વાડીનાર જમીન રેકોર્ડ કૌભાંડ: ૭/૧૨ માં ડમી પાના ઉમેરી ગેરરીતિ આચરનાર ૨ નિવૃત્ત તલાટી સામે ફોજદારી ગુનો
-
૨૦૦૩ થી ૨૦૦૫ ના સમયગાળા દરમિયાન બોગસ દસ્તાવેજો ઊભા કર્યાનું ખુુલ્યું
-
ખંભાળિયા TDO ની ફરિયાદ પરથી વાડીનાર પોલીસે દસ્તાવેજો કબજે કરી તપાસ શરૂ કરી : વધુ મોટા માથાના નામ ખૂલવાની આશંકા ?
દેશ દેવી ન્યુઝ ન્યૂઝ, ખંભાળિયા/વાડીનાર તા. ૨૪ ઓગસ્ટ ૨૬ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સરકારી રેવેન્યુ રેકોર્ડ સાથે છેડછાડ કરી બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી જમીનના રેકોર્ડમાં ઇરાદાપૂર્વક ડમી પાના ઉમેરી ગેરરીતિ આચરવા બદલ તત્કાલીન ૨ તલાટી કમ મંત્રીઓ સામે વાડીનાર પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાતા સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.
પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી રેકોર્ડ બદલ્યો
મળતી વિગતો મુજબ, વાડીનાર ગામે વર્ષ ૨૦૦૩-૦૪ અને ૨૦૦૪-૦૫ દરમિયાન ફરજ બજાવતા તત્કાલીન તલાટી કમ મંત્રી બી. એન. વાઘેલા (ફરજ કાળ: ૦૧/૦૪/૨૦૦૩ થી ૨૨/૧૦/૨૦૦૩) અને સુરેશ એમ. મોટાણી (ફરજ કાળ: ૨૩/૧૦/૨૦૦૩ થી ૩૧/૦૩/૨૦૦૫) દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. આ બંને કર્મચારીઓએ વાડીનાર ગામના જૂના રેવેન્યુ સર્વે નંબર ૧૭૦ પૈકી તથા ૧૭૨ પૈકીના મૂળ રેકોર્ડ તેમજ ફેરફાર નોંધો સાથે ચેડાં કર્યા હતા.તેઓએ ગામ નમૂના નંબર ૭/૧૨ તૈયાર કરતી વખતે ઇરાદાપૂર્વક બનાવટી ડમી પાના ઉમેરી જમીનના હક્ક-હિસ્સા, માલિકી અને બોજા સંબંધી વિગતોમાં ગેરકાયદેસર ફેરફારો કર્યા હતા. પોતાના જાહેર સેવક તરીકેના પદનો દુરુપયોગ કરીને સરકારી દસ્તાવેજોમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસે દસ્તાવેજો કબજે કરી તપાસ લંબાવી
આ સમગ્ર પ્રકરણ બહાર આવતા ખંભાળિયા તાલુકા વિકાસ અધિકારી (TDO) નવીનચંદ્ર બેડિયાાવદરા દ્વારા વાડીનાર પોલીસ સ્ટેશનમાં બંને નિવૃત્ત તલાટીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાડીનાર પોલીસે નિવૃત્ત થયેલા બંને અધિકારીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, સંબંધિત રેકોર્ડ અને દસ્તાવેજો કબજે કરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.


