈકર્મીઓની સતત મહેનતના કારણે મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહેતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ કામગીરી માત્ર પ્રશંસનીય જ નહીં પરંતુ સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે.


