જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

0
129687

જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી, જામનગરના શખ્સ સામે પોલીસ ફરિયાદ

  • વોઇસ મેસેજ મારફતે યુવાનને બેફામ ગાળો ભાંડી હોવાનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ ઓગસ્ટ ૨૬ જામનગર શહેરમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્ની સાથેના સંબંધ તોડી નાખવા દબાણ કરી ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર સિટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, રવા પર ચોકડી (જિ. મોરબી) ખાતે રહેતા અને મૂળ જામનગરના સાંઢિયા પુલ નજીક માધવબાગ-૧ વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય વિવેકભાઈ વિજયભાઈ જોષીએ આશરે વીસેક દિવસ પહેલાં જાનવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ અજય બરછા ઉર્ફે લુવાણા (રહે. રણજીત સાગર રોડ, વસંત વાટિકા, જામનગર)એ મોબાઇલ ફોન પર સંપર્ક કરી જાનવી તેના મિત્ર પ્રતિકગીરી ગોસ્વામીની પ્રેમિકા હોવાનું કહી ગાળો આપી લગ્ન તોડી નાખવા દબાણ કર્યું હતું.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ અનેક વખત ફોન કરી અપશબ્દો બોલ્યા હતા અને જાનવી સાથે સંબંધ ન તોડે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા. ૩૦ જુલાઈના રોજ પણ ફોન કરીને ફરી ધમકી આપી હતી કે જામનગરમાં બીજી વખત દેખાશે તો જાનથી મારી નાખશે.ફરિયાદીનું કહેવું છે કે તેની પત્ની જાનવીને અગાઉ પ્રતિકગીરી ગોસ્વામી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ તે સંબંધ સમાપ્ત થયા બાદ તેણે જાનવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને પ્રતિકગીરીનો મિત્ર અજય બરછા ઉર્ફે લુવાણો વારંવાર ફોન કરીને ધમકી આપતો હતો. આ અંગે સિટી સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.