જામનગરમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કરી હત્યા નો પ્રયાસ
-
મોટરસાયકલને રિક્ષા અથડાતાં થયેલા ઝઘડામાં એકને ગંભીર ઇજા ; ચાર આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧, જુલાઈ ૨૬ જામનગર શહેરમાં રિક્ષા અને મોટરસાયકલ અથડાવવાની સામાન્ય બાબત ઉગ્ર ઝઘડામાં ફેરવાતા એક યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ ટીટોડીવાડી સિલ્વર સોસાયટીમાં રહેતા સકીલભાઈ અબ્બાસભાઈ સુમરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બપોરના સમયે તેમના ઘરની બહાર અવાજ આવતાં બહાર નીકળતાં જુનેદ જાનમામદ બ્લોચની રિક્ષા તેમની મોટરસાયકલ સાથે અથડાઈ હતી. આ બાબતે ઠપકો આપતાં જુનેદ ગાળો બોલવા લાગ્યો અને થોડા સમય બાદ પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈને પરત આવ્યો હતો. તેની સાથે કામીલ છરી લઈને આવ્યો હતો, જ્યારે ફાતમાબેન તથા કામીલની માતા પણ ત્યાં પહોંચી ગાળો બોલવા લાગી હતી.
આ દરમિયાન ફરિયાદીના માસીના દીકરા મોઈને વચ્ચે પડી ગાળો બોલવાની ના પાડતાં કામીલે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ મોઈનને વાંસાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા તેમજ છાતીના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કરતાં બચાવ દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠા પાસે અને બંને હોઠ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ જુનેદે લોખંડના પાઈપ વડે મોઈનના બંને પગ પર માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જતાં જતાં જુનેદે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ઇજાગ્રસ્ત મોઈનને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર અને તપાસ દરમિયાન છરીનો આગળનો ભાગ વાંસાના ભાગમાં અંદર રહી ગયો હોવાનું તેમજ ઇજા ગંભીર અને જીવલેણ હોવાનું ડોક્ટરોએ જણાવતાં તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે જુનેદ જાનમામદ બ્લોચ, કામીલ, ફાતમાબેન તથા કામીલની માતા સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


