જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવા ની મુખ્ય કામગીરી નો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ : ડિમોલેશન કાર્ય શરૂ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ મે ૨૬, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર આવેલ વર્ષો જૂનો અને જર્જરિત પુલ હવે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પુલના સ્થાને નવો, મજબૂત અને આધુનિક ફોરલેન પુલ બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની માહિતી મુજબ હાલ જૂના પુલનું ડિમોલેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પુલની હાલત નબળી બનતા વાહન વ્યવહાર માટે જોખમકારક હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા પુલની વિશેષતાઓ મુજબ આ પુલ અંદાજે ૧૦૦ મીટર લાંબો અને બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ ધરાવતો ફોરલેન પુલ હશે. પુલના નિર્માણ માટે કુલ ૫ પિયર/અબટમેન્ટ ઉભા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આધુનિક “પ્રિકાસ્ટ ગર્ડર લોન્ચિંગ ટેક્નોલોજી” સાથે પાઈલ ફાઉન્ડેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે, જે પુલને વધુ મજબૂત અને લાંબા ગાળે ટકાઉ બનાવશે.પુલ બંધ થતા વાહન વ્યવહાર પર અસર ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ડાયવર્ઝન યોજના અમલમાં મુકાઈ છે. વાહનો માટે વૈકલ્પિક માર્ગ (સંગામી રસ્તો) તૈયાર કરવામાં આવ્યો છે અને ટ્રાફિકને તે માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નવા પુલના નિર્માણ બાદ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી ના માર્ગદર્શન હેઠળ આસી. કમિશનર ભાવેશ જાની તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને તેઓની ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળી રહી છે.


