જોખમ ટળ્યું : જામનગર સેન્ટ્રલ બેંક પાસેનું જૂનું મકાન જમીનદોસ્ત

0
29071

જામનગરમાં સેન્ટ્રલ બેંક પાસે જર્જરિત મકાનનું ડીમોલેશન કરી લેવાયું

  • ગઈકાલે દીવાલ ધરાશાયી થયા બાદ આજે મનપાની ટીમે મકાનના બાકી રહેલા જોખમી હિસ્સાને તોડી પાડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૨ ઓગસ્ટ ૨૬: જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક નજીક કેસરિયા હનુમાન વારી શેરી અને રઘુનાથ ફળી વિસ્તારમાં ગઈકાલે જુનવાણી મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના બન્યા બાદ આજે જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા મકાનના બાકી રહેલા જર્જરિત અને જોખમી હિસ્સાને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગઈકાલની ઘટનાને પગલે મકાનની આસપાસના વિસ્તાર અંગે તકેદારી રાખવામાં આવી હતી. આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને મકાનના બાકી રહેલા જોખમી ભાગનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા ટાળી શકાય. આ ડિમોલેશનની કામગીરી વેળાએ જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ બ્રાન્ચના અધિકારી ઊર્મિલ દેસાઈ અને અનિલ ભટ્ટ જાતે હાજર રહ્યા હતા, ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના અધિકારી યુવરાજસિંહ ઝાલા તેમજ તેઓની સમગ્ર ટીમ હાજર રહી હતી અને પોલીસ બંદોબસ્ત રાખીને સમગ્ર ડીમોલેશન હાથ ધરાયું હતું. સાવચેતીપૂર્વક કરેલી કામગીરીને કારણે આસપાસના વિસ્તારના અન્ય કોઈ મકાનોને કોઈ નુકસાની પહોંચી નથી. ઉપરાંત સાવ સાંકળી શેરી હોવાથી પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવતા કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલો મળ્યા નથી.