જામનગર નજીક ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં શ્રમિક પરિવારની ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મના બનાવથી ભારે ચકચાર
-
પોલીસે સીસીટીવી કેમેરા અને નંબર ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ઝડપી લીધો: વધુ પૂછપરછ બાદ જેલહવાલે કર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯, જૂન ૨૬ જામનગર નજીક આવેલા એક ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલા ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે તુરંત હરકતમાં આવી જઇ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરી દીધો છે.
પ્રાથમિક વિગતો મુજબ, પરપ્રાંતીય શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી ગામ વિસ્તારમાં હતી ત્યારે ગામના જ એક ૩૫ વર્ષીય શખ્સે તેને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે પંચકોશી બી. ડિવિઝન પોલીસે તુંરત એક્શન મોડમાં આવી જઈ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, તેમજ મોબાઇલ ઇન્ટેલિજન્સ ની મદદ લઈને આરોપીને શોધી કાઢ્યો હતો. પીડિત બાળકીની તબીબી તપાસ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, ત્યારબાદ તેણીને રજા આપી દેવાતાં માતા સાથે મોકલી દેવામાં આવી હતી.
આ અંગે પીડિતાની માતાની ફરિયાદના આધારે પંચકોશી ‘બી’ ડિવિઝનના પી.આઈ. વીરેન રાઠોડ અને તેઓની સમગ્ર પોલીસ ટીમે આરોપી સામે બળાત્કાર તેમજ પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલહવાલે કર્યો છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.


