જામનગરમાં પાણીના બગાડ સામે મનપા તંત્ર લાલઘૂમ : દિગ્જામ સર્કલના પાણીના સંપ પર લાખો લિટર પાણી વેડફાતાં કોન્ટ્રાક્ટરને નોટિસ
-
દિવાળીની રાત્રે ફરજ પરનો કર્મચારી ઊંઘી જતાં ટાંકો ઓવરફ્લો થયો હતો : જવાબદાર રાધે બિલ્ડર્સ સામે પેનલ્ટી સહિતની કાર્યવાહી હાથ ધરાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૮ નવેમ્બર ૨૬ : જામનગર જિલ્લામાં ઓછા વરસાદના કારણે જળસંકટની સ્થિતિ સર્જાઈ છે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે પાણીના એક-એક ટીપાની બચત કરવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પાણીનો બગાડ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે દિવાળીના તહેવાર દરમિયાન શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના પાણીના સંપ પરથી લાખો લિટર શુદ્ધ પાણીનો બગાડ થવાની ઘટના સામે આવતાં તંત્ર દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર રાધે બિલ્ડર્સને નોટિસ ફટકારવામાં આવી છે અને પેનલ્ટી સહિતની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરાઈ છે.
દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં દિગ્જામ સર્કલ સ્થિત પાણીના સંપ પર ફરજ બજાવતા કર્મચારીની બેદરકારીને કારણે પાણીનો ટાંકો સતત ઓવરફ્લો થતો રહ્યો હતો. ફરજ પરનો કર્મચારી ઊંઘી ગયો હોવાના કારણે સંપમાં પાણીનો ભરાવો થતો રહ્યો હતો અને પાણી સંપની બહાર પણ રેલાવા લાગ્યું હતું. જોતજોતામાં શુદ્ધ પાણીનો પ્રવાહ મુખ્ય માર્ગ સુધી પહોંચી જતાં રસ્તા પર પાણીનું ઝરણું વહેતું હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.
મધરાતના સમયે જાહેર માર્ગ પર પાણીનો ધોધ વહેતો જોઈને રાહદારીઓ અને સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યો હતો. એક તરફ પાણીની અછત વચ્ચે નાગરિકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની વ્યવસ્થામાં આવી બેદરકારીના કારણે મોટા પ્રમાણમાં પીવાલાયક પાણી વેડફાતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.
આ ગંભીર ઘટનાની નોંધ લઈને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાણીના સંપ પર ફરજ બજાવતા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હોવાનું સામે આવતાં જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે સંબંધિત કોન્ટ્રાક્ટર રાધે બિલ્ડર્સને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. સાથોસાથ પેનલ્ટી સહિતની કાર્યવાહી કરવાની દિશામાં પણ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં ઓછા વરસાદ અને જળસંકટની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીનો બગાડ અટકાવવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં પાણીના સંપ જેવી મહત્ત્વપૂર્ણ વ્યવસ્થામાં ફરજ પરના કર્મચારીઓની બેદરકારી સામે કોન્ટ્રાક્ટર સુધી જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી શરૂ થતાં પાણીના વેડફાટ સામે તંત્રની સક્રિયતા ચર્ચામાં આવી છે.


