0
446

ચેક રિટર્ન કેસ: આરોપીને હાઇકોર્ટે જામીન આપ્યા, ફરિયાદીને રૂ. 75 હજાર વચગાળાનું વળતર ચૂકવવાનો હુકમ

  • ટ્રાયલ કોર્ટે 1 વર્ષની સજા અને રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો હતો, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ મે ૨૬ જામનગરના ચકચારી ચેક રિટર્ન કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. આરોપીને જામીન પર મુક્ત કરવાની સાથે ફરિયાદીને રૂ. 75,000 વચગાળાના વળતર પેટે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.જામનગરના દિપકભાઈ લક્ષ્મણભાઈ પિલ્લાઈએ મનીશકુમાર જગદીશચંદ્ર વ્યાસ, રહે. મનધારા રેસીડેન્સી, ઓશવાલ-4, જામનગરને વ્યવહારિક સંબંધના દાવે રૂ. 3 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ માટે લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો.

રકમ પરત ચૂકવવા માટે મનીશકુમારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જામનગર શાખાનો ચેક આપ્યો હતો. જોકે દિપકભાઈએ ચેક બેંકમાં રજૂ કરતાં તે રિટર્ન થયો હતો. લીગલ નોટીસ છતાં રકમ ન મળતાં દિપકભાઈએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ જામનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.ટ્રાયલ કોર્ટે આરોપી મનીશકુમારને તકસીરવાર ઠેરવી 1 વર્ષની સજા, રૂ. 3 લાખનો દંડ અને એટલી જ રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. વળતર ન ચૂકવે તો વધુ 6 મહિનાની સજાનો પણ આદેશ હતો.

મનીશકુમારે આ હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો હુકમ ન્યાયિક ગણી અપીલ નામંજૂર કરી હતી અને આરોપીને જેલમાં મોકલી દીધો હતો. સાથે ફરિયાદીને રૂ. 3000 અપીલ ખર્ચ ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો.

ત્યારબાદ મનીશકુમારે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી જામીન માંગ્યા હતા. હાઇકોર્ટે ચેકની 25% રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાની શરતે આરોપીને જામીન મુક્ત કર્યો હતો. દિપકભાઈએ વકીલ મારફતે આ 25% રકમ વિથડ્રો કરવાની પરવાનગી માંગી હતી. જેને ધ્યાને લઈ ટ્રાયલ કોર્ટે રૂ. 75,000 દિપકભાઈને વચગાળાના વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં મૂળ ફરિયાદી દિપકભાઈ પિલ્લાઈ તરફે અમદાવાદના યુવા ધારાશાસ્ત્રી નિરલ વી. ઝાલા (મો. 98245 16715) તથા જિતેન્દ્ર ડી. પટેલ (મો. 84012 27581) રોકાયેલા હતા.