જામનગરમાં ACB નો સફળ લાંચ છટકો: રૂ. ૮ લાખની લાંચ લેતા અમદાવાદના ઓડિટ અધિકારી ઝડપાયા
-
ઇન્કમટેક્સ એસેસમેન્ટ ઓડિટ રિઓપન ન કરવા માટે લાંચની માંગણી; કારમાં જ લાંચની રકમ સ્વીકારતા એ.સી.બી.એ ઝડપી લીધા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૩ નવેમ્બર ૨૬, જામનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.) દ્વારા આજે તા. ૨૨ નવેમ્બરના રોજ સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અમદાવાદના ઓડિટ વિભાગના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર રૂ. ૮ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. આરોપીએ ઇન્કમટેક્સ રિટર્નના એસેસમેન્ટ ઓડિટને ફરી ખોલવામાં ન આવે તે માટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી અને છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા એ.સી.બી.ની ટીમે તેમને ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીની ઓળખ વિનસકુમાર અમરચંદ સાવરીયા (ઉંમર ૪૪) તરીકે થઈ છે. તેઓ અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવનમાં પીડી સેન્ટ્રલ હેઠળ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (એ.એ.ઓ.), વર્ગ-બી તરીકે ફરજ બજાવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની ઓફિસના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ ૨૦૨૪-૨૫માં ભરેલા ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ થઈ ગયું હતું. આ ક્લોઝ થયેલા એસેસમેન્ટનું ઓડિટ ફરી રિઓપન ન કરવામાં આવે તે માટે આરોપીએ ફરિયાદી પાસે રૂબરૂમાં રૂ. ૮ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે જામનગર એ.સી.બી. દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જામનગર-રાજકોટ હાઇવે પર ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં ત્રીમંદીર જવાના સાઇનબોર્ડ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી રૂ. ૮ લાખની લાંચની માંગણી કરી સ્વીકારી લેતાં એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. લાંચની માંગણી કરેલી, સ્વીકારેલી અને રિકવર થયેલી તમામ રકમ રૂ. ૮ લાખ હોવાનું જાહેર થયું છે.
આ ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ, જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. મદદમાં રાજકોટ એ.સી.બી.ના ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી તથા તેમની ટીમ જોડાઈ હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન રાજકોટ એ.સી.બી.ના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઇન્ચાર્જ તરીકે નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા રહ્યા હતા.જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ઉમેશભાઈ મેર, દીપકભાઈ પરમાર, શૈલેષભાઈ રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રિદ્ધિબેન કેશવાલા, પોલીસ કોન્સ્ટેબલ તેજલબેન સરવૈયા તથા રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.


