જામનગરની નંદનવન સોસાયટીમાં ૧૩ વર્ષીય બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ : પાડોશી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
-
આરોપીની દીકરી સાથે રમવા જતી બાળકી સાથે દુષ્કર્મ થયાની પરિવારની ફરિયાદ, સીટી ‘એ’ ડિવિઝન પોલીસે આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮ઓક્ટોબર ૨૬, જામનગર શહેરની નંદનવન સોસાયટી વિસ્તારમાં ૧૩ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં પાડોશમાં રહેતા લાલજી લખમણ મકવાણા સામે બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભોગ બનનાર બાળકી આરોપીની દીકરી સાથે રમવા માટે તેના ઘરે જતી હોવાનો ઉલ્લેખ પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે બાળકીના પરિવારજનોએ જામનગરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી લાલજી મકવાણા સામે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.પોલીસે આરોપીની પૂછપરછ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંવેદનશીલ બનાવ અંગે જામનગર ગ્રામ્યના ઇન્ચાર્જ ડીવાયએસપી પિયુષ વાંદાએ વિઝીટેશન કર્યું હતું.


