સિક્કા પોલીસની સફળતા : ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી રૂ. ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે
-
બે આરોપીઓ ઝડપાયા, બે આરોપીઓ ફરાર : વીજ પોલમાંથી ચોરાયેલા એલ્યુમિનિયમના તાર અને ચોરીમાં વપરાયેલી રિક્ષા કબજે
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૬ : સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વીજ પોલમાંથી એલ્યુમિનિયમના તારની ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી સિક્કા પોલીસના સર્વેલન્સ સ્ટાફે બે આરોપીઓને ઝડપી લઈ આશરે રૂ. ૨,૧૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે સિક્કા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા આમીન બશીર ભાયા તથા નાઝ સિનેમા પાછળ રહેતા આદમ ઉર્ફે ઘેલો અબ્દુલ સુંભણિયાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી સિક્કા કારાભુંગા શાળા પાસે તથા સિક્કા સોલ્ટ વિસ્તારમાં વીજ પોલમાંથી ચોરાયેલા અલગ-અલગ એલ્યુમિનિયમના તાર, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ વાયર કટર તેમજ ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. ૨,૧૫,૪૦૦ હોવાનું જાણવા મળે છે.આ ગુનામાં ઈસ્માઈલ અબ્દુલ સુભણિયા તથા રાજુભા લક્ષ્મણજી જાડેજા નામના બે આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પીઆઈ એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ, જયદેવસિંહ ભરતસિંહ જાડેજા તેમજ પો.કોન્સ્ટેબલ કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.


