જામનગર : બહેનને ફોન કરવાના મામલે પિતા-પુત્ર પર લાકડીથી હુમલો; એકને ફ્રેક્ચર, પિતા ઘાયલ

0
2217

બહેનને ફોન કરવા બાબતનું મનદુઃખ રાખી બે ભાઈઓએ પિતા-પુત્ર પર લાકડીથી હુમલો કર્યો: પિતાને પાંચ ટાંકા, પુત્રને પગમાં ફ્રેક્ચર

  • કાલાવડના મોટા વડાળા નજીક વાડી પાસે પિતા-પુત્રને આંતરી લાકડીઓથી માર મારી ધમકી આપતાં કાલાવડ તાલુકા પોલીસમાં ફરિયાદ

દેશદેવી ન્યુઝ જામનગર તા. ૧૭ નવેમ્બર ૨૬ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં વાડી પાસે પિતા-પુત્રને આંતરી બે ભાઈઓએ લાકડીઓ વડે હુમલો કરતાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલામાં પિતાને માથાના ભાગે પાંચ ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે પુત્રના જમણા પગમાં ઘૂંટણથી નીચેના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બે મહિના પહેલાં ફરિયાદીની બહેનને ફોન કરવાની બાબતે થયેલા મનદુઃખમાં હુમલો કરાયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.કાલાવડ તાલુકાના જશાપર ગામે રહેતા અને ખેતીકામ કરતા થોભણભાઈ છગનભાઈ વરૂ (ઉ.વ. ૨૦) તથા તેમના પિતા તા. ૧૫ નવેમ્બરના રોજ સાંજે વાડી પરથી મોટાવડાળા ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાડી પાસે આવેલા પુલિયા નજીક પહોંચતાં મોટા વડાળા ગામના કિરીટ ઉર્ફે કારો દિલાભાઈ નાંગશ અને તેનો ભાઈ મુકેશ નાંગશ બે અલગ અલગ વાહનોમાં ધસી આવ્યા હતા.કિરીટે મોટરસાઇકલમાંથી લાકડી કાઢી થોભણભાઈના પિતાને માથાના ભાગે ફટકો મારતાં લોહીલુહાણ થઈ ગયા હતા. ત્યારબાદ થોભણભાઈને પણ જમણા પગમાં ઘૂંટણથી નીચેના ભાગે લાકડીનો ફટકો મારતાં તેઓ મોટરસાઇકલ સાથે નીચે પડી ગયા હતા. આ દરમિયાન મુકેશે પણ લાકડી કાઢી બંને ભાઈઓએ પિતા-પુત્રને શરીરે આડેધડ માર માર્યો હતો.હુમલો કર્યા બાદ બંને ભાઈઓએ પિતા-પુત્રને ફરી ભેગા થશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવના પગલે પરિવારજનો અને વાડીના માલિકના કાકા સહિતના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ મારફતે બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિતાને માથામાં પાંચ ટાંકા લઈ સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે થોભણભાઈને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટની શાંતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ, આશરે બે મહિના પહેલાં કિરીટે ફરિયાદીની બહેન પાયલને ફોન કર્યો હતો. આ બાબતે થોભણભાઈએ કિરીટને ફોન નહીં કરવા ઠપકો આપ્યો હતો. આ જ બાબતનું મનદુઃખ રાખીને બંને ભાઈઓએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કિરીટ ઉર્ફે કારો દિલાભાઈ નાંગશ અને મુકેશ દિલાભાઈ નાંગશ સામે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે એએસઆઈ જયદીપસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.