જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર મામા-મામી સહિત ચાર શખ્સોનો હુમલો
-
બોલાચાલી બાદ મામા, મામી અને બે અન્ય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ: ઇજાગ્રસ્ત ભાણેજને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ જૂન ૨૬, જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ભાનુશાળી પરિવારના આંતરિક વિવાદમાં સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર તેના મામા-મામી સહિત ચાર શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી-એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.પોલીસ ફરિયાદ મુજબ માસુમ નીતીનભાઈ નંદા નામના યુવકના મામા દિનેશભાઈ કનખરા અને તેમના ભાઈ વચ્ચે લાંબા સમયથી બોલાચાલી અને અણબનાવનો વ્યવહાર ચાલતો હતો. આ વિવાદનો અંત આવે અને બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તે હેતુથી માસુમભાઈ પોતાના મામા દિનેશભાઈ કનખરાના ઘરે સમજાવટ માટે ગયા હતા.
આ દરમિયાન વાતચીત ઉગ્ર બનતા દિનેશભાઈ કનખરા અને તેમની પત્ની જાગૃતિબેન કનખરાએ માસુમભાઈ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ યશભાઈ પરેશભાઈ કનખરા અને ભવ્ય દિનેશભાઈ કનખરા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ચારેયે મળીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો.ફરિયાદ અનુસાર આરોપીઓએ માસુમભાઈ સાથે જપાજપી કરી તેમને ઝાપટા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન દિનેશભાઈ કનખરાએ છરી વડે જમણા પગના સાથળના પાછળના ભાગે ઘા મારતા માસુમભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, અને ટાંકા લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ ઉપરાંત હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાના આધારે સીટી-એ ડિવિઝન પોલીસે દિનેશભાઈ કનખરા, જાગૃતિબેન કનખરા, યશભાઈ કનખરા અને ભવ્ય કનખરા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


